લ્યો, આ ચીંધી આંગળી : જૂનાગઢના નવાબસાહેબનું આ કેવું કુટુંબકલ્યાણ !

– રજનીકુમાર પંડ્યા

ચશ્મબદ હો દૂર મનકા શીકસ્તા સર ભી હો,

લો સરકાર સોરઠ જી.સી.આઈ.. હુવે.

                           અથવા

કે.સી.એસ.આઈ.કા ઈસસે પહેલે પાયા થા ખિતાબ,

અબ હય જી.સી.આઈ..સોરઠ કા શેરે તાજદાર

આ બન્ને કાવ્યપંક્તિઓ તો જૂનાગઢના નવાબ માટે લખાયેલા લાંબા પ્રશસ્તિ કાવ્યોમાંથી લેવામાં આવી છે.

બ્રિટિશ રાજ્યે જૂનાગઢના નવાબ મહાબતખાનજીને બક્ષેલા આ ખિતાબોનો અર્થ સમજવા જેવો છે. આ ઈલ્કાબોમાંથી કે.સી.એસ.આઈ.નું આખું રૂપ છે નાઈટ કમાન્ડર ઓફ ધી સ્ટાર ઓફ ઈન્ડિયા”. અને બીજા જી.સી.આઈ.ઈ.નો પૂરો શબ્દવિસ્તાર છે નાઈટ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધી મોસ્ટ એમીનન્‍સ ઓર્ડર ઓફ ધી ઈન્ડિયન એમ્પાયર ઓગણીસસોની સાલની બીજી ઓગસ્ટે જન્મેલા નવાબ મહાબતખાન(મહોબતખાન નહિં)ને દેશભક્તિ તો ના કહેવાય, પણ અંગ્રેજ સરકારની રાજ્યપરસ્તી બદલ આ બન્ને બહુમાનો મળ્યાં એ તો સમજાય, પણ અગાઉ એ જ્યારે સગીર વયના હતા ત્યારે પણ એવું એક બહુમાન મળી ચૂક્યું હતું ! તે એટલા માટે કે એ વખતે બાળનવાબ ચૌદ વરસના હતા એટલે રાજ્યનો વહીવટ તો બ્રિટિશ સરકારે જૂનાગઢ પર મૂકેલા વહીવટદાર કરતા હતા. પણ એ વખતે યુરોપમાં પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું અને આવીરીડ પડી’ એટલે અજમેરની મેયો કોલેજમાં બાળનવાબે ભણતા ભણતા પણ જૂનાગઢ વહીવટદારને તાર કરીને રાજ્યના ત્રણ વિમાનો બ્રિટિશ સરકારને મદદ માટે આપી દેવા વિનંતી કરી. એ દિવસોમાં એક વિમાન ચાલીસ હજારમાં થતું હતું. આ ઉપરાંત સરકારને વર્ષે પાંચ લાખ આપવાની પણ ભલામણ કરી. તરત જ બ્રિટિશ સરકાર તરફથી બે ત્રણ વરસમાં નવાબસાહેબની કદર કરવામાં આવી ! જૂનાગઢના નવાબને આમ ધોરણસર અગિયાર તોપોની સલામી મળે, પણ હવેથી આ બાળારાજાને ખાસ કિસ્સા તરીકે પંદરની આપવી એવું જાહેર થયું.. આ જાહેરાત થતાં જ પ્રજાના હર્ષનો પાર ન રહ્યો. કારણ કે એ વરસે નવાબસાહેબ હજુ અઢાર વર્ષના જ હતા. એટલે કે સગીર હતા.

image

(નવાબ મહાબતખાનજી)

પ્રજા હર્ષના અવસર શોધ્યા જ કરતી હોય. એટલે એવો એક હર્ષનો અવસર આવ્યો. નવાબસાહેબ મહાબતખાનજી વીસ વરસના પુખ્ત બન્યા કે તરત જ ૧૯૨૦ની ૩૧મી માર્ચે એમની તાજપોશી ઉર્ફે તખ્તનશીની કરવામાં આવી. એ દિવસે બ્રિટિશ સરકારના હાકેમોની હાજરીમાં સવારના નવ વાગતાં નવાબસાહેબ બહાઉદ્દીન કોલેજના વિશાળ હોલમાં ભર્યા દરબારમાં સોનાચાંદીની ગાડીમાં બિરાજીને પધાર્યા. પછી એજન્ટ ટુ ધી ગવર્નરે વહીવટદારની જગ્યાએ નવાબને રાજ્યકર્તા તરીકે જાહેર કર્યા. એકવીસ તોપોની સલામી થઈ. માત્ર ચાર લાખ પાંસઠ હજાર ચારસો ત્રાણું માથાની વસ્તી ધરાવતા જૂનાગઢ રાજ્યની હાથ પરની સિલક હતી એ વખતે પંચોતેર લાખ રૂપિયા અને કરજના બોજા વગરની બાંધી થાપણો હતી એક કરોડને બાંસઠ લાખ. આમ જૂનાગઢ માત્ર અઢી કરોડની મૂડીવાળું રાજ્ય બન્યું.

image

(જૂનાગઢ રાજ્યનું ચિહ્ન)

પણ પ્રજાને માટે આનંદ ઉલ્લાસનો વધુ એક અવસર આ વર્ષે રાહ જોતો હતો

એ આવ્યો ૧૯૨૧માં. ભોપાળના રાજવી કુટુંબના સાહેબઝાદી મુનવ્વરજહાં સાથે એમનું લગ્ન થયું. કાઠિયાવાડના દરેક રાજવી પધાર્યા. નજીકના પોરબંદર રાજ્યે તો મોતીગંજ નામનો હાથી આખો લગ્નભેટ તરીકે આપ્યો. નવાબસાહેબ સ્પેશ્યલ ટ્રેઈનમાં પરણવા માટે ૨૯મી માર્ચે ગયા અને છઠ્ઠી એપ્રિલે પરત થયા. આખા શહેરમાં રોશની અને ધૂમાડાબંધ ભોજન! સેન્ટ્રલ જેલના ૩૧ કેદીઓને ખુશાલીમાં છૂટા કરવામાં આવ્યા.

આ લગ્ન પછી હર્ષનો પ્રસંગે જે ક્રમમાં આવવો જોઈએ તે ક્રમમાં આવ્યો. ભોપાળવાળાં બેગમ મુનવ્વરજહાંએ ૧૯૨૨ની તેવીસમી જૂને રાતે શાહજાદાને જન્મ આપ્યો. નામ પાડવામાં આવ્યું મોહમ્મદ દિલાવરખાન. ચોવીસમીએ સવારે પંદર તોપ ફોડવામાં આવી. બે દિવસની રજા જાહેર થઈ. વાઈસરોયથી માંડીને શહેનશાહ પંચમ જ્યોર્જ તરફથી મુબારકબાદીના તાર આવ્યા. ૩૦મીએ પ્રજાજનો તરફથી મિસ્ટર ગિરધરલાલ માધવરાય ધોળકીયાએ તહેનીયતનામું (સેવાપત્ર)વાંચી સંભળાવ્યું, જેમાં “નુરચશ્મ વલીએહદ શાહઝાદા સાહેબ’ની દિનપરદિન નીહાયત તંદુરસ્તીની કામના કરવામાં આવી..

image

(નવાબ દિલાવરખાનજી)

નવાબસાહેબને પણ આ પ્રસંગ “અપૂર્વ” ખુશાલીનો લાગ્યો. તેથી ખેડૂતોને અમુક સાલ સુધીનો કર માફ, બ્રાહ્મણોની ચોર્યાસી નાત જમાડવી, રક્તપિત્તગ્રસ્તોને મિષ્ટાન્ન, શાળામાં સાકર વહેંચણી અને ફાંસીકેદી ઢેઢ દેવસુર વાલાની દેહાંતની સજા માફ કરીને જન્મટીપ કરી આપી અને લૂંટારા જમાલ મૂસા અને ગીગા રાણાને સજામાં અરધ માફી આપી.

વળી ખુશાલીના પ્રસંગો આવ્યા. એ જ બેગમની કૂખે ૧૯૨૩ની ૧૯મી જૂને શાહજાદી તાજબખ્તનો જન્મ. એના રાજીપામાં તો રાજ્યના વિસાવદર તાલુકામાં તાજપુર અને એક માબતપૂર એ ગામો નવા સ્થાપવામાં આવ્યા.

વળી એક વરસ થયું ને વળી ૧૯૨૪ની ફેબ્રુઆરીએ બીજા બેગમ આમનાબીબીએ એક શાહજાદા મોહમ્મદ હિમંતખાનને જન્મ આપ્યો. પાંચ જ મહિના પછી ત્રીજાં બેગમ ચમનબીબી કુતિયાણાવાળાએ ભેટ ધરી એક શાહજાદા-શમશેરખાનની.

૧૯૨૫માં ફરી આનંદિત થવાનો મોકો જન્મ્યો. નવાબસાહેબ વળી બે સંતાનોના બાપ બન્યા. આમનાબીબી સાહેબાએ મોહમ્મદ ઈકબાલખાનને અને ભોપાળવાળા મુનવ્વરજહાંબેગમે ઉમરાવબખ્ત નામની બેટીને આપ્યો. આ સાથે નવાબસાહેબ પાંચ વર્ષમાં છ સંતાનોના ખુશનસીબ બાપ બન્યા.

પછી ?હવે તો ખમૈયાને ?

ના. એ તો બહુ દૂરની વાત ! ૧૯૨૭ના ઓગસ્ટમાં આમનાબીબીએ વળી એક બેટી ઈનાયતબખ્તને જન્મ આપ્યો.

વળી એ જ સાલમાં થોડું કુટુંબ કલ્યાણ ! ૧લી એપ્રિલે જૂનાગઢવાળા બેગમે એમને રાહતબખ્ત નામની શાહજાદીની ભેટ ધરી. વળી મોં મીઠું કરવાનો પ્રસંગ આવ્યો. ૧૯૩૦ના ડિસેમ્બરની પાંચમીએ જૂનાગઢવાળા બેગમસાહેબાને પેટે નવા શાહઝાદા મોહમ્મદ ઝોરાવરખાનનો જન્મ થયો. તો વળી કુતિતાણાવાળા બેગમે નુરબખ્ત નામની શાહજાદીને અને લકાજહાંબેગમે કુલસુમબખ્ત શાહઝાદીને જન્મ આપ્યો.. વળી સારા ઉપર સારા ખબર -૧૮મી નવેમ્બરે ૧૯૩૧ના દિવસે જૂનાગઢવાળા બેગમસાહેબા મોહમ્મદ સખાવતખાન નામના શાહજાદાની માતા બન્યાં.

નવાબસાહેબે ફરી જૂનાગઢ રાજ્યની વસ્તી ગણતરી કરાવી. કુલ પાંચ લાખ પિસ્તાલીસ હજાર ત્રણસો એક થાય. એમાં અર્ધા મરદ, અરધી ઔરત. બસ, બારતેર હજાર મરદો વધારે.

image

(ગાયકોને સો રૂપિયાની બક્ષિસ આપવાનો હુકમ)

હવે શાહજાદાઓની સુન્નતનો સમય થયો. જે ૧૯૩૩ની છઠ્ઠી ફેબ્રુઆરીના રોજ કરવામાં આવી. મોટો મેળાવડો થયો આતશબાઝી કરવામાં આવી. ગાર્ડનપાર્ટી થઈ. દૂર દૂરના રજવાડાના ડેપ્યુટેશનો એમાં ભાગ લેવા આવ્યા. નવાબસાહેબે મારા શાહઝાદાઓના શિક્ષણનું આ માંગલિક ક્રિયા દ્વારા પ્રથમ પગથીઉં છે તેમ ગણ્યું.

વળી એ જ વરસમાં કુતિયાણાબેગમની કૂખે શાહજાદી સુલતાનબખ્તનો જન્મ પછી શાહજાદા ગુલામમોહમ્મદખાનનો જન્મ અને થોડા જ માસ પછી ૧૯૩૪ની સાલમાં શાહજાદા મોહમ્મદ યુસુફખાનનો જન્મ થયો જૂનાગઢવાળા બેગમની કૂખે.

બસ, આથી આગળ જવાનું નવાબસાહેબને મુનાસિબ નહીં લાગ્યું હોય. તેર વર્ષમાં પંદર સંતાનોથી વધારેના બાપ બનવાનું તો કદાચ નવાબોના નવાબને પણ ના પરવડે એમ લાગ્યું હશે.

**** **** ****

image

(પોતાના પ્રિય કૂતરા સાથે નવાબ)

૧૯૪૭ની સાલમાં આઝાદી મળ્યા પછી પાકિસ્તાન સાથે જોડાવાનો નિર્ણય કરવાની જબરી ભૂલ દીવાન સર શાહનવાઝખાન ભુટ્ટોની ગેરદોરવણીથી કરીને પછી આરઝી હકૂમત દ્વારા ભીંસમાં આવતા પાકિસ્તાન ભાગી જનાર આ છેલ્લા નવાબ મહાબતખાનજી ત્રીજા વિષે અનેક સ્મૃતિકથાઓ, દંતકથાઓ અને વ્યંગકથાઓ મશહૂર છે. તેમના અનિદ્રાના રોગ સાથે ભેળસેળ થઈ ગયેલા ગાંડા નાટકશોખની વાતો, લશ્કર જેવું લશ્કર થાય એટલી સંખ્યામાં કૂતરા પાળવાને અને તેમને પરણાવવા વિષેની એમની થોડી અતિરંજક કથાઓ છે.

image

(પાકિસ્તાનમાં નવાબ મહાબતખાનજી ત્રીજા)

રાજ્યમાં વ્યાપેલા જુલમ અને ભ્રષ્ટાચાર અને અવધિની અનેક કથાઓ છે. જો કે એકે વાત સાવ કપોળ-કલ્પિત નથી. પણ સત્ય છે કે ભારત છોડીને ગયા પછી એ પારાવાર પસ્તાયા. અરે, અહીંથી કેશોદથી પ્લેન દ્વારા નાસી છૂટતી વખતે પણ વતનની માટીને એમણે ચપટી ભરીને પોટકી વાળીને ચૂમી ગજવામાં મૂકી દીધી હતી. નહેરૂ સમક્ષ ભારત પાછા ફરવાની ઈચ્છા પણ વ્યક્ત કરેલી ને એમની સાથે પાકિસ્તાન ગયેલા ડોક્ટર દિનસુખરાય વસાવડાની ડાયરી પ્રમાણે તો નવાબસાહેબે પોતે ભારત પાછા ક્યારે ફરી શકશે તે અધીરાઈથી જાણવા જ્યોતિષીઓનો આશરો લીધેલો. પણ એમના પંદર સંતાનોમાંથી પણ કોઈ ભારત પાછું ફરી શક્યું ? ન જાને.

(ડોક્ટર દિનસુખરાય વસાવડાની ડાયરી એમના સુપુત્ર ગિરીશભાઇ વસાવડાએ મને 1977 માં સોંપેલી. હું એ દિવસોમાં વેરાવળમાં વિજયા બૅન્કનો મેનેજર હતો અને ગિરીશભાઇ ત્યાં ફીશરીઝ ડિપાર્ટમેન્ટમાં સારા હોદ્દે હતા. એ ડાયરી કદાચ હજુ મારા ઘરમાં ક્યાંક સચવાયેલી છે. નખશીખ નાગરી સજ્જન ગિરીશભાઇના પુત્ર (નામ ભૂલાઇ ગયું છે) એક વારવાર મુસાફરીમાં ક્યાંક મળી ગયેલા ત્યારે તેમણે મને તેમના પિતાના નિધનના દુઃખદ સમાચાર આપેલા. તે સજ્જન (પુત્ર) ફરી મને મળશે તો આનંદ થશે. -લેખક)

**** **** ****

લેખક સંપર્ક-

રજનીકુમાર પંડ્યા –

બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦

મો.95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન-079-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com

Facebooktwitterredditpinterestlinkedinmail

11 comments for “લ્યો, આ ચીંધી આંગળી : જૂનાગઢના નવાબસાહેબનું આ કેવું કુટુંબકલ્યાણ !

Leave a Reply to Tarangini Vasavada Cancel reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.