સંસ્કૃતિની શોધમાં : ૧ : વો ઘડી આયેગી…આયેગી…આ ગઈ….

Facebooktwitterredditpinterestlinkedinmail

પૂર્વી મોદી મલકાણ

આ સફરની શરૂઆત ક્યાંથી કરું? જ્યાં, જે વર્ષમાં મેં પાકિસ્તાન છોડયું હતું ત્યાંથી, તે જ ઘડીથી શરૂ કરું? કારણ કે અતીતમાં રહેલ પાકિસ્તાનની એ ભૂમિને, એ વર્ષને, એ પળને મેં ક્યારેય છોડી જ નથી. તેથી આજે ફરીથી અતીતની એ જ સ્થિર થયેલી પળોથી મારી બીજી સફર શરૂ કરું છું. મારી પ્રથમ પાકિસ્તાન સફર પૂરી થયા પછી બીજી વાર પાક પ્રવાસ કરવાનું મન વારંવાર થતું. પણ દર વર્ષે કોઈને કોઈ કારણસર એ પાક-પ્રવાસ પાછળ ઠેલાઈ જતો હતો. આખરે અમે ફરીથી નિશ્ચય કર્યો કે આ વર્ષે તો પાકિસ્તાન જઈએ જ. એકવાર નક્કી કર્યું પછી અમે અમારા પાસપોર્ટ અને અન્ય ખાસ ડોકયુમેંટોંની તૈયારી કરવા લાગ્યાં. આ તૈયારીમાં ૨૦૧૧ના કેટલાક ડોકયુમેંટ્સ પણ કામ આવ્યાં. ડોકયુમેંટ્સની તૈયારી કર્યા પછી વારો આવ્યો વિઝા મેળવવા માટે પાસપોર્ટ મોકલવાનો. આખરે એક દિવસ અમે નક્કી કર્યું કે હવે પા.પો મોકલી દઈએ. જેથી કરીને બે-ત્રણ અઠવાડિયામાં વિઝા મળી જાય. પણ કોણ જાણે શું સૂઝયું કે અમે પાક એમ્બેસીમાં ફોન કર્યો તો જાણવા મળ્યું કે વિઝા મેળવવા માટે ઓછામાં ઓછા ત્રણ મહિના લાગશે. વિચાર આવ્યો કે પાકિસ્તાનને કોઈ બિઝનેસ જોઈએ છે કે નહીં? ત્રણ મહિના ને એ ય કેવળ વિઝા મેળવવા માટે? પણ ચર્ચા કરવાનો કોઈ અર્થ ન હતો. જેટલો સમય લાગવાનો હતો તેટલો જ લાગવાનો હતો. આથી વિચારવા લાગ્યાં કે હવે શું કરવું. કારણકે એકવાર પાસપોર્ટ એમ્બેસીમાં મોકલી દઈએ તો અમે યુ.એસ.ની ક્યાંય બહાર ન નીકળી શકીએ અને અમારે માટે બીજી ઓફિસટૂર લાઇનમાં ઊભી જ હતી. તેથી વિચાર કર્યો કે પહેલા પાકિસ્તાન.એમ્બેસીને જ પૂછી જોઈએ કે શું કરવું. આથી અમે પાકિસ્તાન એમ્બેસીમાં ફોન કર્યો. તેઓએ કહ્યું કે તમે બીજો પાસપોર્ટ બનાવો અને અમને મોકલી આપો તેથી કરીને વિઝા પ્રોસેસ શરૂ થઈ જાય અને મૂળ પાસપોર્ટ વડે તમે બીજી ટૂર કરી શકો. આ વાત સાંભળી અમે બીજા પાસપોર્ટ માટે યુ.એસ એમ્બેસીમાં અરજી આપી. આ બીજો પાસપોર્ટ અમને બીજે જ અઠવાડિયે મળી ગયો જે અમે પાકિસ્તાન એમ્બેસીમાં મોકલ્યો અને એ ત્યાંથી વિઝા સાથે આવે તે પહેલાં અમે અમારી બીજી ટૂરમાં નીકળી ગયાં. પહેલાં આ ટૂરમાં જર્મની, પાકિસ્તાન અને ચાઈના હતું; પણ વિઝા પ્રોબ્લેમને કારણે અમારી ટૂરનો રાહ બદલાઈ ગયો.

પાક એમ્બેસીમાં વિઝા માટે મોકલેલો અમારો પાસપોર્ટ પાછો આવે તે પહેલા અમેરિકામાં વાતાવરણ બદલાઈ ચૂક્યું હતું. ટ્રમ્પ સરકારનાં રોજ નવાં નખરાં સામે આવતાં હતાં. અમે અમારી ૨૦૧૬ની એ ટૂરમાંથી પાછા આવી ગયાં પણ હજુ અમને પાસપોર્ટ મળ્યો ન હતો તેથી અમે વિચાર્યું કે કદાચ ક્રિસમસ ગિફટ તરીકે અમને પાક વિઝા મળી જશે. પણ અમારી ક્રિસમસ પણ પાકની ગિફટ વગર જતી રહી. ક્રિસમસ દરમિયાન ભારતથી મહેમાન આવેલાં. તેથી જાન્યુઆરીમાં તેમની સાથે અમારો ફ્લોરિડાનો પ્રવાસ શરૂ થયો. આ પ્રવાસ દરમ્યાન અમને ખબર પડી કે પાકે અમારો પાસપોર્ટ વિઝા સાથે મોકલી આપ્યો છે. આ સમાચારથી અમે બહુ ખુશ થયાં, પણ હવે સવાલ એ હતો કે વિઝા કેટલા મહિના માટે મળ્યો છે. અમે ઘરે જઈને ચેક કર્યું તો ખબર પડી કે વિઝા ત્રણ મહિનાનો છે, પણ આ ત્રણ મહિના તો પાક એમ્બેસીએ અમારો પાસપોર્ટ પકડી રાખ્યો હતો તેથી હવે આ ત્રણ મહિનામાંથી કેવળ ૨૦ દિવસ બચ્યાં છે. હવે અમે સમયસર ન નીકળીએ તો આ વિઝા નકામો થઈ જાય. આથી અમે અમારા મહેમાનને જલદી જલદી બીજે ઘેર મોકલ્યાં અને અમે અમારી બેગ પેક કરી. ત્યાં અમેરિકન એમ્બેસીમાંથી અમને સમાચાર મળ્યાં કે અમારે પાકિસ્તાન જવું કેન્સલ કરવું કારણ કે ટ્રમ્પ સરકાર નથી ઇચ્છતી કે તેમના કોઈ નાગરિકો ત્યાં જાય. આ વાત સાંભળતાં જ અમારા મનમાં ઊછળતાં કૂદતાં વિચારોને મોટા ઝટકા સાથે બ્રેક લાગી ગઈ. અમને થયું અરે, આ અત્યારે છેલ્લી ઘડીએ આ સાપ ક્યાંથી નીકળ્યો? હવે શું કરવું? આ અંગે જેમ જેમ નજીકના લોકો સાથે વાત કરવા લાગી તેમ તેમ બધાંયે હવે અમને આગળ વધવાનો નકાર કરી દીધો. આટલું ઓછું હોય તેમ ઓફિસવાળા પણ ડરી ગયાં. બધાંનો ડર અને ના છતાંયે અમે બંનેએ વિચાર કર્યો કે ગયાં વખતે પણ આમ જ હતું, ને ભવિષ્યમાં પણ આમ જ થશે. શું આપણે દરવખતે ડરીને બેસી રહીશું? ઘણાં વિચારને અંતે અમને લાગ્યું કે આપણાં મૂળ કાર્યક્રમને વળગી રહીએ. આમ વિચારી અમે નીકળી પડ્યાં અને અમારા આ વખતનાં પ્રવાસનો રૂટ બનાવ્યો જર્મની, પાકિસ્તાન, મસ્કત અને ભારત. આવવા જવાના સમય સાથે એક અઠવાડિયું જર્મની, બે અઠવાડિયાં પાકિસ્તાન, ૩ દિવસ મસ્કત અને લગભગ બે અઠવાડિયાં ભારતમાં. આ કાર્યક્રમમાંથી અમારો પ્રથમ મુકામ હતો જર્મનીના લાડેનબર્ગ ટાઉનમાં.


ક્રમશ:


©પૂર્વી મોદી મલકાણ. યુ.એસ.એ || purvimalkan@yahoo.com

2 comments for “સંસ્કૃતિની શોધમાં : ૧ : વો ઘડી આયેગી…આયેગી…આ ગઈ….

 1. Samir
  January 8, 2019 at 1:13 pm

  સરસ.
  બીજા હપ્તા ની આતુરતા પૂર્વક રાહ જોવું છું .
  આભાર,પૂર્વીબેન !

 2. Meena
  January 9, 2019 at 3:15 am

  Bahu Utavale hoon vaanchi gai , aagal no episode jyare aavshe?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *