વ્યંગ્ય કવન : (૩૨) ત્રણ હઝલ

-ડો. રઈશ મનીઆર

               (૧) સ્વીટ હાર્ટ !

સ્વીટ હાર્ટ ! ઈંગ્લીશમાં તું બડબડ ન કર,
હાય ને હાય હાય મહીં ગરબડ ન કર.

બિલ્લીની માફક મને નડનડ ન કર,
શ્વાન સમજીને મને હડહડ ન કર.

હાસ્ય તારું ભયજનક લાગે મને,
મેઘલી રાતે કદી ખડખડ ન કર.

પ્રેમની ટપલીને ટપલી રાખ તું,
વ્યાપ વિસ્તારીને તું થપ્પડ ન કર.

કાલે મારો પગ છૂંદ્યો તેં હીલ વડે,
એ જગા પર તું હવે અડઅડ ન કર.

ધૂળ જેવી જિંદગી છે આપણી,
એમાં રેડી આંસુડાં કીચડ ન કર.


                        * * *

                          (૨) પન્નીને પહતાય તો કેટો ની

પન્નીને પહતાય તો કે’ટો ની.
વાહણ જો અથડાય તો કે’ટો ની.

અમના તો કે’ટો છે કે પાંપણ પર ઊંચકી લેમ.
પછી માથે ચડી જાય તો કે’ટો ની.

અમના તો પ્યાર જાણે રેહમની ડોરી.
એના પર લૂગડાં હૂકવાય તો કે’ટો ની.

”એની આંખોના આભમાં પંખીના ટોળાં…”
પછી ડોળા દેખાય તો કે’ટો ની.

હમ, ટુમ ઔર ટન્હાઇ, બધું ઠીક મારા ભાઇ
પછી પોયરાં અડ્ડાય તો કે’ટો ની.

                                       * * *

                            (૩) હજુયે યાદ છે !

એકવેળા આપને મેં દઈ દીધેલું દિલ, હજુયે યાદ છે
ને પછી ભરતો રહયો’તો હોટેલનાં બિલ, હજુયે યાદ છે

પ્રિયતમ! હા,તારા ચહેરા પર હતા એ ખિલ હજુયે યાદ છે
મારા પૈસે તેં ઘસી બેફામ ક્લેરેસીલ હજુયે યાદ છે

સાયકલ અથડાવીને સોરી કહ્યાની સ્કીલ હજુયે યાદ છે
ને પછીથી સાંપડેલી સેન્ડલોની હીલ હજુયે યાદ છે

માનતો’તો હું કે પૈંડાં બે જ છે સંસારરથનાં હું ને તું
ને પાડોશમાં હતાં તારાં ઘણાં સ્પેરવ્હીલ હજુયે યાદ છે

* * *

સંપર્ક સૂત્રો:

ઈ મેઈલ – Raeesh Maniar <amiraeesh@yahoo.co.in>

* * *

(સુરત સ્થિત ડો. શ્રી રઈશ મનીઆર કવિ, અનુવાદક, નાટ્યલેખક, કટારલેખક, મંચસંચાલક, પટકથાલેખક અને ગ઼ઝલકાર છે. તેમના કાવ્યસંગ્રહોમાં ‘કાફિયાનગર’, ’શબ્દ મારા સ્વભાવમાં જ નથી’ અને ‘આમ લખવું કરાવે અલખની સફર’નો સમાવેશ થાય છે. ગ઼ઝલના શાસ્ત્ર માટે એમણે બે પુસ્તકો લખ્યાં છે; ‘ગ઼ઝલ: રૂપ અને રંગ’ અને ‘ગ઼ઝલનું છંદોવિધાન’. બાળમનોવિજ્ઞાનના ત્રણ પુસ્તકો, ચાર ઉર્દુ ગ઼ઝલકારોની કવિતાના છંદ જાળવીને (સમશ્લોકી) પદ્યાનુવાદ, નાટ્યલેખન અને હાસ્યલેખન તેમજ તેમણે સાહિત્ય અને સંગીતના કાર્યક્રમોનું મંચસંચાલન પણ કર્યું છે. ફિલ્મો માટે એમણે આશરે 60 જેટલાં ગુજરાતી ગીતો લખ્યાં છે. હાલમાં તેઓ ‘દિવ્ય ભાસ્કર’ની રવિપૂર્તિમાં ‘મસ્તીઅમસ્તી’ નામે હાસ્યની કટાર લખે છે. એમના હાસ્યલેખોનો સંગ્રહ ‘જલેબી જેવી જિંદગી’ પ્રગટ થયો છે. એમની ઘણી હાસ્યકવિતાઓ બહુ પ્રસિદ્ધ છે. ૨૦૧૭માં એમની પ્રથમ નવલકથા ‘લવ યૂ લાવણ્યા’ પ્રકાશિત થઈ છે. એમનાં સફળ નાટકોમાં ‘અંતિમ અપરાધ’, ‘એક અનોખો કરાર’ અને ‘લવ યૂ જિંદગી’ ચિત્રલેખા સ્પર્ધામાં વિજેતા થયેલાં નાટકો છે. એમનાં બે અન્ય નાટકો ‘એન વી જાલન અમર છે’ અને ‘સાત સમંદર સહુની અંદર’ માટે તેઓને સુરત મહાનગર પાલિકાની સંજીવકુમાર નાટ્ય સ્પર્ધા માટે બેસ્ટ રાઈટરનો એવોર્ડ એનાયત થયો છે. આ ઉપરાંત તેમને શયદા પુરસ્કાર, નર્મદ સુવર્ણ ચંદ્રક, કલાપી પુરસ્કાર પ્રાપ્ત થયા છે. ‘વેબગુર્જરી’ ઉપર તેમને આવકારતાં ‘વેગુ’ પરિવાર આભારની લાગણી અનુભવે છે. – સંપાદક)

Facebooktwitterredditpinterestlinkedinmail

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.