





વડીલ જન તો તેને કહીએ, પરિવાર જોડી રાખે રે,
સકળ લોકમાં હળી મળીને, સહુને ખુશ કરી જાણે રે.
દુ:ખ સુખ એ સહુના જાણી, જીવન દૃષ્ટાંત સ્થાપે રે,
બોધ–શિખામણથી એ અળગા, સ્વમાન સાચું જાણે રે.
દુ:ખ, વ્યથા સમસ્યા સૌની, અનુભવથી એ ઉકેલે રે.
મારું તારું છોડી દઈને, સરળ જીવન માણી જાણે રે.
હું મોટો છું, તું ખોટો છે, એ અભિમાનને જે ત્યાગે રે.
દંભનો અંચળો કદી ન રાખે, આચાર ગમતો રાખે રે.
જ્ઞાન, કુશળતા,અનુભવનું ભાથું, સહુને એતો બાંટે રે.
શુભ સંસ્કારોનુ ઘડતર કરી, ઉચ્ચ શિક્ષણ જે આપે રે..
ભૂત, ભવિષ્યને ભૂલી જઈને, વર્તમાનમાં જે મ્હાલે રે.
પલટાતા આ વિશ્વમાં રહીને, જિજ્ઞાસાવૃત્તિ જે રાખે રે.
માન–અપમાન, સ્વમાન સહુના, ધીરજથી એ સાંખે રે.
પ્રેમ સંબંધો જાળવી રાખી, નવા સંબંધોને નિખારે રે.
અભિમાન એ કદી ન રાખે, હું પણું કદી ન દાખવે રે.
ભૂલી જઈ ઉપકાર જીવનના, વળતર કદી ના માંગે રે.
વડીલજન તો તે કહેવાયે, જે જીભનો ચટાકો છોડે રે.
ભાવતાં ભોજન વિસરી જઈ, મનગમતું કરીને માણે રે.
વાદ–વિવાદ ને ચર્ચા છોડી. કલેશ–કંકાસ જે મિટાવે રે
આપ કમાઈ, બચત, સંપત્તિ, ઉદાર દિલથી વાપરે રે.
આયખું વિત્યું ને શેષ જીવન છે, હવે વધુ નહીં તાણે રે.
લીન થઈને પ્રભુ ભજનમાં, સંત સમ જીવન વિતાવે રે.
(રચના – નટુભાઈ મોઢા,મૈસૂર,તા:૧૯–૧૦–૨૦૧૮,દશેરા)
સૌ વયસ્કોએ આત્મસાત કરવા જેવું અનુકાવ્ય.