ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ર : આઝાદી માટેનો સંઘર્ષ પ્રકરણ ૧૬: ૧૮૫૭થી પહેલાં અને પછી થયેલા બીજા વિદ્રોહ

Facebooktwitterredditpinterestlinkedinmail

દીપક ધોળકિયા

પાગલપંથીઓનો વિદ્રોહઃ

૧૮૨૫માં બંગાળમાં મૈમનસિંઘ (હવે બાંગ્લાદેશમાં)માં ‘પાગલપંથી’ આંદોલન શરૂ થયું. એનો સ્થાપક કરીમ શાહ સંન્યાસીઓ અને ફકીરોના વિદ્રોહના એક સૂત્રધાર મજનુ શાહના સાથી મૂસા શાહનો અનુયાયી હતો. આ સંપ્રદાયનું બીજ તો ધાર્મિક હતું પણ અને એ ધાર્મિક ભેદભાવ કરતો નહોતો એટલે માત્ર મુસ્લિમો નહીં, હિંદુઓ પણ એમાં જોડાતા હતા. પાગલપંથીઓ વ્યક્તિની સમાનતાના માનવીય મૂલ્યોનો પ્રચાર કરતા હતા એટલે વ્યવહારમાં પાગલપંથી આંદોલન જમીનદારો અને ખેતમજૂરોની સમાનતાનો સંદેશ બની રહ્યું.

મૈમનસિંઘ પ્રદેશ આખા બંગાળથી જુદો પડતો હતો. એની ભાષા, સંસ્કૃતિ અને જાતિગત અસ્મિતા પર પહાડોમાં રહેતી આદિવાસીઓ જાતિઓ – ગારો, હજાંગ, ડાલુ, હુડી અને રાજવંશી – નો પ્રભાવ હતો. આદિવાસીઓ મૂળ તો પ્રકૃતિ અને પશુપક્ષીઓના પૂજક હોય છે. પાછળથી એમાં હિન્દુ અને મુસ્લિમ પ્રભાવ પણ ભળ્યો.

કરીમ શાહના મૃત્યુ પછી એનો પુત્ર ટીપુ સંપ્રદાયનો ગાદીપતિ બન્યો ત્યારે આ આંદોલન પહેલાં ખેડૂત આંદોલન બની ગયું. પહેલાં તો ટીપુ શાહે જમીનદારો વિરુદ્ધ આંદોલન ચલાવ્યું પણ પછી આંદોલને કંપની રાજના વિરોધનું રૂપ ધારણ કરી લીધું. એમણે શેરપુર શહેરના જમીનદારને લૂંટ્યો અને અમુક વખત સુધી તો કંપનીનું કંઈ ચાલ્યું નહીં. અંતે કંપનીએ ખેડૂતોને કરમાં રાહત આપી ત્યારે શાંતિ સ્થપાઈ.

વહાબી આંદોલનઃપાગલપંથી ઉપરાંત બીજાં ધર્મ આધારિત આંદોલનોએ પણ ધીમે ધીમે અંગ્રેજ વિરોધી રાજકીય રૂપ લીધું, તેમાં વહાબી અને ફરાઇઝી આંદોલનો મુખ્ય છે. અઢારમી સદીમાં મહંમદ અબ્દુલ વહાબે સાઉદી અરેબિયાના શેખ સાઉદના સક્રિય સહયોગથી ઇસ્લામનું શુદ્ધ રૂપ લાગુ કરવા માટે આંદોલન ચલાવ્યું. વહાબી મત અનુસાર સૂફીઓએ ઇસ્લામમાં વિકૃતિઓ ઘુસાડી છે એટલે ધર્મને ફરી શુદ્ધ કરવાની જરૂર છે (આજે આ વિચારધારામાંથી જ આતંકવાદીઓ પેદા થયા છે). હિંદુસ્તાનમાં વહાબી આંદોલનને મુખ્યત્વે તો મહારાજા રણજીતસિંઘ સામે વિરોધ રહ્યો અને અફઘાનો સાથે સહાનુભૂતિ રહી. ઈસ્ટ ઇંડિયા કંપની અને અફઘાનિસ્તાન વચ્ચે માત્ર લડાઈના સંબંધ હતા. વહાબીઓ અફઘાનોની પડખે રહ્યા એટલે અંગ્રેજો સાથે એમની લડાઈ થઈ અને એ હાર્યા.

વહાબી આંદોલનને ઘણા ઇતિહાસકારો સ્વતંત્રતા માટેનું આંદોલન ગણાવે છે પરંતુ એમાં કોઈ આર્થિક શોષણનું કારણ હોય તે કરતાં સાંસ્કૃતિક વધારે હતું. એ અંગ્રેજો વિરુદ્ધનું આંદોલન હતું એ સાચું પણ એને શુદ્ધ અર્થમાં આઝાદી માટેની ઝંખના સાથે ન સરખાવી શકાય. આમ છતાં આપણે એ પણ સ્વીકારવું પડશે કે ૧૮૫૭ના સંગ્રામમાં પણ ધાર્મિક તત્ત્વ મોજૂદ હતું જ.

ફરાઇઝી આંદોલનઃ

એ જ રીતે, ૧૮૩૮થી ૧૮૪૮ના દાયકામાં ફરાઇઝી આંદોલન શરૂ થયું. એ બંગાળમાં જ શરૂ થયું અને એમાં ખેડૂતો મહેસૂલના વધારાના વિરોધમાં સંગઠિત થયા. પરંતુ એના સ્થાપક શરિયતુલ્લાહના મ્રુત્યુ પછી એના પુત્ર દુદૂમિયાંએ નેતાગીરી સંભાળી ત્યારે એ હિન્દુઓ અને મુસલમાનોનું એકત્રિત ધાર્મિક સંગઠન બની ગયું. પરંતુ જમીનદારો અને અંગ્રેજો વિરુદ્ધ સંઘર્ષ ચાલુ રહ્યો. દુદૂમિયાં પકડાઈ જતાં આ આંદોલન દબાઈ ગયું. પરંતુ, એ ભારેલા અગ્નિ જેવું હતું ૧૮૫૯માં ગળીના ખેડૂતો અને ખેતમજૂરોનું આંદોલન થયું તેમાં પણ ફરાઇઝીઓ આગળ રહ્યા. ૧૮૫૭ પછી બ્રિટને કંપનીને સ્થાને સીધો જ કબજો સંભાળી લીધો હતો તેમ છતાં ફરાઇઝી આંદોલન ફરી સક્રિય થયું અને ગળીના ખેડૂતોએ મોટો સંઘર્ષ છેડ્યો, એ વાતની નોંધ લીધા વિના ચાલે એમ નથી.

ગળીનો સંઘર્ષઃ અહિંસક આંદોલન

ઇતિહાસકાર આર. સી. મજૂમદાર કહે છે કે મહાત્માગાંધીએ અહિંસક આંદોલનનો માર્ગ અપનાવ્યો તે પહેલાં બંગાળના ગળીના ખેડુતોએ ૧૮૫૯માં અહિંસક આંદોલન કરીને સરકારને ફરજ પાડી. ખેડૂતોએ “કોઈ પણ સંયોગો અહિંસા” અપનાવીને આંદોલનનો નવો માર્ગ દેખાડ્યો. બંગાળના બારાસાત જિલ્લાનો યુવાન મૅજિસ્ટ્રેટ ઍશ્લી ઈડન ન્યાયપ્રિય માણસ હતો. એણે એક સરક્યૂલર બહાર પાડીને જાહેર કર્યું કે ગળીનો પાક લેવો કે ન લેવો તે નિર્ણય ખેડૂતો જાતે જ કરી શકે છે. જો કે શરૂઆત તો એનાથી પહેલાં જેસોર પરગણાના ચૌગાછા અને કાઠગડામાં ખેડૂતોએ ગળીનો પાક લેવાનું બંધ કરીદીધું હતું. પરંતુ ૧૮૫૯ના ફેબ્રુઆરી-માર્ચમાં ખેડૂતોએ ગળીનો પાક ન લેવાનો રીતસર નિર્ણય કર્યો. ગળીના બગીચાઓના માલિકો – પ્લાંટરો – સામે આ અસહકારનું આંદોલન હતું. ઘણાય જુલમો સહન કર્યા પછી ખેડૂતોએ મનમાં ગાંઠ વાળી લીધી. આની તપાસ માટેનું કામિશન નિમાયું તેમાં પણ દરેક ખેડૂતે જાતે આવીને ગળીનો પાક ન લેવાનાં પોતાનાં અંગત કારણો પણ આપ્યાં. પ્લાંટરોના હિન્દી નોકરો સામે પણ બહિષ્કારનું આંદોલન ચાલ્યું.. એમને ખાધાખોરાકીનો માલ વેચવા ની વેપારીઓ ના પાડીસ્દે, અને તે એટલે સુધી કે કોઈ વાળંદ એમના વાળ કાપી આપવા તૈયાર ન થાય.

પરંતુ પછી પ્લાંટરો ધીમેધીમે સગઠિત થવા લાગ્યા, અનેઅહિંસક કે નિષ્ક્રિય વિરોધ ચાલુ રાખવાનું શક્ય ન રહ્યું. ૧૮૬૦ના ફેબ્રુઆરીમાં મૅક્લિઓડ નામના પ્લાંટરે પોતાના ગુમાસ્તાને ખેડૂતને બોલાવવા મોકલ્યો. લોકોએ એને પકડીને ખૂબ માર માર્યો. તે જ દિવસે ત્રણ હજાર જેટલા ખેડૂતો ગળીના કારખાના પર ત્રાટક્યા. થોડા દિવસ પછી એમણે ભાલા-તલવારો સાથે લ્યોન્સ નામના પ્લાંટરની ફૅક્ટરી પર હુમલો કર્યો. એવી કેટલીયે ફૅક્ટરીઓનો એમણે ભુક્કો બોલાવી દીધો.

હવે પ્લાંટરો સરકાર પાસે પહોંચ્યા અને ફરિયાદ કરી. ખેડૂતોએ નવા કરાર કરવાની ચોખ્ખી ના પાડી દીધી. પ્લાંટરોએ હવે લાઠીઓ સાથે માણસો મોકલ્યા પણ ખેડૂતો છ ‘કંપનીઓ’માં વહેંચાઈ ગયા. એક કંપની પાસે તીર કામઠાં, તો બીજી કંપની પાસે ઈંટ અને પથ્થર હતાં. સ્ત્રીઓ પણ માટલાં લઈને આવી અને એને ફોડીને હાથનાં હથિયારો બનાવ્યાં. લાઠીવાળાઓની કંપની જુદી હતી અને એક કંપની પાસે ભાલા હતા. દસ્બાર ભાલાધારીઓએ સોએક લાઠીધારીઓને ભગાડી મૂક્યા. અંતે પ્લાંટરોને એમને કરારના બંધનમાંથી મુક્ત કરવા પડ્યા.

આમાં રસપ્રદ વાત એ છે કે બે નાના શાહુકારો, બિશ્નુચરન બિશ્વાસ અને એના સાથી દિગંબર બિશ્વાસ આમ તો એક પ્લાંટર માટે કામ કરતા હતા પણ પ્લાંટર ખેડૂતોને લૂંટી લેવા માગતો હતો. આ શાહુકારોએ ખેડૂતોને પ્લાંટરની ચુંગાલમાંથી છોડાવવાનો નિર્ણય કર્યો અને એક વર્ષ ફરીને લોકોને બળવા માટે તૈયાર કર્યા. ચૌગાછાના પ્લાંટરે લાઠીધારીઓને મોકલ્યા પણ દિગંબાર બિશ્વાસની સરદારી હેઠળ ખેડૂતોએ એમને મહાત કર્યા. પ્લાંટરે બીજી મોટી ટુકડી મોકલી ત્યારે ખેડૂતો હાર્યા. જો કે, આ અથડામણના પરિણામે બંગાળના આ ભાગમાં ગળીનું વાવેતર બંધ થઈ ગયું.

આ વિદ્રોહ માત્ર પ્લાંટરોના અત્યાચારોની વિરુદ્ધ નહોતો. ખેડૂતોએ પહેલાં તો સરકારને અરજીઓ કરીને ન્યાય માગ્યો હતો પણ ગોરી સરકાર ગોરા પ્લાંટરોની સામે કંઈ નહીં કરે એમ સમજાઈ જતાં ધીમે ધીમે ખેડૂતોનો વિરોધ બ્રિટિશ હકુમતની સામે પણ દેખાવા લાગ્યો હતો.

આ હતો ૧૮૫૭ પછીનો નાના ખેડુતોનો સફળ બળવો, પરંતુ એનું લક્ષ્ય અંગ્રેજ સરકારને હટાવવાનું નહોતું, વિરોધ હતો પણ ન્યાયની આશા પણ હતી. બ્રિટને હજી થોડા જ વખત પહેલાં શાસન પોતાના હાથમાં લિધું હતું એટલે જનતાને બહુ નારાજ કરવાની એની તૈયારી પણ નહોતી. હજી આપણે ૧૮૫૭ પહેલાંના સંતાલ વિદ્રોહની વાત કરવાની છે, જે બે તબક્કે ચાલ્યો – ૧૮૫૫ – ૫૬માં અને ૧૮૯૯માં!


સંદર્ભઃ http://dsal.uchicago.edu/books/socialscientist/pager.html?objectid=HN681.S597_60_015.gif

અને ઇંટરનેટ પર ઉપલબ્ધ બીજાં છૂટક સ્રોતો.


શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો

ઈમેલઃ dipak.dholakia@gamil.com

બ્લૉગઃ મારી બારી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *