કચ્છનું રણ અને આખ્યાયિકાઓ–૧ : ૧૯૬૭ – ‘વહ કૌન થી’?

image

કૅપ્ટન નરેન્દ્ર ફણસે


૧૯૬૭ના અરસામાં ભુજ શહેરની પશ્ચિમ હદ સમાપ્ત થયા બાદ મિર્ઝાપર ગામની હદ સુધીનો વિસ્તાર અવાવરુ હતો. ‘ભૂત રુએ ભેંકાર’ની વાત અહીં તાદૃશ થાય. ભુજથી કેરા જતી સડક પર સંધ્યા બાદ કોઈ માનવી નીકળવાની હિંમત ન કરે. આ સડકની ડાબી બાજુના વગડામાં બીએસએફને પોતાનો કૅમ્પ બનાવવા જમીન મળી. અહીંથી ટપકેશ્વરી દેવીના મંદિરે જવાનો રસ્તો નીકળે.

બીએસએફની ૧લી બટાલિયન  (1 BSF Battalion) જ્યારે ભુજમાં પ્રથમ વાર આવી ત્યારે મોટા ભાગના જવાનો અને અફસરોને બૉર્ડર પર મૂકવામાં આવ્યા હતા. હેડક્વાર્ટરમાં ચાર અફસર, ઓફિસ સ્ટાફ અને ટ્રેનિંગ માટે આવેલી કંપનીના જવાનો રહેતા. અફસરોના નિવાસ માટે ‘ઑફિસર્સ મેસ’ – તે સમયે પત્થર અને ગારાની ભીંત અને પતરાંના છાપરા વાળા મકાન બાંધવામાં આવ્યા – જેને ફોજમાં ‘બાશા’ કહેવામાં આવે છે. જવાનો તંબુમાં રહે. દિવસ દરમિયાન ટ્રેનિંગ અને સાંજના સમયે અફસરો અને જવાનો સાથે મળીને ફુટબૉલ, વૉલીબૉલ જેવી સામુહિક રમત રમીને સમય ગાળતા. અઠવાડિયામાં એકાદ વાર જવાનોને ટ્રકમાં બેસાડી શહેરમાં ફિલ્મ જોવા મોકલવામાં આવતા. અફસરો પોતાના સ્કુટર પર જાય.

એક વાર બટાલિયનના સ્ટાફ ઑફિસર – જંગ બહાદુર છેલ્લા શોમાં સિનેમા જોઈને મધરાતના સમયે પાછા આવી રહ્યા હતા. શહેર છોડી જેવો તેમણે ટપકેશ્વરી રોડ નજીકના વેરાન વગડામાં પ્રવેશ કર્યો, સ્કુટરની હેડલાઈટમાં તેમણે એક યુવતીને સડકના કિનારે ઊભેલી જોઈ. ભલા સ્વભાવના જંગ બહાદુરે સ્કુટર રોક્યું અને યુવતીને પુછ્યું, “અહીં એકલા શું કરો છો? આ સમયે તો તમને અહીં કોઈ વાહન નહિ મળે. જો તમારે આસપાસના કોઈ ગામમાં જવું હોય તો મારી પાછળ બેસી જાવ. હું તમને પહોંચાડી દઈશ.”

યુવતીએ મિર્ઝાપરનો રસ્તો બતાવ્યો અને સ્કૂટરની પાછળની સીટ પર બેસી ગઈ. બસ, તે ઘડીથી જંગ બહાદુરનો તેની સાથે કાયમ માટેનો અજબ સંબંધ બંધાયો.

તે સમયના સૈનિકો કહેતા હતા કે આ યુવતી એક ભટકતો આત્મા છે. તેનું શારીરિક સ્વરૂપ ઘણા લોકોએ જોયું છે. રાતે રૉન મારનારા સંતરીઓએ આ બહેનને મોડી રાતે – લગભગ પરોઢ સુધી જંગ બહાદુરને તેની સાથે વાત કરતાં જોયા હતા. ૧૯૬૯માં જંગ બહાદુરની બદલી પંજાબમાં થઈ. તેમની વિદાય બાદ સંતરીઓએ આ બહેનને ટપકેશ્વરીના વગડામાંથી આવીને સીધા અફસરોના ‘બાશા’ તરફ જતાં જોયા છે. નજીકમાં સંતરી હોય તો પણ તેની પરવા કર્યા વિના ધીમી ગતિથી અફસરોના નિવાસ સ્થાન તરફ જઈ, નજીકના કેરા રોડને પાર કરી વગડામાં તેઓ અદૃશ્ય થાય છે. આ હતી ત્યાંની વાયકા.


કેપ્ટન નરેન્દ્ર ફણસેનું વિજાણુ સંપર્ક સરનામું:  captnarendra@gmail.com

Facebooktwitterredditpinterestlinkedinmail

4 comments for “કચ્છનું રણ અને આખ્યાયિકાઓ–૧ : ૧૯૬૭ – ‘વહ કૌન થી’?

 1. Neetin Vyas
  January 16, 2019 at 4:32 am

  Like Pandora and Flying Dutchman

  • Narendra
   January 18, 2019 at 1:22 am

   Pandora’s Box will open! There’s more to the story. Watch this space!

 2. purvi
  January 18, 2019 at 5:01 am

  ડર લાગે તેવી વાત

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.