ફિર દેખો યારોં : તુમ ભી ઈજનેર, હમ ભી ઈજનેર

Facebooktwitterredditpinterestlinkedinmail

-બીરેન કોઠારી

નીતિમત્તા વ્યાવસાયિક વ્યવહારનો મૂળભૂત ગુણ હોવો જોઈએ. શિક્ષણ અને તબીબી જેવા વ્યવસાયમાં નીતિમત્તા જ કેન્‍દ્રસ્થાને હોય છે. પણ છેલ્લા ઘણા સમયથી આ બન્ને ક્ષેત્રોનું જે હદે વ્યવસાયીકરણ થઈ ગયું છે તેમાં સૌથી પહેલો ભોગ નીતિમત્તાનો લેવાયો છે. કોઈ પણ ક્ષેત્રે થતા વ્યવસાયીકરણનો સાદો અર્થ એ છે કે સેવા આપવા માટે તે ક્ષેત્ર વધુ સુસજ્જ બનશે, અને એ સેવા બદલ તે ફી વસૂલશે. આમ, કશું નિ:શુલ્ક કે રાહતદરે નહીં રહે. તમામ ક્ષેત્રે આવા વ્યવસાયીકરણની યોગ્યાયોગ્યતા કેટલી એ અલગ ચર્ચાનો મુદ્દો છે. આપણે ત્યાં મોટે ભાગે થાય છે એવું કે સેવા બદલ વસૂલાતી ફીમાં વધારો થઈ જાય છે, પણ તેના બદલામાં પૂરી પડાતી સેવાનું સ્તર સુધરવાને બદલે કથળતું જાય છે. આ હકીકતનો અનુભવ કરવા માટે કંઈ ગુપ્ત વેશે ફરવાની જરૂર નથી.

શિક્ષણ અને તબીબી ક્ષેત્રની સાથે વ્યવસાય શબ્દ વાપરતાં ખચકાટ થાય એવી સ્થિતિ છેક હમણાં લગી હતી. તે વ્યવસાય હતા, તેમાં નાણાંકીય વ્યવહાર સંકળાયેલો હતો, છતાં તે ઘણે અંશે પવિત્ર ગણાતા હતા. આનું કારણ એ હતું કે બન્ને વ્યવસાય જીવન સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ સંબંધ ધરાવતા હતા. શિક્ષણ જીવનઘડતર સાથે સંકળાયેલું ગણાતું અને તબીબી ક્ષેત્ર સીધું જીવન સાથે. સ્વાભાવિકપણે જ તેમાં નીતિમત્તાની કેટલીક વણલખી આચારસંહિતાનું પાલન કરવાનું હોય, જે કાયદાકાનૂનથી પર હોય. આનો ભંગ થવાનો આરંભ થાય, એ છડેચોક થવા લાગે, અને એમ કરવામાં શરમને બદલે ગૌરવ અનુભવાય ત્યારે તેનું સ્તર કયા તળિયે જઈને ઉભું રહે એની કલ્પના જ કરવી રહી!

એક સમયે મેટ્રિક સુધી પહોંચવું અઘરું હતું. મેટ્રિકનું સ્તર પહોંચમાં આવ્યું એ પછી સ્નાતકનું મહત્ત્વ ઉભું થયું. સ્નાતકનું મહત્વ પણ ઓસરતું ચાલ્યું, ત્યારે હવે ઈજનેર હોવું લઘુત્તમ લાયકાત જેવું બની રહ્યું છે. ઈજનેરી સ્નાતક બનવા માટે પહેલાં વિદ્યાર્થીના ઉચ્ચ ગુણની જરૂર પડતી, હવે વાલીની ઉચ્ચ આવકની જરૂર પડે છે. દેશનું વિદ્યાધન રોજગારની પૂરતી તકોના અભાવે વિદેશમાં જવા માંડે એ ઘટનાને ‘બ્રેઈન ડ્રેઈન’ કહે છે. દેશનાં સ્રોત અને સાધનો થકી શિક્ષણ મેળવ્યા પછી તેનો લાભ દેશને બદલે વિદેશને મળે એ કારણે આ પ્રવાહ ચેતવણીસૂચક મનાતો. વચ્ચેના અમુક ગાળામાં ભારતમાં રોજગારની, ખાસ કરીને ઈન્‍ફર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે તકો ઉભી થવાના એંધાણ મળ્યા અને ‘રિવર્સ બ્રેઈન ડ્રેઈન’નો પ્રવાહ આરંભાયો. એટલે કે વિદેશમાં સ્થાયી થયેલું ભારતીય વિદ્યાધન હવે ભારત તરફ નજર દોડાવવા લાગ્યું. હવે ફરી એક વાર વિદેશ તરફ દોટ મૂકવાનું પ્રમાણ વધી રહ્યું હોવાનું અનુભવાય છે. દેશમાં રહીને સૌ પ્રથમ કોઈ પણ શાખાની ઈજનેરી ડીગ્રી લઈ લેવી અને પછી વિદેશ જઈને વધુ અભ્યાસ કરી ત્યાં સ્થાયી થવું હવે સામાન્ય બની રહ્યું લાગે છે. આનો અર્થ એવો હરગીજ નથી કે વિદેશમાં ઈજનેરી ક્ષેત્રે પૂરતા રોજગાર છે. વિદેશમાં અભ્યાસ તો ત્યાં પ્રવેશ માટેનું નિમિત્ત હોય છે. ઘણાખરા કિસ્સામાં એમ બનતું જણાય છે કે વિદેશમાં શિક્ષણ લીધા પછી વિદ્યાર્થી રોજગાર કોઈ ભળતા જ ક્ષેત્રમાંથી મેળવતો હોય. અલબત્ત, આના કોઈ અધિકૃત આંકડા પ્રાપ્ત નથી.

મૂળ મુદ્દો દેશમાં શિક્ષણના વ્યવસાયીકરણનો છે. જે આડેધડ રીતે વિવિધ વિદ્યાશાખાની કૉલેજો ખૂલી રહી છે એ જોઈને આનંદ નહીં, પણ ચિંતા થાય. મોટા ભાગના શિક્ષણઉદ્યોગપતિઓ નાણાં રળવાના એક માત્ર હેતુથી જ આ ક્ષેત્રમાં પ્રવેશે છે, અને ગરજવાન વિદ્યાર્થીઓ તેમ જ વાલીઓની માનસિકતાનો ગેરલાભ બરાબર ઉઠાવે છે. ભવિષ્ય ઉજ્જ્વળ બને એ માટે યોગ્ય ડિગ્રી મળતી હોય તો થોડા વધુ નાણાં ખર્ચી કાઢવામાં વાંધો નથી, એમ માનનારો મોટો વર્ગ છે. કેટલાક કિસ્સામાં તો મંજૂરી વિના જ કૉલેજ ખોલી મૂકવામાં આવે એ હદની ગુનાહિત નફ્ફટાઈ શિક્ષણઉદ્યોગપતિઓ દાખવતા જોવા મળે છે.

આઈ.આઈ.ટી.-હૈદરાબાદના ચૅરમૅન બી.વી.આર.મોહન રેડ્ડીની આગેવાની હેઠળ નિમાયેલી એક સરકારી સમિતિએ ઑલ ઈન્ડિયા કાઉન્‍સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (એ.આઈ.સી.ટી.ઈ.)ને વર્ષ 2020 થી કોઈ પણ નવી ઈજનેરી કૉલેજ ઉભી કરવાનું બંધ કરવાનું સૂચન કર્યું છે. ભારતભરમાં ટેકનિકલ શિક્ષણને લગતાં ધારાધોરણ ઘડવાનું તેમ જ તેની ગુણવત્તાનું ધ્યાન રાખવાનું એ.આઈ.સી.ટી.ઈ.ના કાર્યક્ષેત્રમાં આવે છે, જે માનવ સંસાધન વિકાસ મંત્રાલય અંતર્ગત કાર્યરત છે. સમિતિએ સુપરત કરેલા 41 પાનાંના અહેવાલમાં જણાવાયું છે કે મિકેનીકલ, ઈલેક્ટ્રીકલ, સિવિલ અને ઈલેક્ટ્રોનિક્સ જેવી મૂળભૂત ઈજનેરી શાખાઓની બેઠકમાં હવે કોઈ વધારો કરવો નહીં. વર્તમાન ઈજનેરી શાખાઓ મૂળભૂત શાખાઓમાં રૂપાંતરીત થાય એ માટે ઈજનેરી કૉલેજોને ઉત્તેજન આપવું, કેમ કે, હાલ આ મૂળભૂત ઈજનેરી શાખાઓમાં માત્ર 40 ટકા ક્ષમતાનો જ ઉપયોગ થાય છે, અને બાકીના 60% ક્ષમતામાં અન્ય ઈજનેરી શાખાઓનો સમાવેશ થાય છે.

આ અગાઉ ડિસેમ્બર, 2017માં અગ્રણી દૈનિક ‘ઈન્‍ડિયન એક્સપ્રેસ’ દ્વારા કરાયેલી એક તપાસમાં વર્ષ 2016-17 દરમિયાન કુલ 3,291 ઈજનેરી કૉલેજોમાંના 15.5 લાખ બેઠકોમાંની 51 ટકા બેઠકો ખાલી હોવાનું જણાયું હતું. આટલી ઓછી સંખ્યા ઉપરાંત ભ્રષ્ટાચાર, માળખાકીય સુવિધાઓનો અભાવ, ઉદ્યોગો સાથે સંકલનનો અભાવ વગેરે જેવી બાબતો પણ ધ્યાનમાં આવી હતી.

કૉલેજની ભવ્ય ઈમારત ખડી કરી દેવી અને તેનો જોરશોરથી પ્રચાર કરવો એક વાત છે, અને નક્કર વાસ્તવિકતા અલગ વાત છે. જો કે, શિક્ષણનું સ્તર કથળાવવામાં માત્ર ઈજનેરી કૉલેજોને શું કામ દોષી માનવી? શાળાકીય શિક્ષણથી જ એ માટેનો નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરવામાં આવતો હોય તો આગળ જતાં તેને અનુરૂપ જ ઉચ્ચ શિક્ષણ મળે. શિક્ષણને રાજકારણના રંગે રંગવામાં કોઈ પક્ષ બાકાત નથી, પરિણામે શિક્ષણનું સ્તર ઉત્તરોત્તર નવું તળિયું શોધતું રહે છે.

ગાંધીજીએ જે રીતે એક સમયે અંગ્રેજી શિક્ષણપદ્ધતિની છાયાથી સાવ અલગ, જીવનલક્ષી કેળવણી આપતી ‘નઈ તાલિમ’ શિક્ષણપદ્ધતિ સૂચવી હતી. વિદેશના ઠંડા વાતાવરણમાં પહેરાતો સૂટ આપણા દેશના વાતાવરણમાં અનુકૂળ નથી, છતાં લોકો વટપૂર્વક એ પહેરે છે. એ જ રીતે આખેઆખી શિક્ષણપદ્ધતિઓ સીધેસીધી આપણા શૈક્ષણિક માળખામાં બેસાડી દેવામાં આવે છે, અને તેને ભણનાર એની પર ગૌરવ લે છે. આનું પરિણામ જે મળવું જોઈએ એ જ મળી રહ્યું છે. તેમાં બદલાવ કોનાથી, ક્યારે અને શી રીતે આવશે એનો જવાબ અત્યારે તો મળતો નથી.


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં  ૧૦-૧-૨૦૧૯ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

5 comments for “ફિર દેખો યારોં : તુમ ભી ઈજનેર, હમ ભી ઈજનેર

 1. Rajan Shah
  January 17, 2019 at 6:52 am

  બિરેનભાઈ હું છેલ્લા ૧૮ વરસ થી કેનેડા માં સેટલ થયેલ છું અને અમદાવાદ ની લા .દ ઇજનેરી કોલેજ નો સ્નાતક ( 1990) છું.હાલ માં અહી manufactring બધું કામ ચાઈના જતું રહેલ છે પણ ઇન્ડિયા થી હજારો વિદ્યાર્થીઓ દર વરસે ઉચ્ચતર અભ્યાસ માટે આવે છે જે મોટાભાગે community college માં ભણવા આવે છે જે નું ધોરણ university થી ઘણું નીચું હોય છે.અનેક વિદ્યાર્થીઓ ૨ ૩ ક્લાસ માં બેસતી અને લાખો રૂપિયા પડાવતી management કોલેજ માં ભણે છે.મોટાભાગ ના વિદ્યાર્થીઓ આવી ને સામાન્ય રીટેલ અને હોટેલ ની જોબ લઇ ને પૈસા કમાય છે.અને કેરિયર બનાવવા કરતા ટૂંકા ગાળા ના લાભ જુવે છે.આ ઉપરાંત આ વિદ્યાર્થીઓ ને engineering માં કોઈ અભિરુચિ હોતી નથી ફક્ત દેખાદેખી કે સમાજ માં બતાવવા પૈસા,સમય નો બગાડ કરે છે.
  -રાજન શાહ ( વેન્કુવાર,કેનેડા )

 2. Samir
  January 17, 2019 at 1:58 pm

  બિરેનભાઈ,આખા દેશ માં તો ખબર નથી પણ ગુજરાત માં શિક્ષણ નું વ્યાપારીકરણ ૧૯૭૦ પછી શરુ થયેલ જેને ચીમનભાઈ પટેલે વેગ આપ્યો .તબીબી ક્ષેત્રે વ્યાપારીકરણ ખાનગી ક્ષેત્ર ની ખુબ મોંઘી કોલેજો મેદાન માં આવવાથી થયેલ એવો મારો મત છે. આ માટે સરકાર પણ જવાબદાર છે કારણ કે ખાનગી ક્ષેત્ર આગળ આવ્યું કારણ કે વધતી જતી ભણનારા ની સંખ્યા સાથે સરકાર તાલ ના મેળવી શકી .
  ખાનગી ક્ષેત્રે તો અર્થકારણ નો demand અને supply ના જુગ જુના નિયમ નું પાલન થયું છે.

 3. January 17, 2019 at 10:48 pm

  સમીરભાઈ, ખાનગીકરણમાં માત્ર નાણાં જ વધુ પડતા હોય છે, સામે ગુણવત્તામાં કશું હોતું નથી, એવું ભારતીય મોડેલ સામાન્યત: જોવા મળે છે.

 4. January 25, 2019 at 5:26 am

  શિક્ષણને રાજકારણના રંગે રંગવામાં કોઈ પક્ષ બાકાત નથી, પરિણામે શિક્ષણનું સ્તર ઉત્તરોત્તર નવું તળિયું શોધતું રહે છે.

  માટે જ ઈ-શિક્ષણ – ‘ભણો ગમે ત્યાં – ગમે ત્યારે.’ વધારે ને વધારે પ્રસ્તુત બનતું જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *