બંદિશ એક, રૂપ અનેક : ૫૧ : “અય ચાંદ છુપ ના જાના” રાગ : “કાનનદેવી”

Facebooktwitterredditpinterestlinkedinmail

નીતિન વ્યાસ

લાલ પટ્ટા વાળી સાડી, સિંદૂર ભરેલો સેંથો, હાથમાં શંખનાં કંગણ:બંગાળી ગૃહિણીની લાક્ષણિકતા પરંપરાથી 61 વરસનાં એ દાદીમા શોભાયમાન છે. દિલ્હીના વિજ્ઞાન ભવન ના મંચ ભણી એ ધીમે ધીમે ડગલાં ભરી રહ્યાં છે. ભારતીય ચલચિત્ર જગતના સર્વોચ્ચ સન્માન સમું ૧૯૭૬ નું દાદાસાહેબ ફાળકે પારિતોષિક imageરાષ્ટ્રપતિના હાથે જેમને અર્પણ થવાનું છે એવાં એ છે કાનન દેવી, સહુ કોઈનાં હ્રુદયેશ્વરી – ૧૯૨૬ માં ૧૦ વર્ષ ની ઉંમરે મૂંગી ફિલ્મમાં એમને પ્રવેશ કર્યો  ત્યારથી હતાં તેવાં ને તેવાં આજે પાંચ દાયકા પછી પણ. એ કાળી પ્રવાહી આંખો હાજી પણ ગળતી દેખાય છે, એ કોમળ કંઠ હાજી પણ મોહિની લગાડે છે.. કલકત્તાના ઝૂંપડપટ્ટી જેવા મહોલ્લાની શેરીઓમાંથી શરૂ થયેલી તેમની આ સફર તેમણે દૃઢતાથી અને હિમ્મતભેર પાર કરી છે.

ચલચિત્રની દુનિયામાં એ દાખલ થયાં તે દિવસો નું વર્ણન કરતાં કરતાં એમના અવાજ માં ભૂતકાળ માટેની એક ઝંખના ઝણહણી ઉઠે છે:image

“મારા બાપુજી નાની ઉંમરે ગુજરી ગયા, મા કોઈના ઘરે કામ કરવા જતી, સાંજે આવે ત્યારે મારામાટે કઈ ખાવાનું લેતી આવે. પણ તે દિવસે ખાલી હાથ આવી, આંખમાં આંસુ સાથે. કહે – આજે મારાથી  એક રકાબી ફૂટી ગઈ એટલે શેઠાણી એ કાઢી મુકી. બીજે દિવસે મારા કાકાબાબુ  ઘરે આવ્યા, તેઓ માદન થિએટર્સમાં બની રહેલી એક મૂંગી ફિલ્મમાં જયદેવનો પાઠ કરતા હતા. આ માદન થિએટર્સ જમશેદજી માદન નામના એક પારસી સદ્દગ્રહસ્થ ચલાવતા. કાકાબાબુ એ  મા સાથે વાતચીત કરી અને મને પોતાની સાથે દિર્ગ્દર્શક જ્યોતિષ બંદોપાધ્યાય પાસે લઇ ગયા. રાધાનો પાઠ કરવા માટે એક “ભાલો ફુટફુટે મેયે” – સરસ મજાની પ્રફુલ્લિત છોકરી ની જરૂર હતી. લોકો કહેતા કે હું દેખાવડી હતી. એમણે મને પસંદ કરી અને મને પચ્ચીસ રૂપિયા આપ્યા, પણ મારા હાથમાં પાંચ જ આવ્યા; વચમાંથી દલાલે વીસ લઇ લીધા.”

“જોંયદેવ”, “શંકરાચાર્ય” જેવી એ મૂંગી ફિલ્મો જે લગભગ 25 થી 30 મિનિટની હતી તે આ “બાયોસ્કોપ” કંપનીએ બનાવી.

કાનન દેવી આગળ કહેછે કે “ત્યાંથી અમે રાધા ફિલ્મ્સ માં ગયાં. ત્યાં મહિને રૂપિયા ૩૫૦ મળતા. એ જમાનામાં આખી ફિલ્મની અમુક રકમના કરાર થતા નહીં. છેવટે ન્યુ થીએટર્સમાં માસિક હજાર રૂપિના પગારે હું પહોંચી.”

આ વરસો દરમ્યાન ફિલ્મ બનાવવાની ટેકનીક માં મોટો ફેરફાર થયો, કેમેરાને ટ્રૉલી પર ગોઠવી કલાકાર સાથે ફેરવવા ઉપરાંત “સાઉન્ડ ટ્રેક” ફિલ્મ ની પટ્ટી સાથે ધ્વનિત કરવામાં આવ્યો, ફિલ્મ બોલતી થઇ.

કાનન બાલાએ ૧૯૩૬માં પહેલી બંગાળી બોલતી ફિલ્મ “જોર બારાત” માં અભિનય સાથે ગીતો ગાયાં જે બહુ લોકપ્રિય થયા, તે સમયે સંગીત પ્રધાન ફિલ્મો બનવાનું શરુ થયું, અભિનય ઉપરાંત ગાયન પણ ગાઈ શકે તેવા કલાકારોની માંગ વધી, કાનને પદ્ધતિસર સંગીત શીખવાનું શરુ કર્યું. શાસ્ત્રીય સંગીતની તાલીમ લાખનવ ઘરાના ઉસ્તાદ અલ્લા રખા, રવિન્દ્ર સંગીત આનંદી દસ્તીદાર, કીર્તન શ્રી ધર્મેન્દ્ર મિત્તલ વગેરે પાસેથી અને આમ મુંગી ફિલ્મનાં કાનન બાળા નું એક અભિનય સાથે ગાયનમાં નિપુર્ણ એવા કલાકાર “કાનન દેવી” મા રૂપાંતર થયું.

૧૯૨૬થી શરૂ થયેલી કારકિર્દીના પહેલાં દશ વર્ષ માં ૧૮ ફિલ્મો કાનન દેવીની પ્રદર્શિત થઇ. ૧૯૩૭માં ન્યુ થીયેટર્સ ના નેજા હેઠળ દેવકી બોઝ નાં દિર્ગદર્શન વાળી ફિલ્મ “વિદ્યાપતિ” બંગાળી અને હિન્દીમાં બની. ફિલ્મમાં સબળ વાર્તાને તે સમય નાં ઉત્કૃષ્ટ કલાકારો જેવાકે પહાડી સાન્યાલ, છાયા દેવી, કે.સી.ડે, પૃથ્વીરાજ કપૂર અને (અનુરાધાની ભૂમિકામાં) કાનન દેવીની કલાનો સંગાથ મળ્યો હતો.
“વિદ્યાપતિ” વિષે એક ચર્ચા

આ ફિલ્મ માં સંવાદ પણ સંગીતમાં હતા, યાદ હોય તો “અનુરાધા મેરે ગલે મેં હાર ડાલ  દિયા” એક પુરાણા ગીત માં વચ્ચે આવતો સંવાદ, આ સંવાદ ફક્ત રેકર્ડમાં ગીતના અનુસંધાન માટે ધ્વનિત થયેલો, ફિલ્મમાં તો એ બાબત દ્રશ્ય દ્વારા દર્શાવવામાં આવેલી.
જુઓ કાનન દેવી અને પહાડી સાન્યાલ ને – ફિલ્મ ” વિધ્યાપતિ “


“પિયા મિલન કો જાત” કે. સી. ડે , કાનન, પહાડી સન્યાલ, પૃથ્વીરાજ


“વિદ્યાપતિ” – “અંબુવા કી ડાલી ડાલી ઝૂમ રહી મતવાલી”


કાનન સાથે જે કલાકાર છે તેનું નામ નેમો, બાદમાં નેમો પૃથ્વી થીએટર માં જોડાયા; “શ્રી 420” માં જોવા મળેલા.

“મોરે અંઞનામે આયી ….મૈં ચાલ ચલું મતવાલી”

“હમારી નગરિયા મેં આયે બસો બનવારી”

“અમારા જમાનામાં ફિલ્મ ઉદ્યોગ એક પરિવાર જેવો હતો,” કાનન દેવી આગળ વાત કરતા કહે છે કે” અમારી પાસે ઘર ની મોટર ગાડીઓ ન હતી; સ્ટુડિયોનું વાહન રોજ સવારે અમને ભેગાં કરી લઇ જતું. સ્ટુડિયો જાણે અમારી નિશાળ હતી, ત્યાં અમે હિન્દી, ઉર્દૂ ઉપરાંત સંગીત શીખતાં. રાયચંદ બોરાલ, પંકજ મલ્લિક, અને શાસ્ત્રીય ગાયક બિશાજીત ચેટરજી સંગીત શીખવાનો એક વધુ મોકો મળ્યો. સાંજે સાથે મળી ને રમતો રમતાં અને પછી વાહન ઘરે ઉતારી જતું.
એક બાબત નો વસવસો મને અને દિગ્દર્શક શ્રી પી. સી. બરુઆને રહી ગયો તે બીજી કંપની સાથે કોન્ટ્રેક્ટ હોવાથી હું “દેવદાસ” માં કુંદન લાલ સાયગલ સામે પારોની ભૂમિકા અદા  ન કરી શકી.”
પણ કાનન દેવી ને આ મોકો મળ્યો ૧૯૩૮ની સાલ માં ન્યુ થિયેટર્સના નેજા હેઠળ ફણી મજમુદાર બનાવેલી  ફિલ્મ “સ્ટ્રીટ સીંગર” માં. – સંગીતકાર આર. સી, બોરાલ


કે. એલ. સાયગલ અને કાનન દેવી, સ્ટ્રીટ સીંગર,” હૈ ચકોરી સુહાગન સપના”


“ઋતુ હૈ સુહાની”


“સાંવરિયા પ્રેમ કી બંસી બજાયે” સાયગલ અને કાનન


“બાબુલ મોરા” કાનન દેવી ના અવાજમાં

“લચમી મુરત દરશ દિખાયે”


બોલાતી ફિલ્મો બનાવવાના ઢાંચા સાથે ઘણું બદલાયું. અભિનય સાથે સરસ ગાઈ પણ શકે તેવા કલાકારોની માંગ ઊભી થઇ , સાથે શરદ બાબુ, બંકિમચંદ્ર વગેરે સાહિત્યકારોની વાર્તા પર આધારિત પટકથા ઓ લખાવા લાગી. એક જ ફિલ્મ બે ત્રણ ભાષામાં બનાવ લાગી. ફિલ્મ સંગીત ઉપર રવિન્દ્ર સંગીતની અસર જોવા મળી,

કાનન દેવી ની લોકપ્રિયતા ઉચ્ચ શિખરે હતી, યુવાનો કાનન દેવીના પોસ્ટરો અને છબીઓ પોતાના રૂમમાં રાખતા થઇ ગયા. એમાંના એક હતા ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભણતા અશોક મૈત્રા. કલકત્તાના બંગાળી સમાજના મોભાદાર અને અગ્રગણ્ય, બ્રહ્મોસમાજ નાં પ્રમુખ શ્રી હેરમ્બાચંદ્ર મૈત્રાના સુપુત્ર.
“મને રવિન્દ્ર સંગીત ગાવાનું બહુ ગમતું, ગાતાં મનમાં કંઈ અલૌકિક આનંદ આવતો.” કાનન દેવી હંમેશા કહેતાં, “ગુરુદેવ ની ગીત રચનાઓ ગાવી એ મારે માટે પ્રાર્થના સમાન છે.”
આ રવિન્દ્ર સંગીતની બંદિશ કાનન દેવીના સ્વર માં, સંગીતકાર પંકજ મલ્લિક:
ફિલ્મ  “મુક્તિ”:

ફિલ્મ વિષે એક ચર્ચા


ફિલ્મ  “મુક્તિ”: “ન જાને  ક્યા હૈ દિલ કે રાજ”


“સાંવરિયા મન ભાયા રે”


“કૈસા ઉજડા ચમન ખુશીકા”


પંકજ મલ્લિક ની એક બીજી રચના


ફિલ્મ “મુક્તિ” નાં બંગાળી સંસ્કરણ માં એક ગુરુદેવ ટાગોર ની 1922 ની સાલ માં લખેલી રચના, “તાર બિદાય બેલાર મલારખાની”

આ સુંદર ગીત આ પ્રમાણે છે:
તાર બિદાયવેલાર માલાખાની અમાર ગલે રે
દોલે દોલે બુકેર કાછે પલે પલે રે,
ગંધ તાહાર ક્ષણે ક્ષણે જાગે ફાગુનસમીરણે
ગુંજરીત કુંજતલે રે

[તેની વિદાયવખતની માળા મારી ડોકમાં છે, પળે પળે એ હૃદય પાસે ડોલે છે. તેની ગંધ ગુંજરિત કુંજ હેઠળ ફાભાષાંતર મોકલીઆપ્યું। ગણના સમીરનમાં ક્ષણે ક્ષણે જાગેછે.]

દિનેર શેષે યેતે યેતે પથેર ‘પરે
છાયાખાની મિલિયે દિલ વનાન્તરે,
સેઈ છાયા એઈ અમાર મને, સેઈ છાયાઓઈ કાંપે વને,
કાંપે સુનીલ દિગંચાલે રે.
દિવસ આથમયે રસ્તા પર થઇને જતાં જતાં એણે એની છાયાને વનાન્તરે વિલીન કરી દીધી।એજ છાયા આ રહી મારા મનમાં, એજ છાયા પેલી કાંપે વનમાં, કાંપે નીલવર્ણા દિગાંચલમાં !

(ભાવનગર થી શ્રી જયંતભાઈ મેઘણીએ “ગીત પંચશતી” માંથી ગોતીને શ્રી ટાગોરની કવિતા સાથે તેનું ભાષાંતર મોકલ્યું, કેવી સુંદર કવિતા છે!!! – જયંતભાઈનો હૃદયપૂર્વકનો આભાર)

– આ ગીતની બંદિશ શ્રી પંકજ મલિકે રાગ ભીમપલાસમાં માં બનાવી. ફિલ્મ માં કાનન દેવી એ ગાયું. સાંભળો મીઠું મધુરું ગીત:

(અહીં યાદ આવે છે ભાવનગર ની એ. વી. સ્કૂલ નો મધ્યસ્થ ખંડનો રંગમંચ. સાલ 1945 કે 46, યંગક્લબ નું નાટક “આશા” – એક મુગ્ધાની રસપ્રદ વાત. સ્ટેજ પર એક સામાન્ય ઓરડા નો સેટ, એક 16 / 17 વરસ ની છોકરી બારીમાંથી સૂર્યાસ્ત જોતી ગીત ગણ ગણે છે, “વિલીન થાવું મારે આભે રંગ વેરાન જ્યારે” – પાર્શ્વમાં ગાનાર ડૉ. નિર્મળાબેન ભટ્ટ – અભિનય શ્રી નલીનીબેન કાણે ગીત સંગીત શ્રી જગદીપભાઈ વિરાણી; ગીત આ જ રવિન્દ્ર સંગીત પર આધારિત હતું.)
દિગ્દર્શક દેવકી બૉઝ અને રાયચંદ બોરલ નું સંગીત ફિલ્મ “સપેરા”

“ચંદા દૂર ગગન મેં બુલાયે” ફિલ્મ કૃષ્ણ લીલા


“પ્રભુ જી પ્રભુ જી તુમ રાખો લાજ હમારી” ફિલ્મ હોસ્પિટલ

“હમારી લાજ નિભાવો” – ફિલ્મ લગન


“તુમ બીના કલ ન આવે” ફિલ્મ લગન
https://youtu.be/CRNjlAA7aIo
“જરા નૈનો સે નૈના મિલાયે ચાલોજી મોરે બાંકે રસીલે સાંવરિયા”


કાનન દેવી ની કૅરિimageયરનો સુવર્ણકાળ વખતે એક એવી ઘટના બની જે તે સમયના કલકત્તાના સમાજને આંચકો આપી ગયી.

એક સવારે કન્યા દેવીના બંગલાના દરવાજે એક યુવાન બિલકુલ બેભાન અવસ્થામાં પડેલો,  તેણે પહેરેલાં કપડાં અને થોડા સૌમ્ય દેખાવ ઉપરથી કોઈ સારા ઘરનો લાગતો હતો. માણસાઈની રસમે કાનન તેને ઘરમાં લાવી બરાબર સુવડાવ્યો. તે યુવાન હતો કન્યા દેવીનો ફેન અશોક મૈત્રા, જે કાનન નજીક આવવા માટે આવા કોઈ પ્રસંગની રાહ જોતો હતો. મિત્રતા થયા પછી લગભગ પાંચ વર્ષ બાદ 1940માં તે બંને એ લગ્ન કર્યાં. બ્રહ્મો સમાજના પ્રમુખ હેરમ્બાચંદ્ર મૈત્રાના સુપુત્રનાં એક ગાનારી અને ફિલ્મોમાં કામ કરનારી જોડે લગ્ન? શ્રી રવીન્દ્રનાથ ટાગોર અને બીજા બુદ્ધિજીવિકોએ તો એ લગ્ન ને આવકાર્યાં. ગુરુદેવ ટાગોરે તો સ્વહસ્તે લખેલો આશીર્વાદનો પત્ર કાનન અને અશોક ને પાઠવેલો.

ધીરે ધીરે આ લગ્ન સંબંધ સામે ઊહાપોહ વધ્યો, કાનન ના ઘર સામે દેખાવો શરુ થયા, તેની ફિલ્મોના પોસ્ટરો સળગાવી દેવામાં આવ્યા. અરે અમુક ફિલ્મ નિર્દેશકોએ કાનન સાથે કામ કરવાની પણ ના પડી. લગ્ન ટકાવી રાખવા કાનને ભરપૂર કોશિશ કરી, અશોક મૈત્રાએ એક શર્ત મૂકી અને તે એ કે કાનન દેવી એ ગાવાનું અને સિનેમા છોડી ખાલી ઘર ગ્રહસ્થિ સંભાળવી .

કાનન માટે આ અશક્ય હતું. 1945 માં લગ્ન વિચ્છેદ થયો.

આ બધાજ વર્ષો દરમયાન કાનન દેવી એ પોતાની કારકિર્દી ચાલુ રાખી, ટાગોરની વાર્તાઓ ઉપરથી પોતે ફિલ્મો બનાવી. પણ આ સામાજિક જડતા સામે લડ્યા, વિરોધાભાસ કેવો હતો કાનન દેવીએ ગયેલાં ટાગોરના લખેલાં ગીતો રેકર્ડ ઘરે ઘરે, અરે મહોલ્લા મહોલ્લામાં માઈક્રોફોન ઉપર બજાવવામાં આવતાં. પણ તેની ગાયિકાને અભદ્ર ગણી અને એ સમાજે જાકારો આપ્યો. કાનને ફિલ્મો અને નાટકોમાં કાર્ય કરતી સ્ત્રીઓના ભવિષ્ય અને ઉત્કર્ષ માટે એક મહિલા સંગઠનની સ્થાપના કરી. બાળાઓના શિક્ષણ માટે નિશાળ સ્થાપી.

નારીના હક્ક માટે લડત આપતી સ્ત્રી વિષય ઊપર ટાગોરની વાર્તા લઈને ફિલ્મ બનાવી, “અન્યાય”

અશોક મૈત્રાનાં મા ને કાનન દેવી બહુ ગમતાં હતા, તેમનાં આખરી સમયે કાનન દેવી તેમની પથારી પાસે જ હતાં.
1949 ની સાલમાં કાનન દેવીએ તેમનાં બીજા લગ્ન હરિદાસ ભટ્ટાચાર્જી જોડે કર્યાં

ફરીથી કાનન દેવીના ગીતો પર આવીયે.

“પનઘટ પે મધુ બરસાય ગયો રે વો તો શ્યામ સલોના” ફિલ્મ “ફૈસલા”

“ચલી પવન હરસોં” ફિલ્મ “જવાની કી રીત”

“કૌન મન લુભાયા” ફિલ્મ “જવાની કી રીત”

“લૂટ લીયો મનધીર” ફિલ્મ “જવાની કી રીત”


“ન જાને ક્યા હૈ દિલ કે રાજ”

આપણે આ કાનન દેવીનાં સંગીતમય લેખ નાં મુખડા પર આવીયે, એટલે કે  “અયે ચાંદ છુપ ના જાના”.

ફિલ્મ “જવાબ” 1942 માં ન્યુ થીયેટર્સના નેજા હેઠળ પ્રમથેશ ચંદ્ર બરુઆ એ બનાવી, ફિલ્મમાં પોતે મુખ્ય ભૂમિકામાં, સાથે કાનન દેવી, બરુઆનાં પત્ની જમુના અને તેમાં કર્ણ પ્રિય સંગીત હતું ઢાકા સ્થિત સંગીતકાર કમલ દાસ ગુપ્તાનું. ગીતો હતાં પંડિત મધુરના. આ ફિલ્મ બંગાળી અને હિન્દી બન્ને ભાષામાંમાં બનેલી . બંગાળીમાં નામ હતું “શેષ ઉત્તર”.  બે ગીતો બાદ કરતાં બીજા બધા ગીતોની તર્જ પણ સરખી.

આપણે બંગાળી અને હિન્દી બંને ભાષાના ગીતો માણીયે:

ફિલ્મ “જવાબ”  – “તુફાન મેઇલ, દુનિયા એ દુનિયા તુફાન મેઇલ”

“દૂર દેશ કા રહને વાલા આયા”

બંગાળી માં

“કુછ યાદ રહે તો સુનકર જા હાં કર જા યા ના કર જા”


શેષ ઉત્તર: “આમી બનફૂલ ગો”

“અય ચાંદ છુપ ના જાના” – ફિલ્મ “જવાબ” આ રીતે ફિલ્માંકન થયું છે:


ફિલ્મ “શેષ ઉત્તર” આજ દ્રશ્ય અને ગીત કંઈક જુદું છે:

“લાગૂક ડોલા લાગૂક ડોલા”

“અય ચાંદ છુપ ના જાના” ફિરોઝા બેગમ જે ઢાકા ની બંગાળી ફિલ્મોના કલાકાર અને ગાયિકા અને કમલ દાસ ગુપ્તાના પત્ની, તેમનો ખુબસુરત અંદાજ માણીયે:

અંતમાં આ કડીમાં ત્રણ સંસ્કરણ સાંભળવા મળે છે: કાનન દેવી, પ્રમથેશ ચંદ્ર બરુઆ અને લતા મંગેશકર:

કલકત્તા ની ઝૂંપડપટ્ટી થી નીકળેલી કાનન – કાનન બાળા – કાનન દેવી – પદ્મશ્રી કાનન દેવી – દાદા સાહેબ ફાળકે પારિતોષિક -પોતાનાં સુમધુર ગીતો થી આપણી ત્રણ પેઢીઓનાં દિલ બહેલાવનાર કાનન દેવીનું દેહાવસાન ૧૭ જુલાઈ ૧૯૯૨નાં રોજ તેમના કલકત્તા નાં નિવાસસ્થાને થયું.

એક સોળે કળાએ ખીલેલો ચાંદ હંમેશ માટે આથમી ગયો.

(અરધી સદી ની વાચન યાત્રા માં ભાઈ ગોપાલ મેઘાણીનો અનુવાદ કરેલો નાનો લેખ વાંચવા મળ્યો, ઇન્ટરનેટ ની અમુક વેબ સાઈટ ઉપર કાનન દેવી પર વિષેશ માહિતી મળી, બાકીતો ભાવનગરમાં અમારાં ઘરમાં થાળી વાજા પર ની રેકર્ડ પર સાંબળેલા ગીતો ને યાદ કરીને આ તૈયાર કર્યું. અહીં જે ફિલ્મની કલીપ છે તેમાં ધ્વનિ કે છબી બરાબર નથી, પણ તે સીધે સીધું કલાકાર નાં સ્વરોમાં ગવાતા ગીતો નું રેકોર્ડિંગ છે. સ્ટુડિયો રેકોર્ડિંગ માં ધ્વનિ સાંભળવાની મજા આવે, ત્યારે ફિલ્મની ક્લિપ માં કાનન દેવી ને સાંભળવા સાથે જોવાની……)


શ્રી નીતિન વ્યાસનો સંપર્ક nadvyas2@gmail.com સરનામે કરી શકાશે.

4 comments for “બંદિશ એક, રૂપ અનેક : ૫૧ : “અય ચાંદ છુપ ના જાના” રાગ : “કાનનદેવી”

 1. Mukund Gandhi
  January 20, 2019 at 5:15 am

  Very interesting life-story of Kanan Devi and her bold interview. Thanks for sharing.

  Mukund

 2. Samir
  January 21, 2019 at 2:31 pm

  બહુજ સરસ અને સુમધુર લેખ.
  આભાર ,નીતિનભાઈ !

  • Neetin Vyas
   January 22, 2019 at 12:42 am

   શ્રીમતી કાનન દેવી નું સંગીત અને અન્ય માહિતી ગમીછે તેવો સંદેશો લખવા બદલ શ્રી મુકુંદભાઈ ગાંધી અને ભાઇ સમીર ભટ્ટ નો આભાર।
   થોડો ખુલાસો કરવાનો છે. મારા લખવામાં જોડણી ની ભૂલો ઘણી થાય છે તે દરગુજર કરવા વિનંતી।
   બીજું “તાર બિદાયવેલાર” નાં ભાષાંતર માં ભૂલ છે:
   તાર બિદાયવેલાર માલાખાની અમાર ગલે રે
   દોલે દોલે બુકેર કાછે પલે પલે રે,
   ગંધ તાહાર ક્ષણે ક્ષણે જાગે ફાગુનસમીરણે
   ગુંજરીત કુંજતલે રે

   આ ભાષાંતર સુધારી ને વાંચવા વિનંતી:

   [તેની વિદાયવખતની માળા મારી ડોકમાં છે, પળે પળે એ હૃદય પાસે ડોલે છે. તેની ગંધ ગુંજરિત કુંજ હેઠળ ફાગણના સમીરનમાં ક્ષણે ક્ષણે જાગેછે.]

   અને અંતભાગમાં:
   “અંતમાં આ કડીમાં ત્રણ સંસ્કરણ સાંભળવા મળે છે: કાનન દેવી, પ્રમથેશ ચંદ્ર બરુઆ અને લતા મંગેશકર:”
   અહીં ભૂલથી ફક્ત લતા મંગેશ્કરે ગાયેલ સંસ્કરણ ની કલીપ મુકીછે। અગાઉ લખ્યા મુજબની એ કલીપ હતી તેમાં એ ત્રણ ગાયકોના અવાજ ઉપરાંત લતા મંગેશકરે કાનન દેવીને આપેલી શ્રદ્ધાંજલિ રેકોર્ડ થયેલી છે. એ વિડીઓ યુટ્યુબ જોઈ શકાશે.
   સાદર
   -ની. વ્યા.

 3. January 28, 2019 at 8:29 pm

  Nitinbhai,
  ખૂબ સુંદર , કાનન દેવી ના ગીતો અને તેવો ઇતિહાસ જાણવા મળ્યો
  તમારા સંશોધનને સલામ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *