જયા-જયંત ; અંક ૧ : પ્રવેશ બીજો

ન્હાનાલાલ દલપતરામ કવિ

પાત્રપરિચય

સ્થલ : ગિરિદેશ, વન, ને વારાણસી.

કાલ : દ્વાપર ને કલિની સન્ધ્યા.

મુખ્ય પાત્રો :

દેવર્ષિ : દેવોના ઋષિરાજ.

ગિરિરાજ : ગિરિદેશના રાજવી.

જયન્ત : ગિરિરાજનો મન્ત્રીપુત્ર.

કાશિરાજ : વારાણસીના રાજવી.

વામાચાર્ય : યોગભ્રષ્ટ યોગી.

તીર્થગોર : પાપમન્દિરનો પૂજારી.

પારધી : પશુત નો શિકારી.

રાજરાણી : ગિરિદેશનાં રાણીજી.

જયાકુમારી : ગિરિદેશની રાજકુમારિકા.

તેજબા : તીર્થગોરની બહેન.

શેવતી : તીર્થગોરની બ્રહ્મકન્યા.

નૃત્યદાસી : એક દાસી.

-૦-

                                       અંક ૧
                                પ્રવેશ બીજો

                  સ્થલકાલ:ગિરિદેશના રણવાસમાં બપ્પોર


રાજરાણી: નહીં, રાજેન્દ્ર ! કદ્દી નહીં.


ગિરિરાજ: રાણીજી ! એ તો બ્રહ્માક્ષર.


રાજરાણી: બ્રહ્માક્ષરે ત્ય્હારે ભૂંસીશ હું.


ગિરિરાજ: નહીં ઉથાપાય કોઇથીયે
એ રાજવેણ ને પ્રજાવેણ


રાજરાણી: રાજરાણી ઉથાપશે એ રાજવેણ.


ગિરિરાજ: જયન્તના જયને શોભે છે,
આપ્તજનોના અન્તરમાં ઉગે છે,
મન્ત્રાશ્વરો પ્રમાણે છે
લોકસભા સત્કારે છે આદરથી;
રાણીજી ! નહીં સ્વીકારો શું ત્હમે તે?


રાજરાણી: પૃથ્વી ચળે, આભ પડે,
બ્રહ્માંડ તૂટે, પણ નહીં, રાજેન્દ્ર !
ત્ય્હારે જ મ્હેં સિંહાસન ત્યાગ્યું,
જ્ય્હારે મહાજનોએ હા ભણી.
હું બન્ધાઈ નથી એ લોકવેણથી.


ગિરિરાજ: જયન્તને નહીં જ પરણે શું જયા?


રાજરાણી: ના; રાજકુમારને જ પરણશે રાજકુમારી.


ગિરિરાજ: ગિરિદેશનો ગઢ જયન્ત,
ઈન્દ્રપુરીનો ઉગારનાર જયન્ત,
દેવોનો પ્રિયતમ જયન્ત;
યોગીઓની આશા જયન્ત,
દસ્યુઓનો દાવાનળ જયન્ત:
ગિરિદેશનું સિંહાસન મંડાયું છે
એના પિતાના દેહ પાવઠડે;
એ મન્ત્રીશ્વરનો કુમાર જયન્ત:
એ જયન્ત જયાને ન પરણે?
રાણીજી! રણવાસના ગોખેથી નહીં,
યોદ્ધાઓની આંખે નિહાળો.
છે એવો આજાનબાહુ સુભટા કો
સ્વર્ગમાં યે ઉડે છે જયધ્વજ જેના?


રાજરાણી:જયન્તને માથે રાજમુગટ નથી,
હાથે રાજદંડ નથી,
બેસવા રાજસિંહાસન નથી.
રાજમુગટને, રાજદંડને, રાજસિંહાસનને
પરણશે ગિરિરાજની રાજકુમારિકા.


ગિરિરાજ
: કલા નમતી ભાસે છે
અમ ક્ષત્રિયતેજની
રાણીજી ! ક્ષત્રિયોના સ્વયંવર
સંસારસમૃદ્ધિના, કે શૌર્યના?
કુંવરી વરાવશો રાજ્યને કે રાજવીને?
આવતી કલિસેનાના પડઘા સમા
ગાજે છે તમ બોલ આજ.
હોલવાતા ભાસે છે ચન્દ્ર ને સૂર્ય
નિજ આત્મજોના અન્ધકાર નિહાળીને
નિરખું છું ગિરિદેશને યે
અગ્નિની જ્વાળામાં નહાતો.
પડે છે- પડે છે જાણે
મ્હારાયે માથેથી મુગટ-
રાણીજી ! પુત્રી મ્હારી કે ત્હમારી?


રાજરાણી: ગર્વ મૂકી વેગળા રહ્યા, રાજેન્દ્ર !
મ્હેં પોષી, ધવરાવી, ઉછેરી.
આજ પધાર્યા છો પાછા
પોતાના કહી પારકી કરવાને
સારા સંસારને પૂછો; રાજવી !
પુત્ર પિતાના, પુત્રી માતાની.


ગિરિરાજ: રાણીજી ! વાણી વેરાઈ જશે.
ગિરિદેશનો ગિરિરાજ
રણવાસમાં મહારાણો નથી,
રાજમહેલમાં રાજવી નથી,
એ અનુભવું છું આજે.


રાજરાણી: ગિરિદેશમાં રાણાજીનાં રાજ્ય,
પણ રણવાસમાં તો રાણીજીનાં, હો!


ગિરિરાજ: જયન્તે દિગ્વિજય કીધો –


રાજરાણી: ના. નથી જીત્યું મ્હારૂં દિલ કુમારે.


ગિરિરાજ: ત્ય્હારે ક્ય્હાંના ન્હોતરશો ઓજણાં
એ તમ કુંવરીબાને કાજ?
જયન્તની જોડ છે જગતમાં?


રાજરાણી: સારૂં જગત મોહ્યું છે જયા ઉપર તો.
આવે છે ખંડખંડમાંથી માગાં.
ધરાવીશ જયાની લગ્નમાલા
આર્યચક્રચૂડામણિ કાશીરાજવીને-


ગિરિરાજ: રાણી પાળશે કાશીપતિ
રામવ્રતની આપણી કુલમર્યાદ?


રાજરાણી: પુણ્યવંતા સહુ યે તે પાળશે.
-ને દશરથવ્રતે ક્‌ય્હાં દાનવનાં છે જે?
શિકારે સિધાવો છો, રાજેન્દ્ર !
ત્ય્હાં ભાળ્યાં ક્ય્હાંઈ
હરિણીહરિણીના કુરંગરાજ?
એક રાજસિંહાસનને
ચાર પાયા હોય સુવર્ણના.


ગિરિરાજ: પણ મુગટ તો એક જ.
કુલના વ્રત વિસારશો,
લોકસભાનાં રાજવેણ લોપશો,
સ્વામીના યે આદેશ ઉથાપશો,
શી સાધશો એથી સિદ્ધિ ?


રાજરાણી: સાધીશ એક જ મહાન સિદ્ધિ:
જયા થશે આર્યકુટુંબની મહાદેવી


ગિરિરાજ: પણ સ્મરણે છે, રાણીજી!
દેવર્ષિની ભવિષ્યવાણી?
‘જયાનો દેહ નહીં વટલાય.
જયા બ્રહ્મચારિણી રહેશે.’


રાજરાણી: નથી ભૂલી, રાજેન્દ્ર !
જન્માક્ષરમાંના ગ્રહભાવ કે નક્ષત્રલેખ.
મહાત્માનું મહાવાક્ય છે કે
‘જયા હૃદયરાણી થશે
રાજરાજેન્દ્રોના યે રાજેશ્વરની.’


ગિરિરાજ: એ રાજેશ્વર તે જયન્ત.
રાજરાણી: અપમાનો મા, મહરાજ !
આપની કે મ્હારી સુબુદ્ધિને
નથી ગામ કે નથી ગરાસ,
તે રાજરાજેન્દ્રોનો રાજાધિરાજ?


ગિરિરાજ: એ છે જયન્ત, દેવલોકનો યુવરાજ.
દૈત્યોનો જય એ જ એનાં સામ્રાજ્ય.
નથી અન્યથા એવા મહારાજ્ય
આત્માના અમીરને જગતભરમાં
સુરેન્દ્ર કોપનું વજ્ર –


રાજરાણી: ધરતી જેટલી સ્ત્રીઓ છે અવિચળ.
આજ જ પાઠવું છું લગ્નપત્રિકા.


(                                 જાય છે)


ગિરિરાજ: (જતાં જતાં રાજરાણીને)
તો વેઠજો ધરિત્રી જેટલી ધીરજથી.


                                        (સ્વગત)


અહા ! રાજ્ય ચલાવવાં અઘરાં છે,
પણ એથી યે છે અઘરાં-અઘરાં
ખેડવા રાજકુટુંબમાંનાં રાજતન્ત્ર

                                                                      O

( ક્રમશ: )

Facebooktwitterredditpinterestlinkedinmail

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.