ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – 13

Facebooktwitterredditpinterestlinkedinmail

ચિરાગ પટેલ

पू.आ. ६.४.२ (६१६) वसन्त इन्नु रन्त्यो ग्रीष्म इन्नु रन्त्यः। वर्षाण्यनु शरदो हेमन्तः शिशिर इन्नु रन्त्यः॥

વસંતઋતુ ખરેખર આનંદદાયક છે. ગ્રીષ્મ આનંદદાયક છે. વર્ષા, શરદ, હેમંત અને શિશિર પણ આનંદદાયક છે. (વામદેવ ગૌતમ)

ભૌગોલિક રીતે પૃથ્વીના ભારતીય ઉપખંડમાં છયે ઋતુઓ – વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત અને શિશિર, અનુભવાય છે. આ શ્લોકમાં ઋષિ વામદેવ ગૌતમ વસંત અને ગ્રીષ્મનો વધુ મહિમા ગણે છે. ભારતના ઉત્તર, ઈશાન અને વાયવ્ય પ્રદેશમાં વસેલા લોકો માટે વસંત સાથે ગ્રીષ્મ પણ આનંદદાયક હોઈ શકે. એથી આ શ્લોકને વેદોનું રચનાસ્થળ ભારત હોવાના મતની પુષ્ટિ માટે લઈ શકાય.

पू.आ. ६.४.३ (६१७) सहस्त्रशीर्षाः पुरुषः सहस्त्राक्षः सहस्त्रपात्। स भूमिँ सर्वतो वृत्वात्यतिष्ठद्दशाङ्गुलम्॥

હજારો મસ્તકવાળા, હજારો આંખોવાળા અને હજારો પગવાળા વિરાટપુરુષ છે. એ સમસ્ત બ્રહ્માંડને આવરે તો પણ દશ આંગળ વધારે રહે છે. (નારાયણ)

पू.आ. ६.४.४ (६१८) त्रिपादूर्ध्व उदैत्पुरुषः पादोऽस्येहाभवत्पुनः। तथा विष्वङ्व्यक्रामदशनानशने अभि॥

પૂર્ણ પુરુષ ત્રણ પગવાળા છે. તે ઉંચા સ્થાન પર વાસ કરે છે. આ પૂર્ણ પુરુષથી જ સંપૂર્ણ સંસાર ઉત્પન્ન થાય છે. ચેતન અને જડ સર્વે એમનો વિસ્તાર છે. એ વિવિધ સ્વરૃપોવાળા છે અને સમસ્ત સંસાર એમનામાં સમાયેલો છે. (નારાયણ)

पू. आ. ६.४.५ (६१९) पुरुष एवेदँ सर्वं यद्भूतं यच्च भाव्यम्। पादोऽस्य सर्वा भूतानि त्रिपादस्यामृतं दिवि॥

થઈ ગયેલી સૃષ્ટિ અને જે બનવાની છે એ સૃષ્ટિ, સર્વે વિરાટ પુરુષ છે. એમના એક ચરણમાં બધાં પ્રાણી અને ત્રણ અનંત અંતરિક્ષમાં રહેલાં છે. (નારાયણ)

पू.आ. ६.४.६ (६२०) तावनस्य महिमा ततो ज्यायाँश्च पूरुषः। उतामृतत्वस्येशानो यदन्नेनातिरोहति॥

આ જગતનો જેટલો વિસ્તાર છે, વિરાટ પુરુષ એનાથી પણ મોટા છે. આ અમર જીવજગતના પણ તે સ્વામી છે. જે અન્ન દ્વારા વૃદ્ધિ પામે છે તેનાય તે સ્વામી છે. (નારાયણ)

पू.आ. ६.४.७ (६२१) ततो विराडजायत विराजो अधि पूरुषः। स जातो अत्यरिच्यत पश्चाद्भूमिमथो पुरः॥

એ વિરાટ પુરુષથી બ્રહ્માંડ ઉત્પન્ન થયું. એમાંથી અન્ય પુરુષ ઉત્પન્ન થયાં. ત્યાર પછી, એમણે સહુ પ્રથમ પૃથ્વી અને પછી શરીરધારીઓને ઉત્પન્ન કર્યાં. (નારાયણ)

નારાયણ ઋષિના પાંચ શ્લોકનો સમૂહ સામવેદના બીજા શ્લોકોથી ઘણો જ ભિન્ન છે. આપણે માનીએ છીએ કે, મહર્ષિ વેદવ્યાસ કૃષ્ણ દ્વૈપાયને વેદના ભાગ પાડ્યા અને પુરાણોની રચના કરી. આ માન્યતાનું પુષ્ટિકરણ કરે એવા આ શ્લોક છે. આ પાંચ શ્લોકમાં વેદ, પુરાણ અને ઉપનિષદનો સમન્વય છે. ઉપનિષદોમાં વિરાટપુરુષની વિભાવના ઘણા વિસ્તારપૂર્વક છે.

અહીં ઋષિ વિરાટપુરુષની વ્યાખ્યા કરે છે. એમના હજારો અંગોરૂપે વિરાટપુરુષ સમસ્ત બ્રહ્માંડમાં વ્યાપ્ત છે અને સર્વેના દ્રષ્ટા છે એવો ભાવ છે. વળી, જડ અને ચેતનરૂપ સમગ્ર સમષ્ટિ પણ એમનામાં જ વ્યાપ્ત છે. અહીં ત્રણ ચરણનો ઉલ્લેખ છે એ વામન અવતારની કથાને મળતો આવે છે.


શ્રી ચિરાગ પટેલનાં સપર્કસૂત્રઃ

· નેટજગતનું સરનામું: ઋતમંડળ

· ઈ-પત્રવ્યવહારનું સરનામું: chipmap@gmail.com

1 comment for “ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – 13

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *