વ્યંગિસ્તાન : એસીને વાંકે બારણાને ડામ

Facebooktwitterredditpinterestlinkedinmail

કિરણ જોશી

‘કચરો વળાઇ રહ્યો છે. પંખો બંધ કરો.’ ‘હમણાં જ પોતું કર્યું છે. પંખો ચાલુ કરો.’ ‘અંદરના રૂમમાં ભેજવાળા કપડાં સુકવ્યા છે. પંખો ચાલુ કરી આવો.’ ‘છોકરાંવ પત્તાંનો મહેલ બનાવી રહ્યાં છે. પંખો બંધ કરો.’ ‘એસી ચાલુ છે. બારણું બંધ કરો.’ ‘એસી ચાલુ છે. બારી બંધ કરો.’ ‘એસી ચાલુ છે. કાચ ઊંચો ચઢાવો.’

ઘરેઘરે,કારેકારે આવા સંવાદો સાંભળવા મળતા હોય છે.પણ આ સંવાદોમાં પ્રગટપણે જોઈ શકાય એવો વિરોધાભાસ માત્ર એ લોકો નોંધી શકે છે જે એક મનોરંજન ચેનલ પર છેલ્લા પાંચ હજાર વર્ષોથી પ્રદર્શિત થતી સિરિયલ સીઆઇડી નિયમિતપણે જોતા હોય. ઉપરના તમામ સંવાદોમાં પંખાએ પરિસ્થિતિને અનુકુળ થવાની જ્યારે પરિસ્થિતિએ એસીને અનુકુળ થવાની ફરજ બજાવવી પડતી હોય છે. દરેક ક્ષેત્રમાં ઉચ્ચ-નિમ્નના ભેદભાવ ઘુસાડી ચૂકેલો માનવી હવાની બાબતમાં પણ રેગ્યુલર હવા અને વાતાનુકુલિત હવા પ્રકારના ભેદભાવ પાડવાનું ચુક્યો નથી.

ચાલુ એસી અને બંધ બારણાનો તર્ક અનેક વર્ષોની મથામણ પછી પણ એકેય તર્કશાસ્ત્રીની સમજમાં નથી આવી શક્યો. આ અંગેનો પ્રચલિત તર્ક છે:’જેતે ખંડને વાતાનુકુલિત કરવાનો હોય તે ખંડને હવાચુસ્ત કરવાથી એસીની ઠંડી હવા બહાર જતી ને બહારની ગરમ હવા અંદર આવતી અટકે છે.’ હવા અને પાણીને કોઈ બાંધી શક્યું છે ભલા! ઇજનેરોએ મોરબીમાં મસમોટો બંધ બાંધીને નદીના પાણીને રોકવાની કોશિષ કરી જોઇ હતી. મોટાંમોટાં કારખાનાંવાળાઓ બૉઇલરમાં હવાને ગરમ કરીને તેને બાંધી રાખવાની કોશિષ કરી જુએ છે. શું અંજામ આવ્યો હતો અથવા આવે છે? મોરબીમાં એ બંધ તૂટ્યો ને ભીષણ જળહોનારત નોંધાઇ;કેટલીકવાર આ બૉઈલર ફાટે છે ને કારખાનામાં કામ કરનારાઓ તેનો ભોગ બને છે. બારી-બારણાં બંધ કરીને વાતાનુકુલિત કરવા ધારેલો રૂમ ક્યારે ધડાકાભેર ફાટશે ત્યારે ક્યાં જશો,મિસ્ટર?

‘પ્રેમમાં અંધ થઈને ભલે તેં તારા એન્જિનિયર પ્રેમી સાથે લગ્ન કર્યા.પણ તારા મોબાઈલમાં દર ત્રણ મહિને અનલિમિટેડ ડેટા પ્લાન રિચાર્જ કરાવી શકે તેટલું ય વર્ષ દરમિયાન તે કમાઇ શકવાનો નથી.ખેર,તને ભૂલ સમજાય ને પાછા ફરવાનું મન થાયને, દીકરી, તો સંકોચ ના રાખીશ;તારા ડેડીના ઘરનાં દરવાજા તારી માટે ખુલ્લા જ છે.’-પ્રકારનાં સંવાદો પણ આજ-આવતીકાલની અર્બન ગુજરાતી ફિલ્મોમાં મૂકી શકાતા નથી. કેમકે અર્બન ગુજરાતી ફિલ્મોમાં દર્શાવવામાં આવતાં ઘરો બધાં એસીવાળા હોય છે;ને એસીવાળા ઘરનાં દરવાજા કેવી રીતે ખુલ્લા રાખી શકાય?

ઘરનો દરવાજો ગમે તેવો કલાત્મક હોય;તે સારો તો જ લાગે જ્યારે તે ખુલ્લો હોય.ખુલી ગયેલી મુઠ્ઠીની જેમ બંધ કરેલા દરવાજાની કોઈ કિંમત નથી.પૃથ્વી પરનો દેવતા એટલે કે આપણા ઘરે મહેમાનગતિ કરવા આવનાર અતિથિ એસીને કારણે બંધ કરેલા ઘરના બારણાને જોઈ વિચારે છે,’જે માણસ હુંફાળી હવાને ઘરમાંથી બહાર કાઢી રહ્યો છે તેને માણસની હુંફની શી જરૂર હશે? બારણાની પેલી બાજુએ ઠંડી હવા ખાઈ રહેલો યજમાન મને ઠંડો આવકારો નહીં આપે તેની શું ખાત્રી?’ આમ વિચારતો તે ઊનાઊના નિઃસાસા નાખતો ડોરબેલ વગાડ્યા વિના જ પાછો ફરે છે.

બંધ દરવાજાની અંદર એસીની મજા માણી રહેલી વ્યક્તિ ઘડીભર એ હકીકત ભૂલી જાય છે કે છેવટે તો આ દરવાજાની બહારની દુનિયા સાથે જ મારે પનારો પાડવાનો છે.લેંઘાનું નાડું,આદણીનો તૂટી ગયેલો પાયો, પલંગના પાયા નીચે લગાવવાનું રબર,થેલાની તૂટી ગયેલી ચેન ઇ. એસી તો ઠીક, પંખો પણ ના હોય તેવા પાથરણાવાળાઓને ત્યાં મળતા કે રિપેર થતા હોય છે. કાચના બંધ દરવાજાવાળા શોરૂમમાંથી મોં માંગી કિંમતે કપડાં વિ. ખરીદીને બિલ ચુકવીને ‘થેંક યુ’ કહી સૌજન્ય દાખવતો ગ્રાહક પાથરણાવાળા પાસે કૃષ્ણ મટીને સુદામા બની જાય છે.

‘આ દાતણ કેમ આપ્યા?’

‘બે રૂપિયાનું એક,સાહેબ.’

‘લે,દસનાં છ આપી દે.’

‘નથી પોસાય એમ, સાહેબ.’

‘આમાં શું પોસાય ને ના પોસાય? ચાલ,દસનાં છ આપી દે. મારે હજુ એસીમાં,સૉરી, સીટીમાં જવાનું છે ને મોડું થાય છે.’

‘મારા છોકરાની સોગન,સાહેબ,નથી પોસાતું. મહિને હજાર રૂપિયા તો ફૉરેસ્ટવાળા લઈ જાય છે.’

છેવટે મોં મચકોડી કશુંક બબડતા-બબડતા બેનો સિક્કો આપી તમે છ દાતણ ખરીદો છો.ને ‘થેંક યુ’? આવા આમજનોને શું ‘થેંક યુ’ કહેવાનું?

એસીવાળા બંધ કમરામાં વ્યક્તિનું વર્તન જોઇ તેના વિશે અભિપ્રાય ન બાંધવો. વાતાનુકુલિત કમરામાં સજ્જન ભાસતી વ્યક્તિ હકીકતમાં આપણા સૌના જેવી જ હોય તેમ બને. બંધ બારણાની ભીતર સ્ત્રી-પુરૂષ સમાનતાની હિમાયત કરતી દલીલો કરતો બૌધ્ધિક પોતાના ઘરમાં શરદીનો કોઠો ધરાવતી પોતાની પત્નીની અનિચ્છા છતાંય બેડરૂમમાં ધરાર એસી ચાલુ રાખતો હોય એમ બને. વાતાનુકુલિત હૉલમાં બિનસાંપ્રદાયિકતાની વકીલાત કરતો વક્તા તાજ મહાલનો ઉચ્ચાર તેજો મહાલય તરીકે કરતો હોય એમ બને.

કહેવાય છે કે મહારાષ્ટ્રના શિંગણાપુર ગામે દરેક ઘર દરવાજા વિનાનાં છે. ‘એસી ચાલુ હોય ત્યારે દરવાજો બંધ’વાળી થિઅરી પર શિંગણાપુર ગામ વજ્રપ્રહાર ગણાવી શકાય. શું શિંગણાપુરવાસીઓ એસી નહીં વાપરતા હોય! કારમાં રિઅરવ્યુ કેમેરા હોવા છતાં કાર રિવર્સ લેતી વખતે જરૂરી ન હોવા ચાલક આદતવશ પોતાનું મોંઢું પાછળ તરફ ફેરવે છે તેમ એસી ચાલુ કરનારો જરૂરી ન હોવા છતાં આદતનો માર્યો બારણું બંધ કરતો હોય છે.

ઠંડી હવાના એક લાભને લેવા જતાં આપણે કેટલા લાભ ગુમાવીએ છીએ તેનો કદીક હિસાબ માંડીશું તો સમજાશે કે બારી-બારણાં વાસીને આપણે ખોટનો વેપાર કર્યો છે. પડોશીને ઘેર મજાનો ઝગડો જામ્યો છે ને તમે બારણું બંધ કરીને એસીની હવા ખાઇ રહ્યા છો.રવિવારી સવારે સામનેવાલી અગાશીમાં કોઈ ભીનાં કેશ ઝાટકી રહ્યું છે ને તમેશાક માર્કેટમાં ચાલીસના અઢીસો મળે છે તે કંકોડા ત્રીસના અઢીસોના ભાવે તમારી સોસાયટીમાં વેચાવા આવ્યા છે ને તમેતમારા ઘર આગળ આવીને ભરથરી વાજિંત્ર વગાડીને સુરીલા અવાજે ‘પરદેસી પરદેસી જાના નહીં’-વાળું ગીત છેડે છે ને તમે…

માનવ-માનવ વચ્ચે દીવાલો તો પહેલેથી જ ઊભી થયેલી છે. એ દીવાલોમાં જે બારી-બારણાં હતાં તે પણ હવે એસીને લીધે બંધ થવા લાગ્યા છે.


શ્રી કિરણ જોશીનો  kirranjoshi@gmail.com વીજાણુ સરનામે સંપર્ક થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *