વિમાસણઃ સાચું…… બોલવું જોઈએ કે નહીં ?

Facebooktwitterredditpinterestlinkedinmail

સમીર ધોળકિયા

કોઈ ને એમ લાગે કે આ તો કેવો સવાલ છે? સાચું તો બોલવું જ જોઈએ ને ! પણ આપણે જીવંત માણસો વચ્ચે રહીએ છીએ અને આ જગતમાં જીવીએ છીએ એટલે બીજાં પાસાં પણ તપાસવાં પડે , ભલે એ સાચું ન બોલવાના બહાનાં લાગવાનાં હોય !.

આપણા વ્યવહારમાં એવું ઘણું કહેવાયું છે જે સત્યને બીજી બાજુથી જોવા માટે પણ પ્રેરે. દા. ત. સત્ય બોલવું પણ પ્રિય બોલવું, મીઠું બોલવું . પણ સત્ય કાયમ પ્રિય જ લાગે તેવું થોડું છે? મોટે ભાગે તો સત્ય સાંભળવું ખૂબ આકરું છે, અને પોતાના વિષે હોય ત્યારે તો ખાસ ! બહુ જુનું અને જાણીતું સૂત્ર “સત્યમ શિવમ સુન્દરમ’ પણ કાયમ માટે સત્ય નથી હોતું! મહામાનવ ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ સત્ય બોલવું અને આચરવું તે વિશે એક અમુલ્ય દસ્તાવેજ છે. પણ આપણે અહીં મહાત્માના સ્તરથી એક પગલું ઊતરીને સત્ય બોલવા વિષે વાત કરીએ છીએ.

એટલે પહેલી વાત તો એ કે સાચું બોલવું ત્યારે ધ્યાન રાખવું કે સાંભળનાર કોણ છે. પોતે કરેલ કોઈ પણ કામ વિષે બોસ આપણો અભિપ્રાય પૂછે તો થોડો જ પ્રમાણિક અભિપ્રાય અપાય? સત્ય બોલવું જરૂરી છે, પણ નોકરી હોવી વધારે જરૂરી છે! એવી જ રીતે, યુવાનીમાં એવી કઈ વ્યક્તિ હશે જેણે ઘરે મોડા આવવા બદલ વડીલ ખુલાસો માગે ત્યારે સંપૂર્ણ પ્રમાણિક જવાબ આપ્યો હશે? હા, બિલકુલ ખોટો જવાબ નહિ આપ્યો હોય તો ગોળ ગોળ જવાબ આપ્યો હશે, પણ સંપૂર્ણ સાચો જવાબ તો નહિ જ આપ્યો હોય! જે વીરલાઓ કાયમ સત્ય બોલતા હોય તેમનું એક એવું સર્વેક્ષણ કરવું જોઈએ કે સાચું બોલતા રહેવાને લીધે તેઓ હાલ કેવી દશામાં છે અને તેઓનો હવે શું અભિપ્રાય છે સાચું બોલવા માટે!

એક વસ્તુ નક્કી છે. સાચું બોલવું ખુબ અઘરું છે અને તેના માટે હિંમત જોઈએ; પણ ખરી હિંમત તો સાચું સાંભળવામાં છે. સાચું બોલનારે ઘણી વાર પરસ્પરના સબંધો દાવ પર લગાવી દેવા પડે છે, પણ સત્ય સાંભળવા માટે તો બહુ કઠણ કાળજું જોઈએ અને મનના અરીસામાં અણગમતું પ્રતિબિંબ જોવાની તૈયારી જોઈએ. જાત વિશેનું સત્ય પચાવવું સૌથી અઘરું છે. બીજા માટે સત્ય બોલવું એટલું અઘરું નથી, ખાસ કરીને એનાથી આપણને નુકસાન થવાની શક્યતા ના હોય ત્યારે! પણ પોતાના વિષે સત્ય સાંભળવું અને પચાવવું ખૂબ અઘરું છે.

દરેક વ્યક્તિએ ક્યારેક તો અસત્યનો સહારો લીધો જ હોય છે. કાયમ ૧૦૦% સાચું બોલનારા ફક્ત વાર્તા કે દંતકથાઓમાં જ હોય છે. એ ખરું છે કે અસત્ય લાંબા ગાળાનું નુકસાન કરે છે અને એ પણ ખરું કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી સાચું જ બોલવું જોઈએ, પણ આ “શક્ય હોય ત્યાં સુધી” બહુ ભ્રામક છે અને એનો ટેકો લઈને ડગલે ને પગલે અસત્ય ઉચ્ચારાતાં હોય છે. સાચો માપદંડ તો છે સત્ય સાંભળવા પર સામાને થનાર લાગણીનો અને અસત્યથી તેને થનાર ટૂંકા કે લાંબા ગાળાના નુકસાનનો. જો મીઠા-મીઠા અસત્યથી સામેવાળાને નુકસાન થઈ રહ્યું હોય તો અપ્રિય અને કડવું સત્ય બોલી જ નાખવું પડે, ભલે એની લાગણી દુભાય અને આપણી સાથેના સંબંધો વણસી જા .

સત્ય બોલવામાં મોટામાં મોટો ફાયદો એ છે કે બોલનારે બોલેલું યાદ રાખવું પડતું નથી. અસત્ય બોલનારે સતત સજાગ રહેવું પડે છે કે ક્યાંય ભૂલ ન થઇ જાય અને સત્ય બોલાઈ ન જાય!

સત્ય કે અસત્ય બોલવું તેને સ્થળ અને કાળના પરિપેક્ષ્ય માં મૂલવવું જોઈએ. નિરપેક્ષ રીતે નહિ. અસત્ય બોલવાનો ઉદેશ્ય સારો અને ભલું કરવાનો હોય એટલે એ અસત્ય સત્ય તો નથી બની જતું, પણ એવું અસત્ય બોલવાની નૈતિક છૂટ મળે છે. એ પણ કબૂલવું રહ્યું કે ગમે તેટલું કરો, અસત્ય એ અસત્ય જ રહે છે. આપણી સમક્ષ મહાભારતના યુધિષ્ઠિરનો “ નરો વા કુંજરો વા” વાળો દાખલો સામે છે જેમાં યુધિષ્ઠિરનું આચરણ સમજી તો શકાય છે, પણ માફ કરી શકાતું નથી.

વ્યવહારમાં, કૂટનીતિમાં અને રાજનીતિમાં એ ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે સાચું જરૂર કહેવું અને ભારપૂર્વક કહેવું, પણ સામા પક્ષને ખરાબ ના લાગે એ રીતે કહેવું . આમ કરી શકનાર જ સાચો કૂટનીતિજ્ઞ કહેવાય. અંગત અને કૌટુંબિક બાબતોમાં તો લાગણી દુભાય નહિ તે પણ ધ્યાન રાખવું પડે. બાકી સત્ય અને અસત્ય હંમેશાં સાપેક્ષ હોય છે એટલે મારું સત્ય અને સામા પક્ષનું સત્ય અલગ હોઈ શકે છે. સાચું બોલવું એ તો એક સાધના છે જે કરવી જ પડે છે પણ તેમાં ભારોભાર વિવેક જાળવવો પણ ખુબ જરૂરી છે .

સત્ય-અસત્યની આ બધી વાતો અંગત વ્યવહાર માટે છે. કોર્ટમાં તો સોગંદ સાથે સાચું બોલવું જ પડે છે! ઓફીસમાં પણ એવું જ. વ્યવહાર કે સંબંધ અમુક હદ સુધી જ સાચવવાના હોય. છેલ્લે તો સાચું જ કહેવું પડે અને સાચું લખવું પણ પડે.

સત્ય માટેની બધી નૈતિક દલીલો સાચી,પણ એવાં કયાં મા-બાપ હશે જે ત્યારે સાચું કહેવાની હિંમત બતાવે કે જ્યારે તેમની યુવાન પુત્રી એમને પૂછે: “ હું કેવી લાગું છું ?”

૦૦૦૦૦૦૦૦૦૦૦૦

શ્રી સમીર ધોળકિયાનો સંપર્ક spd1950@gmail.com સરનામે થઈ શકશે.

2 comments for “વિમાસણઃ સાચું…… બોલવું જોઈએ કે નહીં ?

 1. January 8, 2019 at 5:36 am

  ન બોલ્યામાં નવ ગુણ – એવી કહેવત પણ છે !

  • Samir
   January 9, 2019 at 3:08 pm

   અને બોલે એના બોર વેચાય !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *