‘ત્યાં સમય નહીં હોય….’ :: ડૉ.ધીરેન્દ્ર મહેતા

Facebooktwitterredditpinterestlinkedinmail

ડૉ.દર્શના ધોળકિયા

Man is not made for defeat…A man can be destroyed but not defeated…know how to suffer like a man.’

‘ધ ઓલ્ડ મૅન એન્ડ ધ સી’નું આ વિધાન ગુજરાતીના પ્રખ્યાત નવલકથાકાર, વાર્તાકાર, કવિ, વિવેચક ને અધ્યાપક ડૉ.ધીરેન્દ્ર મહેતાનું પ્રિય અવતરણ છે. બાલ્યાવસ્થામાં જ પોલિયોની બિમારીને લઈને ચરણોની ગતિ અવરુદ્ધ થવાથી જીવનની વિવિધ વિષમતાઓ જેમને સાતત્યપૂર્વક વેઠવાની આવી છે ત્યારે પણ ધ ઓલ્ડ મૅનની સાહસવૃતિને ચાહતાં, આવકારતાં, આરધતાં ને આચરતાં પોતાની કેફિયત આપતાં ‘બાતમી’ નામક એમના પુસ્તકમાં એમણે નોંધ્યું છે : ‘એ પણ ભૂલાવું ન જોઈએ કે જીવન એ એક વ્યાપક વિશ્વ છે. આ બધી “સમસ્યાઓ” ભલે આજે એ આપણને ગમે તેટલી મૂંઝવતી હોય, ક્ષુબ્ધ કરતી હોય, તો પણ આખા જીવનના સંદર્ભમાં એનો અંશમાત્ર છે… એ જીવન કરતાં મહાન નથી…’ ધીરેન્દ્રભાઈનો જેમને નજીકથી પરિચય છે એ જાણે છે કે તેમની આ કેફિયત એમને જીવન ને સર્જનના વ્યાપમાંથી જ જડી આવી છે ને તેથી જ તેમનાં આ વિધાનનું માત્ર મંતવ્ય તરીકે જ નહીં પણ એમની અંગત અનુભૂતિ તરીકે પણ મૂલ્ય સ્થપાય છે.

મહેતાસાહેબની વાત માંડુ છું ત્યારે મારી સમક્ષ ઊઘડે છે ૧૯૭૬ની એક સાંજ. ગામમાંથી શહેર બનતા જતા મારા વતન ભુજમાં હોટેલ પ્રિન્સ નવી-નવી શરૂ થઈ છે. તેના ગાર્ડનમાં વિખ્યાત નાટ્યકાર ચં.ચી. મહેતાનું વ્યાખ્યાન ગોઠવાયું છે. નવમાં ધોરણમાં અભ્યાસ કરતી હું કંઈક કુતૂહલથી ચં.ચી. ને જોવા ને સાંભળવા માટે મોટા ભાઈ હરેશ સાથે હોટેલ પ્રિન્સના પ્રાંગણમાં ગોઠવાઈ છું. વ્યાખ્યાન પૂરું થતાં સૌ ચં.ચી. ને વીંટળાઈ વળીએ છીએ. ત્યાં જ એ વર્તુળને ભેદીને ગોરો વાન, કાળી ફ્રેમનાં ચશ્માં ને વિદ્યાના પ્રભાવથી નોખી ભાત પાડતી, ઘોડીના ટેકાથી માર્ગ કરતી, મારા માટે તદ્દન અજાણી એવી એક વ્યક્તિ પ્રવેશે છે. સૌ ખસીને તેને માર્ગ આપે છે ને ચં. ચી. નો હાથ હાથમાં લઈને પ્રસન્ન મુખમુદ્રાથી એ વ્યક્તિનો ચં. ચી. ને પૂછાયેલો પ્રશ્ન, ‘હવે હું તમને બોલાવવાનુ સાહસ કરું?’ સૌને એમની પ્રસન્નતામાં સામેલ કરે છે. હું વિસ્મયથી આખુંય દ્રશ્ય જોઈ રહું છું ને ભાઈને એમનો પરિચય પૂછું છું. એમનો પરિચય ભાઇ પાસેથી મેળવીને જાણે તેમના સાથે કોઈ પૂર્વપરિચય અનુભવાય છે.

એ પછી છેક ’૭૯ સુધીનાં ત્રણ વર્ષોમાં તેમને રસ્તામાંય જોવાનું સ્મરણ નથી. છેક ‘૭૯ના જૂનમાં કૉલેજ-પ્રવેશના પહેલા જ દિવસે મનોવિજ્ઞાન ને સંસ્કૃત વિષય ભણવાના ઇરાદાથી સૌ મિત્રો નવી ભૂમિમાં પ્રવેશવાના રોમાંચને અનુભવતાં ઊભાં છીએ ને અચાનક જ કોમનરૂમમાંથી બહાર આવીને મહેતાસાહેબ પૂછે છે : “ગુજરાતી છે?” નવા વિષયને અજમાવી જોવાના ઈરાદાથી સૌ હા પાડીને તેમનાથી દોરવાતાં વર્ગમાં પ્રવેશીએ છીએ ને સાહિત્યની દીક્ષા પામીને, ગુજરાતીનાં થઈને છેક ત્રણ વર્ષે બહાર નીકળીએ છીએ – મનોવિજ્ઞાનને બદલે સાહિત્ય ને જીવનનું શિષ્યત્વ પ્રાપ્ત કરીને.

મહેતાસાહેબની નિશ્રામાં શિક્ષણ પામવાનો સમયગાળો તો ત્રણ જ વર્ષનો રહ્યો, પણ એ ગાળામાં મળેલી કેળવણી આચાર્ય કાકાસાહેબકથિત “કોઈનાય ઓશિયાળા ન રહેવાની” તાલીમ બની રહી. સર્વશ્રી ઉમાશંકર, નગીનદાસ પારેખ, ડૉ. હરિવલ્લભ ભાયાણી, શ્રી યશવંત શુક્લની પરંપરાનું અનુસંધાન જેમની ચેતનામાં વહેતું હતું એવા મહેતાસાહેબની નાળ આ રીતે કાકાસાહેબ સાથે જોડાયેલી હતી. હું મહેતાસાહેબને પામીને આ રીતે અનાયાસે આ વંશવૃક્ષની ડાળખી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી શકી.

મહેતાસાહેબે આપેલી કેળવણીમાં ગુરુના વાત્સલ્યની સાથોસાથ આચાર્યને છાજતા કઠોર શિસ્તનોય પૂરો પ્રભાવ હતો. અભ્યાસનો પ્રારંભ પ્રહલાદ પારેખના ‘ઘાસ અને હું’ કાવ્યથી થયેલો. બારમાં ધોરણમાં આ કાવ્ય અમે ભણી ચૂક્યાં હોવાનું મારાથી કહેવાઈ ગયેલું. મારા ઉત્સાહથી અનુમોદીને સાહેબે માંડીને એ કાવ્યનો રસાસ્વાદ કરાવ્યો ત્યારે કવિતાની ક્ષણેક્ષણ કેવી તો નવીન, તાજી, અપૂર્વ હોય છે તેની સમજ પડેલી. ‘કશુંક આવડે છે’ નો ભ્રમ તોડવાની સાહેબે આપેલી એ પ્રથમ મંત્રદીક્ષા. સાહિત્યનું કોઈ પણ સ્વરૂપ, હંમેશા જુદા જુદા સ્તરે, જુદા જુદા દ્રષ્ટિકોણથી પછીનાં વર્ષોમાં સાહેબની નિશ્રામાં ખૂલતું રહ્યું. સાથોસાથ જીવનને પામવાની રુચિ પણ ઘડાતી રહી. કૉલેજનાં આરંભકાલીન વર્ષોમાં જ શરદચંદ્ર, રવીન્દ્રનાથ, કાલિદાસ, દોસ્તોયવસ્કી જેવા સાહિત્યસ્વામીઓના ગ્રંથો ફંફોસતી આંગળીઓમાં નવું ચેતન ઊભરાતું રહ્યું, વર્ગમાં જોરશોરથી એની ચર્ચા થતી રહી ને અમારી આંખોમાં વરતાતા જુસ્સાને સાહેબનું પિતૃવત્ વાત્સલય પોરસાવતું રહ્યું.

પોતાના મૌલિક અધ્યાપનથી આગવી ભાત પાડતા મહેતાસાહેબની સંનિધિ વિદ્યાર્થીઓના મોટા ભાગના સમૂહ માટે ઝાઝી સાધ્ય કે આકર્ષક ન રહેતી એય સાચું, કશુંક નક્કર નિપજાવવાના આગ્રહી સાહેબ પાસે ઉપનિષદ રચવું એ કંઈ સરળ ઘટના નહોતી. આથી સાહેબનો ચાહકવર્ગ ઓછો રહેતો. પણ જે મિત્રો એમનાં આગવાં અધ્યાપન ને વ્યક્તિત્વને માણી-પ્રમાણી શકતા તેમને માટે ‘ગુહ્યતમ શાસ્ત્ર’ નો ખજાનો ખૂલી જતો. ક્રોચે, ટી.એસ. એલિયેટ જેવા મિમાંસકોને ભણાવતા સાહેબ સાથે કોઈ ક્ષણે અચાનક spark થતાં દ્રષ્ટિથી જ વિચારઐક્ય સધાતાં ચેતનાના દરવાજા ખૂલ્યાનો જે ખખડાટ થતો ત્યારે ગુરુ-શિષ્યના ભેદ ઓગળી જતા ને નિ:સીમતા પ્રસરી જતી. આવી અનેક ક્ષણોએ વર્ગમાં તેમની સાથે સધાયેલા અદ્વૈત વેળાનો આનંદ આજેય મને રણઝણાવતો રહ્યો છે.

આચાર્ય કાકાસાહેબ, જ્યોતીન્દ્ર દવે જેવા સમર્થ સાહિત્યસ્વામીઓનાં નિધન સમયે ગુજરાતી વિભાગે યોજેલા અંજલિ કાર્યક્રમો, વિદ્યાર્થીઓમાં વક્તૃત્વશક્તિ કેળવવા માટે ખાસ વર્ગોનું થયેલું આયોજન, વિભિન્ન સ્પર્ધાઓ, વિદાયમાનો, યુનિવર્સિટી વ્યાખ્યાનો જેવા અનેક કાર્યક્રમો માત્ર મહેતાસાહેબની ઉપસ્થિતિથી અનોખો રંગ ધારણ કરતા. અમારા વર્ગમાં ભણતા એક અંધ મિત્રનો સ્નાતક કક્ષાએ પ્રથમ વર્ગ આવેલો તે દિવસે ભાનુપ્રસાદ પંડ્યાનું ‘દુનિયા અમારી’ કાવ્ય ભણાવીને એમાં દુનિયાને જુદી રીતે દેખી શકતા અંધ નાયકનું મહિમાગાન કરીને સાહેબે અમારા મિત્રના કરેલા અભિવાદનથી સૌની આંખ ભીંજાયાનું સ્મરણ અવિસ્મરણીય ઘટના તરીકે મારા મનમાં સ્થપાઈને સ્થિર થયું છે. વિદ્યાર્થીઓ દ્વારા જ સઘળાં આયોજનો થતાં ગયાં ને સાહેબે આપેલી કૂંચીથી અનુભવનું જગત ખૂલતું ગયું, વિસ્તરતું ગયું ને અભ્યાસનાં વર્ષોની ક્ષણેક્ષણ ધબકતી, મહેકતી બની રહી.

શું અભ્યાસ કે શું શીખવાની સમગ્ર પ્રક્રિયા – સઘળી બાબતોમાં વિદ્યાર્થી સંઘેડાઉતાર ન બની ત્યાં સુધી સાહેબ તેને થંભવા ન દે. એકાદી નાનકડી ક્ષતિ પણ તેઓ નભાવી ન શકે. જોડણીથી માંડીને પ્રશ્નના ઉત્તરનું વિવેચન, સઘળું પૂરા શિસ્તથી જ થવું ઘટે. વિદ્યાર્થી દ્વારા શિસ્ત સચવાય ત્યારે પણ સાહેબની પ્રશંસા આંખોથી જ સાંપડે. શબ્દો ને ભાવોની ભરમાર તેમના માટે અજાણ્યો પ્રદેશ.

મારો એમ.એ. નો અભ્યાસ પૂર્ણ થયા પછી તેમણે જ મને Ph.D. ભણી વાળી. મારા માર્ગદર્શકની શોધની મથામણ પણ તેમણે જ આરંભી. તે માટે ડૉ.ચંદ્રકાંત શેઠને વિનંતીપત્ર પણ તેમણે જ લખ્યો. સંયોગવશાત્ તેમના પાસે જગા ન હોતાં તેમણે પ્રો.જયંત કોઠારીનું નામ મહેતાસાહેબને સૂચવ્યું. સાહેબનો કોઠારીસાહેબ સાથે લાંબો પત્રસંવાદ ને વિવાદ ચાલેલો જેમની મને છેક ડૉક્ટરેટની ઉપાધિ મળ્યા પછી, એ નિમિત્તે મહેતાસાહેબે યોજેલા ભોજનપ્રસંગે અન્ય મિત્રો સાથે વાતવાતમાં ચર્ચા કરી ત્યારે જ ખબર પડેલી ! મારું વતન છેક કચ્છ-ભુજ, Ph.D. માટે કાચી પડે તેવી મારી વય ને અંગત વ્યસ્તતાઓને લઈને કોઠારીસાહેબે તો મને સ્વીકારવા માટે નન્નો જ ભણેલો. તેમને મનાવવા માટે મહેતાસાહેબને શ્રમ વેઠવો પડ્યો તેની ગંધ સુધ્ધાં મને ન આવવા દઈને એ જળોજથા જાતે વેઠીને સાહેબે મને તો જયંતભાઈના છેવટે આવેલા સ્વીકૃતિપત્રના આનંદની ભેટ જ આપેલી. સાહેબે જયંતભાઈ પાસે કરેલા હઠાગ્રહમાં મારા વિશે તેમને જે જણાવ્યું હશે તેનાથી આજેય હું અજાણ જ છું.

અમારા ગુરુ-શિષ્યના અનુબંધને સમૃદ્ધ કરતો એક વિરલ સંયોગ પણ આ જ ગાળામાં ઊભો થયો. સાહેબ પાસે જ્યાં શિક્ષણ પ્રાપ્ત કર્યું એ મારી માતૃસંસ્થા લાલન કૉલેજમાં જ ગુજરાતીના વ્યાખ્યાતાની જગા ઊભી થતાં સાહેબના અધ્યક્ષપણા હેઠળ કામ કરવાની તક પ્રાપ્ત થઈ. સંબંધોની બદલાતી ભૂમિકાને લઈને ઊભાં થતાં વૈમનસ્યોનાં આવતાં વરવાં પરિણામો મેં અનેક જગાએ આવેલાં જોયાં ને અનુભવ્યાં હોઈ, આવા વિરલ યોગની પ્રથમ ક્ષણે તો મને ફફડાટ જ જાગેલો. કૉલેજશિક્ષણના દિવસોમાં સાહેબની એકાંતરાગી ને સિદ્ધાંતનિષ્ઠ પ્રકૃતિને તેમના વ્યાવસાયિક સંબંધોમાં નડતરરૂપ બનતી જોવાનું સ્મરણ તીવ્ર બન્યું. દરેક ઘટનામાં ઝીણું કાંતતા મહેતા સાહેબ ભાગ્યે જ કોઈના માનીતા બની શકતા. તેમના વિશે ફેલાયેલી ગેરસમજોનું જાળુંય અભેદ્ય હતું. સાહેબની અનુપસ્થિતિમાં મારા વડીલ સાથી અધ્યાપકોએ સાહેબ વિશે બિહામણો ચિતાર આલેખીને મારા ફફડાટને દ્વિગુણિત કરેલો. અમારા ગાઢ અનુબંધને વ્યવસાય જેવી નજીવી ઘટના ડહોળી નાખે તે વાત મને કોઈ કિંમતે પોસાય તેમ નહોતી.આવી ગડમથલમાં કંઈક ઉદાસભાવે મારા પ્રિય વ્યવસાયના આરંભે ‘ન યયૌ તસ્થૌ’ ની મુદ્રામાં ચિત્રિત થઈને હું સાહેબના આગમનની પ્રતીક્ષામાં હતી ત્યારે વિભાગમાં પ્રવેશેલા સાહેબે છલકાતા વાત્સલ્યથી મારું સ્વાગત કરીને વિભાગની ચાવી મારી હાથમાં મૂકતાં વિભાગને લગતા તમામ દાયિત્વની સાથોસાથ એમનું વડપણ પણ મને સોંપીને એક જ ક્ષણમાં મને મોટી કરી દીધી ! મારા દાખલાનો એ ક્ષણે ઊલટેથી પણ તાળો મળેલો જોઈને સાહેબના મિતભાષી વ્યક્તિત્વનો મને પણ ચેપ લાગી ગયો. આ ભાવમય ક્ષણોમાં અમે બંને કેટલીય ક્ષણો મૂક બનીને બેસી રહેલાં.

વ્યવસાયના આરંભે Ph.D. ના અભ્યાસનો શ્રમ, માતાનું નિધન, તરંગી આચાર્યો દ્વારા મારા જેવા નવી નિમણૂક પામેલા અધ્યાપકોને સતત અપાતો રહેતો સંતાપ જેવા કડવા-માઠા અનુભવોના અસહ્ય તાપમાં સાહેબનું સાન્નિધ્ય વૃક્ષના છાંયડા સમું, શીતળતા પ્રેરતું મને ઘેરી રહીને આશ્રય આપતું રહ્યું. બાહ્ય ઘટનાઓની મારા અધ્યયન-અધ્યાપન પર વિપરીત અસર ન પડે તે માટે એ વર્ષોમાં તેમણે અખંડ ઉજાગરા કરેલા. ભાષા-વર્તુળના પ્રાધ્યાપકો દ્વારા દર માસે અભ્યાસલેખ તૈયાર કરવામાં આવતો. આ કાર્યશાળામાં મને જોડીને એ નિમિત્તે મારી લેખનયાત્રાનો પ્રારંભ કરાવવામાં પણ સાહેબ જ નિમિત્ત બન્યા. એ પછી વર્ષે-બે વર્ષે પ્રગટ થતાં ગયેલાં મારાં પુસ્તકોનો પ્રેરણાસ્ત્રોત પણ તેઓ જ બનેલા. સાથોસાથ વ્યવસાય માટે અનિવાર્ય એવી વહીવટી સૂઝ પણ તેમના સાન્નિધ્યથી જ કેળવાતી રહી. આ બધું એટલી સહજ રીતે ઘટતું ગયું કે એના મૂળમાં રહેતા-રહેલા સાહેબનો પ્રભાવ ભાગ્યે જ કોઈને નજરે પડે.

સાહેબની નજર નીચે અધ્યયન-અધ્યાપન કરતાં કરતાં તેમને કોઈથી અંજાયેલા જોયાનું સ્મરણ નથી. આવશ્યક વ્યાવસાયિક જવાબદારીઓનું વહન કરતાં કરતાં પણ તેઓ પોતાની મહાગુહામાં એક તપસ્વીને છાજતાં તાટસ્થ્યથી પોતાના સ્વને સાચવીને સૌને તપ કરવા પ્રેરતા રહ્યા છે. તેમની ઉપસ્થિતિમાં બીજી કોઈ પણ વ્યક્તિ અનુચિત વ્યહાર કરતાં સંકોચાય એવું સાહેબના તપનું પ્રભાવવર્તુળ. એ વર્તુળમાં રહેનાર એની લક્ષ્મણરેખા ઓળંગી ન શકે ઓળંગવા જતાં જ સાહેબની નજર ઊંચકાય ને એ નજરનો ભાર જ એ લક્ષ્મણરેખા ઓળંગનારને અસહ્ય થઈ પડે. પરસ્પર વાણીવ્યવહારની આવશ્યકતા જ ન રહે ને પરિસ્થિતિ સચવાઈ જાય. અધ્યાપકોનો મુખ્ય ખંડ જાતજાતની ચર્ચાઓથી ધમધમતો રહે ને અમે સૌ નાનેરાં સતત કશુંક પામતાં રહીએ.

મહેતાસાહેબથી પરિચિત લોક તેમને આગ્રહી બલકે હઠાગ્રહી, આવેગશીલ ને ક્યારેક આક્રમક વ્યક્તિ તરીકે ઓળખે-ઓળખાવે છે. કદાચ સ્થૂળ દ્રષ્ટિએ જોવા જતાં આ અભિપ્રાયમાં તથ્યાંશ પણ જણાય. મહાકવિ ભારવિની ‘નારિકેલ પાક’ શી શૈલી સમું વ્યક્તિત્વ ધરાવવાની સાહેબ વિશે ફેલાયેલી ધારણાને સત્ય માનવા પણ તેમની આસપાસના લોક પ્રેરાય. સાહેબના સતત સહવાસ પછી, એક શિષ્યાના અધિકારથી સાહેબ વિશેનાં આ મંતવ્યોમાં ઉમેરો કરીને હું એમ પણ કહી શકું કે નાળિયેરના કઠોર આવરણને ભેદ્યા પછી ચોક્કસપણે પ્રાપ્ત થતી કોમળતા સાહેબને ભેદ્યા પછીય પ્રાપ્ત ન થયાનાં દ્રષ્ટાંતોય મેં જોયા-અનુભવ્યાં છે. તેમના મસૃણ, વેદનશીલ આંતરજગતનાં દ્વાર પણ ક્યારેક જ, ને તેય અધૂકડાં ખૂલે છે ત્યારે એ છીંડામાંથી જ પોળ લાધી ને અગોચર ગોચર થયું છે, ત્યારે અનુભવાયેલો આનંદ મારી અંગત મૂડી બની રહ્યો છે. એની અખંડ અમીટ છાપને ચિહ્નિત કરીને.

વીણાના તાર સમી કોમળ, સૂક્ષ્મ એવી તેમની ઊર્મિશીલ પ્રકૃતિ સાહેબ દ્વારા જ ઊઘડેલી દ્રષ્ટિથી ઝિલાઈ શકી છે. તેમની પાસે પ્રહલાદની કવિતા શીખતાં, અસહ્ય એવું કશુંક ન વેઠી શકતી વેળા સ્થિર થયેલી તેમની નજરના ખાલીપામાં, Ph.D.ની ઉપાધિ મેળવ્યાની ક્ષણે તેમના પ્રત્યે અંજલિબદ્ધ બનતી વેળા તેમણે કરેલા મંદ સ્મિતમાં, ઉમાશંકરનાં પુત્રી નદિનીબહેને તેમને લખેલા એક પત્રમાં કેર ઑફમાં મારું સરનામું કરેલા કવરને પકડતી વેળાએ હર્ષથી કંપિત થયેલી તેની આંગળીઓમાં, તાજેતરમાં થયેલા ભૂકંપથી ધ્વસ્ત થયેલા તેમના ઘર પર ફરી વળતા મશીનને જોવા એકઠા થયેલા લોકોની ભીડ પર મંડાયેલી તેમની નજરમાં – આવી ઝીણી ક્ષણોમાં તેમના પ્રત્યેના મારા આદરનું પોત ઘટ્ટ થતું રહ્યું છે. ૧૯૭૬ની સાલ મારા માટે થયેલા એમના પ્રવેશે મને કરેલું અર્પણ શ્રી જયંતીલાલ દવેની એક પંક્તિની મદદથી વર્ણવવાનું મને ગમે :

અમે રે હતા પગપાળા ખેપિયા,

વાટમાં ડૂક્યા અંતરિયાળ;

એણે રે ચરણોમાં જાદુ ફૂંકિયા,

ઘૂમવાને દુનિયા વિશાળ.

કુદરતના કોઈ અકળ આશીર્વાદે કરીને અધ્યાપ ને અધ્યક્ષ તરીકે મને પ્રાપ્ત થયેલી સાહેબની નિશ્રાને પામ્યાને ત્રીસ વર્ષોનાં વહાણાં વહી ચૂક્યાં છે ત્યારે પણ ‘ઘાસ અને હું’ કાવ્ય ભણતાં મળેલી પેલી તાજી, અ-પૂર્વ અનુભૂતિની જેમ, સાહેબનું સાન્નિધ્ય દરેક પ્રભાતે કશીક અપૂર્વતાનો અનુભવ કરાવતાં જિસસની એક કથાનું સ્મરણ કરાવે છે. પિતાના રાજ્યને સતત પ્રશંસતા રહેતા જિસસને કોઈ પૂછી બેસે છે : “એવું તે શું છે તમારા પિતાન રાજ્યમાં, જે આ પૃથ્વી પર ન હોય?” જિસસ નો ઉત્તર છે : “આ પૃથ્વી પર પ્રિયજનની સાથે વર્ષો રહ્યાં છતાં કાળની સીમા પૂરી થતાં સાન્નિધ્ય પણ પૂરું થાય છે. પણ મારા પિતાના રાજ્યમાં જે વિશેષતા હશે તે એ – ‘ત્યાં સમય નહીં હોય’.” પિતાનું નિ:સીમ અસ્તિત્વ, નિ:સીમ સાન્નિધ્ય ત્યાં જ મળી શકશે. અનંતકાળ લગી પિતાનું વાત્સલ્ય જ્યાં વરસતું હશે, એ પૂરું થવાની ધાસ્તી જ્યાં હસ્તી ધરાવતી નહીં હોય એ હશે જિસસને મતે પિતાનું રાજ્ય.

ગુરુનાં ચરણથી મસ્તક સુધી પહોંચવાનાં વર્ષોની આ યાત્રા એટલે ‘૭૬ની એ સાંજથી આજની ક્ષણ સુધીની યત્રા – મારા માટે તો એ જિસસકથિત ‘પિતાનું રાજ્ય’ – આ પૃથ્વી પર જ સાંપડેલું સ્વર્ગ; ભાગ્યે જ કોઈને સાંપડે એવું અમૂલ્ય સદ્દભાગ્ય.


ડૉ. દર્શના ધોળકિયાનાં સંપર્કસૂત્રઃ
• પત્રવ્યવહારનું સરનામું: ન્યૂ મિન્ટ રોડ, ભુજ (કચ્છ), ભારત ૩૭૦૦૦૧

• ઇ-પત્રવ્યવહારનું સરનામું: dr_dholakia@rediffmail.com

————

3 comments for “‘ત્યાં સમય નહીં હોય….’ :: ડૉ.ધીરેન્દ્ર મહેતા

  1. January 8, 2019 at 7:00 am

    આવા સારસ્વતો વિશે સામાન્ય ગુજરાતી તો સાવ અજાણ જ હોય. આવા પરિચયો જ આપણી પ્રતિભાઓને ઊજાગર કરે છે.
    તેમના પરિચય પર આ લેખની લિન્ક મૂકી દીધી…
    https://sureshbjani.wordpress.com/2007/05/15/dhirendra_mehta/

  2. May 28, 2019 at 4:46 am

    Very Nice !!! Dr. CC Mehta was a referee for one of our Drammas staged by us in Faculty OF sCIENCe, MSU . Baroda(Now Vadodara) 1958 almost sure of year. !!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *