ફિર દેખો યારોં : જળવિવેકની અઘરી કેળવણી જાતે જ મેળવવી પડશે

Facebooktwitterredditpinterestlinkedinmail

– બીરેન કોઠારી

સમાચાર આનંદના, છતાં નવાઈ પમાડે એવા છે. જો કે, ભલભલી વાતોની હવે નવાઈ નથી રહી એ અલગ વાત છે. ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં તેલંગણાના ભદ્રાદ્રિ કોઠાગુડમ જિલ્લાના ગામ ગોથિકોયાના ગ્રામજનો એક વિશિષ્ટ ઉજવણી માટે ભેગા થયા હતા. કાર્યક્રમ ફૂલહારથી સન્માનવાનો હતો. જેનું સન્માન થવાનું હતું એ કોઈ વ્યક્તિ નહીં, પણ પાણીના નળ હતા. આઝાદીના સાત સાત દાયકા પછી આ ગામમાં પીવાનું પાણી ઘર સુધી પહોંચે એવી સુવિધા ઉભી થઈ શકી હતી. મહેબુબનગર જિલ્લાના નાગસાલા ગામે પણ કેટલાક લોકોને પાણીના નળનાં જોડાણ આપવામાં આવ્યાં. આ જોડાણ કેટલાં આશીર્વાદરૂપ નીવડશે એ સમજાવવાની કોઈને જરૂર નથી. અગાઉ પાણી લેવા માટે આ ગ્રામજનોએ કિલોમીટર દૂર જવું પડતું હતું એ હવે બંધ થશે.

આ ગ્રામજનોને આવી પાયાની સુવિધા પ્રાપ્ત થઈ એ વાતે રાજી થવું કે આટલી મોડી મળી એ બાબતે અફસોસ વ્યક્ત કરવો એ સૌના મનની હકારાત્મકતા પર નિર્ભર છે. આ કાર્ય અસલમાં મ્યુનિસિપલ હદની બહાર આવેલાં પ્રત્યેક ઘરોમાં પીવાના પાણીનું જોડાણ આપવાની યોજના ‘મિશન ભગીરથ’ અંતર્ગત હાથ ધરવામાં આવ્યું છે. રાજ્ય સરકારની આ યોજનાનો શુભારંભ વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવ્યો હતો. માર્ચ, 2019 સુધીમાં બધું મળીને 1,04,749 કિ.મી. પાઈપો બિછાવવાનું લક્ષ્ય છે, જેની લંબાઈ પૃથ્વીના પરિઘ કરતાં અઢી ગણી છે. એક સરકારી યાદી મુજબ, આમાંની 1,02,200 કિ.મી. પાઈપો બિછાવવાનું કામ પૂરું થઈ ગયું છે. આ જોડાણોમાંના ઘણા નળોમાં પાણી આવતું થયું છે, અને ઘણામાં હજી તે બાકી છે. ઘેરબેઠાં પાણીની સુવિધા શરૂ થાય એ સાથે જ ગ્રામજનોના સ્વાસ્થ્ય, શિક્ષણ, રોજગાર જેવી અનેકવિધ બાબતોમાં દેખીતું પરિવર્તન થશે.

પાણીના જોડાણો આપવાની યોજના ઉત્તમ કહી શકાય એવી છે, પણ તેમાં વહેતું પાણી ક્યાંથી આવશે? આ એથી વધુ અગત્યનો સવાલ છે. આ સવાલને હમણાં બાજુએ રાખીને બીજા એક સમાચાર વિશે વાત કરીએ. વડોદરા સ્માર્ટ સિટી ડેવલપમેન્‍ટ લિ. દ્વારા શહેરના ત્રણ વિસ્તારોના દોઢેક લાખ નાગરિકોને ચોવીસે કલાક પાણી મળશે એવું આયોજન કરવાની ઘોષણા કરવામાં આવી છે. એટલે કે આ વિસ્તારોમાં હવે જળસેવાનું ખાનગીકરણ કરવામાં આવશે. આગામી ત્રણ વર્ષમાં આ પ્રકલ્પ અમલી બનશે. આ કામ માટે ટેન્‍ડર મંગાવવામાં આવ્યાં છે, અને મહાનગરપાલિકાના આ વિસ્તારોની પાણીની ટાંકીઓનું સંચાલન કોન્‍ટ્રાક્ટરને સોંપવામાં આવશે. કોન્‍ટ્રાક્ટરની વિવિધ ક્ષતિઓ બદલ વિવિધ રકમના દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. આ બધાની સાથે સૌથી અગત્યની બાબત એ છે કે આ વિસ્તારનાં તમામ ઘર પર પાણીનાં મીટર લગાવવામાં આવશે.

પાણીની છત યા અછત આખેઆખા પ્રદેશના લોકોની પ્રકૃતિ ઘડવામાં ચાવીરૂપ પરિબળ બની રહેતું આવ્યું છે. પાણીની અછતવાળા વિસ્તારોમાં રહેતા લોકો પ્રકૃતિએ ઝીણા હોય એવું સામાન્યપણે જોવા મળે છે, જ્યારે પાણીની છતવાળા વિસ્તારોમાં રહેનારાઓનો હાથ છૂટો હોવાનું જણાઈ આવે છે. જો કે, જે ઝડપે આપણે હવે જળસ્રોતો અને જળાશયોની બદતર હાલત કરી રહ્યા છીએ એ જોતાં પાણીના ઉપયોગનો વિવેક સૌએ કેળવવો હવે જરૂરી બની રહ્યો છે. પાણીના ઉપયોગ વિશેની બધી સમજણ હોવા છતાં હજી તેના ઉપયોગ બાબતે વિવેક કેળવાતો નથી એ નજરે પડતી સામાન્ય હકીકત છે. જરૂરિયાતની કોઈ પણ ચીજ સાથે નાણાંકીય મૂલ્ય સંકળાય એટલે એ ચીજ જરૂરિયાતને બદલે મોભાની વધુ બની જાય છે. પાણી બાબતે પણ આમ બને એ શક્યતા પૂરેપૂરી છે. તકલીફ એક જ છે કે પાણીને નાણાં વડે ખરીદી શકાય છે ખરું, પણ નાણાં વડે તેને પેદા કરી શકાતું નથી. છેલ્લું ચોમાસું નબળું જવાથી દુષ્કાળના એંધાણ વરતાવાના શરૂ થઈ ગયા છે. તેની સામે પાણીના ઉપયોગ અને વેડફાટ અટકાવવા બાબતે એટલી જાગૃતિ જણાતી નથી. કેમ કે, સૌ એમ જ માને છે કે પોતે પોતાની જરૂર પૂરતો જ પાણીનો ઉપયોગ કરી રહ્યા છે, અને જે લોકો પાણીનો પુષ્કળ વેડફાટ કરી રહ્યા છે તેમણે તે અટકાવવાની જરૂર છે. બીજું અને સૌથી ખતરનાક લક્ષણ એ છે કે પોતે એકલા પાણીને બચાવશે તો એનાથી પડી પડીને કેટલો ફેર પડશે?

પાણીનો વેડફાટ દેખીતું કારણ છે, જે સૌથી પહેલું નજરે પડે છે. હજી જળસ્રોતને દૂષિત કરતા અટકાવવા અંગે વિચારવું દૂરની વાત ગણાય છે. નાનામોટા ઉદ્યોગો દ્વારા જળસ્રોતને પ્રદૂષિત કરવામાં આવી રહ્યા છે, એનો અર્થ એમ નહીં કે નાગરિક તરીકે આપણે લોકો તેમાં પાછળ છીએ. જમીનની ઊંચી કિંમતો મેળવવાની લ્હાયમાં જળાશયો પૂરી દેવામાં આવી રહ્યાં છે, એમ જ્યાં જળાશયો બચ્યાં છે તેની હાલત પણ કંઈ સારી નથી. મોટે ભાગે તે કચરા અને પ્લાસ્ટિકના ઢગથી ખડકેલા ઉકરડાઓ બની રહ્યા છે. ગણેશોત્સવ કે મહોરમ જેવા તહેવારોનું પ્રદાન પણ જળસ્રોતને પ્રદૂષિત કરવામાં નાનુંસૂનું નથી. આ તહેવારોનું ભક્તિ, શક્તિ અને ગૌરવના પ્રદર્શનને બદલે પર્યાવરણની દૃષ્ટિએ મૂલ્યાંકન કરવાની જરૂર છે. આ તહેવારો ધર્મ સાથે સંકળાયેલા હોવાથી કાયદા થકી તેનો ઊકેલ આવે એ સંભવ લાગતું નથી. તહેવારો ભલે જે તે ધર્મની ઓળખ હોય, તેના થકી ફેલાતું પ્રદૂષણ અને એ પ્રદૂષણથી થતું નુકસાન ધર્મનિરપેક્ષ હોય છે એ હવે નહીં સમજીએ તો ક્યારે સમજીશું?

પીવાના પાણીના નળની સુવિધા હજી પણ સ્વપ્નવત હોય એ એક અંતિમ છે, પીવાના પાણીની સેવાનું ખાનગીકરણ થઈ રહ્યું હોય એ બીજું અંતિમ છે. આ બન્ને અંતિમોની વચ્ચે નાગરિકો તરીકેની આપણી વિવેકબુદ્ધિ છે, જેનો ઉપયોગ આપણે સતત કરતા રહેવાનો છે. તકલીફ એટલી જ છે કે વિવેકબુદ્ધિનું ખાનગીકરણ કરીને તેનું સંચાલન ખાનગી કોન્‍ટ્રાક્ટરને સોંપી શકાય એવી જોગવાઈ નથી. તેથી એ તકલીફ આપણે જ લેતા રહેવાની છે, અને એ પણ એક વખત કે કોઈ એક મુદ્દે નહીં, બલ્કે તમામ મુદ્દે અને સતત!


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં  ૩-૧-૨૦૧૯ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *