ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ : ભાગ ર : :આઝાદી માટેનો સંઘર્ષ : પ્રકરણ ૧૫: સામ્રાજ્યવાદી ભૂખ

Facebooktwitterredditpinterestlinkedinmail

દીપક ધોળકિયા

૧૮૨૪ અને ૧૮૪૪ વચ્ચે બે મહત્ત્વના વિદ્રોહ થયા. આજે એના વિશે વાત કરીએ. એક વિદ્રોહમાં અંગ્રેજોજી જીત થઈ પણ સૂરતનો વિદ્રોહ તદ્દન સામાન્ય માણસોનો હતો અને એમાં તે પછીનાં કોંગ્રેસની આગેવાની હેઠળ થયેલાં આંદોલનોનાં બીજ જોવા મળે છે.

<><><>

કિત્તુરની રાણી ચેનમ્મા

૧૭૯૯માં ટીપુ સુલતાનના મૃત્યુ પછી થયેલા વિદ્રોહોની આપણે વાત કરીએ છીએ ત્યારે એ ન ભૂલવું જોઈએ કે કંપનીએ પણ આવા વિદ્રોહીઓને પહોંચી વળવા નવી રીત અખત્યાર કરી હતી. ટીપુના વખતમાં લૉર્ડ મૉરિંગ્ટન (જે પછી લૉર્ડ વૅલેસ્લી તરીકે ઓળખાયો) ગવર્નર જનરલ હતો. એ જ અરસામાં નેપોલિયને ઈજિપ્ત પર હુમલો કર્યો હતો. ફ્રાન્સ અને ઇંગ્લૅંડ વચ્ચે તો દાયકાઓ જૂની દુશ્મની હતી. વૅલેસ્લીને આ સ્થિતિ ફાવી ગઈ. એણે નેપોલિયન કદાચ ભારત પર હુમલો કરે એવી આશંકા દેખાડીને પોતાની સામ્રાજ્યવાદી યોજના માટે કંપનીના લંડન ખાતેના માલિકોની મંજૂરી મેળવી લીધી. ટીપુ સામે કંપનીના દ્વેષનું એક કારણ પણ એ જ હતું કે ફ્રેંચ કંપની સાથે એની મિત્રતા હતી. વૅલેસ્લીને લાગ્યું કે નેપોલિયન ભારત તરફ વળે તો એને અંગ્રેજો વિરુદ્ધ ઘણા મિત્રો મળી જાય તેમ હતું.

વૅલેસ્લી કટ્ટર સામ્રાજ્યવાદી હતો. એણે પોતાની યોજના એ રીતે રજૂ કરી કે ભારતમાં રાજાઓ સતત લડતા રહે છે. આ સંજોગોમાં નેપોલિયન હુમલો કરે તો બ્રિટીશ કંપનીનો પરાજય થાય એમ હતું એટલે આખા ભારત પર અંગ્રેજોનું એકચક્રી રાજ સ્થાપવાનું જરૂરી છે. આના માટે એણે સામાન્ય લોકોના વિદ્રોહને દબાવવાને બદલે રાજાઓને દબાવવાની જરૂર દેખાડી. ટૂંકમાં, ગમે તે બહાને દેશી રાજાને હટાવવો અને એના પ્રદેશને બ્રિટિશ હકુમત નીચે લઈ આવવો. કંપનીએ નક્કી કર્યું કે કોઈ રાજા બિનવારસ મરી જાય તેનું રાજ્ય સંભાળી લેવું અને રાજાના વારસને મંજૂરી ન આપવી. આને ‘ડોક્ટ્રિન ઑફ લેપ્સ’ (રાજગાદીના અધિકારના અંતનો સિદ્ધાંત) કહે છે. આમ તો આ સિદ્ધાંતનું નામ લૉર્ડ ડલહૌઝી સાથે જોડાયેલું છે પણ ડલહૌઝી તો ૧૮૪૭થી ૧૮૫૬ દરમિયાન ગવર્નર જનરલ હતો. ખરેખર તો ૧૮૦૦ પછી જ આ નિયમ અમલમાં મુકાઈ ગયો હતો; ડલહૌઝીએ ‘ડૉક્ટ્રિન ઑફ લેપ્સ’ને માત્ર લેખિત નિયમનું રૂપ આપ્યું. એ આવ્યો તે પહેલાં જ કંપનીએ ત્રીસેક રાજ્યો ખાલસા કરી લીધાં હતાં. તેમાંથી, ગંગા-યમુનાનો દોઆબનો પ્રદેશ અને લગભગ આખો રોહિલખંડ તો વૅલેસ્લીએ ૧૮૦૧માં જ કબજે કરી લીધો હતો. ક્લાઇવ અને હૅસ્ટિંગ્સના દિવસોમાં દેશી રાજ્યો માટે ‘ગૌણ અધિકારો’નો નિયમ હતો. એટલે કે કંપનીના અધિકાર મુખ્ય અને રાજાના અધિકાર એના પછીના ક્રમમાં હોય. પરંતુ તે તો માત્ર કંપનીના વેપારને રક્ષણ આપવા માટે હતો, કારણ કે હજી કંપનીનું ધ્યાન માત્ર વેપાર પર હતું. વૅલેસ્લીએ એને વધારે આક્રમક રૂપ આપ્યું. વેપારનું મહત્ત્વ તો રહ્યું જ પરંતુ હવે કંપનીએ આ રાજ્યોને પોતાના નિયંત્રણ હેઠળ રાખવાનું શરૂ કર્યું. રાજાઓ પહેલાં મોગલોને ખંડણી આપતા તેને બદલે હવે એક પછી એક અંગ્રેજી કંપનીના ખંડિયા બનવા લાગ્યા.

મોટા ભાગે બધા મૂંગે મોઢે સહન કરી લેતા હતા પણ એક મહિલા શાસકનો ઉલ્લેખ થોડો વિસ્તારથી કરીએ. એ છે, કિત્તુરની રાણી ચેનમ્મા. એણે અંગ્રેજોની દાદાગીરીનો સખત મુકાબલો કર્યો.

image

કર્ણાટકના કિત્તુર રાજ્યના રાજાનું ૧૮૨૪માં મૃત્યુ થઈ ગયું. થોડા જ મહિનામાં એમના એકના એક પુત્રનું પણ અવસાન થયું. રાણી ચેનમ્માએ એક વારસ પસંદ કર્યો. પણ રાજ્ય પર સાર્વભૌમ સત્તા કંપનીની હતી. કંપનીને આમાં પોતાનું અપમાન જણાયું. કંપનીનો ‘ડૉક્ટ્રીન ઑફ લેપ્સ’ એવો હતો કે કોઈ સ્વતંત્ર રાજ્યનો રાજા બિનવારસ મરી જાય તો એ રાજ્ય સાર્વભૌમ સત્તા, એટલે કે કંપની હસ્તક ચાલ્યું જાય. તે પછી કંપની નક્કી કરે કે કોઈને દત્તક લેવાનો અધિકાર આપવો કે રાજ્ય ખાલસા કરી લેવું. શરૂઆતનાં વર્ષોમાં કંપનીએ પોતાની સગવડ મુજબ દત્તક લેવાની છૂટ પણ આપી, પરંતુ મોટા ભાગે તો રાજ્ય કંપનીના હાથમાં ચાલ્યું જતું હતું.

image

કિત્તુરને ધારવાડના કલેક્ટરને હવાલે કરી દેવામાં આવ્યું. કલેક્ટરે વારસને નામંજૂર કર્યો. રાણીએ આની સામે મુંબઈ પ્રાંતના ગવર્નર એલ્ફિંસ્ટનને અપીલ કરી. ગવર્નરે અપીલ નામંજૂર કરી અને ૧૮૨૪ના ઑક્ટોબરમાં કંપનીએ ભારે લાવલશ્કર સાથે કિત્તુર પર હુમલો કર્યો. પરંતુ રાણીના બહાદુર સેનાપતિ અમાતુર બાલપ્પાએ કંપનીને યાદ રહી જાય તેવો સજ્જડ જવાબ આપ્યો. કંપનીની મોટી ફોજ હારી ગઈ. કલેક્ટર અને રાજકીય રેસિડન્ટ સેંટ જ્હોન ઠેકરે માર્યો ગયો અને બે અંગ્રેજ અફસરો જીવતા ઝડપાયા. કંપનીને કિત્તુર રાજ્યનો પંદર લાખનો ખજાનો લૂંટવાની આશા હતી તેના પર પાણી ફરી ગયું.

હવે કંપનીએ એના બે માણસોને છોડાવવા માટે સમાધાનનો માર્ગ લીધો. રાણીએ શરત મૂકી કે કંપની લડાઈ બંધ કરે. એમણે શરત તો માની લીધી પણ બોલેલું પાળે કોણ? એમણે બમણા જોરથી બીજો હુમલો કર્યો. આ વખતે રાણી ચેનમ્માનો વફાદાર સહાયક સંગોળ્ળી રાયણ્ણા હતો. એણે લડાઈમાં ભારે સાહસ દેખાડ્યું. લડાઈમાં સોલાપુરનો અંગ્રેજ નાયબ કલેક્ટર માર્યો ગયો. પરંતુ અંતે રાણી ચેનમ્મા પરાજિત થઈ. અંગ્રેજોએ એને પકડી લીધી અને કેદ કરી. ૧૮૨૯ની બીજી ફેબ્રુઆરીએ કેદી અવસ્થામાં જ આ વીરાંગનાનું મૃત્યુ થયું. સંગોળ્ળી રાયણ્ણા કેદ પકડાયો નહોતો અને ૧૮૨૯ સુધી તો છાપામાર યુદ્ધ કરતો રહ્યો. અંતે એ પણ અંગ્રેજોના હાથમાં પડ્યો. એને ફાંસી આપી દેવાઈ.

<><><>

૧૮૪૪: સૂરતમાં મીઠાના કર વિરુદ્ધ પ્રજાનો વિદ્રોહ

૧૮૪૪માં મુંબઈ પ્રેસીડેન્સીની સરકારે મીઠા પરનો વેરો બમણો કરી નાખ્યો. એક મણ (૪૦ શેર એટલે કે આજના ૩૭ કિલોગ્રામથી થોડું વધારે) પરનો ટેક્સ આઠ આના (આજના ૫૦ પૈસા) હતો તે એક રૂપિયો કરી નાખ્યો. આની સામે ૨૧મી ઑગસ્ટથી ૩૧મી ઑગસ્ટ ૧૮૪૪ સુધી સૂરતમાં ભારે વિરોધ થયો. બધી જ દુકાનો બંધ રહી. વેપારીઓ સાથે વાતચીત કરવા સરકારે હિન્દુસ્તાની ઑફિસરોને મોકલ્યા પણ લોકોએ એમને મારીને ભગાડી મેલ્યા. ૨૯મી તારીખે લોકોની મોટી ભીડ અદાલતમાં આની સામે ફરિયાદ કરવા ગઈ. ભીડમાંથી કેટલાકે પથ્થરમારો કર્યો અને જજના ઘરની બારીઓના કાચ તોડી નાખ્યા. એના પર મિલિટરીએ ગોળીબાર કરતાં એક સ્ત્રીનું મૃત્યુ થઈ ગયું અને કેટલાયે ઘવાયા.

તે પછી સરકારે કર લાગુ ન કરવાનું જાહેરનામું બહાર પાડ્યું. એમાં સરકારે ભીનું સંકેલ્યું છે. જાહેરનામું કહે છે કે કર બમણો કરવાની સાથે નગરના બીજા કરવેરા રદ કરવાના હતા, પણ એનું જાહેરનામું બહાર પાડવામાં અનિવાર્ય કારણોસર વિલંબ થયો. આને કારણે લોકોને બેવડા કર ભરવા પડે તેમ હતા એટલે મીઠાના કરનો નવો દર લાગુ કરવાનું મુલતવી રાખવામાં આવ્યું !

image

શાંતિલાલ એમ. દેસાઈ એમના પુસ્તક ‘રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાત’ (સંદર્ભઃ નંદિની ઓઝાનો બ્લૉગ)માં કહે છે તેમ લગભગ ૩૦,૦૦૦ લોકોએ વિરોધમાં ભાગ લીધો. વિરોધ સંપૂર્ણ શાંતિપૂર્ણ રહ્યો. પરંતુ શાસકોની ફરજ વિશે જાગૃતિ કેળવાતી જતી હતી. આંદોલનની દોરવણી વેપારી મહાજન કરતું હતું એના એક આગેવાન દુર્ગારામના શબ્દો અંગ્રેજી શાસન વિરુદ્ધ લોકોની ભાવનાઓનો પડઘો ઝીલે છેઃ લોકો રાજા સમક્ષ રજુઆત કરે તે બરાબર છે, પણ રાજા કંઈ પગલું ભરે તેના પહેલાં લોકોનો અભિપ્રાય માગે તો જ. પરંતુ રાજા આવું ન કરે અને રૈયતને દબાવે તો લોકોએ રાજા સામે લડવું જોઈએ અને એને સજા કરવી જોઈએ અને કોઈ બીજાને રાજ્ય સોંપવું જોઈએ…..રાજાએ લોકોના સર્વોત્તમ ભલા માટે કામ કરવું જોઈએ, લોકો પ્રત્યે એને સહાનુભૂતિ હોવી જોઈએ. તેને બદલે જો એ લોકોનો વિરોધી બને, એમને ગરીબીમાં ધકેલી દે અને એક ક્ષેત્રના લોકોની, બીજા ક્ષેત્રના લોકોના ભોગે, એમને ગરીબ બનાવીને, જે લોકો સચ્ચાઈના માર્ગે ન ચાલતા હોય તેવા લોકોની તરફેણ કરે અને એ લોકો ધનવાન બની જાય અને આ વાત માત્ર અંગ્રેજોને જ નહીં દુનિયાના બધા રાજાઓને લાગુ પડે છે. આજ સુધી આપણે દુનિયામાં અને આપણા પોતાના દેશમાં ઘણાયે જુલમી શાસકો જોયા છે; એમને પ્રજાએ તગેડી મૂક્યા છે.”

 (ઘનશ્યામ શાહના પુસ્તક Democracy, Civil Society and Governanceમાં અચ્યુત યાજ્ઞિક અને સુચિત્રા શેઠના પુસ્તક The Shaping of Modern Gujaratમાંથી લીધેલું અવતરણ).

તે પછીનાં ચાળીસ વર્ષમાં ગાંધીજીના નેતૃત્વ હેઠળ શાંતિથી વિરોધ વ્યક્ત કરવાની લોકોની તાકાત સત્યાગ્રહનું અજોડ સાધન બની રહી.

મીઠા પરનો વેરો પાછો ખેંચ્યા પછી માત્ર ચાર વર્ષમાં ફરી વાર સૂરતે પોતાની શાંત તાકાત દેખાડી. સરકારે ગુજરાતમાં બંગાળી તોલમાપનાં ધોરણો લાગુ કર્યાં. સૂરતવાસીઓ સરઘસો, જાહેર સભાઓ, હડતાળોમાં મોટી સંખ્યામાં જોડાયા. અંતે જનતાની જીત થઈ અને સમર્થ અંગ્રેજ હકુમતે નમતું આપ્યું.

0000

સંદર્ભઃ

http://en.banglapedia.org/index.php?title=Pagal_Panthi_Movement

https://timesofindia.indiatimes.com/city/ahmedabad/Surat-was-first-to-revolt-against-salt-tax/articleshow/40538909.cms

http://nandinikoza.blogspot.com/2014/07/struggles-of-people-of-gujarat-against.html


શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો

ઈમેલઃ dipak.dholakia@gamil.com

બ્લૉગઃ મારી બારી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *