ટાઈટલ મ્યુઝીક : ૧ : યાદોં કી બારાત

Facebooktwitterredditpinterestlinkedinmail

બીરેન કોઠારી

અમુક ફિલ્મો, એનાં ગીતો કોઈ દેખીતાં કારણ વિના બહુ ગમી જાય છે, અને ગમતાં જ રહે છે. 1973માં આવેલી નાસિર હુસેન નિર્મિત-દિગ્દર્શીત ‘યાદોં કી બારાત’ ફિલ્મ આવી શ્રેણીમાં આવે. એ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે મેં જોઈ નથી. એ પછી જ્યારે પણ જોવાનું બન્યું ત્યારે ટી.વી. પર અને ટુકડે ટુકડે જ જોઈ છે, છતાં દરેક વખતે એક સરખા રસથી જોઈ છે. એનું કથાવસ્તુ સામાન્ય છે, પણ બસ, એ જોવી ગમે છે.

તેનાં એકે એક ગીતો ગમે તેટલી વાર સાંભળું તો પણ કંટાળો નથી આવતો.

image

1973માં રજૂઆત પામેલી આ ફિલ્મમાં ધર્મેન્‍દ્ર, વિજય અરોરા, તારીક, અજીત, ઝીનત અમાન, ઈમ્તિયાઝ વગેરેની મુખ્ય ભૂમિકા હતી. બાળપણમાં વિખૂટા પડી જતા ભાઈઓ, તદ્દન ભિન્ન વાતાવરણમાં તેમનો ઉછેર અને છેલ્લે તેમનું મિલન- આવી ફોર્મ્યુલા નાસિર હુસેને આ ફિલ્મમાં બતાવી, જેને મનમોહન દેસાઈએ પોતાની અનેક ફિલ્મોમાં સફળતાપૂર્વક અજમાવી. આ ઉપરાંત તેમણે ‘મ્યુઝીકલ હીટ’ ફિલ્મોની પોતાની પરંપરા પણ આ ફિલ્મ થકી આગળ વધારી. અગાઉ તેમણે ‘તુમ સા નહીં દેખા’, ‘દિલ દે કે દેખો’, ‘જબ પ્યાર કિસી સે હોતા હૈ’, ‘ફિર વો હી દિલ લાયા હૂં’, ‘બહારોં કે સપને’, ‘પ્યાર કા મૌસમ’, ‘કારવાં’ જેવી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું હતું. આ ફિલ્મોનાં ગીતો અતિશય સફળ રહ્યા હતા. આર.ડી.બર્મને તેમની અનેક ફિલ્મોમાં યાદગાર સંગીત પીરસ્યું હતું.

‘યાદોં કી બારાત’નાં કુલ છ ગીતો હતાં, જે મજરૂહ સુલતાનપુરીએ લખેલાં હતાં. (આ તમામ ગીતો https://www.youtube.com/watch?v=o8qRWa5u4eo પર સાંભળી શકાશે.) ‘યાદોં કી બારાત નીકલી હૈ’ બે ભાગમાં છે. પ્રથમ ભાગ લતા મંગેશકર, પદ્મિની અને શિવાંગી દ્વારા ગવાયો છે, તો બીજો ભાગ કિશોરકુમાર અને મહંમદ રફીએ ગાયો છે. આ ઉપરાંત ‘આપ કે કમરે મેં કોઈ રહતા હૈ’ (આશા ભોંસલે, કિશોરકુમાર, આર.ડી.બર્મન), ‘દિલ મિલ ગયે તો હમ મિલ ગયે’ (આશા, કિશોર), ‘ચુરા લિયા હૈ તુમને જો દિલ કો’ (આશા, રફી), ‘ઓ મેરી સોની, મેરી તમન્ના’ (આશા, કિશોર) અને ‘લેકર હમ દિવાના દિલ’ (આશા, કિશોર)અતિશય મનપસંદ છે. તેનું સંગીત, અને ધૂન કદાચ શબ્દોને ગૌણ કરી દે છે. ‘ચુરા લિયા હૈ’ ગીતની ધૂન અંગ્રેજી ફિલ્મ ‘If it’s Tuesday, This must be Belgium’ના આ જ પંક્તિવાળા ગીત પરથી પ્રેરિત છે, જેમાં રાહુલ દેવે પોતાની ખૂબીઓ ઉમેરી છે. (આ અંગ્રેજી ગીત https://www.youtube.com/watch?v=1bR1YKcO3Qg પર સાંભળી શકાશે.)
આ ફિલ્મના ટાઈટલ મ્યુઝીકમાં અપેક્ષા મુજબ આ ગીતોની જ ધૂન વગાડવામાં આવી છે. અહીં આપેલી લીન્‍કમાં ટાઈટલ ટ્રેકનો આરંભ 0.37 થી બ્રાસવાદ્યો અને વાયોલિનના સમૂહવાદન વડે થાય છે, જે ‘યાદોં કી બારાત નીકલી હૈ આ દિલ કે દ્વારે’ની ધૂનનો આરંભિક ટુકડો છે. એ પછી તરત જ, 0.50થી ગિટાર પર ‘ચુરા લિયા હૈ’નું આરંભિક સંગીત શરૂ થાય છે, અને 1.06 સુધી આ ગીતના શબ્દોની ધૂન આરંભાય છે. મૂળ ગીત કરતાં તે ઝડપી છે અને તેની સાથે વાગતો તાલ પણ એકદમ મસ્ત છે. નવાઈ લાગે એવી વાત એ છે કે ‘ચુરા લિયા હૈ તુમને જો દિલ કો’ – ‘નજર નહી ચુરાના સનમ’- ‘બદલ કે મેરી તુમ જિંદગાની’- ‘કહીં બદલ ના જાના સનમ’ આ લીટીઓની વચ્ચે આવતું પૂરક સંગીત ટ્રમ્પેટ પર વગાડવામાં આવ્યું છે, જે આગળ લંબાઈને ‘લે લિયા દિલ, હાય મેરા દિલ, હાય દિલ લેકર મુઝકો ના બહેલાના’ સુધી પહોંચે છે. આમ, માત્ર ગિટાર અને ટ્રમ્પેટના સહારે આ ધૂન આગળ વધે છે.
આમાં નવાઈ એટલા માટે લાગે કે રાહુલ દેવ બર્મનની શૈલીથી પરિચીત હોવાથી આપણા કાન સેક્સોફોનનો સૂર સાંભળવા તૈયાર થઈ ગયા હોય, પણ તેને બદલે સંભળાય ટ્રમ્પેટ!
1.56 પર આ ગીતની ધૂન પૂરી થયાનો સંકેત વાયોલિનવાદન ઉમેરાવાથી મળે છે, ફરી તાલ બદલાય છે અને 2.06થી ‘ઓ મેરી સોની’ની ધૂન શરૂ થાય છે. જે વાદ્ય આર.ડી.બર્મનના સંગીતમાં સાંભળવાની અપેક્ષા છે તેની પર જ આ ધૂન વાગે છે. ‘ઓ મેરી સોની, મેરી તમન્ના, ઝૂઠ નહીં હૈ મેરા પ્યાર, દિવાનોં સે હો ગઈ ગલતી, જાને દો યાર, આઈ લવ યુ’ આ આખું મુખડું સેક્સોફોન પર એક જ વાર વાગ્યા પછી ‘આઈ લવ યુ’ ના જ બ્રાસવાદ્યો તેમજ વાયોલિનસમૂહ પર આવર્તન સાથે, 2.32એ આ સંગીત પૂરું થાય છે, જે મન પર લાંબી અસર મૂકી જાય છે.

રાહુલ દેવ બર્મનના મુખ્ય સહાયક એવા બાસુ, મનોહરી અને મારુતિનાં નામ ટાઈટલમાં વાંચી શકાય છે.


‘યાદોં કી બારાત’નું ટાઈટલ મ્યુઝીક આ લીન્‍ક પર સાંભળી શકાશે.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

5 comments for “ટાઈટલ મ્યુઝીક : ૧ : યાદોં કી બારાત

 1. Samir
  January 14, 2019 at 2:20 pm

  ખુબ જ સરસ ! આ લેખ વિષય ની શ્રેણી લખાય તો શ્રેષ્ઠ .
  આ વિષય મને ખુબ પસંદ છે. આ સંગીત વિષે બહુ લખાયું કે વાચ્યું નથી. ગણી ફિલ્મો માં ટાઈટલ સંગીત વાર્તા સાથે વણાયલુ હોય છે અને ગણા માં એમ નથી હોતું. પણ એક વાત નક્કી. વિષય ખુબ રસપ્રદ છે.
  મારા માનીતા ટાઈટલ સંગીત માં ‘તીસરી મંજિલ’ અને ‘દિલ દિયા દર્દ લિયા ‘ છે.જો બીરેનભાઈ અંગ્રેજી ફિલ્મો પણ સામેલ કરે તો ખુબ મજા પડશે.
  ખુબ ખુબ આભાર ,બિરેનભાઈ !

  • January 15, 2019 at 9:23 pm

   આભાર, સમીરભાઈ.
   અંગ્રેજી ફિલ્મોનું ક્ષેત્ર મારા માટે પ્રમાણમાં અજાણ્યું છે. આથી મુખ્યત્વે હિન્‍દી ફિલ્મોની આસપાસ જ વાત રહેશે.
   વાર્તા સાથે જે સંગીત વણાયેલું હોય એ ‘થીમ મ્યુઝીક’ હોય છે, જે ટાઈટલ મ્યુઝીક હોય પણ ખરું, કે ન પણ હોય. (જેમ કે, ‘કર્ઝ’ની ધૂન થીમ મ્યુઝીક હતું.)

 2. purvi
  January 15, 2019 at 8:06 pm

  ગીત સંગીત ઉપર વાદ્યોની આટલી ડિટેલ્સ ઉપર ક્યારેય ખ્યાલ ન હતો. સમજવાનો આનંદ આવ્યો.

  • January 15, 2019 at 9:24 pm

   આભાર, પૂર્વીબેન. મને સંગીતની ટેકનિકલ જાણકારી નથી, એટલે ભાવક તરીકે જ આસ્વાદ કરાવવાનો ઉપક્રમ છે. તમને આનંદ આવ્યો એની ખુશી.

 3. January 16, 2019 at 10:52 am

  Guru,
  Young singer’s voice -Padmini means Padmini kolhapure (famous actress) and her sister Shivani kolhapure (now Shakti Kapoor wife and Shradha Kapoor mum) they come from a musical household and relatives of Mangeshakar family.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *