ફિર દેખો યારોં : મરવું હોય તે મરો, વિકાસનું તરભાણુ ભરો

Facebooktwitterredditpinterestlinkedinmail

– બીરેન કોઠારી

આપણા માટે, એટલે કે માનવજાત માટે એક વિચિત્ર મૂંઝવણ અત્યારે જોવા મળે છે. ઔદ્યોગિક ક્રાંતિથી શરૂ થયેલી પૂરપાટ વિકાસની દોટ એની ચરમસીમાએ પહોંચી છે. આ વિકાસની પર્યાવરણ પર થતી વિપરીત અસર વિષે હવે પૂરેપૂરી જાણકારી મળી ચૂકી છે, અને તેનાં માઠાં પરિણામોના પરચા મળવાની શરૂઆત પણ થઈ ગઈ છે. તેને પગલે ઊભી થયેલી જાગૃતિએ આપણને અમુક પગલાં લેવાં પ્રેર્યાં છે. પર્યાવરણને ધ્યાનમાં રાખીને તેની જાળવણી અર્થે ઘણી સરકારી સંસ્થાઓ કાર્યરત બની છે. વિકાસનાં વિવિધ કામની શરૂઆત કરતાં અગાઉ પર્યાવરણને લગતી કાનૂની જોગવાઈઓમાંથી પાર ઉતરવાના કાયદા બનવા લાગ્યા છે. આમ છતાં, હજી આપણે સુધરવાનું નામ લેતા નથી. કાયદા બને એટલે તેનું પાલન કાગળ પર થઈ જાય એની વ્યવસ્થા પણ આપણે શોધી લઈએ છીએ. આથી કાગળ પર બધું સચવાઈ જાય છે, અને પર્યાવરણની બગડતી જતી સ્થિતિ ઓર બગડતી જાય છે.

આવાં અનેક ઉદાહરણોમાં એકનો ઉમેરો તાજેતરમાં થયો. પર્યાવરણ મંત્રાલયના નેજા હેઠળ કાર્યરત વાઈલ્ડલાઈફ ઈન્‍સ્ટિટ્યૂટ ઓફ ઈન્‍ડિયા (ડબલ્યુ.આઈ.આઈ.)એ અરુણાચલ પ્રદેશના દિબાંગ ખીણપ્રદેશ અને લોહિત જિલ્લામાં જળવિદ્યુતના બે પ્રકલ્પ માટે લીલી ઝંડી આપી. આ વિસ્તાર જૈવવિવિધતા ધરાવતા દેશના સૌથી મોટા વિસ્તારોમાંનો એક છે. ડિસેમ્બર, 2012માં અહીં વાઘનાં ત્રણ બચ્ચાં મળી આવ્યા પછી હજી ગયા મહિને જ અહીં અગિયાર વાઘની હાજરી હોવાનું માલૂમ પડ્યું છે. અહીં જળવિદ્યુતના જે બે પ્રકલ્પ મંજૂર થયા છે એમનાં નામ છે ‘ડેમવી’ અને ‘એટાલિન’. આમાંનો ‘ડેમવી’ પ્રકલ્પ કમલાંગ અભયારણ્યની સાવ પાસે છે. પર્યાવરણવિદો દ્વારા લોહિત નદીના વહેણ પર આ પ્રકલ્પની વિપરીત અસર થવા અંગે ભય વ્યક્ત કર્યો છે. ગંગામાં નિવાસ કરતી ‘ગેન્ગેટિક ડોલ્ફિન’ તેના આવાસ લુપ્ત થતા રહેવાને કારણે અમસ્તી પણ જોખમગ્રસ્ત પ્રજાતિમાં આવી ગઈ છે. આમ થવાનું મુખ્ય કારણ નદી પર બનતા બંધ અને જળવિદ્યુતના પ્રકલ્પ જ છે. સ્વાભાવિકપણે જ આ પ્રકલ્પથી તેની પર જોખમ વધવાનું. તદુપરાંત ‘બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી’ના નિયામક અસદ રહેમાની દ્વારા આ સ્થળનો અભ્યાસ 2014માં કરવામાં આવ્યો હતો, જેમાં જણાવાયું હતું કે વૈશ્વિક સ્તરે અતિશય મહત્વની હોય એવી ઔષધિય વનસ્પતિઓ આ વિસ્તારમાં છે. ‘પરશુરામ કુંડ ઔષધિય વનસ્પતિ જાળવણી ક્ષેત્ર’ તરીકે ઓળખાતા આ વિસ્તારનો મોટો હિસ્સો આ પ્રકલ્પને કારણે ડૂબાણમાં જશે. ‘એટાલિન’ પ્રકલ્પ થકી થનારી અસરો પણ ઓછી નથી. તેના વિસ્તારમાં વનનું વિશાળ ક્ષેત્ર આવે છે. અઢારેક ગામોને અસર કરવા ઉપરાંત તેમાં આશરે બે લાખ એંસી હજાર વૃક્ષોને કાપવાં પડશે. આને કારણે પર્યાવરણ પર થનારી વિપરીત અસરોની કલ્પના જ કરવી રહી!

આ સંદર્ભે ડબલ્યુ.આઈ.આઈ.ની ભૂમિકા અતિશય અગત્યની બની રહે છે. પર્યાવરણ મંત્રાલય તેના અભ્યાસ અહેવાલને આધારે જે તે પ્રકલ્પને મંજૂર કે નામંજૂર કરી શકે છે. આટલી દેખીતી અસરોને અવગણીને જે તે પ્રકલ્પની તરફેણમાં આ સંસ્થા સાનુકૂળ અહેવાલ આપે તો સમજાય એવું છે કે તેનું વજૂદ ઔપચારિક કાર્યવાહી પૂરતું જ મર્યાદિત છે. અગ્રણી અખબાર ‘ઈન્‍ડિયન એક્સપ્રેસ’માં પ્રકાશિત અહેવાલ અનુસાર એટાલિન પાવર પ્રોજેક્ટ માટે મંત્રાલયે ડબલ્યુ.આઈ.આઈ.ને આ પ્રકલ્પ માટે ‘ફીઝીબિલીટી રિપોર્ટ’ (પ્રકલ્પનું વ્યવહારુપણું ચકાસતો અહેવાલ) તૈયાર કરવાની સૂચના આપી, કેમ કે, આ પ્રકલ્પમાં ખીણના વન્યવિસ્તારની 1,166 હેક્ટર જમીનનો મામલો હતો. મંત્રાલયની આ સૂચનાને પગલે ફોરેસ્ટ એડવાઈઝરી કમિટી (એફ.એ.સી.) દ્વારા પર્યાવરણ પર થતી અસરોના મૂલ્યાંકનનો અભ્યાસ હાથ ધરવાની ભલામણ કરવામાં આવી. તેને બદલે ડબલ્યુ.આઈ.આઈ. દ્વારા આ પ્રકલ્પની પર્યાવરણ પર થતી વિપરીત અસરોને શી રીતે ઘટાડી શકાય એ બાબતનો અભ્યાસ હાથ ધર્યો. આનો સીધો અર્થ એ થાય કે પ્રકલ્પને મંજૂરી મળી ગઈ છે એમ માનીને જ આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો. આ સંસ્થા પોતે પોતાની મતિ મુજબ ચાલીને આમ કરી શકે એ શક્યતા ઓછી છે. એમ હોય તો એનો એ અર્થ પણ થાય કે તે પોતાના મૂળભૂત ઉદ્દેશને અનુસરી રહી નથી.

અલબત્ત, વિકાસની ઝપટમાં આ વિસ્તાર આવી ગયો એનાથી નવાઈ પામવા જેવું નથી. ગયે મહિને જ માર્ગ અને પરિવહન મંત્રાલય મંત્રી નિતીન ગડકરીએ મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં માર્ગવિકાસના અનેક પ્રકલ્પોને લીલી ઝંડી દેખાડી છે. આ વિસ્તારમાં આવેલું વાઘનું તાડોબા અભયારણ્ય તેનાથી અસરગ્રસ્ત થશે, કેમ કે, વાઘના ક્ષેત્રમાંથી સોએક કિ.મી. લંબાઈના રોડ પસાર થશે. એથી પહેલાં, જુલાઈ મહિનામાં કર્ણાટકના માર્ગ અને પરિવહન વિભાગે બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. 766 પર વાહનવ્યવહારનો રાતનો પ્રતિબંધ ઉઠાવી લેવાની માગણી કરી છે. આમ થાય તો રાત્રિના સમયે વાહનો સાથે થતી પશુઓની ટક્કરનું પ્રમાણ વધશે એમાં શંકા નથી.

આમ જોવા જઈએ તો સો વરસ પહેલાંની અને અત્યારની સ્થિતિમાં શો ફરક પડ્યો? ત્યારે માણસ પશુઓનો શિકાર મોજ ખાતર કરતો હતો. પર્યાવરણ પર થતી વિપરીત અસરો વિશે જાગૃતિ આટલા પ્રમાણમાં નહોતી. તેથી આડેધડ વિકાસ થતો રહ્યો. આટલાં વરસોમાં આપણે વધુ જાણકાર બન્યા. અનેક નવાંનવાં ક્ષેત્રો ખેડાયાં. પર્યાવરણ અંગે જાગૃતિ અગાઉ ક્યારેય નહોતી એ હદે પેદા થઈ. પણ તેનાથી ફરક શો પડ્યો? પહેલાં જે કામ આપણે વગર વિચાર્યે કે અજાણપણે કરી રહ્યા હતા, એ જ કામ હવે જાણીબૂઝીને, વિકાસના ઓઠા હેઠળ કરી રહ્યા છીએ.

પર્યાવરણનો એકદમ ખંતપૂર્વક વિનાશ કરવો, ત્યાર પછી તેની જાળવણી માટે કાર્યક્રમો અને સંસ્થાઓ બનાવવી, તેના અભ્યાસ અને અહેવાલોને અવગણીને વિનાશને ચાલુ રાખવો એટલું જ નહીં, વિકાસ માટે તેની અનિવાર્યતા બતાવવી એ કાર્યપદ્ધતિ આપણને ઠીકઠીક ફાવી ગઈ છે. પર્યાવરણનું આ ખોરવાયેલું સંતુલન એક યા બીજી રીતે પરચો બતાવી રહ્યું છે, પણ આપણે ન સુધરવાનું નક્કી કરીને બેઠેલા છીએ. ભાવિ પેઢી માટે શું છોડી જઈશું એ સવાલ તો પછી આવશે, આપણી વર્તમાન પેઢી જ આનાં માઠાં ફળ ભોગવી રહી છે અને હજી ભોગવતી રહેશે.


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં  ૨૭ – ૧૨- ૨૦૧૮ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *