





-વીનેશ અંતાણી
તુર્કીમાં એક કહેવત છે: ‘સંગાથ સારો હોય તો યાત્રા સુખદ બને છે.’ સારા સંગાથની પહેલી શરત છે વ્યક્તિઓ વચ્ચે સુમેળભર્યો સંબંધ. મેનેજમેન્ટ કન્સલ્ટિન્ગના ક્ષેત્રમાં મહત્ત્વનું પ્રદાન કરનાર કાલીલ જૅમિસન સંબંધ વિશે કહે છે: “દરેક પ્રકારનો સંબંધ તમે હાથમાં ઉપાડેલી રેતી જેવો હોય છે. તમે હથેળી ખુલ્લી રાખીને રેતીને બંધનમુક્ત રાખશો તો રેતી તમારી પાસે સચવાયેલી રહેશે. જે ક્ષણે તમે હથેળી કસીને બંધ કરશો તે જ ક્ષણથી રેતી મુઠ્ઠીમાંથી ખરવા લાગશે. તમે થોડીક રેતી મુઠ્ઠીમાં બચાવી શકશો, પરંતુ મોટા ભાગની સરી ગઈ હશે. સંબંધનું પણ એવું જ છે. જો આપણે સંબધને નાજુક રીતે સાચવી રાખીએ, સામેની વ્યક્તિનું સન્માન જાળવી શકીએ, એને જરૂરી મોકળાશ આપી શકીએ તો સંબંધ જળવાઈ રહે, પરંતુ આપણે આપણી હથેળી બંધ કરશું, વધારે પડતી ભીંસ આપશું, પઝેસિવ બનશું તો સંબંધ ખરી જશે અને આપણે એને ગુમાવી દેશું.”
ઘણી વાર આપણે ‘સંબંધ’ને અનુભવી શકીએ છીએ, પરંતુ એનો વ્યાપક અર્થ સાદા શબ્દોમાં સમજાવી શકતા નથી. વ્યક્તિ – વ્યક્તિ વચ્ચેના સંબધની એક સાદી સમજણ આ રીતે આપવાનો પ્રયત્ન થયો છે: ‘સંબંધ એટલે બે કે બેથી વધારે વ્યક્તિ વચ્ચેનું મજબૂત, ઊંડું, ગાઢ અને નિકટતાભર્યું જોડાણ.’ એવાં જોડાણ બહુ જ ટૂંકા ગાળાનાં હોઈ શકે અથવા તે ચીરકાળ ટકી શકે. એવાં જોડાણને લાંબી આવરદા આપવા માટે વિચારકો કેટલીક પાયાની બાબતો સમજવા પર ભાર મૂકે છે. સંબંધથી જોડાયેલા લોકો વચ્ચે પ્રેમ હોય, સમન્વયની ભાવના હોય, અરસપરસ પરામર્શ કરવાની અને નિયમિત સંવાદ સાધવાની તૈયારી હોય તો સંબંધ ચીરકાલીન બની શકે. સંબંધ જાળવવા માટે અનેક પ્રકારની સામાજિક જવાબદારી પ્રત્યે સભાનતા પણ આવશ્યક શરત છે. માનવસંબંધોનાં કુટુંબ, જાતિ – જ્ઞાતિ, લગ્ન, મિત્રતા જેવાં કેટલાંય રૂપ છે. આપણા સહકર્મચારી, પડોશી, શિક્ષક, દુકાનદાર કે સાંજે બગીચામાં બાંકડા પર મળતા હોય એવા લોકો – આ યાદી લાંબી જ થતી રહેવાની છે અને તે વ્યક્તિ પ્રમાણે બદલાતી રહે છે. પારિવારિક સંબંધોનું રૂપ જુદું હોય છે, વ્યાવસાયિક સંબંધ અલગ હોય છે. રાજનૈતિક સંબંધનાં સમીકરણ તો વળી સાવ નોખાં, તકવાદી. સંબંધની કોઈ સીમા હોતી નથી. ક્યારેક આપણે પ્રત્યક્ષ મળ્યા ન હોઈએ એવી વ્યક્તિ સાથે પણ સંબંધ અનુભવીએ છીએ. ઇન્ટરનેટની ક્રાંતિ પછી અપ્રત્યક્ષ સંબંધની શક્યતા ઘણી વધી છે.
દરેક સંબંધની પોતાની આગવી અપેક્ષા હોય છે. માતાપિતા અને સંતાન વચ્ચેના સંબંધની અપેક્ષા પતિ અને પત્ની વચ્ચેના સંબંધની અપેક્ષાથી જુદી હોય છે. દરેક સંબંધની ભૂમિકા પણ અલગ હોય છે. એ કારણે દરેક સંબંધ સાચવી રાખવાની શરતો પણ અલગ હોય. આપણે પોતે પ્રેમ અને સન્માન ઝંખીએ છીએ, પરંતુ અન્ય વ્યક્તિને પ્રેમ કે સન્માન આપી શકતા નથી. સંગાથીની નાનકડી ભૂલને પણ પહાડ જેવી મોટી બનાવી એનું આપમાન કરીએ ત્યાંથી જ સંબંધ તૂટવાની શરૂઆત થાય છે. આ વિશે એક જાણીતું દૃષ્ટાંત છે: “એક માણસનું લગ્નજીવન બહુ જ સુખમય હતું. એક વાર એના જમાઈએ સસરાને એમના સુખી અન લાંબા દામ્પત્યજીવનનું રહસ્ય જણાવવા આગ્રહ કર્યો. સસરાનો જવાબ હતો: “તમારી પત્નીની કોઈ પણ ભૂલ કે ઉણપ માટે એની ટીકા કરવી નહીં. એક વાત હંમેશાં યાદ રાખવી કે એની આવી મર્યાદાને લીધે જ એ તમારાથી વધારે સારો પતિ શોધી શકી નથી.”
સમયની સાથે દરેક સંબંધનું સ્વરૂપ બદલાય છે. એક સમયે માતાપિતા પોતાનાં સંતાનોની સંભાળ રાખે છે, થોડાં વરસો પછી એ રોલ બદલાય છે. સંતાનોએ માતાપિતાની સંભાળ લેવાની હોય છે. એક યુવાન એના વૃદ્ધ અને અશક્ત પિતાને સારા રેસ્ટોરન્ટમાં ડિનર માટે લઈ ગયો. પિતા એટલો અશક્ત હતો કે જમતાં જમતાં ખાવાની ચીજો એના શર્ટ – પેન્ટ પર ઢોળાતી હતી. આજુબાજુ બેઠેલા બીજા લોકો તે જોઈને મોઢું મચકોડતા હતા, પરંતુ દીકરો શાંતિથી પિતા સાથે વાતો કરતો રહ્યો. જમી લીધા પછી દીકરો પિતાનો હાથ પકડીને વોશરૂમમાં લઈ ગયો. એનું મોઢું ધોવરાવ્યું, કપડાં પર પડેલા ડાઘ સાફ કર્યાં, વાળ ઓળી આપ્યા, ચશ્માં બરાબર પહેરાવ્યાં, પછી ટેબલ પર આવી બિલ ચૂકવ્યું. બીજા લોકો એને હેરતભરી નજરે જોતા હતા. બાપદીકરો જતા હતા ત્યારે ડાઈનિંગ હૉલમાં બેઠેલા બીજા વૃદ્ધે દીકરાને કહ્યું: “તને નથી લાગતું કે તું કશુંક અહીં છોડી જાય છે?” દીકરાએ ગજવું તપાસીને કહ્યું: “ના, હું કશું છોડી જતો નથી.” ખુરસી પર બેઠેલા વૃદ્ધે કહ્યું: “તું દરેક દીકરા માટે એક પાઠ મૂકી જાય છે અને દરેક વૃદ્ધ પિતા માટે એક આશા છોડી જાય છે.”
ઍલા વ્હીલે વિલકોક્સ નામની કવયિત્રીએ કહ્યું છે: “મને મારી જીવનયાત્રામાં એક દુ:ખદ સત્ય સમજાયું છે, આપણે જેને સૌથી વધારે પ્રેમ કરીએ છીએ તેને જ સૌથી વધારે ઈજા પહોંચાડીએ છીએ.”
***
શ્રી વીનેશ અંતાણીનું વીજાણુ સંપર્ક સરનામું: vinesh_antani@hotmail.com