દ્રૌપદી એકોક્તિ – એક કલ્પના

Facebooktwitterredditpinterestlinkedinmail

નિરંજન મહેતા

હું દ્રૌપદી, પાંચાલનરેશ દ્રુપદની તનયા. પાંચાલ દેશની હોવાથી હું પાંચાલી પણ કહેવાવું છું. તમને જાણીને નવાઈ લાગશે કે મારો જન્મ અન્ય મનુષ્યોની જેમ થયો નથી. મારા તાતે ગુરૂ દ્રોણાચાર્ય સામે વેર લેવા પુત્રકામેષ્ટિ યજ્ઞ કર્યો અને તે દ્વારા હું આ પૃથ્વી પર આવી. મારી સાથે મારા ભ્રાતા ધૃષ્ટધ્યુમ્નનો પણ જન્મ થયો હતો. મારા જન્મ વખતે કહેવાય છે કે આકાશવાણી થઇ હતી કે હું કુરૂ વંશનો નાશ કરીશ. કદાચ એ માટે જ મારો જન્મ નિર્ધારિત હશે કારણ ઈતિહાસ સાક્ષી છે કે જાણેઅજાણ્યે પણ હું તે માટે કારણરૂપ બની હતી. કેવી રીતે તે તો આગળ વર્ણવીશ.

અર્જુને દ્રોણ વતી મારા તાતને યુદ્ધમાં હરાવ્યા તે જોઇને અર્જુન તાતને અત્યંત પ્રિય થઇ ગયો અને તેની સાથે મારા વિવાહનો વિચાર કર્યો પણ એક દુ:ખદ બનાવે તેમની મનોકામના અપૂર્ણ રહી કારણ તેમને જાણવા મળ્યું કે વર્ણાવતની એક દુર્ઘટનામાં પાંડવોનો નાશ થઇ ગયો હતો.

અર્જુન જેવા યોદ્ધાને ન પામવા બદલ હું નારાજ તો હતી પણ વિધિના વિધાન જે લખાયા હોય તેમ જ થાય તે સર્વવિદિત છે. તેથી તે સમયની પ્રણાલી મુજબ તાતે મારા માટે એક સ્વયંવર રચ્યો. કોણ જાણે કેમ મારૂં મન આ માટે પ્રતિબદ્ધ ન હતું પણ એક આજ્ઞાંકિત પુત્રીને કારણે મારે તે પ્રણાલી નિભાવવી પડી.

સ્વયંવરમાં આવેલા અનેક મહારથીઓમા દુર્યોધન, કારણ જેવા મહારથીઓ પણ હાજર હતાં. પ્રતિયોગિતા હતી જળમાં પડતા એક ફરતા મત્સ્યના પ્રતિબિંબને જોઇને તેની આંખને વીંધવાની. હાજર રહેલા મહારથીઓ તરફ નજર ફેરવતાં લાગ્યું કે કોઈ કરતાં કોઈ મહારથી આ માટે સક્ષમ નથી. મારી નજર દુર્યોધન પર પડી. શ્યામવર્ણી હું અત્યંત રૂપવાન હતી અને એટલે જ કૌરવોમાં જ્યેષ્ટ દુર્યોધનની નજર મારા પર હતી. આ પ્રતિયોગિતા તે જ જીતવાનો છે એવો ભાવ તેના મુખારવિંદ પર છવાયો હતો પણ મને મનોમન હસવું આવતું હતું કે આ અભિમાનીનું અભિમાન વધુ લાંબો સમય નહીં રહે. અને તેમ જ બન્યું જ્યારે તે પ્રતિયોગિતામાં નિષ્ફળ રહ્યો. મારા આંતરિક માનસે આ જોઇને આનંદ તો અનુભવ્યો પણ તેવો મનોભાવ બહાર ન લાવવામાં હું સફળ રહી. થયું કે જો તે વખતે અર્જુન હોત તો જરૂર તે લક્ષ્ય વીંધી દેતે.

ત્યાં જ એક પ્રભાવશાળી બ્રાહ્મણ યુવાન આ પ્રતિયોગિતામાં ભાગ લેવા ઊભો થયો. શું બધા ક્ષત્રિયો મરી પરવાર્યા કે જો આ બ્રાહ્મણ જીતે તો મારે તેની સાથે વિવાહ કરવો? પણ તમેં તો જ્ઞાત છો કે સ્વયંવર એટલે તેમાં મુકેલી નારીને કોઈ પોતાની અભિવ્યક્તિનો હક્ક નથી હોતો. તે તો વિજેતા માટે એક પુરષ્કાર જ હોય છે. ન કોઈ લાગણીને સ્થાન ન કોઈ સ્વનો અભિપ્રાય માન્ય. મને તે ન સમજાયું કે તાતે આ અક્ષત્રિયને શા માટે પ્રવેશ આપ્યો? પણ કશું કરવાને અસમર્થ હું લાચાર બની તે બ્રાહ્મણને લક્ષ્ય વીંધતો જોઈ રહી અને તેની જીત પછી મારા તાતે મને તેને સોંપી દીધી. તે સમયની મારી મનોદશા અવર્ણનીય છે. શું એક નારીને તેના મનોભાવ જણાવવાનો કોઈ હક્ક નથી? શા માટે તે, તે વ્યક્ત કરવા અસમર્થ બની રહે છે?

પણ આ મનોભાવ બદલાતા વાર ન લાગી જ્યારે મને સાચી હકીકતની જાણ થઇ કે તે બ્રાહ્મણ અન્ય કોઈ નહીં પણ છદ્મવેશમાં મારો પ્રિય અર્જુન જ હતો. તેની સાથે તેનો લઘુભ્રાતા ભીમ હતો. તેઓ મને ત્યાંથી તેમના સ્થાને લઇ ગયા જ્યાં અન્ય પાંડુંભાઈઓ અને માતા કુંતી છદ્મવેશે વસતાં હતાં. પણ મારો આ આનંદ પણ ક્ષણજીવી નીકળ્યો. જેવું ભીમે માતા કુંતીને કહ્યું કે ભ્રાતા અર્જુન એક સ્પર્ધા જીત્યા છે અને તેનો પુરષ્કાર પણ મળ્યો છે ત્યારે કશું પણ જોયા જાણ્યા વગર માતાએ કહી દીધું કે તે પુરષ્કાર બધા ભાઈઓ સરખે ભાગે વહેંચી લે!

આ સાંભળી મારા તો હોંશ જ ઊડી ગયા. શું હું એક કોઈ એવી ચીજ છું જેના પાંચ ભાગ થઇ શકે? માતાના આદેશનો વિરોધ વડીલ ભ્રાતા યુધિષ્ઠિર પણ ન કરી શક્યા. ભલે તે ધર્મરાજ કહેવાતા પણ એક માતૃભક્ત બીજું કરી પણ શું શકે? પણ કોઈએ મારો એક નારી તરીકેના માનનો વિચાર ન કર્યો તેનું દુ:ખ મને અંત સુધી રહ્યું હતું.

એક પતિવ્રતા નારી એક જ પુરૂષને વફાદાર હોય છે અને તેને માટે અન્ય પુરુષો વર્જ્ય ગણાય. જ્યારે મારે તો પાંચ પુરુષોને પતિ માનવાના અને તે પણ કમને કારણ માતાની આજ્ઞા. પણ આવી પરિસ્થિતિમાં અર્જુન પ્રત્યે હું વધુ લાગણી ધરાવતી હતી તે ધર્મરાજ જાણતા હતાં અને સમજતા હતાં. આ વાતની જાણ મને થઇ જ્યારે અમે સ્વર્ગારોહણ કરી રહ્યા હતાં. તે વાત આગળ ઉપર.

હસ્તિનાપુરમાં તો બધા એમ જ માનતા હતાં કે પાંડવો વર્ણાવર્તની આગમાં બળીને ભસ્મ થઇ ગયા છે અને તે કારણે યુવરાજનું પદ વડીલોએ દુર્યોધનને આપ્યું. પણ અમારો છદ્મવેશ ઉઘાડો થતાં હવે તે પદ સાચા અર્થમાં વડીલ ભ્રાતાને મળવું જોઈએ પણ એમ સહેલાઈથી તે પદ છોડે તેવો દુર્યોધન ન હતો. કોઈ પણ રીતે તેના તાત વડીલ ધૃતરાષ્ટ્રને મનાવી લીધા હશે અને તે તેની વાતોમાં આવી ગયા હશે જેને કારણે પાંડુભાઇઓને હસ્તિનાપુરમાં બોલાવી રાજ્યના બે ભાગ કરવાની યોજના મૂકી. આ યોજના પણ કેવી? એક ઉજ્જડ પ્રદેશ ખાંડવવન આપવાની વાત કરી. હું ત્યાં હોત તો આ ન સ્વીકારતે. પણ નારીના મતની શું કિંમત? એક સ્ત્રીને આવી બાબતોમાં બોલવાનો કોઈ હક્ક ન હતો. આ કે અન્ય કોઈ અન્ય બાબતમાં પણ મારા વિચારોનું કોઈ સ્થાન ન હતું.

ખેર, જ્યારે જ્યારે અમે મુશ્કેલીમાં હોઈએ ત્યારે મારો ધર્મનો ભાઈ કૃષ્ણ હાજર થઇ જાય. તેની મદદથી ઉજ્જડ ખાંડવવનને એક ભવ્ય નગરમાં બદલાવી નાખ્યું અને તે ઓળખાયું ઇન્દ્રપ્રસ્થ તરીકે. શું તેની જાહોજલાલી હતી! જોનારાની આંખો ખુલ્લીને ખુલ્લી રહી જતી. સામાન્ય રીતે મહેલોની જે રીતે રચના થાય છે તેનાથી જુદા જ પ્રકારની રચના અહીં કરાઈ હતી. અજાણ્યાને ભાસ થાય કે તે પાણીમાં પગ મૂકી રહ્યો છે અને તે રીતે તે સાવધ થાય પણ હકીકતમાં ત્યાં પાણી નહીં પણ જમીન જ હોય. અને તે જ રીતે જ્યાં જમીન દેખાય ત્યાં પાણી હોય અને ચાલનાર લપસી પડે.

બસ, આવું જ થયું હતું તે અભિમાની દુર્યોધન સાથે. વાત એમ હતી કે ધર્મરાજે રાજસૂય યજ્ઞ આયોજ્યો હતો જેમાં તેમણે દુર્યોધનને પણ નિમંત્રણ આપ્યું હતું. મને ખાતરી હતી કે તે યજ્ઞ માટે નહીં પણ મને અને અમારી જાહોજલાલી જોવા જરૂર આવશે કારણ અમે એક ઉજ્જડ પ્રદેશને વિકસાવી રહેવા લાયક બનાવ્યો તે તેને નહીં ગમ્યું હોય. પોતાને વિચક્ષણ માનનાર તે આ માયાજાળમાં ફસાયો અને જમીન સમજી ચાલ્યો ત્યાં પાણીને કારણે તે લપસી ગયો. આજુબાજુ હાજર પાંડુ ભાઈઓ અને અન્યોને આ જોઈ હસવું આવ્યું જે સ્વાભાવિક હતું. એક તો તેની સ્વયંવરમાં જીત મેળવી મને મેળવવાની અભિલાષા અધૂરી રહી હતી તેમાં આ ઉપહાસ થયો તે તેનાથી સહન ન થયો અને તેને કારણે તેનામાં વેરભાવની ભાવના જાગૃત થઇ. વળી જે જાહોજલાલી જોઈ તે પણ તેનાથી સહન થઇ નહીં હોય એમ મારૂં માનવું છે કારણ જાણવા મળ્યું કે હસ્તિનાપુર જઈને પોતાના તાતને આ બધું જણાવી તેણે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

તેની આ નારાજગીને મામા શકુનિએ આગ લગાડી અને દુર્યોધને તાત ધૃતરાષ્ટ્રને કોઈ પણ રીતે મનાવી લીધા કે ધર્મરાજને જુગટું રમવા હસ્તિનાપુર આવવાનું નિમંત્રણ પાઠવો. કાકાશ્રીની વિનંતીનો અસ્વીકાર કેમ થાય? વળી જૂગટું ધર્મરાજને અતિ પ્રિય એટલે તરત તેનો સ્વીકાર કર્યો. પણ મામા શકુનિની ચાલ આગળ તેઓ એક પછી એક બાજી હારતા ગયા, ત્યાં સુધી કે સંપૂર્ણ રાજપાટ, પોતાના બંધુઓ અને પોતાની જાત સુદ્ધા દાવમાં મૂકી અને બધું ગુમાવ્યું. પણ એમ મામા-ભાણેજને સંતોષ થોડો થાય? તેમના મતે હું પણ દાવમાં મૂકવાને લાયક હતી. વાહ, એક સ્ત્રીની કિંમત એક જણસ જેવી કરી! કોઈ પણ માનમર્યાદા વગરની આ વાતનો સભામાં ઉપસ્થિત વડીલોએ પણ વિરોધ ન કર્યો. અંતે તે દાવ પણ ધર્મરાજ હારી ગયા અને હું દુર્યોધનની દાસી બની ગઈ!

મને તો શું ચાલી રહ્યું છે તેની જરાય જાણ ન હતી. પણ જ્યારે દુ:શાસન મને લેવા આવ્યો ત્યારે સમજાયું કે જૂગટુંની લતમાં ધર્મરાજા ભાન ભૂલી બેઠા અને ન કરવાનું કરી બેઠા. તે સમયે મારી હાલત પણ ઠીક ન હતી કારણ હું રજસ્વલા હતી. ઘણું સમજાવ્યું છતાં દુ:શાસન ન માન્યો તે ન માન્યો અને પોતાની મા સમાન ભાભીને કેશ પકડીને ઘસડીને લઇ ગયો જ્યાં પાંડુ ભ્રાતાઓ શરમથી માથું ઝુકાવી બેઠા હતાં. કોઈનામાં હિંમત ન હતી કે તેઓ મારી સામે આંખ પણ ઊંચી કરી મારી અવદશાને જુએ. હા, એક ભીમ હતો જેણે આ જોઈ પોતાનો રોષ પ્રગટ કર્યો અને પ્રણ લીધું દુ:શાસને જે હાથે મારા કેશને ઝાલ્યા હતા તે હાથ કાપી નાખવાનું.

જયારે મેં બધી હકીકત જાણી ત્યારે મારા મનમાં પ્રશ્ન આવ્યો અને મેં ધર્મરાજને પૂછ્યું કે જો તમે તમારી જાતને આ બાજીમાં હારી ગયા હતા તો મારા પર તમારો હક્ક ક્યાંથી રહે? તો તમે મને દાવમાં કેવી રીતે મૂકી શકો? આ જ સવાલ ત્યાં ઉપસ્થિત વડીલોને પણ કર્યો પણ કોઈની પાસે તેનો ઉત્તર ન હતો એટલે સભામાં ચુપકીદી છવાઈ ગઈ હતી. કાકાશ્રીને પણ સીધેસીધું પૂછ્યું કે શું તમારો પુત્ર યોગ્ય કરી રહ્યો છે? જેનો તેમની પાસે પુત્રપ્રેમને કારણે કોઈ ઉત્તર ન હતો. અને આમ એક લાચાર નારીએ જે સહન કર્યું તે કોઈ પણ સમજદાર માટે અસ્વીકાર્ય હોય તેમાં શંકા નથી.

હાજર વડીલો તરફથી કોઈ પ્રતિભાવ મારા માટે ન આવ્યો એટલે દુર્યોધને પોતાનું ખરૂં રૂપ દાખવ્યું અને અવિવેકની તે હદ પાર કરી ગયો. પોતાની જાંઘને હથેળીથી થાબડી જે દ્વારા તે કહેવા માંગતો હતો કે આવ દ્રૌપદી આવ, મારી દાસી છે એટલે તારૂં સ્થાન આ જગ્યાએ છે.

ભીમ દુર્યોધનની આ વર્તણુક જોઈ ક્રોધે ભરાયો અને બીજું પ્રણ લીધું કે તે પોતાની ગદા વડે દુર્યોધનની જાંઘને ચીરી નાખશે. જો કે આની દુર્યોધન ઉપર કોઈ અસર ન થઇ અને તે પોતાના નિર્ણય પર અડગ રહ્યો.

પણ એક આશ્ચર્યકારક ઘટના બની. દુર્યોધનના ભાંડુઓમાંથી એક વિકર્ણએ હિંમત કરી પોતાના જ્યેષ્ઠ બંધુ સામે અવાજ ઉઠાવવાની. મારી વાતને સમર્થન આપતાં તેણે કહ્યું કે દ્રૌપદીનો સવાલ યોગ્ય છે. ધર્મરાજ એકવાર પોતાની જાતને હારી ગયા પછી દ્રૌપદીને હોડમાં ન મૂકી શકાય અને તેથી તે અમે જીતી નથી. વળી તે જ્ઞાની હતો એટલે તેણે કહ્યું કે શાસ્ત્રના નિયમ અનુસાર કોઈ પણ સ્ત્રીને જુગટુંમાં હોડમાં ન મૂકી શકાય.

આ સત્ય કેમ સહન થાય? કર્ણ ગુસ્સે થયો અને વિકર્ણને કઠોર વચનો સંભળાવ્યા અને કહ્યું કે જ્યારે યુધિષ્ઠિર પોતાની જાતને હારી ગયા છે ત્યારે તે સર્વસ્વ ગુમાવે છે, દ્રૌપદી સુદ્ધાં. તેની કટુ વાણી હજી મને યાદ છે જ્યારે તેણે કહ્યું કે દ્રૌપદી તો વિષયલંપટ છે કારણ તે એક નહીં પણ પાંચ પાંચ પુરુષોની વિવાહિતા છે. તે પણ હવે પોતાની સીમા પાર કરી ગયો અને દુ:શાસનને કહ્યું કે તે પાંડવોના અને દ્રૌપદીના વસ્ત્રાલંકારો ઉતારી લે.

એક રજસ્વલા નારીનું આમ છડેચોક અપમાન કરાય અને વસ્ત્રહરણની વાત થાય અને કોઈ તેનો વિરોધ ન કરે ખાસ કરીને મારા પાંચ પતોદેવો તરફથી એ કેવી કાળની રમત હતી! પણ તે વખતે તો વાત જ ઓર હતી. વાતાવરણમાં સ્તબ્ધતા છવાઈ હતી અને સૌ કોઈ જાણે પૂતળાં બની બેઠા હતાં. દુર્યોધનને તો કોઈ ઓર જ આનંદ આવતો હતો. હું તેની ભાભી છું તે વાત તે વિસરી ગયો હતો અને હવે હું તેની દાસી છું તેમ માનવા લાગ્યો હતો. તે અન્ય તો આ તમાશો માણી રહ્યા હતાં.

જ્યારે દુ:શાસન મારા ચીર ખેંચવા લાગ્યો ત્યારે આવી અસહાય પરિસ્થિતિમાં હું શરમથી નતમસ્તક ઊભી રહી ગઈ. હવે મારી પાસે એક જ માર્ગ હતો અને તે મારા ભાઈ કૃષ્ણને યાદ કરી સહાય કરવાની વિનતી કરવાનો. મને ખાત્રી હતી કે તે જ હંમેશ મુજબ સહાય કરશે. અને ચમત્કાર થયો. એક બાજુ દુ:શાસન મારૂં વસ્ત્ર ખેંચે અને બીજી બાજુ તે લંબાતું જતું હતું. હાજર સૌ આ ઘટનાથી અવાક થઇ ગયા. દુ”શાસન પણ પોતાનું કાર્ય પૂર્ણ ન કરી શક્યો અને પોતાનું કાર્ય અધુરૂં મૂકી થાકીને બેસી ગયો.

હવે ભીમે ત્રીજું પ્રણ લીધું કે તે દુ:શાસનની છાતી ચીરી તેનું લોહી પીશે. મેં પણ કહ્યું કે તે લોહીથી હું મારા કેશને ન સંવારું ત્યાં સુધી હું મારો કેશકલાપ નહીં બાંધુ. આ સાંભળી હવે સર્વેને લાગ્યું કે કશુક અજુગતું થઇ રહ્યું છે. ત્યાં જ કાકીશ્રી ગાંધારી આવ્યા અને શું ચાલી રહ્યું છે તેની પૃચ્છા કરી. હકીકત જાણ્યા પછી તેમને પણ લાગ્યું કે આ ઠીક નથી થયું. તરત જ તેમણે કાકાશ્રીને કહ્યું કે પુત્રોએ જે કર્યું છે તે અયોગ્ય છે માટે તે અમાન્ય કરો. કાકાશ્રીને પણ લાગ્યું કે વાત વણસી ગઈ છે ખાસ કરીને ભીમના ત્રણ પ્રણને કારણે તેઓ પોતાના પુત્રોના વિનાશને જોઈ રહ્યા હતાં. એટલે પરિસ્થિતિને થાળે પાડવા તેમણે મને એક વરદાન માંગવા કહ્યું. મેં ધર્મરાજને મુક્ત કરવા કહ્યું જેથી મારો પુત્ર પ્રતિવિન્ધ્ય ભવિષ્યમાં એક દાસ ન કહેવાય. કાકાશ્રીને લાગ્યું કે હજી વાત પૂરેપૂરી થાળે નથી પડી એટલે મને એક બીજું વરદાન માંગવા કહ્યું. ત્યારે મેં તેમને જણાવ્યું કે બધા પાંડુ ભાઈઓને તેમના શસ્ત્રો સાથે મુક્ત કરો.

આટલું ઓછું હોય તેમ મને હજી એક વરદાન માંગવા કહ્યું. પણ હું એક ક્ષત્રિય નારી. મારી ખુમારી હું વરદાનો પાછળ કેમ ન્યોછાવર કરૂં? જવાબ આપ્યો કે ક્ષત્રિય નારી બે જ વરદાનથી સંતોષ પામે છે. તેથી વધુની માંગણી એ લોભની નિશાની છે. ત્યારબાદ કાકાશ્રીએ પાંડુ ભાઈઓને મુક્ત કર્યા અને તેમની બધી ધનસંપત્તિ પણ પાછી આપી અને અમે સર્વે ઇન્દ્રપ્રસ્થ પાછા ફર્યા. તમને થશે કે હવે અમે સુખશાંતિથી બાકીનું જીવન વિતાવશું. પણ મારા નસીબમાં એવું ક્યા લખાયું હતું?

દુર્યોધન ધર્મરાજની નબળાઈ સમજતો હતો એટલે અને તેની તેના મામાશ્રી શકુનિની ચોપાટ રમવાની કલાની જાણ હતી એટલે ફરી એકવાર ગઈ ગુજરી ભૂલી ચોપાટ રમવાનું નિમંત્રણ મોકલ્યું જેનો ધર્મરાજ અસ્વીકાર ન કરી શક્યા. આ વખતે શરત રાખી હતી કે જે હારે તેણે બાર વર્ષનો દેશનિકાલ અને ત્યાર પછી એક વર્ષનો અજ્ઞાતવાસ. અને એ અજ્ઞાતવાસમાં છદ્મવેશ જાહેર થઇ જાય તો ફરી ૧૨ વર્ષ દેશનિકાલ. આવી આકરી શરત હોવા છતાં ધર્મરાજને વિશ્વાસ હતો કે તે જરૂર આ વખતે જીતશે. આ અતિવિશ્વાસ જ અમારી યાતનાનું કારણ બન્યું. અંતે ધર્મરાજ હાર્યા અને અમારે શરત મુજબ ૧૨ વર્ષ દેશનિકાલ ભોગવવો પડ્યો.

દેશનિકાલનાં સમયે એક વખત હું એકલી હતી ત્યારે જયદ્રથે મને જોઈ અને મારૂં સૌન્દર્ય જોઈ તે મોહી પડ્યો. તેનું મન લાલસાયુક્ત બન્યું. આ જયદ્રથ એટલે દુર્યોધનની બેન દુશાલાનો પતિ. એ મુજબ તે મારો નણદોઈ થાય પણ ભાનભૂલેલાને સંબંધની ક્યા ખેવના હોય છે? તે તો મને આ જંગલની જિંદગી છોડી તેની સાથે તેના મહેલમાં રહેવાનું કહેવા લાગ્યો. હું એક પતિવ્રતા નારી છું અને પતિના મુશ્કેલ સમયમાં તેમને સાથ આપવો મારી ફરજ છે. પણ તેને મારી કોઈ પણ વાત માન્ય ન હતી. ત્યાં સુધી કે મારા પતિઓ તેને યોગ્ય દંડ આપશે તે તરફ પણ દુર્લક્ષ આપ્યું અને મારૂં અપહરણ કર્યું. શું એક સૌંદર્યવાન નારીને આમ જ અન્યોનો અત્યાચાર સહન કરતો રહેવો પડશે? પહેલા દુર્યોધન અને હવે તેનો બનેવી.

મને મારા પતિઓ પર અત્યંત વિશ્વાસ હતો કે તેઓ આવીને મને છોડાવશે અને તેમ જ થયું. પાંડુ ભ્રાતાઓને આવતા જોઈ જયદ્રથે મને રસ્તામાં જ પડતી મૂકી પણ વીર યોદ્ધાઓ આગળ તેનું શું ચાલે? જયદ્રથને પકડીને મારી સમક્ષ હાજર કર્યો અને કહ્યું કે તે મારો દોષી છે માટે તેને જે યોગ્ય સજા કરવી હોય તે હું કરૂં. આવા કૃત્ય માટે મૃત્યુદંડ જ યોગ્ય સજા હતી પણ સંબંધોને કારણે હું લાચાર હતી એટલે તેને છોડી મુકવા કહ્યું. લાગણીશીલ થવું એ પણ એક ગુનો બન્યો.

બાર વર્ષ પૂરાં થતાં જ અમારે એક વર્ષ અજ્ઞાતવાસમાં રહેવાનું આવ્યું. આ માટે અમે વિરાટરાજાના મત્સ્ય પ્રદેશમાં જુદા જુદા સાદા સ્વરૂપે રહેવાનું નક્કી કર્યું જેથી અમારો છદ્મવેશ જાહેર ન થાય. વળીઅમે બધા સાથે રહેવા ઈચ્છતા હતા જે માટે ધર્મરાજા વિરાટરાજાને સમજાવી શક્યા. અજ્ઞાતવાસમાં અમે બધા જુદા જુદા નામે રહ્યા અને જુદા જુદા કાર્ય માટે નિમાયા. હું સૈરન્ધ્રીને નામે રાણી સુદેશનાની દાસી તરીકે નિમાઈ હતી. વાહ રે ભાગ્ય! એક રાણીને એક દાસી બનાવી!

પણ આ દ્રૌપદીના નસીબમાં ડગલે ને પગલે સહન કરવાનું હતું તે અહીં પણ અનુભવ્યું. મારા સૌન્દર્યને કારણે આ પહેલા કેટલાય આકર્ષાયા હતાં અને દરેક વખતે હું કોઈ પણ રીતે તેમાંથી સુરક્ષિત રહી શકી હતી. પણ આ અજ્ઞાતવાસમાં પણ આવું અનુભવવું પડશે તેવો વિચાર કેમ આવે?

રાણી સુદેશનાના ભાઈ કીચકની બૂરી નજર મારા પર પડી અને તેણે મને તેની સાથે લગ્ન કરવા કહ્યું. મારા લગ્ન ગાંધર્વો સાથે થઇ ગયા છે અને મારા પતિઓ બળવાન છે એટલે મારી સાથે આવી વાત ન કરવાનું મારૂં કહેવા છતાં તેણે પોતાના પ્રયત્નો ચાલુ રાખ્યા અને જ્યારે મેં મચક ન આપી ત્યારે પોતાની બહેન રાણી સુદેશનાની સહાય માગી. પોતાના ભાઈની ઈચ્છાને મહત્વ આપી રાણીએ મને તેના આવાસમાં મય લઇ જવા કહ્યું. જ્યારે મેં તે માટે ના પાડી ત્યારે એક દાસી આજ્ઞાનું ઉલ્લંઘન ન કરી શકે કહી તે કાર્ય કરવાની ફરજ પાડી.

ધડકતે મને હું મય લઇને ગઈ અને જે ધાર્યું હતું તે થયું. કીચકે મને મેળવવા પ્રયત્ન કર્યો પણ હું ત્યાંથી છટકીને વિરાટરાજાના દરબારમાં પહોંચી અને તેમને કીચક વિરુદ્ધ ફરિયાદ કરી. પણ પોતાના સાળા અને વીર સેનાપતિ હોવાને નાતે વિરાટરાજાએ કોઈ પગલાં ન લીધા. કીચક તો પોતાની ખુમારીમાં હતો એટલે સર્વેની સામે, જેમાં મારા પાંડુપતિઓ પણ હાજર હતાં, મને પાદપ્રહાર કર્યો. ભીમ તેના સ્વભાવ મુજબ ઉશ્કેરાયો પણ ધર્મરાજે આંખના ઇશારે તેને શાંત રહેવા કહ્યું. તેનું કારણ હતું કે જો ભીમ કોઈ દુ:સાહસ કરતે તો અજ્ઞાતવાસ પૂરો થતાં પહેલા જ અમે ક્યાં છીએ તેની જાણ થઇ જતે અને અમારે ફરી બાર વર્ષનો દેશનિકાલ ભોગવવો પડતે. આમેય અજ્ઞાતવાસના નામથી જ મને અશાંતિ થઇ હતી કારણ બાર વર્ષના દેશનિકાલને કારણે હું અત્યંત વ્યથિત થઇ ચુકી હતી.

પણ આને કારણે તો કીચકને તો વધુ હિંમત આવી અને બીજે દિવસે પણ મને મેળવવા પ્રયત્ન કર્યો. આનો ઉપાય શું? ધર્મરાજને તો કશું કહેવાય નહીં. એટલે મેં અર્જુન અને ભીમનો કોઈ રીતે મેળાપ કર્યો અને કોઈ ઉપાય શોધવા વિનંતી કરી કારણ આ બે જ મારા સાચા રક્ષક હતાં. આમેય ભીમનો ક્રોધ હું જાણતી હતી એટલે કોઈ પણ રીતે તે કીચકની સાન ઠેકાણે લાવી શકશે તેની મને ખાત્રી હતી.

બંને ભાઈઓએ મળી એક યોજના કરી કે હું કીચકને મળી કહું કે તેની માગણી સ્વીકારૂં છું અને તે મને મોડી રાતે મળવા આવે. આમ તેને લલચાવવાની યોજના અર્જુન અને ભીમ સાથે મળી બનાવી અને પછી ભીમ કીચકને યોગ્ય પાઠ ભણાવશે તેમ નક્કી થયું. તે મુજબ મેં કીચકને જાણે તેનો પ્રસ્તાવ મંજુર છે તેવો દેખાવ કરી મોડી રાતે નૃત્યશાળામાં આવવાનું આમંત્રણ આપ્યું. સાથે સાથે જણાવ્યું કે આ વાતની કોઈને ખબર ન થવી જોઈએ. મનમાં પોરસાતો કીચક રાતે જ્યારે નૃત્યશાળામાં ગયો ત્યારે ત્યાં અંધકાર હતો પણ તેને ભાસ થયો કે કોઈ નારી ત્યાં હાજર છે. એટલે તે હું છું તેમ તેણે માન્યું. હકીકતમાં ભીમ જ નારી વેશે ત્યાં હતો. અંતે ભીમે યુદ્ધ કરી તેની હત્યા કરી.

આ બાજુ દુર્યોધને અમારા અજ્ઞાતવાસને ખુલ્લો પાડવા ચારે બાજુ તેના ગુપ્તચરોને મોકલ્યા હતાં પણ કોઈ સફળતા ન મળી. પણ અંતે તેને ભીષ્મ પાસેથી જ્ઞાન થયું કે જ્યાં અમે રહેતા હશું તે સ્થાન સમૃદ્ધિવાન બન્યુ હશે એ રીતે તપાસ કરે. તે મુજબ તપાસ કરતાં તેને વિરાટરાજાની જાહોજલાલીની જાણ થઇ એટલે તેને ધારણા થઇ કે અમે સૌ ત્યાં હોય શકીએ. એક બાજુ સુશર્મા યુદ્ધ કરી વિરાટરાજાને કેદ કરે છે ત્યારે બીજી બાજુ દુર્યોધન પોતાના સૈન્ય સાથે આવે છે. પરંતુ વિરાટરાજા ન હોવાને કારણે યુદ્ધની જવાબદારી તેની પુત્રી ઉત્તરા પર આવી પડે છે. પણ ઉત્તરા યુદ્ધથી ગભરાતી હોવાથી અર્જુન, જે બૃહન્નલા નામે એક સ્ત્રી વેશમાં તેની સાથે રહેતો હતો, તે તેને હિંમત આપે છે અને તેના સારથી તરીકે તેને સાથ આપવા તૈયાર થાય છે અને અંતે અર્જુન યુદ્ધમાં ભાગ લઇ દુર્યોધન અને અન્યોને બેભાન કરી હરાવે છે. ઉત્તરા પોતાના વિજયને કારણે પ્રસન્ન થાય છે.

પણ આમ થતાં જે ધાર્યું હતું તે થયું. અમારૂં અજ્ઞાતવાસ છતું થઇ ગયું. પણ ભાગ્યે અમને સાથ આપ્યો કારણ તે જ સમયે અજ્ઞાતવાસનો એક વર્ષનો કાળ પૂરો થઇ ગયો હતો અને અમે માનભેર ઇન્દ્રપ્રસ્થ પાછા આવવા વિચાર્યું. પણ દુર્યોધન એમ સહેલાઈથી અમને અમારા રાજપાટ આપે? ભાઈ કૃષ્ણ અમારા વતી દુર્યોધનને સમજાવવા તેને મળ્યા પણ તેણે તો એક જ વાત પકડી રાખી કે અમારો અજ્ઞાતવાસ સમય પહેલાં જાહેર થઇ ગયો હતો એટલે હવે તેમનો ત્યાં કોઈ હક્ક નથી. ઇન્દ્રપ્રસ્થ તો શું એક તસુ ભૂમિ તેમને નહીં આપું. આમ કૃષ્ણના પ્રયત્ન નિષ્ફળ જતા અંતે યુદ્ધની નોબત આવી અને ‘મહાભારત’ રચાયું. યુદ્ધની ગંભીરતાને ધ્યાનમાં લઇ બધી નારીઓને એકચક્ર રાજ્યમાં લઈ જવામાં આવ્યા.

યુદ્ધની વાતોને યાદ કરીને હું વ્યથામાં નથી પડવા માંગતી પણ એક વાત હું ક્યારેય નહીં ભૂલું. પોતાના પિતાશ્રીની હત્યાના વેરભાવથી સળગતો અશ્વત્થામા છળ કરી રાતના અંધારામાં, યુદ્ધના નિયમ વિરુદ્ધ જઈ, પાંડવોની છાવણીમાં ગયો અને સંહારલીલા રચી જેમાં મારા પુત્રોનો પણ સંહાર થયો. આ જોઈ અર્જુને બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો. સામે અશ્વત્થામાએ પણ પોતાનું બ્રહ્માસ્ત્ર છોડ્યું. બે બ્રહ્માસ્ત્ર જ્યારે ટકરાય ત્યારે તે કારણે થનાર જગતના સંહારનો વિચાર કરી ધર્મરાજ બંનેને પોતપોતાના બ્રહ્માસ્ત્ર પરત કરવા કહે છે. અર્જુન તો તે કરી શક્યો પણ અશ્વત્થામા પાસે તે આવડત ન હતી એટલે તેણે તેની દિશા બદલી મારા અર્જુન થકી થયેલ પુત્ર અભિમન્યુની વધુ ઉત્તરા કે જે વિરાટરાજાની પુત્રી હતી અને તે સમયે ગર્ભવતી હતી તેના ગર્ભ પર નિશાન તાક્યું અને તેનો નાશ કર્યો. પાંડુ કુળનો આ એક જ વારસ હતો અને તેનો પણ નાશ થઇ ગયો. આવું હિચકારું કૃત્ય કોઈ પણ સહન ન કરી શકે. મારા ભાઈ કૃષ્ણ પણ નહીં. તેણે અશ્વત્થામાને શાપ આપ્યો હતો કે તે કદી મૃત્યુ નહીં પામે અને પોતાના ઘાવ સાથે પીડા સહન કરતો આ વિશ્વમાં ભ્રમણ કરતો રહેશે.

યુદ્ધ પશ્ચાતની વાતો કરવાનું મહત્વ નથી પણ એ પણ સમય આવ્યો જ્યારે બધું છોડી સર્વે પાંડુ ભાઈઓ અને હું સ્વર્ગારોહણ માટે નીકળ્યા. કઠીન માર્ગ હોવા છતાં મને હતું કે અમે બધા સ્વર્ગ સુધી પહોંચશું પણ મારી ધારણા ખોટી પડતી ગઈ અને એક પછી એક પાંડુ ભાઈઓનું આરોહણ અધવચ્ચેસમાપ્ત થતું ગયું. આગળ જતાં મારી પણ એ જ અવસ્થા થઇ ત્યારે મેં ધર્મરાજાને પૂછ્યું કે મારો શો દોષ છે કે જેને કારણે હું આ આરોહણ પૂર્ણ નથી કરી શકી? ત્યારે તેમણે જણાવ્યું કે બધા ભાઈઓ પ્રત્યે એક પત્ની તરીકે હું વફાદાર તો હતી પણ અર્જુન પ્રત્યે હું વધુ લાગણી ધરાવતી હતી જે હવે મારા માર્ગની આડે આવ્યું અને હું યાત્રા પૂરી ન કરી શકી. આ વાત તો સત્ય જ છે કારણ હકીકતમાં અર્જુને જ મને સ્વયંવરમાં જીતી હતી. જો કુંતી માતાએ કહ્યું ન હોત તો હું પાંચ નહીં પણ ફક્ત એકની બની રહી હોત અને મારો સંપૂર્ણ સ્નેહ ફક્ત અર્જુનને ભાગે આવતે. પણ હવે આ વિષે વિચારવાનો કોઈ અર્થ ન હતો.


નિરંજન મહેતા

A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

2 comments for “દ્રૌપદી એકોક્તિ – એક કલ્પના

 1. Purvi
  January 2, 2019 at 8:14 am

  Anand aavyo niru bhai

  • Niranjan Mehta
   January 2, 2019 at 1:08 pm

   તમને ગમ્યું તેનો આનંદ અને આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *