કચ્છનું રણ સત્ય અને….આખ્યાયિકાઓ : ૧૯૬૭ – કચ્છનું મોટું રણ, વિગો કોટ, સત્ય અને….આખ્યાયિકાઓ!

Facebooktwitterredditpinterestlinkedinmail

The Great Rann of Kutch

કેપ્ટન નરેન્દ્ર ફણસે

ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૯૬૫ની લડાઈ બાદ સંધિ થઈ. સીમા પરની તંગદિલી ઓછી કરવા બન્ને દેશોની સશસ્ત્ર સેનાઓ સીમા પરથી હઠાવવામાં આવે, અને તેમના સ્થાને ‘અર્ધ-લશ્કરી’ દળ મૂકવામાં આવે. સંધિનો અમલ કરવા ભારતે બૉર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ)ની સ્થાપના કરી, અને પાકિસ્તાને ‘રેન્જર્સ’ની. છાડ બેટ પાકિસ્તાનને સોંપ્યા બાદ કચ્છના નાના તથા મોટા રણમાં પ્રથમ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ અને ત્યાર બાદ ગુજરાત રાજ્યની એસઆરપીને તહેનાત કરવામાં આવી. બીએસએફને કચ્છના નાના તથા મોટા રણનો ચાર્જ એસઆરપી પાસેથી ૧૯૬૭માં મળ્યો. છાડ બેટ ખાલી કર્યા બાદ મોટા રણમાં આવેલ વિગો કોટ આપણી સૌથી અગ્રિમ ચોકી થઈ.

બીએસએફના સૈનિકોને રણમાં મોકલતાં પહેલાં રેતીના તોફાનમાં સ્વરક્ષણ, શસ્ત્રાસ્ત્રની જાળવણી, રણમાં પેટ્રોલિંગ કરવું વગેરેનું ખાસ પ્રશિક્ષણ આપવામાં આવ્યું. રાતના સમયે રણમાં જનાર વ્યક્તિ સહેલાઈથી ભૂલી પડી શકે છે, અને તેમને શોધવું લગભગ અશક્ય હોય છે. આથી રણમાં ફરજ બજાવનાર સૈનિકોને કેટલાક સ્થાયી હુકમ – standing orders આપવામાં આવ્યા, જેમાં મુખ્ય હુકમ હતા –  રાતના સમયે વાહનમાં પ્રવાસ કરવાનો પ્રસંગ આવે અને યાંત્રિક ક્ષતિને કારણે વાહન અટકી પડે તો તેનો ડ્રાઈવર તથા તેની સાથે પ્રવાસ કરનારા જવાનોએ ત્યાં જ રોકાઈ જવું. જવાનોની ટુકડી એક ચોકીમાંથી બીજી ચોકી તરફ જવા નીકળે કે તરત તેની ખબર બીજી ચોકીને આપવામાં આવે.  રાતે નીકળેલી ટુકડી ચોક્કસ સમયમાં ન પહોંચે તો વહેલી સવારે બન્ને ચોકીમાંથી search party તેમને શોધવા નીકળે. છેલ્લે, દિવસના કે રાતના સમયે ફરજ બજાવનાર દરેક જવાન પોતાના ઇક્વિપમેન્ટમાં પાણીની એક બાટલીને બદલે બે બાટલીઓ લઈને નીકળે.

૧૯૬૭ના ઉનાળાની વાત છે. વિગો કોટના એક હવાલદાર અને ચાર જવાનોની એક મહિનાની વાર્ષિક રજા મંજૂર થઈ. એક સાંજે તેઓ ટ્રકમાં હેડક્વાર્ટર જવા નીકળ્યા. રજા પર જઈ રહેલ ટુકડીના આ નાયકે સ્થાયી હુકમના પાલનને મહત્વ ન આપ્યું. ટ્રક તો ત્રણે’ક કલાકમાં ખાવડા પહોંચી જશે, તેવી ધારણાથી તેમણે પાણીની બાટલીઓ સુદ્ધાં ન લીધી. રસ્તામાં ટ્રકના એન્જીનમાં ખરાબી આવી અને ગાડી બંધ પડી ગઈ. રાબેતા મુજબ જવાનોએ ગાડીને ધક્કો મારી ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો. ટ્રક ચાલુ તો ન થયો, પણ પાંચ-છ કિલોમીટર સુધી ભારે ભરખમ ટ્રકને ધક્કો મારવાના સખત પરિશ્રમને કારણે તેમને ડીહાઈડ્રેશન થયું. રાત પડી ગઈ અને રણમાં દિશા વર્તાતી નહોતી. ડ્રાઈવરે કહ્યું કે રાતે ત્યાં જ રોકાઈ જઈએ. સ્ટૅન્ડિંગ ઑર્ડર પ્રમાણે વહેલી સવારે રાહત આવી પહોંચશે તેની તેને ખાતરી હતી. હવાલદારે કહ્યું કે તે રસ્તો જાણે છે, તેથી તેની સાથે બધાએ માર્ચિંગ કરવું. જવાનોએ તેમની વાત ન માની. હુકમ પ્રમાણે તેમણે ગાડીની પાસે જ રાત ગાળવાનું નક્કી કર્યું. હવાલદાર એકલા જ નીકળી પડ્યા. જવાનોએ તેમને વારી જોયા, પણ તેમણે કોઈની વાત માની નહિ.

રણમાં કોઈ વાર નકશા અને હોકાયંત્ર પણ કામ નથી આવતાં.  સર્વે કરાયેલ ક્ષેત્રમાં ગામ, મકાન, ટેકરી, મંદિર અથવા અતિ પુરાણા વૃક્ષ વગેરે જેવી સ્થાયી વસ્તુ જમીન પર હોય, તે લશ્કરમાં વપરાતા ઑર્ડનાન્સ સર્વેના large scale નકશામાં સહેલાઈથી ઓળખી શકાય છે. આવા સ્થળ-ચિહ્નોની મદદ વડે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકાય. રણમાં આવા કોઈ સ્થળ-ચિહ્ન (landmarks) નથી હોતાં તેથી રણમાં દિવસના સમયમાં પણ પગપાળા પ્રવાસ કરવામાં અત્યંત મુશ્કેલી નડે. રાત્રે તો આ કામ અસંભવ કહી શકાય. તેમ છતાં ખાસ કેળવણી અને ઊંડા અનુભવથી દોરાયેલા ‘રૂટ ચાર્ટ’, નકશા અને તરલ હોકાયંત્ર (liquid prismatic compass)ની મદદથી એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકાય. આ કળાને map reading અથવા orienteering કહેવામાં આવે છે. રણમાં સૌથી મુશ્કેલ વાત તો એ છે કે ઘણી વાર જમીન પર કે નક્શામાં કઈ જગ્યાએ કળણ – quicksand હોય છે તે દર્શાવી શકાયું નથી. તેથી જો ચાલુ ચીલાને મૂકી કોઈ આડ રસ્તો લેવાનો પ્રયત્ન કરે અને અજાણતાં જ ખારાપાટમાં અથવા રેતીમાં આવેલ quicksandમાં ગરક થઈ જાય તો તે વ્યક્તિના અવશેષ પણ કદી હાથ ન આવે. તેથી રાતના સમયમાં રણમાં જવું જોખમકારક હોય છે.

હવાલદારે શા માટે આવી ગંભીર પરિસ્થિતિમાં એકલા ચાલી નીકળવાનો નિર્ણય લીધો તે કહેવું મુશ્કેલ છે. શક્ય છે કે ઘરમાં કોઈ આપત્તિ આવી પડી હતી જેને કારણે આટલી ઉતાવળે તેઓ એકલા ચાલી નીકળ્યા. અંતે થવા કાળ હતું તે જ થયું. તેઓ ભૂલા પડી ગયા, છતાં તેમણે ચાલવાનું બંધ ન કર્યું. તેમની પાસે પાણી નહોતું. તરસથી રીબાઈને મરવાના ડરથી તેઓ ડઘાઈ ગયા અને વિચારશક્તિ ગુમાવી બેઠા. તેમની પાસે રાયફલ અને નિયત સંખ્યામાં ગોળીઓ હતી. તેમને થયું કે હવામાં ગોળીબાર કરવાથી નજીકની ચોકીના જવાનો ગોળીઓનો અવાજ સાંભળીને તેમને શોધવા આવશે. એક કલાક સુધી થોડી થોડી મિનિટને અંતરે તેમણે ગોળીઓ છોડી, પણ કોઈ આવ્યું નહિ. અંતે છેલ્લી ગોળી વડે તેમણે પોતાના પ્રાણ લીધા.

રાત્રી દરમિયાન તેમણે કરેલ ગોળીબારનો અસ્પષ્ટ અવાજ પાછળ રહેલી ગાડીના જવાનોએ સાંભળ્યો, પણ તેઓ કશું કરવા અસમર્થ હતા. તેમની પાસે પાણી નહોતું, અને તેઓ પોતે જ ગાડીને ધક્કા મારીને થાકી ગયા હતા. પાણી વગર તેમના શરીરમાં શુષ્કતા આવી ગઈ હતી. રણમાં રાતના વખતે કોઈને શોધવા નીકળવું તેમના માટે અશક્ય હતું.

જવાનોની આ ટુકડી ચોકીમાંથી નીકળી ત્યારે તેની ખબર ધરમશાળા અને ખાવડાની ચોકીઓને વાયરલેસથી આપવામાં આવી હતી. જવાનો આગલી ચોકીએ પણ પહોંચ્યા નહોતા તેથી બીજા દિવસની વહેલી પરોઢે ખાવડાથી એક ટ્રક રવાના કરવામાં આવ્યો. વિગો કોટ ચોકીએ તેમના માટે પાણી તથા શિરામણ સાથે દોડાવેલા ઉંટસ્વારો ક્ષતિગ્રસ્ત થયેલા ટ્રકની પાસે પહેલાં પહોંચ્યા અને જોયું તો તેમાં રહેલા જવાનો ભય અને dehydrationના કારણે અર્ધબેભાનાવસ્થામાં હતા. તેમને ભોજન-પાણી આપી ઉંટસ્વાર હવાલદારનું પગેરું લઈ તેમને શોધવા નીકળ્યા. દસ કિલોમીટરના અંતરે ચક્રવ્યૂહ જેવા ચકરાવામાં ગોળ ગોળ ચક્કર ખાઈ એક ઠેકાણે પડેલા આ અધિકારીનું પાર્થિવ શરીર મળી આવ્યું.

સદ્ગત હવાલદારને અંજલી આપવા માટે જે સ્થળે તેમણે પ્રાણ ત્યજ્યા, ત્યાં એક નાનકડી દેરી બનાવવામાં આવી. તેની પાળ પર પાણીના માટલાં મૂકવામાં આવ્યાં છે. ચોકીઓ પર પાણી પહોંચાડવા જનારા ટ્રક તેમાં પાણી ભરીને જ આગળ જતા હોય છે. આગળની ચોકી પર આવનારા અને જનારા બધા સૈનિકો અંજલી આપવા અહીં રોકાય છે. દેરીમાં સાકરિયા ચણા અને પતાસાંનો પ્રસાદ ધરાવે છે, અને માટલાંનુ પાણી પીને જ ત્યાંથી આગળ જતા હોય છે.

અહીં એક માન્યતા પણ છે.

આ સ્થળનો અનાદર કરી કોઈ અહીં ન રોકાય, અને પ્રસાદ તરીકે પાણી પીધા વગર જાય તેના પર મુસીબત આવ્યા વગર નથી રહેતી. આથી સીમા પર નિરીક્ષણ માટે જનારા ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ અહીં રોકાતા હોય છે.

હવે તો આધુનિક સાધનસામગ્રી આવી ગઈ છે. સૈનિકો માટે સુવિધાઓ વધારવામાં આવી છે. રણમાં સેવા બજાવતા સૈનિકોની નિયમિત સમય પર બદલી કરવામાં આવે છે. વાત રહી પરંપરાની અને આખ્યાયિકાઓની – જે હજી સુધી બદલાઈ નથી.

********

કેપ્ટન નરેન્દ્ર ફણસેનું વિજાણુ સંપર્ક સરનામું:  captnarendra@gmail.com

4 comments for “કચ્છનું રણ સત્ય અને….આખ્યાયિકાઓ : ૧૯૬૭ – કચ્છનું મોટું રણ, વિગો કોટ, સત્ય અને….આખ્યાયિકાઓ!

 1. Purvi
  January 3, 2019 at 5:19 am

  Narenji, ek swaase puru karyu.je jagya e pani Ni parab kari te jagya nu kaam shun che?

  • Naren
   January 3, 2019 at 7:34 am

   સૈન્યમાં એવી માન્યતા છે કે કોઈ જગ્યાએ સૈનિકનું અનૈસર્ગીક મૃત્યુ થાય ત્યાં તેનો આત્મા નિવાસ કરતો હોય છે. તેમના આત્માને શ્રદ્ધાંજલિ આપવા આવી જગ્યાએ નાનકડું સ્મારક બનાવવામાં આવે છે. આવી જગ્યા પાસેથી આવતા જતા વાહનો કે પેટ્રોલિંગ પર જતી ટુકડીઓ ત્યાં એકાદ-બે મિનિટ રોકાઈને આગળ વધે. એમાં એવી શ્રદ્ધા પણ હોય છે સદગતનો આત્મા જરૂર પડતાં ભૂલી પડેલી ટુકડીને મદદ કરે. જો ન રોકાય, તો કદાચ દુષ્પરિણામ પણ આવી શકે.
   મિલિટરીમાં આવા સ્મારકો ઘણી જગ્યાએ જોવા મળે છે. ૧૯૬૮માં ચીન સામેની સરહદ પર ફરજ બજાવી રહેલ શીખ સિપાહી બાબા હરભજન સિંહ હિમપ્રપાતમાં શાહિદ થયા હતા. તે જગ્યાએ તેમની સ્મૃતિમાં મંદિર બાંધવામાં આવ્યું છે. ત્યાં આવી જ રીતે આવતી-જતી ટુકડીઓ રોકાય છે. એવું મનાય છે કે બાબાજી સૈનિકોને આવનારી મુશ્કેલીની અગાઉથી ચેતવણી આપતા હોય છે. આ વિષે Wikipedia માં લેખ જોઈ જવા વિનંતી.
   અહીં શરુ કરેલી આ શ્રેણીમાં આવા અગમ્ય પ્રસંગો જે લેખકે જાતે અનુભવ્યા છે તેનું વર્ણન છે

 2. Purvi
  January 4, 2019 at 8:14 am

  Ohh , sundar.

 3. સતીષ ચૌધરી
  January 12, 2019 at 9:23 pm

  સર જીપ્સી ની ડાયરી માં વાચેલો પણ ફરીથી રસ પૂર્વક વાચવા ની મજા આવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *