કચ્છનું રણ અને આખ્યાયિકાઓ : પારિચાયિક – પ્રસ્તાવના

Facebooktwitterredditpinterestlinkedinmail

બીયાબાન બોલે છેઃ કચ્છનું રણ

વેબગુર્જરીના સંપાદક મંડળના જ્ઞાનવૃદ્ધ સાથી કૅપ્ટન નરેન્દ્ર ફણસે ભારતીય સેનામાં સેવા આપનારા જૂજ ગુજરાતીઓમાંના એક છે, પરંતુ આ ઓળખાણ પૂરતી નથી. એમની ખરી ઓળખાણ તો એ જ છે કે કૅપ્ટન પોતાની અંદર ઊતરીને જીવનારા માણસ છે. સાહિત્ય, સંગીત અને કલાને કોઈ સૈનિક સાથે જોડી ન શકે પણ કૅપ્ટન આપણી આ ધારણા સામે પડકાર બનીને ઊભા રહે છે.

લશ્કરી સેવા દરમિયાન કચ્છના રણનું સુસવાતું એકાંત કોઈ ન સાંભળે તેમ એમની સાથે વાતો કરતું રહ્યું અને પોતાનાં રહસ્યો દેખાડતું રહ્યું. જિપ્સીનો – એટલે કે કૅપ્ટનનો – દાવો નથી કે એ કંઈ સમજી શક્યા – એટલે આવી ગૂઢ વાતોને એમણે અગમ્ય અનુભવો સાથે સરખાવી છે. એકાંત રોળાઈ જતું હોય એવા રણોત્સવમાં તો રણનો અવાજ, રણનું આગવું આંતરિક વ્યક્તિત્વ ક્યાંથી પ્રગટ થવા પ્રેરાય? એ તો તમે એકલા હો ત્યારે જ તમારી સામે પોતાનો માથાથી પગના અંગૂઠા સુધીનો સફેદ બુરખો હટાવીને આવે.

કૅપ્ટન નરેન્દ્ર ફણસે એમના જીવનનો ૮૫મો દરવાજો ખટખટાવવાની તૈયારી કરે છે ત્યારે એમની આ વાતો સાંભળવાની તક ન ચૂકવી જોઈએ.

સૈનિક જીવનમાં એમણે કચ્છના રણમાં જે અનુભવ્યું તે ઉપરાંત એમના બીજા અનુભવોનું નિરૂપણ કરતી એક લેખમાળા આજથી અમે શરૂ કરીએ છીએ જે જાન્યુઆરી, ૨૦૧૯થી દર મહિને પહેલા અને ત્રીજા બુધવારે પ્રકાશિત થશે..

-સંપાદક મંડળ

૦૦૦૦૦૦૦૦

પ્રસ્તાવના :

સાંધ્ય-યોગના ક્ષેત્રનું રહસ્ય

image

  કૅપ્ટન નરેન્દ્ર ફણસે

જીવનના પથ પર ચાલતો જિપ્સીનો સિગરામ અનંતની દિશામાં ચાલી રહ્યો છે. સાંજના ધુંધળા વાતાવરણમાં તેને કશું સંભળાયું હોય તેવો ભાસ થાય છે. શાનો અવાજ હશે આ? દૂર ગોચરમાંથી ઘેર જતી ગાયના ગળામાં બાંધેલ ઘંટડીનો આછો અવાજ? કે પછી મારગ ભૂલેલા પક્ષીએ સાથીઓ શોધવા કરેલ આર્તનાદનો પડઘો?

જિપ્સી કાન સરવા કરે છે, પણ તેને કશું સંભળાતું નથી. તે આકાશ તરફ નજર કરે છે ત્યારે તેને ખ્યાલ આવે છે કે હવે વિસામો લેવા રોકાવું જ પડશે. નજીકના કોઈ વૃક્ષની નીચે ડેક ચૅર બીછાવીને તેમાં બેસે છે. હવે તેની નજર આસપાસની સુમસામ ધરા પરથી ઉઠી ક્ષિતિજ પર સ્થિર થઈ, ત્યાંથી પેલે પારની પણ પાર આવેલા અવકાશ સાથે ક્ષણ-બે ક્ષણનો અપલક દૃષ્ટિ-સંપર્ક થાય છે. અવકાશ અને સ્મૃતિ વચ્ચે અદૃશ્ય સેતુનું સંધાન થાય છે. ભૌતિક દૃષ્ટિ લુપ્ત થાય છે અને અંતર્દૃષ્ટિનો જાદુઈ દરવાજો ખુલી જાય છે જ્યાં નજર પહોંચતાં જ માનવી સ્થુલનો ત્યાગ કરી સૂક્ષ્મમાં પ્રવેશે છે.

સંધ્યાનો સમય પણ એટલો જ રહસ્યમય છે!  સંધ્યાના આગમનમાં ગહનતા છુપાઈ હોય અને તેનું ગાંભીર્ય એકલાં પશુપક્ષીઓ જાણતાં હોય તેમ તેનો આદર કરવા તેઓ એકાએક શાંત થઈ જતાં હોય છે. નિસર્ગે આ વિશિષ્ટ સમયખંડને ખાસ એવી પરા શક્તિઓ માટે બનાવ્યો છે, જેને સમજવા કેવળ યુગદૃષ્ટા ઋષિ-મુનિ અને સંતો સમર્થ હતા. દિવસ અને રાત્રિ – કે રાત્રિ અને દિવસની થતી સંધિને જ સંધ્યા કાળ કહેવાય છે ને? આ સંધિ-કાળના ભળભાંખડામાં નથી દિવસ કે નથી રાત. ત્યાં વર્તમાન નથી, ભવિષ્ય નથી. સમય, સ્થળ,અવકાશના આ અગમ્ય અને રહસ્યપૂર્ણ યોગમાં સમાયા હોય છે એવા પ્રસંગો જેમાં સત્ય અને સ્વપ્ન વચ્ચે કોઈ અંતર નથી રહેતું. તેના જ્ઞાતા ભૌતિકતાના બંધન તોડી વિશ્વભ્રમણ પર નીકળી પડે છે. આ અગમતત્વને માણનારા મહાત્માઓએ તેને twilight zone કહ્યો છે: સાંધ્ય-યોગક્ષેત્ર.

જિપ્સી પાસે નથી કોઈ અગમ દૃષ્ટિ કે તે વિશેની કોઈ સમજ. કદાચ તેની અ-બુદ્ધતા – naivete -ને કારણે તેને સાંધ્યયોગના ક્ષેત્રની સીમાને દૂરથી નિહાળવાની રજા મળી હોય તેવું તેને લાગે છે!  સૈન્યમાં હતો ત્યારે તેના સ્વભાવને જાણનારા સાથીઓએ તેને કેટલાક હુલામણાં નામ આપ્યાં હતાં તેમાંનું એક હતું naive and sentimental soldier – ‘એક ઉર્મિશીલ, અબોધ સૈનિક’! આ કારણે જ કદાચ તે આ વિશિષ્ટ ક્ષેત્રનું દૂરથી દર્શન કરી શક્યો હશે?

અનેક વર્ષો વીતી ગયાં, પણ આજ સુધી મને આ twilight zoneના દૂરથી અનુભવેલા સંપર્કનું રહસ્ય સમજાયું નથી. જે મેં અનુભવ્યું છે અને સાંધ્ય યોગના મારા જેવા દૂરથી દર્શન કરનારા સાક્ષીઓને કેટલાક પ્રસંગો સ્પર્શી ગયા, તેમની વાત જિપ્સીની ડાયરીમાં ઉતારવાનો પ્રયત્ન કર્યો છે.

મારી વાતો તથા અનુભવોને આપની રુચિ અનુસાર સત્ય, સ્વપ્ન, કલ્પના – અથવા યુદ્ધસ્ય કથા રમ્યા. ગણજો.  મારી પોતાની વાત કરું તો તે મારા માટે બધી ઘટનાઓ ત્યારે પણ જીવંત હતી અને જીવનની સંધ્યાએ સુદ્ધાં જીવંત છે!

આપના પ્રતિભાવનો હું અત્યારથી જ ઋણ સ્વીકાર કરું છું.


કેપ્ટન નરેન્દ્ર ફણસેનું વિજાણુ સંપર્ક સરનામું:  captnarendra@gmail.com


4 comments for “કચ્છનું રણ અને આખ્યાયિકાઓ : પારિચાયિક – પ્રસ્તાવના

 1. Purvi
  December 31, 2018 at 6:05 pm

  Narenji hoon bahu utsuk chu, sukha ran ne aapni drishti thi jova mate.

 2. Bhavna
  December 31, 2018 at 6:56 pm

  Yes, Sir, I am awaiting a grand experience of a naive and sentimental soldier – ‘એક ઉર્મિશીલ, અબોધ સૈનિક’!

 3. January 3, 2019 at 2:53 am

  Welcome back Captain. Looking forward to this serial

 4. સતીષ ચૌધરી
  January 12, 2019 at 9:04 pm

  સર વેબ ગુર્જરી માં આપને વાચીને ઘણો આનંદ થયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *