વ્યંગ્યચિત્રોના વિશ્વમાં (૧૨) :નવું વર્ષ

Facebooktwitterredditpinterestlinkedinmail

રજૂઆત અને સંકલન અશોક વૈષ્ણવ

નવું વર્ષ બેસે એટલે થોડા દિવસ તેને લગતી પ્રવૃત્તિઓ ધમધમે ! શરૂઆત થાય નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવાથી. આપણા દેશી નવા વર્ષ નિમિત્તે એકબીજાને ઘરે જઈને તેમને શુભેચ્છા પાઠવવાની પ્રથાની સામે પશ્ચિમમાં ભાતભાતનાં કાર્ડ્સ મોકલવામાં આવતાં હોય છે. સીધાસાદા શુભેચ્છાસંદેશથી માંડીને ખૂબ કળાત્મક કાર્ડ્સની શ્રેણીમાં વ્યંગ્યાત્મક ચિત્રો અને કથનો દ્વારા નવા વર્ષની શુભેચ્છા પાઠવવાના પ્રયોગોની પણ એક વિશિષ્ટ પ્રણાલી વિકસી છે.

અહીં એવા કેટલાક વ્યંગ્યાત્મક સંદેશા અને તેને પાઠવવાની રીત રજૂ કરી છે.

****

મેડી અને સ્ટુ રીસ/ Maddy and Stu Rees બન્ને હાર્વર્ડ લૉ સ્કૂલનાં વકીલ છે. કાયદાને લગતી વિવિધ બાબતો પર કાર્ટૂન બનાવવામાં તેઓ નિષ્ણાત છે. અહીં તેમણે એક વકીલ શી રીતે પોતાના ગ્રાહકને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે એ દર્શાવ્યું છે.

image

તેમનાં વધુ કાર્ટૂનો Stu’s views http://www.stus.com/holidayecards.html પર માણી શકાશે.

+ + + +

નવા વર્ષના આગમન અને ગયા વર્ષની વિદાયને વ્યંગ્યાત્મક ચિત્રોમાં ખાસ સ્થાન મળતું રહ્યું છે. વીતેલા વર્ષના સ્વરૂપે વૃદ્ધને તેમ જ નવ વર્ષને શિશુ તરીકે દર્શાવવાની રીત પણ સામાન્ય છે. અહીં ગત વર્ષની સળગતી સમસ્યાઓ નવા વર્ષને વારસામાં મળતી બતાવાઈ છે.

image

+ + + +

image

અહીં આજની પેઢીએ કરેલા દેવાની જવાબદારી ભાવિ અનેક પેઢીઓને વારસામાં આપવાની વાત ભલે અમેરિકાના અર્થતંત્રના જાહેર દેવાને લઈને કરાઈ છે, પણ મોટા ભાગના અર્થશાસ્ત્રીઓ વધતા જતા વૈશ્વિક દેવાનાં સ્તરને હવે પછીની આર્થિક મહામંદીનો ગમે ત્યારે ફૂટી શકે એવો પરપોટો ગણાવે છે…..અને સરકારી તિજોરીને ખર્ચે તેમ જ જોખમે મતદારને રીઝવવાની હોડમાં આપણી અર્થવ્યવસ્થા પણ આ ચિત્રમાં બંધબેસતી થવાની દહેશત રહે છે.

આ કાર્ટૂન અમેરિકન કાર્ટૂનિસ્ટ ડેવ ગ્રેન્‍લન્‍ડ/Dave Granlundનું છે. તેમનાં વધુ કાર્ટૂનો તેમની વેબસાઈટ https://www.davegranlund.com/cartoons/ પર માણી શકાશે.

+ + + +

સતીશ આચાર્યના આ કાર્ટૂનમાં વીતેલા વર્ષને ઘાયલ અવસ્થામાં બતાવ્યું છે, જ્યારે નવા વર્ષને ગાયનું મહોરું પહેરાવવામાં આવ્યું છે. કાર્ટૂનમાં નવા વર્ષને નવી આશા સાથે આવકારવાની વાત કરવામાં આવી છે, પણ ગાયનું મહોરું અને આ વર્ષે યોજાનારી ચૂંટણીઓનો કોઈ સંબંધ હશે?

image

+ + + +

image

સ્લોવેકિયન કાર્ટૂનિસ્ટ મેરીઅન કેમેન્‍સ્કી/Marian Kamenskyનું આ કાર્ટૂન બહુ માર્મિક છે.

શાંતિદૂતને લઈને આવતા વર્ષ ૨૦૧૯ના વર્ષને યુધ્ધખોરીની વધતી જતી માનસીકતાને પાર કરવાની છે. તેણે પોતાની પાસેના શાંતિદૂતને પીંજરામાં મૂકીને જ આગળ વધવાનું છે. અહીં શસ્ત્રયુધ્ધ તેમ જ દેશદેશ વચ્ચેનાં વ્યાપારયુધ્ધ કે વિવિધ પક્ષો વડે ‘ધર્મક્ષેત્રે’ લડાતાં સત્તાયુદ્ધોનો અર્થ પણ કરી શકાય.

મેરીઅનનાં કાર્ટૂનો તેમની વેબસાઈટ https://www.humor-kamensky.sk/ પર માણી શકાશે.

+ + + +

વૈશ્વિક સાંપ્રત ઘટનાઓને લગતાં વ્યંગ્યચિત્રોની સાથે ભારતની રાજકીય પરિસ્થિતિને રજૂ કરતાં બે કાર્ટૂન પણ જોઈએ.

image

મંજુલના આ કાર્ટૂનમાં ઉલ્લેખ દક્ષિણ ભારતના લોકપ્રિય ફિલ્મ કલાકાર રજનીકાન્તના રાજકારણમાં પ્રવેશનો છે, જે ૨૦૧૮ના અંતે પણ એટલો જ સુસંગત રહે છે…

+ + + +

image

૨૦૧૮નાં અંતમાં યોજાયેલી ત્રણ હિંદીભાષી રાજ્યોની ચૂંટણીઓનાં પરિણામોએ વેરવીખેર, હતોત્સાહ વિપક્ષોમાં ૨૦૧૯ની લોકસભાની ચુંટણી માટે આશાઓ જગવી છે, એટલે બધા પક્ષો મતદારને રીઝવવા નીતનવાં આકર્ષણોની હારમાળા સર્જવાની હોડમાં લાગી ગયા છે. સતીશ આચાર્યે આ કાર્ટૂનમાં દરેકના ચહેરા પર આબાદ હાવભાવ દર્શાવ્યા છે.

+ + + +

વર્ષની વિદાય અને આગમન જેવો જ એક પ્રચલિત વિષય છે નવાં વર્ષના સંકલ્પનો. નવાં વર્ષના સંકલ્પો વિષે જેટલું બોધાત્મક સાહિત્ય રચાય છે એટલું જ કટાક્ષસાહિત્ય પણ સર્જાતું હશે! ઓસ્ટ્રેલિયન કાર્ટૂનિસ્ટ જહોન ડિચબર્ન/John Ditchburn નવા વર્ષમાં પાળવાના સંકલ્પોને ફક્ત મનમાં ‘યાદ કરાવે છે’.

image

ધુમ્રપાન છોડવું કે વજન ઉતારવા જેટલો જ મહત્વનો સંકલ્પ છે પતિપત્નીએ પરસ્પર કાદવ ન ઉછાળવાનો. રાજકારણીઓ પણ એ સંકલ્પ લે અને સંસદગૃહમાં નહીં, તો કમસે કમ ચુંટણી પ્રચાર દરમ્યાન પાળે એવા શેખચલ્લી જેવા ખ્વાબ જોવાનો સંક્લ્પ આપણે પણ કરી શકીએ.

+ + + +

image

આ ભાઈ બિચારા નવો સંકલ્પ લેવાની ના પાડે છે. હજી તેમને છેક 1987થી લીધેલા સંકલ્પોનું પાલન બાકી છે. આ મઝાનું કાર્ટૂન અમેરિકન કાર્ટૂનિસ્ટ બૉબ મેન્‍કોફ/Bob Mankoffનું છે, જેમનાં વધુ કાર્ટૂનો તેમની વેબસાઈટ https://www.bobmankoff.com/ પર જોઈ શકાશે.

+ + + +

image

નવા વર્ષનો સંકલ્પ લેતાં આ મહાશય કહે છે, ‘આ નવો આરંભ હોય તો પછી તે જૂના સમાપન જેવો કેમ લાગે છે?’

દર વર્ષે નવા વર્ષની શુભેચ્છા મળે, નવો સંકલ્પ કરીએ, સમસ્યાઓ આવે, લીધેલો સંકલ્પ રઝળી પડે. જોતજોતાંમાં વર્ષ દોડાદોડીમાં ક્યારે પૂરૂં થઈ જાય એ ખબર જ ન પડે અને પાછું નવું વર્ષ આવી જાય. અને ફરીથી નવા વર્ષની શુભેચ્છાઓ મળે. શંકરાચાર્યે કહેલું એમ ‘પુનરપિ જન્મમ્‍ પુનરપિ મરણમ્‍’નું ચક્ર ચાલતું રહે છે.

આ કાર્ટૂન http://www.greatcartoons.com/newyear.htm પરથી લેવામાં આવ્યું છે.

+ + + +

image

વાત તો ખરી છે, કૅલેન્ડરની જ શોધ ન થઈ હોત તો દર વર્ષે સંકલ્પ કરવાની આ ઝંઝટ આવી ન પડત ! નવા વર્ષે સંકલ્પ લેવાની પ્રથા આદિમાનવ જેટલી જ પુરાણી છે એમ અહીં સૂચવવામાં આવ્યું છે. અમેરિકન કાર્ટૂનિસ્ટડેવ કવરલી/Dave Coverlyનું આ કાર્ટૂન છે. તેમનાં અનેક કાર્ટૂનો તેમની વેબસાઈટ https://www.speedbump.com/ પર માણી શકાશે.

+ + + +

image

આમના એક ભૂતપૂર્વ ઉત્પાદનનું બ્રાન્ડનેમ જ The Resolution (સંકલ્પ) હતું, જેને લોકો દર વરસે બીજી જાન્યુઆરીએ જ વાપરતા.

લીધેલા સંકલ્પ, જો કોઈ યાદ ન કરાવે તો ભુલાઈ જાય તેમ The Resolution જેવાં નામની કોઈ બ્રાન્ડ હતી તે પણ સહયોગીઓને યાદ દેવડાવવું પડે!! આ કાર્ટૂનના કાર્ટૂનિસ્ટનો ખ્યાલ આવતો નથી, પણ તે https://www.shutterstock.com/image-illustration/remember-our-former-product-resolution-that-126487280 પરથી લેવામાં આવ્યું છે.

+ + + +

નવા વર્ષની ઉજવણીને લગતાં કાર્ટૂનની એક ઝલક જોઈએ.

image

“Happy New Year. I’ll double four spades!” | Don Tobin

જગત આખું ઉજવણીમાં મશગૂલ છે ત્યારે આ ચાર જોડીદારો પત્તાં ટીચી રહ્યા છે. જન્માષ્ટમીની જેમ તહેવારોમાં તીન પત્તી રમવાની પ્રથા પર આપણો એકલાનો ઈજારો નથી.

આ કાર્ટૂન ડૉન ટોબિન/Don Tobinનું છે.

+ + + +

image

ફટાકડા ફોડવાના હોય એવા તહેવારના દિવસે જ ફટાકડા નહીં ફોડવાના નિયમો કરવામાં પણ આપણે એકલા નથી. પણ અહીં તેનો મસ્ત ઉપાય ખોળી કાઢ્યો છે.

આ કાર્ટૂનના કાર્ટૂનિસ્ટનો ખ્યાલ આવતો નથી.

+ + + +

image

આ કાર્ટૂનમાં બતાવાયું છે એમ, સમય ઓછો અને કરવાનાં કામ ઘણાં હોય એ કાયમી સ્થિતિ છે.

આ લેખ પણ જલદી જલદી પૂરો કરીએ.

પણ ઉતાવળ ગમે તેટલી હોય ‘તમારૂં ૨૦૧૯નું વર્ષ સફળતાઓ સાથે આનંદનું બની રહે એવી શુભેચ્છા પાઠવવાનું થોડું ભુલાય?

image


Disclaimer: The cartoons in this post have been taken from net for non-commercial purpose. If there is any breach of copy right, and would be brought to our notice, it will be removed from here..


આ શ્રેણીમાં આપ આપનું પ્રદાન આપવા ઈચ્છતા હો તો આ શ્રેણીનો પરિચયલેખ – વિવિધ વિષય પરનાં કાર્ટૂનોના વિશ્વમાં: – વાંચીને સંપર્ક કરવા વિનંતી.


– ‘વ્યંગ્યચિત્રોના વિશ્વમાં’ શ્રેણીના સંપાદક બીરેન કોઠારીના સંપર્ક માટેનું વીજાણુ સરનામું bakothari@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *