પરિસરનો પડકાર : ૧૮ ::: :ભારતના જળ – પ્લાવિત વિસ્તાર

Facebooktwitterredditpinterestlinkedinmail

ભારતના જળ – પ્લાવિત વિસ્તાર:

(Wetlands Ecosystem)

ચંદ્રશેખર પંડ્યા.

વિવિધ પ્રકારની પર્યાવરણ પ્રણાલીઓ (ઈકોસિસ્ટમ) વિષે આપણે અગાઉના હપ્તાઓમાં જોઈ ગયાં. પ્રસ્તુત લેખમાં ઘણી જ મહત્વપૂર્ણ ‘વેટલેન્ડ ઈકોસિસ્ટમ’ એટલે કે જળ – પ્લાવિત વિસ્તાર વિષે ચર્ચા કરીશું.

clip_image002

clip_image004

પાણીથી ઢંકાયેલા વિસ્તારને વેટલેન્ડ અથવા તો જળ – પ્લાવિત વિસ્તાર કહેવામાં આવે છે. કાદવ કીચડવાળું ખાબોચિયું, તળાવ, સરોવર, નદીઓના મુખ-પ્રદેશમાં રચાતો ત્રિકોણાકાર વિસ્તાર જેને ‘ડેલ્ટા’ તરીકે ઓળખવામાં આવે છે અને નીચાણવાળા વિસ્તાર જ્યાં અવારનવાર પાણી ભરાઈ રહેતું હોય તેવા તમામ વિસ્તારો જળ-પ્લાવિત વિસ્તાર કહેવામાં આવે છે.

પર્યાવરણીય મહત્વ:

મનુષ્યના અસ્તિત્વ માટે જળ-પ્લાવિત વિસ્તારો અત્યંત મહત્વપૂર્ણ છે. વિશ્વમાં આવેલા અત્યંત ફળદ્રુપ/ઉત્પાદક પર્યાવરણમાં અગત્યનું સ્થાન ધરાવે છે. અનેક ઉપયોગી જૈવિક વિવિધતાનું જન્મસ્થાન છે જે પાણીનો પુરવઠો પૂરો પાડે છે જેના પર અગણિત પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ નભે છે. આપણે અગાઉ પણ જોઈ ગયાં કે દરેક પ્રકારની પરિસર પ્રણાલી માનવ જાતને અને અન્ય સજીવોને જુદી જુદી સેવા (Ecosystem services) પુરી પડે છે. જળ-પ્લાવિત વિસ્તારો મીઠાં પાણીનો સ્રોત છે, ખોરાક અને બાંધકામ માટે કાચો માલ પૂરો પડે છે, જમીનના તળમાં પાણીનો સંગ્રહ કરે છે, વિવિધ સજીવોને આશ્રય સ્થાન પૂરું પાડે છે અને જળવાયુ પરિવર્તન સામે ટકી શકવાની પરિસ્થિતિ પેદા કરે છે.

આટલી અગત્યતા ધરાવતા હોવા છતાં અભ્યાસના તારણો બતાવે છે કે વિશ્વના મોટા ભાગના જળ પ્લાવિત વિસ્તારોની પરિસ્થિતિ કથળતી જાય છે જેના પરિણામ સ્વરૂપ આ અગત્યના પરિસર દ્વારા આપણને મળતી સેવાઓ જોખમમાં મુકાઈ રહી છે.

રામસર સાઈટ્સ:

આંતરરાષ્ટ્રીય સ્તરે અગત્યતા ધરાવતા જળ-પ્લાવિત વિસ્તારોને ‘રામસર સાઈટ’ કહેવામાં આવે છે. રામસર નામનું શહેર ઈરાનમાં આવેલું છે. સન ૧૯૭૧ ની સાલમાં રામસર ખાતે આયોજિત, જળ-પ્લાવિત વિસ્તારોના સંરક્ષણ અને સાતત્યપૂર્ણ ઉપયોગ બાબતના આંતરરાષ્ટ્રીય સંમેલનમાં એક સમજુતી પર ઘણાબધા રાષ્ટ્રોએ હસ્તાક્ષર કર્યા હતા. આ સંમેલનનો હેતુ તમામ અગત્યના જળ-પ્લાવિત વિસ્તારનું વૈશ્વિક સ્તરે સંરક્ષણ સુનિશ્ચિત કરવા માટે સ્થાનિક અને રાષ્ટ્રીય કાર્યવાહી તેમ જ આંતરરાષ્ટ્રીય સહકાર પ્રાપ્ત કરવાનો રહ્યો હતો. જળ-પ્લાવિત વિસ્તારોનું વ્યવસ્થાપન એક વૈશ્વિક પડકાર છે. રામસર સંમેલન, આવી આંતરરાષ્ટ્રીય સમજુતી પર હસ્તાક્ષર કરનારા ૧૬૦ રાષ્ટ્રો પાસે એક અતિ મહત્વપૂર્ણ પરિસર તંત્રની ઉચિત સંભાળની આશા સેવે છે. આ સંમેલન જળ- પ્લાવિત વિસ્તારોની બહોળી વ્યાખ્યા અપનાવે છે જેમાં દરેક સરોવર, નદીઓ, જમીનના ઊંડાણમાં આવેલાં પાણીના સ્તર, કાદવ-કીચડવાળા ખાબોચિયા, ભેજયુકત ઘાસિયા મેદાન, નદીઓના મુખ-પ્રદેશો, રણની વચ્ચે આવેલાં રણદ્વીપ, ડેલ્ટા, દરિયાની ભરતીથી પ્રભાવિત મેન્ગ્રોવ, કાંઠાળ વિસ્તાર, પરવાળાંના ખડકો અને માનવ સર્જિત મચ્છીમારીના તળાવ, ડાંગરના ખેતર અને મીઠાના અગરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આજે ૨૨૦૦ કરતા પણ વધારે આંતરરાષ્ટ્રીય અગત્યતા ધરાવતા જળ-પ્લાવિત વિસ્તારો ઓળખવામાં આવ્યા છે. રામસર સાઇટ્સની યાદી, વિશ્વના રક્ષિત વિસ્તારોને આવરી લેતું મોટામાં મોટું નેટવર્ક છે જેનો કુલ વિસ્તાર લગભગ ૨૧ લાખ વર્ગ કિલોમીટર થાય છે જે મેક્સિકો દેશના કુલ વિસ્તારથી પણ વિશાળ છે. સન ૧૯૭૪માં ઓસ્ટ્રેલીયામાં આવેલ કોબોર્ગ પ્રાયદ્વીપ (Cobourg Peninsula) ને પ્રથમ રામસર સાઈટ તરીકે જાહેર કરવામાં આવેલ. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં આવેલ ગીરી- તુમ્બા- મૈન્ડોમ્બે અને કેનેડા સ્થિત ક્વીન મૌદ અખાત સૌથી વિશાળ રામસર સાઈટ છે જેનો વિસ્તાર ૬૦,૦૦૦ વર્ગ કિલોમીટરથી પણ વધારે છે. યુનાઈટેડ કિંગડમમાં સંખ્યાની દ્રષ્ટીએ સૌથી વધારે જળ-પ્લાવિત વિસ્તારો (૧૭૦) આવેલાં છે અને મેક્સિકોમાં ૧૪૨ ની સંખ્યામાં છે. બોલિવિયા દેશમાં કુલ ૧, ૪૮,૦૦૦ વર્ગ કિલોમીટર વિસ્તારને રામસર સાઈટ તરીકે રક્ષણ મળ્યું છે.

ભારતમાં આવેલાં ૨૬ રામસર જળ-પ્લાવિત વિસ્તારોની યાદી નીચે મુજબ છે.

૦૧.

અષ્ટમૂડી જળ-પ્લાવિત વિસ્તાર

કેરળ

૦૨.

ભીતરકણિકા મેન્ગ્રોવ જંગલ

ઓરિસા

૦૩.

ભોજ જળ-પ્લાવિત વિસ્તાર

મધ્યપ્રદેશ

૦૪.

ચંદેરતાલ જળ-પ્લાવિત વિસ્તાર

હિમાચલ પ્રદેશ

૦૫.

ચિલ્કા લેક

ઓરિસા

૦૬.

દીપોર બીલ

આસામ

૦૭.

ઇસ્ટ કલકત્તા જળ-પ્લાવિત વિસ્તાર

પશ્ચિમ બંગાળ

૦૮.

હારીકે લેક

પંજાબ

૦૯.

હોકેરા જળ-પ્લાવિત વિસ્તાર

જમ્મુ અને કાશ્મીર

૧૦.

કંજલિ લેક

પંજાબ

૧૧.

કેઓલાદેવ ઘાના નેશનલ પાર્ક

રાજસ્થાન

૧૨.

કોલ્લેરુ લેક

આંધ્રપ્રદેશ

૧૩.

લોકટક લેક

મણીપુર

૧૪.

નળસરોવર પક્ષી અભયારણ્ય

ગુજરાત

૧૫.

પોઈન્ટ કેલીમીયર

તામિલનાડુ

૧૬.

પોંગ ડેમ લેક

હિમાચલ પ્રદેશ

૧૭.

રેણુકા જળ-પ્લાવિત વિસ્તાર

હિમાચલ પ્રદેશ

૧૮.

રોપડ લેક

પંજાબ

૧૯.

રુદ્રસાગર લેક

ત્રિપુરા

૨૦.

સાંભર લેક

રાજસ્થાન

૨૧.

સસ્થમકોટ્ટા લેક

કેરળ

૨૨.

સુરીન્સર મનસર લેક

જમ્મુ કાશ્મીર

૨૩.

ત્સોમોરીરી લેક

જમ્મુ કાશ્મીર

૨૪.

વેમ્બાનાડ કોલ જળ-પ્લાવિત વિસ્તાર

કેરળ

૨૫

અપર ગંગા રીવર

ઉત્તર પ્રદેશ

૨૬.

વુલર લેક

જમ્મુ કાશ્મીર

રામસર સંમેલનના ૩ પાયાના સિદ્ધાંતો દરેક સહી કરનાર દેશ દ્વારા સ્વીકારવામાં આવ્યા છે જેને ‘થ્રી પીલર્સ’ (Three Pillars) તરીકે ઓળખવામાં આવ્યા છે જે મુજબ, સહી કરનાર દરેક દેશ

1. પોતાના જળ-પ્લાવિત વિસ્તારોનો ઉચિત ઉપયોગ થાય તેવાં પગલાં લેશે.

2. અન્ય જળ-પ્લાવિત વિસ્તારોને ઓળખી અને તેવા વિસ્તારો રામસર યાદીમાં સમાવાય તેવી દરખાસ્ત કરશે અને તેમનું યોગ્ય વ્યવસ્થાપન સુનિશ્ચિત કરશે.

3. એકથી વધારે દેશોમાં ફેલાવો ધરાવતા/પ્રસરેલા જળ-પ્લાવિત વિસ્તારોની અને તેમાં આવેલાં સજીવ પ્રજાતિઓની જાળવણી માટે સહકાર આપશે.

તો મિત્રો, પર્યાવરણની જાળવણી પ્રત્યે જો સમસ્ત વિશ્વમાં આ પ્રકારની જાગૃતિ પ્રવર્તતી હોય અને વિવિધ રાષ્ટ્રો એકબીજાને સહકાર આપવા માટે કરારથી બંધાતા હોય તો દરેક નાગરિકની એ નૈતિક ફરજ બની રહે છે કે પોતે પણ એક જવાબદાર અને જાગૃત નાગરિક તરીકે પર્યાવરણનું જતન કરે. આમ કરવાથી આપણે પણું પોતાનું જ કલ્યાણ કરશું તે સમજવું અઘરું નથી.


નોંધ: પ્રસ્તુત લેખ ઈન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી આધારિત છે અને પિક્ચર ઈન્ટરનેટ પરથી લીધાં છે જેનો ઉદ્દેશ માત્ર અભ્યાસ અને જાગૃતિનો રહ્યો છે. કોઈ વ્યવસાયિક હેતુ રાખ્યો નથી.


શ્રી ચંદ્રશેખર પંડ્યાનાં સંપર્કસૂત્રો:

ઈ-મેઇલ : chp4491@gmail.com

મોબાઈલ નંબર: +૯૧ ૯૮૨૫૦ ૩૦૬૯૮

1 comment for “પરિસરનો પડકાર : ૧૮ ::: :ભારતના જળ – પ્લાવિત વિસ્તાર

  1. Purvi
    January 31, 2019 at 7:09 pm

    Bahu saras lekh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *