જયદેવની તેજસ્વી સંગીત પ્રતિભાનું મૂલ્ય હંમેશાં ઓછું અંકાયું : ૧૯૬૪થી ૧૯૭૦

Facebooktwitterredditpinterestlinkedinmail

૧૯૬૪થી ૧૯૭૦ :: જયદેવની કારકીર્દીની ઓછી જાણીતી ફિલ્મોનાં ઓછાં જાણીતાં ગીતોનાં વર્ષો

સંકલન અને રજૂઆત અશોક વૈષ્ણવ

ખુબ લાંબા સમય સુધી સક્રિય રહ્યા, હિંદી ફિલ્મો માટે ત્રણ ત્રણ રાષ્ટ્રીય પુરસ્કારો મળ્યા તેમ છતાં જયદેવ (જન્મ ૩ ઓગસ્ટ, ૧૯૧૯ – અવસાન ૬ જાન્યુઆરી, ૧૯૮૭)ની ગણના જેમને તેમની પ્રતિભા મુજબ લોકચાહના ન મળી એવા સંગીતકારોમાં જ કરવામાં આવે છે. તેમની અવસાન તિથિના મહિનામાં આપણે તેમની હિંદી ફિલ્મ કારકીર્દીની સહસફર કરી રહ્યાં છીએ.

આ પહેલાં આપણે તેમની ૧૯૫૫ થી ૧૯૬૩ સુધીમાં રજૂ થયેલી રચનાઓ માણી ચૂક્યાં છીએ. તેમની કારકીર્દીના આ પહેલા તબક્કામાં શરૂઆતના થોડા સંઘર્ષ બાદ ‘હમ દોનો’ અને ‘મુઝે જીને દો’નાં સંગીતની ક્લાસ અને માસનાં સ્તરે લોકચાહના જોતાં એવું લાગતું હતું કે જયદેવની કારકીર્દીનો બાગ હવે પૂર્ણ કળાએ મહોરી રહેશે.

પરંતુ વિધિની પોથીમાં એવા લેખ નહોતા. ‘મુઝે જીને દો’ સમયે જયદેવને સાહિર સાથે અણબનાવ થયો અને નવકેતનની ‘હમ દોનો’ પછીની ફિલ્મ ‘ગાઈડ’માંથી તેમનું પત્તું કપાઈ ગયું. આ ઘટના ક્રમને પરિણામે, કદાચ, તેમણે ઓછાં બજેટની, બીજાં સ્તરનાં ગણાતાં નિર્માણ ગૃહોની ફિલ્મો સ્વીકારવી પડી હશે.’સફળ’ ક્લબનાં સભ્યપદથી વંચિત સંગીતકારો સાથે જેમ મોટા ભાગના કિસ્સાઓમાં થતું રહ્યું હતું તેમ, જયદેવનાં સંગીત પર તત્ત્વતઃ ઓછાં બજેટની ફિલ્મોનાં વાતાવરણની સીધી અસર ન પડી, પણ એ ફિલ્મોની ગુમનામીને કારણે તેમનાં સંગીતને પણ કંઈક અંશે ગુમનામી જ નસીબ રહી.

આજે આપણે તેમની ૧૯૬૪થી ૧૯૭૦ સુધીની જે ફિલ્મોનાં ગીત સાંભળીશું. ન તો ફિલ્મો કે ન તો ગીતો જાણીતાં છે. રડ્યાં ખડ્યાં ગીતને બાદ કરતાં બાકીનાં બધાં જ ગીત મારા માટે પહેલી જ વાર સાંભળવા મળતાં હોય તેવાં આ ગીતો છે.

નૈહર છૂટલ જાય (૧૮૬૪)

આ ભોજપુરી ફિલ્મ છે,જેનું એક ગીત અતુલ’સ સોંગ અ ડેના સૌજન્યથી મળી શક્યું છે.

જિયરા કસક મસક મોર રહે લાગલ – મોહમ્મદ રફી – ગીતકાર શૈલેન્દ્ર

જયદેવ પાસેથી ખરા અર્થમાં હલકી ફુલ્કી છતાં કર્ણપ્રિય ધુન સાંભળવાનો લ્હાવો મળે છે. મોહમ્મદ રફીના ઘણા ચાહકોએ આ ગીત સાંભળ્યું પણ હશે.

આ ગીત આશા ભોસલેના સ્વરમાં, જોડીદાર ગીત તરીકે પણ, રેકોર્ડ થયું છે. એક ભાવની પુરુષ ને સ્ત્રીની રજૂઆતમાં જે સાહજિક તફાવત હોય તે આ બને વર્ઝનમાં બહુ સ્વાભાવિકપણે ધ્યાન પર આવી રહે છે.

હમારે ગમ સે મત ખેલો (૧૯૬૭)

આ પણ ઓછી જાણીતી, નાનાં બજેટવાળી ફિલ્મ છે, જેમાં તલત મહમૂદ, ગીતા દત્ત જેવાં ગાયકોનાં બૂઝતી શમાના ઝળહળાટ જેવાં ગીતોની સાથે મહેન્દ્ર કપૂર અને કૃષ્ણા કલ્લેના સ્વરોની અજમાયશના પ્રયોગ સાંભળવા મળે છે.

યે ખામોશી ક્યું યે મદહોશી ક્યું – ગીતા દત્ત – ગીતકાર ન્યાય શર્મા

ગીતા દત્ત સાથેનાં જયદેવે સંગીતબધ્ધ કરેલાં આ એક માત્ર ગીતમાં ગીતા દત્ત તેમની સાહજિક માર્દવતાને બરકરાર રાખે છે. સામાન્યતઃ લોક ધુનો પર રચના કરતા જયદેવ આ પાશ્ચાત્ય રચનાને પણ પૂર્ણપણે ન્યાય કરે છે.

યે બહાર કા સમા, નિખાર કા સમા, ખો ન દેના – મહેન્દ્ર કપૂર, કૃષ્ણા કલ્લે – ગીતકાર ન્યાય શર્મા

ગાયકોની પસંદગી પર કદાચ ફિલ્મનાં ટાંચાં બજેટની અસર હશે, પણ ગીતની મીઠાશ પર તેની કોઈ જ અસર નથી વર્તાતી. જયદેવની શૈલીને અનુરૂપ, ગીતની બાંધણી ગણગણવા માટે અઘરી છે, પણ સાંભળવી જરૂર ગમે તેવી છે.

આંસુ છૂપાયે આંખમેં, ખૂન-એ-જિગર પિયા કરૂં – તલત મહમૂદ – ગીતકાર શિરીશ

વ્યાપક સિને સંગીતના શોખીનોમાં કદાચ લોકપ્રિય ન કહેવાય, પણ તલત મહમૂદના ચાહકો માટે આ ગીત અજાણ્યું નથી.

કહીયે ક્યા હુકમ હૈ, મૈં પ્યાર કરૂં યા ન કરૂં, કહીયે ક્યા હુકમ હૈ – આશા ભોસલે – ગીતકાર ન્યાય શર્મા

મુજરા ગીતનાં બધાં અંગ આ ગીતમાં છે સિવાય કે સરળ ગેયપણું. જોકે હાર્મોનિયમના ટુકડા, સાંભળવાની મજા પડી જાય છે.

જિયો ઔર જીને દો (૧૯૬૯)

આ ફિલ્મ અને તેનાં ગીત પણ જાણ ફિલ્મનાં અજાણ ગીતોની યાદીમાં આવે. જયદેવ અને હસરત જયપુરીની જુગલબંધી પણ આ પછી ફરી વાર નથી જોવા મળી.

મૈં તો કર કર બિનતી હારી રે – સુમન કલ્યાણપુર – ગીતકાર હસરત જયપુરી

સુમન કલ્યાણપુર અને જયદેવનું સંયોજન જવલ્લે જ સાથે સાંભળવા મળે. સુમન કલ્યાણપુર જયદેવની અઘરી રચનાને મીઠાશસભર ન્યાય આપે છે.

યે ધરતી હમારી ધરતી હૈ, ઈસકો સ્વર્ગ બનાયેંગે – મન્ના ડે, સુલક્ષણા પંડિત, સાથીઓ – ગીતકાર હસરત જયપુરી

તાલ વાદ્યની લય અને મન્ના ડેની ગાયકી અઘરી હોવા છતાં, ગીતના બોલમાંની ધરતી ફોરમને પ્રસરવામાં ગીતની ધુન સાથ આપે છે.

આજકી રાત બસ જલવા દીખાને કે લિયે – મોહમ્મદ રફી – ગીતકાર હસરત જયપુરી

ગીતની મુશ્કેલ તર્જ ગીતના ભાવને જીવંત કરવામાં આડી નથી આવતી.

રૂપ કી ધૂપ ઢલ કે રહેગી – મોહમ્મદ રફી – ગીતકાર હસરત જયપુરી

ગીતની શરૂઆત અને અંતરામાં જે હરકતો છે તેના પરથી ગીત શશેરી ગીત પ્રકારનું હોય તેમ જણાય છે. જયદેવે ગીતની બાંધણી શક્ય એટલી હળવી કરી છે, એટલે ગીતનો મસ્તીનો ભાવ સુપેરે જળવાઈ રહ્યો છે.

સપના (૧૯૬૯)

ફરી એક વાર : ગુમનામ રહેલી ફિલ્મ. આ વખતે તો ગીતકાર પણ (આપણા માટે) નવા; અને તેમ છતાં જયદેવનો સ્પર્શ ફિલ્મનાં ગીતોને કર્ણપ્રિયતાની, વૈવિધ્યની, માર્મિકતાની આભા આપવામાં પાછૉ નથી પડતો.

અનાડી મોરા બલમા…અચર ધર થનકે – લક્ષ્મી શંકર – ગીતકાર વીએન મંગલ

શાસ્ત્રીય/ અર્ધશાસ્ત્રીય ગીતોને શાસ્ત્રીય ગાયક પાસે ગવડાવવાનૉ જયદેવ સફળતાપૂર્વક પ્રયોગ કરે છે, જેને કારણે આ પ્રકારનાં ગીતોમાં ખાસ પ્રકારની તાજગી અનુભવાય છે.

અય મેરી મજબુર ઝિંદગી.. ચલ રી કહીં ચલ તૂ ઝિંદગી – મન્ના ડે – ગીતકાર વીએન મંગલ

આપણી પાસે ગીત માત્ર ઓડીયોમાં જ છે પણ ગીતનો ઢાળ અને તાલ ગીત ગાડામાં ગવાતું હોય તેવું નિર્દેશ કરી જાય છે. ચાલુ વાહનમાં ગવાતાં ગીતના પ્રકારમાં ગાડામાં ગવાતાં ગીત્નો પ્રકાર હિંદી ગીતોમાં આગવું સ્થાન ધરાવે છે.

મુઝ સે મત રૂઠો, ના ના રૂઠો મેરી જાન ચલી જાયેગી – મોહમ્મદ રફી ગીતકાર વીએન મંગલ

રીસામણાં-મનામણાં પણ હિંદી ફિલ્મોનો એક બૌ પ્રચલિત ગીત પ્રકાર રહ્યો છે. જયદેવ પણ એ પ્રકારનાં ગીત માટે પોતાની સજ્જતા સાબિત કરી આપે છે.!

રીસામણાં-મનામણાં ગીતનું જોડીયું વર્ઝન હોવું એ પણ બહુ પ્રચલિત કાર્યપધ્ધતિ રહી છે. અહીં, જયદેવ કૃષ્ણા કલ્લે , તોફાની અંદાજમાં, ‘બીજા પક્ષ”ની રજૂઆતની મજા આપણી સમક્ષ પેશ કરે છે.

આજના અંકમાં મોહમ્મદ રફીનાં ગીતોની સંખ્યા એટલી રહી છે કે દરેક અંકને અંતે અંકના વિષય સાથે સુસંગત મોહમ્મદ રફીનાં ગી ન મુકાઈ શક્યાં હોત તો ખેદ ન રહેત. પરંતુ ૧૯૭૦ની બે અપ્રકાશિત ફિલ્મનાં આ બે ગીતો આપણને આપણી પ્રથા જાળવી આપે છે.

એક બુલબુલા પાનીકા (૧૯૭૦)(અપ્રકાશિત)

તીન તાલ પર નાચ….બુઢાપે, બચપન ઔર જવાનીકે..રંગ હઝારોં – મોહમ્મદ રફી – ગીતકાર કૈફી આઝમી

જયદેવ મોહમ્મદ રફીના સ્વરને ભજન માટે સાવ અલગ સૂરમાં જ રજૂ કરે છે.

શાદી કર લો (૧૯૭૦) (અપ્રકાશિત)

ન તુમ હટો ન હમ હટૅં – મોહમ્મદ રફી અને પરવીન સુલ્તાના – ગીતકાર જાન નિસ્સાર અખ્તર

જયદેવના કવ્વાલીના પ્રયોગની અજમાયીશમાં પરવીન સુલ્તાનાના સ્વરની અનોખી રજૂઆતની મેળવણી નવીન, રસપ્રદ અને કર્ણપ્રિય અનુભવ નીવડે છે.

સામાન્ય રીતે કોઈ પણ અંકના અંતમાં મોહમ્મદ રફીનાં ગીત સાંભળયા પછી બીજી કોઈ કેફીયત રજૂ ન કરવાની આપણી પ્રથા છે. પરંતુ આજે એક અપવાદ કરવો જરૂરી છે.

મારે એક કબુલાત કરવાની છે. ગયા અંકનાં ગીતો ફરી એક વાર યાદ કરીને આજના લેખ માટે જયદેવની ફિલ્મોની યાદી જોતાં એક વાત બહુ સ્પષ્ટ બની ગઈ કે આ બધી અજાણી ફિલ્મોનાં અજાણ્યાં ગીતોમાંથી અહીં રજૂ કરી શકાય એવું એક એક ગીત લઈ જાય તો પણ સારૂં.

જેમ જેમ હું આ દરેક ગીત સાંભળતો ગયો તેમ તેમ મારૂં આશ્ચર્ય વધતું ગયું. આ ગીતો ભલે ગયા અંકનાં ગીતોની તોલે ન જણાય, પણ સાવ કાઢી નાખવા જેવાં પણ નહોતાં. ‘મુઝે જીને દો’સુધીની સફળતાની ઊંચાઈથી ‘૭૦ના દાયકામાં કળા ફિલ્મોની આગવી રચનાઓના સંગીતકાર તરીકેની ઓળખ ઊભી કરવા માટે એક વાર એ ઊંચાઈ છોડવાનો સમય આવે તો હરીફાઈમાં પગ ટકાવી રાખવા માટે જે કંઈ કરવું પડ્યું તેનાથી જયદેવ નાસીપાસ નથી થયા એટલો રણકો તો આ ગીતોમાં જરૂર સાંભળવા મળે છે. જૂદા જૂદા ગાયકો, જૂદા જૂદા ગીતકારો, જૂદી જૂદી સીચ્યુએશન્સ અને એ માટેની નાણાંની ટુંકી રેખાથી દોરાતી જૂદી જૂદી અપેક્ષાઓની અગ્નિપરીક્ષામાંથી પસાર થયા પછી જયદેવનો આત્મવિશ્વાસ જરૂર બુલંદ બન્યો હશે,

એક બીજી વાત, મેં કશેક એવું નોંધ્યું છે કે ‘મુઝે જીને દો’ પછીથી જયદેવે રફીનો ખાસ ઉપયોગ નથી કર્યો. પણ આજના આ અંકનાં ગીતોએ એ માન્યતાનો પણ છેદ ઉડાડી નાખ્યો છે .

આજનો આ લેખ પૂરો કરતી વખતે આવતા વર્ષના અંકમાં જયદેવના ‘૭૦ના દાયકાનાં ગીતોને નવા પરિપ્રેક્ષ્યમાં સાંભળવાનો ઈંતજાર આજથી જ ઉત્કટ બની ગયો છે.

1 comment for “જયદેવની તેજસ્વી સંગીત પ્રતિભાનું મૂલ્ય હંમેશાં ઓછું અંકાયું : ૧૯૬૪થી ૧૯૭૦

  1. Samir
    January 15, 2019 at 2:52 pm

    ઓછી જાણીતી ફિલ્મો અને ઓછા જાણીતા ગીતો ની મહેફિલ ખુબ સરસ રહી !
    ખુબ ખુબ આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *