લ્યો, આ ચીંધી આંગળી : આશીર્વાદને આંખો છે

Facebooktwitterredditpinterestlinkedinmail

– રજનીકુમાર પંડ્યા

ટ્રેનનો એ થ્રી ટાયર સ્લીપીંગ કૉચ હતો, પણ ગરદી એટલી બધી કે દરેક કમ્પાર્ટમેન્ટના ત્રણે ત્રણ પાટીયે માણસો બેઠા હતા યા અર્ધા આડા પડ્યા હતા. એમાં વચલા પાટીયાવાળાનો તો મરો જ હતો. કોઇ સુવા તો ના દે અને પોતે સરખાયે બેસવા ધારે તો બેસી પણ ના શકે. દિવસનો સમય હતો એટલે વળી સારું હતું. રાત હોત તો શું થાત ?

નીચલે પાટીયેથી એક સુરદાસે હાથમાં રાવણહથ્થો લઇને ભજન શરુ કર્યું, ‘થોડા કરો અભેમાન એક દિન માટીમેં મિલ જાના હૈ, પવનસુ ઉડી જાના હૈ…….’

હલક સારી, અને ભજન પણ જાણીતું. તે છેક ઉપલા પાટીયાવાળોય ડોલી ગયો. ખિસ્સામાંથી પાંચનો સિક્કો કાઢ્યો.સુરદાસને આપવાનું મન કર્યું. પણ એને આપવો કેવી રીતે ?સુરદાસ તો નીચેના પાટીયે અને પોતે છેક ઉપર! વચ્ચે ખાસ્સું અંતર. પણ પછી એણે રસ્તો કર્યો. વચલા પાટીયાવાળા જણને પાટીયાની ધાર ઉપર ટપટપારો કરીને જરી વિનંતી કરી, ‘બાપા, જરી આ સુરદાસને આપી દેશો?’ વચલા જણને શો વાંધો હોય ? એણે એ સિક્કો ઉપરવાળાના હાથમાંથી લઇને નીચેના પાટીયે બેસીને ગાતા સુરદાસનો ખભો હલબલાવીને આપી દીધો. સુરદાસના મોંમાંથી વેણ નીકળી ગયાં, ‘ભગવાન તમારું ભલું કરે, ભાઇ !

રૂપિયા કોઇના, આપે કોઇક, અને આશિર્વાદ ખાટી જાય ત્રીજો જ કોઇક ! આ ક્યાંનો ન્યાય ? એટલે એક સાવ ત્રાહિત માણસે ટિપ્પણી કરી, ‘સુરદાસ, તમે આશિર્વાદ કોને દીધા? તમને આપનાર તો ઉપલા પાટીયે બેઠો છે. લ્યો,આ તમને આંખો નથી એનું આ દખ !

ઘડીભર તો સોપો પડી ગયો.ભજન પણ થંભી ગયું.

અચાનક સુરદાસ બોલ્યા: ‘મને આંખો નથી, પણ આશિર્વાદને તો આંખો હોય છે, બાપ ! એ એને સાચે સરનામે જ પહોંચશે.

*** **** ****

૬ ઠ્ઠી માર્ચ, 2011ના રોજ આ વાત પૂ. મોરારીબાપુએ ઘાટકોપરના રસિકભાઇ બોટાદરાના ઘેરે બપોરે બારેક વાગ્યે એ પરીવારના પચ્ચીસ-ત્રીસ સભ્યોની વચ્ચે કરી ત્યારે એ આશિર્વાદ રવાના કરનાર તરીકે છેક જેતપુરની બહેરા-મુંગા શાળાના વિકલાંગ માસુમ બાળકોના હૃદયનું સરનામું નિકળ્યું અને મેળવનાર તરીકેનું સરનામું છેક ઘાટકોપરના આ પરિવારના ગંગાસ્વરૂપ માતા કાશીબેન નાગરદાસ બોટાદરાનું નીકળ્યું. હા,પૂ.મોરારીબાપુ ખુદ, ‘જન્મભૂમિ-પ્રવાસી’ અને આ લેખક વચલા પાટીયાના વચેટીયાઓ જ નિકળ્યા.

એ કઇ રીતે એ જરા સમજવા જેવી વાત છે.

મૂળ સૌરાષ્ટ્રના ઢસા જંકશન પાસેના એક નાનકડા ગામડા આંબરડીના દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક નાગરદાસ જેચંદ બોટાદરા વર્ષોથી મુંબઇ આવીને વસેલા. અહિં આવીને કંઇક બે પાંદડે થયા, પણ મોટા દિકરા સિવાયનાં બધા સંતાનો હજુ પૂરાં પગભર થાય તે પહેલાં 1963માં તો ગામતરું કરી ગયા. પણ એમના મનમાં સમાજ પરત્વેનું ઋણ અદા કરવાનો એક વિચાર મુકતા ગયા. પાંચ ભાઇઓ અને એક બહેનનો પરીવાર માતાની શીળી છત્રછાયામાં પાંગર્યો અને સૌ સાધનસંપન્ન થયા. એકસંપીલા અને એકમતીલા ભાઇઓના મનમાં સમાજનું ઋણ અદા કરવાનો એ વિચાર દિવસોદિવસ વધુ ને વધુ દૃઢીભૂત થતો જતો હતો. શિક્ષણ એ તેમનું પસંદગીનું ક્ષેત્ર. બા કાશીબા ચોરાણુંના થવા આવ્યા. એમનો સંકલ્પ એકવીસ લાખનો હતો. અને અશક્ત પણ થયા હતા. બા ખૂબ લાંબુ જીવે એવી કામના કયા સંતાનોને ના હોય? પણ હવે મોડું કરવાની ઇચ્છા નહોતી. માત્ર પોતાની વ્યાખ્યામાં બંધબેસે તેવી કોઇ લાયક સારી સંસ્થા ધ્યાનમાં આવે એની જ રાહ હતી.

પણ અનૂકુળ પવન જેમ એકબીજાથી દૂર-દૂર પડેલા તણખલાઓને પણ એકત્ર કરી દેવામાં સહાયરૂપ થાય છે અને પછી એમાંથી જ પંખી માળો રચી લે છે તેમ 28મી નવેમ્બર 2010ના રવિવારે ‘જન્મભૂમિ-પ્રવાસી’ અને ‘ફૂલછાબ’ની આ લેખકની ‘શબ્દવેધ’ કટારમાં જેતપુરની ‘જય સચ્ચીદાનંદ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ’ની મૂકબધીર શાળા વિષે વિગતવાર લેખ આવ્યો. અને એ પરીવારની એક પરિણીત દિકરી પ્રીતિ ઘોળકીયાએ જ પિતા ધીરુભાઇ, કે જે ભાઇઓમાં સૌથી મોટા છે, તેમનું ધ્યાન દોર્યું.

clip_image002

(જેતપુરની બહેરામુંગા શાળાનું મકાન)

વાત એટલી જલ્દી ક્લિક થઇ ગઇ કે તાબડતોબ સંસ્થાની રૂબરૂ મુલાકાતનું ગોઠવાયું. આ લખનાર પણ એ સમયે એ લેખના લેખક તરીકે તો ખરા જ, પણ એના એક ટ્રસ્ટી તરીકે ત્યાં હાજર રહ્યા.ફરી ફરીને આખી સંસ્થા અને એનું કામ જોયા પછી એ પરિવારને પૂરો સંતોષ થયો. એની સ્થાપક બહેન ભાર્ગવી દવેની એમાં સમર્પિતતા જોઇ અને સંસ્થાની બંધાતી પણ નાણાના અભાવે જેનું બાંધકામ અટકી પડ્યું હતું એ શાળાની અધુરી ઇમારત ઉપર ધ્યાન ઠર્યું. અગાઉ જેતપુર પ્રજા મંડળ,મુંબઇ દ્વારા વડીલ વાડીભાઇ કામદાર ,અશ્વિનભાઇ બોસમિયા અને બીજા સભ્યોની પ્રયત્નોથી સારી એવી મદદ થઇ હતી. પણ એ ઇમારતને પૂરી કરવામાં હજુ વધારે તૂટો રહેતો હતો. તે ઇમારત એટલે કે મૂકબધીર શાળાને ‘માતુશ્રી કાશીબેન નાગરદાસ બોટાદરા બધિર હાઇસ્કૂલ’ નામ આપવાનું નક્કી થયું. તે જ દિવસે બોટાદરા પરિવારે પંદર લાખના દાનનું એમ.ઓ.યુ. કર્યું.

clip_image004

[લેખક અને ભાર્ગવી દવે સાથે સંસ્થાની મુલાકાત લેતા ધીરુભાઇ બોટાદરા (ડાબે) ]

પણ હજુ એક ભાવનાત્મક વાત પરિપૂર્ણ થાય તેવી અપેક્ષા હતી.(ના,શરત નહિં,માત્ર અપેક્ષા) તે એ કે પૂ.બાની ભાવના એવી હતી કે એ ચેક પૂ.મોરારીબાપુના હાથે સંસ્થાને અર્પણ કરવામાં આવે તો પોતે જીવતરની ધન્યતા અનુભવે. આ લખનાર પાસે એમણે એવી લાગણી વ્યક્ત કરી ત્યારે આ લખનારને ૧૯૯૧માં બનેલી એ ઘટના યાદ આવી ગઇ કે જ્યારે પોતાનાથી મિત્ર હાસ્યલેખક નિરંજન ત્રિવેદીના મરણાસન્ન પિતાની શય્યા સુધી મહાન ગાયક જગમોહન ‘સૂરસાગર’ને લઇ જવાનું અને ભજન સંભળાવવાનું શક્ય બની શક્યું હતું.(એ લાંબી હૃદયદ્રાવક વાત ફરી ક્યારેક,જે વિડીયોમાં પણ ઝડપાયેલી છે). બેશક, દરેક મોટા માણસ મહાન નથી હોતા, પણ મહાન માણસો મોટા હોય જ છે. મને જગમોહનદાદાની મોટાઇનો અનુભવ થઇ ચુક્યો હતો તેમ પૂ.મોરારીબાપુની મોટાઇનો અનુભવ થઇ જ ચુક્યો છે, અલબત્ત, તારીખો એમને અનૂકુળ જ લેવાની હોય કે જે તારીખે તેઓ મુંબઇ આવવાના હોય. છઠ્ઠી માર્ચ મળી. એમણે જરા પણ આનાકાની વગર (મોણ ખાધા વગર) હા પાડી દીધી. કહ્યું, ‘હા, હું અમુક તારીખે સાંતાક્રુઝમા હોઇશ. બાને લઇને આવી જજો. હું બાની ઇચ્છા મુજબ કરીશ.’

પણ ખરી સમસ્યા તો હવે હતી. બા આ ચોરાણુંની ઉમરે ઉંબરા સુધીય માંડ ચાલી શકે તેવાં છે. તેમને ઘાટકોપરથી સાંતાક્રુઝ લઇ જવા જ અશક્ય ! હવે? હવે કાંઇ બાપુ જેવા મહાનુભાવને આપણા ઘેર સુધી આવવાનું થોડું જ કહી શકાય ?

પણ ના, સંકોચ છોડીને કહી શકાયું અને બાપુએ એક પણ ક્ષણના વિલંબ વગર હા પાડી દીધી. અરે, એટલે સુધી કહ્યું કે તમે એરપોર્ટ સુધી પણ ધક્કો ના ખાશો. મને સરનામું આપજો. હું મારી મેળે આવી જઇશ. સરળતાની આ અવધિ હતી. જેમના કરોડો ચાહકો હોય તેવી વ્યક્તિ પાસેથી તો આ સરળતા અકલ્પ્ય જ. છતાં અમે એરપોર્ટ તો ગયા જ. અને એમને લઇને પહેલા ધીરુભાઇને ત્યાં અને પછી બા જ્યાં રહે છે તે ભાઇ રસિકભાઇને ત્યાં ગયા.

clip_image006

[(ડાબેથી)ધીરુભાઇ, પૂ મોરારીબાપુ અને લેખક-ધીરુભાઇના નિવાસસ્થાને]

પછી શું થયું તેનું વર્ણન કરવાની શી જરૂર ? બાએ પંદર લાખનો ચેક હાથમાં લઇને પૂ બાપુને આપ્યો અને બાપુએ સંસ્થા વતી આ લખનારને અર્પણ કર્યો ત્યારે જે દૃશ્ય સર્જાયું તે ભાવવિભોર કરી દે તેવું હતું. એ વખતે તેમણે પોતે માત્ર અને માત્ર માધ્યમ હોવાની જ વાત કરી અને ‘જન્મભૂમિ–પ્રવાસીને અને તેના તંત્રીને પણ બીરદાવ્યા તે પણ તેમની નિખાલસતાનું જ પરિચાયક હતું. તેમને ચરણે ધરાયેલા એકાવન હજાર પણ તેમણે જેતપુરની આ સંસ્થાને બક્ષી દીધા. લેખની શરૂઆતમાં આપેલું દૃષ્ટાંત પણ તેમના મોંએ જ તે વખતે બોલાયેલું.

————————————————————————-

નોંધ: પૂ કાશીબા પણ હવે દિવંગત છે.

બોટાદરા પરિવારના મોભી ધીરુભાઇએ એ વખતે એમ ઉદઘોષણા કરી કે જેતપુરની આ સંસ્થાને હજુ પણ કોઇ બીજા દાતા પૂરતી રકમ આપીને એ મૂક-બધીરશાળાને પોતાનું નામ આપવા ચાહે તો અવશ્ય આપી શકે છે. પોતે નામનો આગ્રહ જતો કરીને આપેલી રકમમાં બીજા અઢી લાખ ઉમેરશે અને એ સંસ્થામા જ મૂકબધીર સેવા કેન્દ્ર અંતર્ગત તે રકમના વ્યાજમાંથી બહેરા-મુંગા બાળકોના કાયમી ભોજનની જોગવાઇ કરવાનું ગોઠવશે.

clip_image008

(આધુનિક ઉપકરણો દ્વારા તાલીમ લેતાં મૂક્બધિર બાળકો)

બીજા દાતાઓએ આ ઓફર વિચારવા જેવી છે. હાલમાં જ સંસ્થાએ બાજુનો એક ખુલ્લો પ્લોટ ખરીદી લીધો છે અને તેમાં મુકબધીર બાળકોને-તરુણોને રોજગાર રળી આપે તેવી કમ્પ્યુટરની અને અન્ય તાલીમ આપવાનું આયોજન કર્યું છે. અને તે માટે પણ નાણાની આવશ્યકતા છે જ. નાણું નાણાને તાણી લાવે છે એ કહેવત સાચી પાડવાને સમર્થ કોઇક તો નીકળશે જ એવું અત્યારે મનમાં ઉગે છે.

સંપર્ક-શ્રી જય સચ્ચીદાનંદ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ, નવાગઢ સ્ટેશન સામે.જેતપુર-360 370/ ફોન-ભાર્ગવી દવે, ફોન- +91 94274 25014 અને +91 94282 25014 અને 91 6351 300881 અને સુનિલભાઇ  +91 9664641894/ Email- sachideafschool@gmail.com

આ લેખક પણ એ સંસ્થાના ટ્રસ્ટી હોઇને તેમનો સંપર્ક પણ સાધી શકાશે.

—————————————————————————-

લેખક સંપર્ક-

રજનીકુમાર પંડ્યા.,બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦

મો.95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન-079-25323711/ ઇમેલ-  rajnikumarp@gmail.com

6 comments for “લ્યો, આ ચીંધી આંગળી : આશીર્વાદને આંખો છે

 1. January 22, 2019 at 9:38 pm

  રજનીકુમાર આપ સુંદર કાર્ય કરી રહ્યા છો ! સાચેજ દાતાનું મન ગરીબ હોય તો આવાત ન બનત ! માજી નું મન મોકળું અને મોકળાશ બાપુની પણ તોજ સાંજે આવે ને મૂક બધીર ના આશીર્વાદ મળેજ .

 2. January 22, 2019 at 11:27 pm

  આદરણીય રજનીભાઇ પંડયાજી

  આ લેખ વાચીને થયો.. ફોટાઓ મુકયા તેથી લેખ હ્રદયને વધારે ગમ્યો. બાપુએ આપણી સંસ્ક્રુતીમાં સપ્તરંગ માથી અષ્ઠરંગ બનાવી ચુકયા છે, ધાર ઉપર ચડે તો સુર્યના દર્શનની મોજ જુદી હોય.  

  તમારી સત્કર્મ ને હુ વંદન કરુ છુ.

  આભાર
  વિનુ સચાણીયા લંડન યુ.કે.
  ૦૦૪૪૭૮૧૧૯૬૩૧૦૯
  https://www.youtube.com/watch?v=Xn54dfTC5EY&t=158s

 3. Vinookumar Sachania
  January 22, 2019 at 11:37 pm

  આદરણીય રજનીભાઇ પંડયાજી

  એક બાજુ તમારી વાત છે.. એક બાજુ સત્યના બોલાવાના કારણે અનેક ધર્મગુરુઓ આપણી પ્રજાને લુટે છે..  તેમા પાંડુરંગ શાસ્ત્રી અને દીદીનો સ્વાધ્યાય પરિવાર નંબર વન છે.
  સ્વાધ્યાય પરિવારના આઠવલે કુટૂંબે મફતનુ લેવાય નહી તેવા આચાર્ય વિનોબા ભાવેના સુત્રોને ચોરી પોતાને નામે લઈ ખાનગી, મિલ્કતો, ટ્ર્સ્ટોની મિલ્કતો, ચેરીટીના અસંખ્ય ખાતાઓ જમીનોમાં કુલ મળી આસરે ૭૨ અબજ રુપિયાની મિલ્ક્તો પુજા પુજારીના નામે પચાવી પાડી છે તેવુ મારુ માનવુ છે એક આ જાતનો પણ ચહેરો છે તમો SwadhyayRealStory.net  કે અન્ય #માયલો ટ્વિટરમા ફોલો કરો તો જરુર જાણવા મલશે કેમ યોજના બંધ લુટ ચાલે છે..
  પુજય બાપુ પાસે હુ આશા રાખુ છુ આ બાબતે લોકોની આખ ખોલવા માટે અમારા જેવાને કથાઓ દ્બાર નામ આપીને પ્રોત્શાહન આપવુ જોઇએ જે પદ્મશ્રી ગુણવતભાઇ શાહ કરે છે.  આ એક જન સમાજનુ કામ છે. કારણ કે સત્ય માટે જજુમતા કપાઈ જતા હોય છે .. તે માટે બાપુ જેવા મહાન આત્માઓ ત્રાળ નાખે તો ઓછા કપાય.. 
  ઇશારો તો ભગવાન રામને પણ વિભષ્ણનો ખપ્યો હતો બરાબર ને.. રાક્ષસને મારવા મહાન શક્તિને પણ વિભીષ્ણ જોયે.. તો સામાન્ય સાત્વિક બહાદુરની શુ હેસીયત.

 4. વિષ્ણું
  January 23, 2019 at 12:29 am

  જય સિચ્ચદાનંદ ?? ?
  આ નાના બાળકોના અભ્યાસ તથા ઉજ્વળ ભવિષ્ય માટે જેમણે તન મન અને ધન થી સહકાર આપ્યો છે તેઓ ને મારા
  હ્રદય થી ?????

 5. Lata Hirani
  January 24, 2019 at 7:47 pm

  પ્રભાવશાળી. કામ અને એનું આલેખન બંને.
  લતા હિરાણી

 6. Prafull Ghorecha
  January 28, 2019 at 11:06 am

  એક ઉમદા કાર્ય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *