સાયન્સ ફેર :: વીતેલા વર્ષ દરમિયાન વિજ્ઞાનક્ષેત્રની કેટલીક રસપ્રદ ઘટનાઓ

Facebooktwitterredditpinterestlinkedinmail

જ્વલંત નાયક

વર્ષના ૩૬૫ દિવસો દરમિયાન વિજ્ઞાનની અનેક શાખાઓ-પ્રશાખાઓમાં એટલું બધું બની જાય છે કે એનું લિસ્ટ બનાવવવા માટે બીજા ૩૬૫ દિવસની જરૂર પડે! ખેર, અહીં ઇસ ૨૦૧૮ દરમિયાન વિજ્ઞાન ક્ષેત્રે મળેલી અનેક સિદ્ધિઓ પૈકીની કેટલીક રેન્ડમલી સિલેક્ટેડ સિદ્ધીઓ વિષે, આ લેખની શબ્દમર્યાદામાં રહીને વાત કરીએ.

વિશ્વનું પ્રથમ GM બેબી :

નવેમ્બરમાં ચીનના એક સંશોધક હી જીનકુઈ (He Jiankui) દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે એને વિશ્વના સૌપ્રથમ જીન-એડીટેડ (GM) બાળકના ‘સર્જન’માં સફળતા મળી છે. આજકાલ દુનિયાભરના તબીબી સંશોધકો ‘ક્રિસ્પર’ પાછળ લાગ્યા છે. ક્રિસ્પર (CRISPR) શોર્ટ ફોર્મ છે, જેનું આખું નામ એટલે “ક્લસ્ટર્ડ રેગ્યુલરલી ઇન્ટરસ્પેસ્ડ શોર્ટ પેલીનડ્રોમિક રિપીટ્સ”. ક્રિસ્પર એટલે એવી એક ખાસ પ્રકારની બાયોલોજીકલ સિસ્ટમ-તંત્ર, જે મનુષ્ય સહિતના કોઈ પણ સજીવના ડીએનએમાં બદલાવ લાવી શકે. લુલુ અને નાનાહ નામની ટ્વિન્સ બાળકીઓ જ્યારે માતાના શરીરમાં ભ્રૂણ સ્વરૂપે હતી ત્યારે હી જીનકુઈએ ક્રિસ્પર ટેકનિકની મદદથી બન્ને ભ્રૂણના ડીએનએ ‘એડિટ’ કરેલા. આથી આ બન્ને બાળકીઓને વિશ્વની પ્રથમ ‘જીએમ બેબીઝ’ ગણવામાં આવે છે. હી જીનકુઈના દાવા મુજબ ડીએનએ એડીટીંગને કારણે આ બાળકીઓમાં એઇડ્સ જેવા જીવલેણ રોગ સામેની પ્રતિકારશક્તિ ડેવલપ થઇ શકી છે. જો કે વિજ્ઞાન જગતે જીન એડીટીંગના આવા કૃત્યને ‘અકુદરતી’ અને ‘રાક્ષસી’ ગણીને વખોડી કાઢ્યું છે! જો કે છેલ્લે મળતા સમાચાર મુજબ સંશોધક સાહેબની ધરપકડ કરવામાં આવી છે.

‘હીટવેવ’ની ચેતવણી :

Heat wave warning

ઓક્ટોબર મહિનામાં ‘ઇન્ટરગવર્મેન્ટ પેનલ ઓન ક્લાયમેટ ચેન્જ’ (IPCC) દ્વારા ગ્રીન હાઉસ ગેસીસના ઉત્સર્જન બાબતે વધુ એક વાર ચેતવણી અપાઈ છે. જો પૃથ્વીના ગોળા ઉપર ગરમી વધવા માટે જવાબદાર (કાર્બન ડાયોક્સાઈડ, મિથેન, નાઈટ્રસ ઓક્સાઈડ વગેરે) વાયુઓનું પ્રમાણ વધતું જ રહેશે તો પૃથ્વીવાસીઓએ જીવલેણ ‘હીટવેવ’ માટે તૈયાર રહેવું પડશે! આ ચેતવણી ઘણી ગંભીર છે, પરંતુ આપણે એને હમેશની માફક અવગણી નાખીશું એ વાતમાં કોઈ શંકા નથી! ખેર, આગળ વધીએ.

નાસા દ્વારા પાર્કર સોલાર પ્રોબનું લોન્ચિંગ :

વિખ્યાત અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ ઓગસ્ટ મહિનામાં સૂર્યના વાતાવરણનો અભ્યાસ કરવા માટે વિશ્વનું સૌપ્રથમ સોલર મિશન લોન્ચ કર્યું. સૌરમંડળ ઉપર સૂર્યની જે અસરો થાય છે, એનો અભ્યાસ કરવા માટે ભૌતિકશાસ્ત્રીઓએ એક ખાસ પ્રકારની વિદ્યાશાખાનો આવિષ્કાર કર્યો છે, જે ‘હેલિયોફિઝીક્સ’ તરીકે ઓળખાય છે. નાસા સંચાલિત ‘ગોડાર્ડ સ્પેસ ફ્લાઈટ સેન્ટર’માં હેલિયોફિઝીક્સ સાયન્સ ડિવિઝનની શાખા કાર્યરત છે, અને એના ડિરેક્ટર એલેક્સ યંગ નાસાના સોલાર મિશન સાથે સંકળાયેલા છે. એલેક્સ યંગ અને એમની ટીમ દાયકાઓથી સૂર્યના ગોળા પર થતી ગતિવિધિઓ અને સૌરમંડળ પર પડતી એની અસરોનો અભ્યાસ કરી રહી છે. સોલાર મિશનનો મૂળ હેતુ ‘સ્પેસ વેધર’ને સમજવાનો છે. આ માટે નાસાએ ઓગસ્ટમાં મોટરકારની સાઈઝનું ‘પાર્કર સોલાર પ્રોબ’ તરીકે ઓળખાતું વાહન સૂર્ય તરફ રવાના કર્યું છે. પાર્કર સોલાર પ્રોબ સૂર્યની બને એટલી નજીક જઈને માહિતી એકઠી કરશે. સૂર્ય તરફ યાન મોકલવાનો વિચાર જ કેટલો રોમાંચક છે, નહિ?!

ઇસરોની સિધ્ધી :

clip_image002

નાસા કંઈક નવું કરે તો આપણું ઇસરો ય ક્યાં પાછળ પડે એમ છે! ઇસ ૨૦૧૭નાં ફેબ્રુઆરીમાં ઈસરોએ એક જ રોકેટનો ઉપયોગ કરીને એકસાથે ૧૦૪ સેટેલાઇટ્સ અવકાશમાં તરતા મૂકેલા! (જે પૈકી ભારતના માત્ર ૩ સેટેલાઈટ હતાં, બાકીના બધા વિદેશી સેટેલાઇટ્સ હતાં) અને આ ઘટના બાદ ઇસ ૨૦૧૮ દરમિયાન ઈસરોએ બીજા ૩૨ સેટેલાઇટ્સ અવકાશે ચડાવ્યા! અને હરખની વાત એ છે કે વિરાટ કોહલીની જેમ મારફાડ સ્કોર કરી રહેલા ઇસરોનો જુસ્સો ઇસ ૨૦૧૯માં પણ અકબંધ રહેવાનો છે! ભવિષ્યમાં દુનિયાભરના સંદેશવ્યવહાર માટેના સેટેલાઇટ્સ આપણા ઇસરોને આભારી હોય એ કલ્પના જ કેટલી રોમાંચક છે! થ્રી ચિયર્સ ફોર ઇસરો!

ગર્ભાશયનું પ્રત્યારોપણ અને પ્રસૂતિ :

clip_image003

બ્રાઝીલના ડોક્ટર્સની એક ટીમે જબરદસ્ત ‘ગુડ ન્યૂઝ’ આપ્યા છે. સાઓ પાઉલો યુનિવર્સીટીની તબીબી શાખા સાથે સંકળાયેલા ડોક્ટર્સે સ્ટ્રોકને કારણે મૃત્યુની કગારે પહોંચેલ એક ૪૫ વર્ષીય સ્ત્રીનું ગર્ભાશય બીજી એક ૩૨ વર્ષની સ્ત્રીના શરીરમાં ટ્રાન્સ્પ્લાન્ટ કર્યું! (બ્રેઈન ડેડ જાહેર કરાયેલ લોકોના અંગો દાન કરવામાં આવે છે, એવું જ કંઈક આ કિસ્સામાં બન્યું.) આમ તો ગર્ભાશયનું ટ્રાન્સપ્લાન્ટ એ કોઈ નવા ન્યૂઝ નથી, ઇસ ૨૦૧૩માં સૌપ્રથમ યુટરસ ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન થઇ ચૂકેલું. પરંતુ અહીં મજાની વાત એ છે કે ગર્ભાશય મેળવનાર સ્ત્રીએ આઈવીએફ ટ્રીટમેન્ટ વડે ગર્ભધારણ કર્યો અને એક તંદુરસ્ત બાળકીને જન્મ સુદ્ધાં આપ્યો!

કોસ્મિક કિરણોનું રહસ્ય હાથવેંતમાં? :

Supernova blasts are nature’s particle accelerators

ઇસ ૧૯૧૨થી વૈજ્ઞાનિકોને કોસ્મિક કિરણો વિષે માહિતી છે. આ કિરણો ઇલેક્ટ્રોન, પ્રોટોન, મ્યુઓન, ન્યુટ્રીનોઝ અને ક્વાર્ક જેવા પાર્ટિકલ્સના બનેલા હોય છે. પરંતુ આ કિરણો કઈ રીતે-ક્યાંથી ઉદભવે છે, એ વિષે હજી સુધી કોઈ સચોટ માહિતી પ્રાપ્ય નથી. કેમકે આ કિરણો સીધી રેખામાં ગતિ નથી કરતાં, આથી એમને ટ્રેસ કરવું અશક્યવત છે. પરંતુ દક્ષિણ ધ્રુવ ખાતે સ્થપાયેલી ‘આઈસક્યુબ’ નામથી ઓળખાતી ન્યુટ્રીનો ઓબ્ઝર્વેટરીને આ વર્ષે કંઈક સફળતા મળી હોવાના સમાચાર છે. આગળ જતા ફિઝીક્સના કેટલાક અગત્યના કોયડાનો ઉકેલ ન્યુટ્રીનો ફીઝીક્સમાંથી મળી શકશે. કદાચ મસમોટા ઊર્જાસ્રોતની ભાળ પણ મળી આવે.

આધારભૂત ‘કિલોગ્રામ’

clip_image005

અને હા, છેલ્લે આપણા વજન માપવાના એકમ ‘કિલોગ્રામ’ની વાત. અત્યાર સુધી વજન માપવાનો આ એકમ પ્લેટિનમ સિલીન્ડરને (જે ‘લી ગ્રાન્ડ કે’ તરીકે પણ ઓળખાય છે) આધારભૂત ગણીને વ્યાખ્યાયિત હતો, પણ હવેથી કિલોગ્રામનો એકમ વ્યાખ્યાયિત કરવા માટે ‘પ્લાંક અચળાંક’ (યુનિવર્સલ કોન્સ્ટન્ટ)ને આધારભૂત ગણવામાં આવશે! જો સરખું ન સમજાયું હોય તો બિલકુલ ભી વરી નોટ, આપણે તો આમે ય ઈલેક્ટ્રોનિક મશીન પર જ વજન માપવાનું રહેશે!

સહુને નવા વર્ષની શુભેચ્છાઓ!


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.


Disclaimer: The images / videos in this post have been taken from net for non-commercial purpose. If there is any breach of copy right, and would be brought to our notice, it will be removed from here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *