





-બીરેન કોઠારી
હિન્દી ફિલ્મના સંગીતની વાત નીકળે એટલે મોટે ભાગે તો વાત ગીતોથી શરૂ થાય અને ત્યાં જ પૂરી થાય. હિન્દી ફિલ્મોના ગીતની સમૃદ્ધિ એવી માતબર છે કે હવે તો તે આપણી સાંસ્કૃતિક અને સામાજિક ઓળખનો હિસ્સો બની ગયાં છે. આ ગીતોની, તેના આરંભિક સંગીતની કે વચ્ચે આવતા ઈન્ટરલ્યુડ સંગીતની ચર્ચા સંગીતપ્રેમીઓમાં અવારનવાર થતી રહે છે, અને તેના વિશે અનેક અભ્યાસુ લેખો લખાતા રહ્યા છે, પણ આ ચર્ચાની ધરી ગીત જ હોય છે.
ગીતોની જેમ જ પાર્શ્વસંગીત પણ ફિલ્મનો અવિભાજ્ય હિસ્સો છે, જે ફિલ્મના પડદે દર્શાવાયેલી પરિસ્થિતિની અસરને વધુ તીવ્ર બનાવે છે. મૂક ફિલ્મોના અરસામાં પડદાની આગળ સંગીતકારો બેસતા અને દૃશ્યને અનુરૂપ ‘લાઈવ’ સંગીત પીરસતા. બોલપટ આવ્યા પછી ધ્વનિમુદ્રિત (રેકોર્ડેડ) સંગીતનો આરંભ થયો. બોલપટના શરૂઆતના ગાળામાં ગીતના શૂટિંગ વેળા વાદકો ‘લાઈવ’ વગાડતા, જે તે કલાકારે અભિનય કરતાં કરતાં ગાવાનું રહેતું અને તેનું ફિલ્માંકન કરવામાં આવતું. આ વખતે માઈક કે વાદકો કેમેરાની રેન્જમાં ન આવી જાય એ રીતે તેને છુપાવવામાં આવતા. અલબત્ત, એ સમયની ફિલ્મોમાં પાર્શ્વસંગીત આ રીતે વગાડવામાં આવતું કે કેમ એની જાણ નથી. ધીમે ધીમે રેકોર્ડિંગ સ્ટુડિયોનું ચલણ શરૂ થયું. તેને પગલે ધ્વનિમુદ્રિત સંગીતની શ્રવણગુણવત્તામાં દેખીતો ફરક પડવા લાગ્યો. પાર્શ્વસંગીતની નોંધ લેવાતી થઈ.
રાજ કપૂર પોતાની ફિલ્મો માટે સંગીતકાર શંકર-જયકિશન પાસે અનેક ધૂનો તૈયાર કરાવી રાખતા. ‘આવારા’ના દૃશ્યમાં ત્યાર પછી આવેલી ‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’માં લેવાયેલા ‘ઓ બસંતી પવન પાગલ’ની ધૂન કે ‘આહ’માં ‘જાને કહાં ગયે વો દિન’ની ધૂન પાર્શ્વસંગીત તરીકે સાંભળી શકાય છે, જેની પરથી ગીત છેક ‘મેરા નામ જોકર’માં લખાયું.
(‘આહ’ના પાર્શ્વસંગીતમાં ‘જાને કહાં ગયે વો દિન’ની ધૂન)
(‘આવારા’ના પાર્શ્વસંગીતમાં ‘ઓ બસંતી પવન પાગલ’ની ધૂન)
‘મુગલ-એ-આઝમ’ના પાર્શ્વસંગીતનો એક ટુકડો ઘણો લોકપ્રિય બનેલો. પણ આવાં ઉદાહરણો પ્રમાણમાં ઓછા જોવા મળે, કેમ કે, ગીતોને ગણગણી શકાય છે, જ્યારે પાર્શ્વસંગીત ગમે એટલું પ્રભાવક હોય, તેને ગણગણી શકાતું નથી.
એ સ્પષ્ટતા પણ જરૂરી છે કે થીમ મ્યુઝીક અને પાર્શ્વસંગીતમાં ફેર છે. થીમ મ્યુઝીક ફિલ્મમાં પાત્રો કે પરિસ્થિતિ અનુસાર તૈયાર કરવામાં આવે છે, જેને પાર્શ્વસંગીતના એક ભાગ તરીકે વાપરવામાં આવે છે. પણ આ પ્રથા મર્યાદિત રહી છે. ‘શોલે’માં ગબ્બરસિંગના પાત્રના આગમન વખતે વાગતા ચોક્કસ પ્રકારના સંગીતને આ શ્રેણીમાં મૂકી શકાય. જેમ્સ બૉન્ડની ફિલ્મોમાં આવતું અતિ જાણીતું સંગીત ‘થીમ મ્યુઝીક’ છે.
**** **** ****
પાર્શ્વસંગીતની સરખામણીએ હિન્દી ફિલ્મોનું ટાઈટલ મ્યુઝીક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. ફિલ્મ આરંભ થાય કે તરત તેના કલાકાર-કસબીઓની નામાવલિ જોવા મળે છે, જેને ક્રેડીટ ટાઈટલ્સ કહે છે. નામાવલિનું આ આયોજન દોઢથી બે કે અઢી મિનીટ સુધીનું હોય છે. આ ટાઈટલ દરમિયાન વાગતા મ્યુઝીકને ટાઈટલ મ્યુઝીક તરીકે ઓળખવામાં આવે છે. તેને શિર્ષકસંગીત કહેવામાં આવે છે, પણ ખરેખર તે નામાવલિસંગીત છે.
હિન્દી ફિલ્મોમાં ટાઈટલની પ્રથા ફિલ્મ જેટલી જ જૂની હશે એમ લાગે છે. પડદા પર સેન્સર સર્ટિફિકેટ બતાવાયા પછી જે તે નિર્માણગૃહનું નામ કે પ્રતીક આવે એ પછી સામાન્ય રીતે ટાઈટલ શરૂ થાય છે.
ઘણા નિર્માણગૃહોનું આગવું પ્રતીક હતું, એમ તેની સાથેનું આગવું મુદ્રાવાક્ય કે સંગીત પણ રહેતું. તેના પછી ટાઈટલ મ્યુઝીકનો આરંભ થતો.
ત્રીસી અને ચાલીસીની ફિલ્મો જોતાં એ ખ્યાલ આવે છે કે નામના ક્રમની કોઈ એક પ્રચલિત પદ્ધતિ નહોતી. પચાસના દાયકામાં આ પદ્ધતિ વિકસતી ગઈ અને એક ક્રમ ઘડાતો ગયો, જે આજે પણ મહદંશે એમનો એમ જોવા મળે છે. એ અનુસાર સૌથી પહેલાં ફિલ્મનું નામ આવતું.
પછી મુખ્ય કલાકારોનાં નામ, અને તેની પાછળ સહાયક કલાકારોનાં નામ આવે છે.
પછી કસબીઓનાં નામનો વારો આવે છે. તેમની સાથે સહાયકો કે અન્ય જે પણ લોકોનો નામોલ્લેખ જરૂરી હોય એ સૌનાં નામ વારાફરતી મૂકાય છે.
કોઈ વિશેષ ઉલ્લેખ હોય તો એ પણ અલગથી મૂકવામાં આવે છે.
સામાન્યપણે આર્ટ ડિરેક્ટર, સિનેમેટોગ્રાફર, કથાલેખકનાં નામ અલાયદાં મૂકવામાં આવે છે.
ગીતકાર, સંગીતકારનાં નામ પણ એકલાં જોવા મળે છે.
સૌથી છેલ્લે દિગ્દર્શક કે નિર્માતાનું નામ આવે છે. આ એક સર્વસામાન્ય માળખું છે. તેમાં ક્રમ બદલાઈ શકે છે.
સંગીતકારનું અને પછી દિગ્દર્શકનું નામ આવે ત્યારે વાદ્યો વડે તેની અલગ અસર ઉપસાવાય છે.
શરૂઆતની ફિલ્મોમાં નામાવલિ સીધીસાદી, યા આલ્બમની જેમ કાર્ડ પર લખાયેલી જોવા મળતી. ક્યારેક તેની સાથે ફિલ્મના કથાનકને અનુરૂપ કોઈ રેખાચિત્ર કે કોઈ તસવીર રહેતું. આ ટાઈટલની સમાંતરે જે સંગીત મૂકવામાં આવે છે તેની વાત આ શ્રેણીમાં કરવાનો ઉપક્રમ છે.
આરંભકાળની ફિલ્મોમાં પણ ટાઈટલ માટેની ખાસ ટ્રેક બનાવાતી હશે એમ લાગે છે. ધીમે ધીમે ફિલ્મનાં એક યા વધુ ગીતોની ધૂનનો ઉપયોગ આ ટ્રેક માટે કરવાનો આરંભ થયો. આગળ જતાં પશ્ચિમી ફિલ્મોની જેમ ફિલ્મના કેન્દ્રવર્તી કથાનક મુજબનું થીમ મ્યુઝીક પણ ટાઈટલ માટે બનાવાતું થયું, તો ઘણી વાર આખેઆખી ટ્રેકને ફિલ્મના ટાઈટલ મ્યુઝીકમાં મૂકી દેવામાં આવી. ટાઈટલ આવ્યા પછી જ ફિલ્મ શરૂ થાય એ પદ્ધતિ પણ બદલાતી ગઈ. ઘણી ફિલ્મોમાં એકાદ સીન અથવા તો ફિલ્મની મુખ્ય કથાનો પૂર્વાર્ધ (જેમ કે, મુખ્ય પાત્રનું બાળપણ, મુખ્ય પાત્રોનો પૂર્વજન્મ વગેરે) પૂરો થઈ જાય પછી ટાઈટલ શરૂ થતાં.
ટાઈટલ દરમિયાન કથાને આગળ વધતી પણ બતાવાતી. હવે ઘણી ફિલ્મોમાં ટાઈટલ માટે અલગ અવકાશ ફાળવાતો નથી, અને કથાની સમાંતરે જ ટાઈટલ શરૂ થઈ જાય છે. આ રીતે મુખ્ય ટાઈટલ શરૂઆતમાં અને ફિલ્મના અંતે બાકીનાં તમામ ટાઈટલ સરકતાં દેખાડવામાં આવે એ પ્રથા હવે વધુ ચલણી બની છે.
ઘણી ફિલ્મોમાં આ નામાવલિ દરમિયાન ફિલ્મના કેન્દ્રવર્તી સૂરને રજૂ કરતું ગીત પણ મૂકાતું, જેને ફિલ્મનું ‘ટાઈટલ સોન્ગ’ કહી શકાય. આ પ્રકારે પસંદગી પામતાં ગીતો મોટે ભાગે પુરુષસ્વરમાં, તેમ જ બુલંદ અવાજવાળા ગાયકો દ્વારા ગવાતાં હોવાનું જોઈ શકાશે.
(ટાઈટલ દરમિયાન વાગતું ફિલ્મના કેન્દ્રવર્તી કથાનકને અનુરૂપ ટાઈટલ ગીત)
ફિલ્મનું નામ જે ગીતમાં આવતું હોય એવા ગીતને પણ ટાઈટલ સોન્ગ કહેવામાં આવે છે. આવું ગીત ફિલ્મમાં ગમે ત્યારે આવી શકે. આ શ્રેણીમાં આવાં ગીતોની વાત નથી.
ટાઈટલ ટ્રેક જે તે સંગીતકાર તૈયાર કરતા હશે યા તેમના કાબેલ સહાયકો કરતા હશે એ બાબતે ખાસ જાણવા મળતું નથી. કલ્યાણજી-આણંદજીના આણંદજીભાઈને ખાસ આ વિષયે વાત કરવા માટે રજનીકુમાર પંડ્યા સાથે 2017ના ડિસેમ્બરમાં મળવાનું બન્યું ત્યારે થોડી વાત જાણવા મળી, પણ એ જિજ્ઞાસાને શમાવવાને બદલે વધુ જાગ્રત કરે એવી હતી.
(આણંદજી સાથે તેમના નિવાસસ્થાને બીરેન કોઠારીની વાતચીત) *
‘તીસરી મંઝીલ’, ‘જ્વેલ થીફ’ જેવી ફિલ્મોનાં ટાઈટલ મ્યુઝીક ફિલ્મ જોતી વખતે ખૂબ પ્રભાવક લાગેલાં, પણ તેને ફરી સાંભળવા શી રીતે? લૉંગ પ્લે રેકોર્ડ પર ક્યારેક કોઈ ફિલ્મના ટાઈટલ મ્યુઝીલની ટ્રેક આવતી, પણ તે નિયમીત ક્રમ નહોતો. આથી એ તરસ વણછીપી જ રહેતી.
આ તરસ છીપાવાનો આરંભ થયો યૂ ટ્યૂબ પર આખેઆખી ફિલ્મો મૂકાતી થયા પછી. એક વાર કુતૂહલવશ મેં ‘અલીબાબા ઔર ચાલીસ ચોર’નું ટાઈટલ મ્યુઝીક શોધ્યું, અને એ મળી ગયું ત્યારે અલાદ્દીનનો ખજાનો હાથ લાગ્યાનો રોમાંચ થયો હતો. આ ફિલ્મની ટ્રેકને પહેલવહેલી વાર ફેસબુક પર મૂકી ત્યારે તેની સાથે થોડું લખાણ પણ મૂકેલું.
ધીમે ધીમે આ માર્ગે આગળ વધાતું ગયું અને એક પછી એક એમ અનેક ફિલ્મોનાં ટાઈટલ મ્યુઝીક મારા કાનમાં પ્રવેશતાં ગયાં. અત્યાર સુધી મારો પરિચય ફિલ્મોના ગીતો પૂરતો મર્યાદિત હતો. તેને બદલે હવે આ ક્ષેત્રમાં વિહારનો એક આગવો રોમાંચ હતો.
જોયેલી ફિલ્મો સાથે આપણું આગવું જોડાણ હોય છે. તે કયા સંજોગોમાં, કોની સાથે જોઈ વગેરે બાબતો પણ ફિલ્મ સાથે વણાયેલી હોય છે. આથી જે તે ફિલ્મની ટાઈટલ ટ્રેક મૂકતી વખતે જે તે સંગીતકાર કે કલાકાર અને ફિલ્મ ઉપરાંત ફિલ્મ સાથેના અંગત જોડાણ વિશે પણ લખવાનું મેં શરૂ કર્યું. તેમાં ફેસબુકના અનેક મિત્રોને પોતાની વાતનું અનુસંધાન પણ મળતું જણાતું. તેઓ આ ફિલ્મ વિશે કે તેની સાથે સંકળાયેલી વિગતોની પૂર્તિ કરતા અને એમ આખું ચક્ર પૂરું થતું. અલબત્ત, ફેસબુકના માધ્યમની એક મર્યાદા એ હતી કે તેમાં એક વખતે એકથી વધુ લીન્ક આપી શકાય નહીં. આથી એવી અનેક ફિલ્મોના ટાઈટલ મ્યુઝીક વિશે એકસાથે વાત કરવાને બદલે વારાફરતી વાત કરવી પડતી. ‘વેબગુર્જરી’ પર એ કસર પૂરી કરી શકાશે તેનો આનંદ છે.
આ શ્રેણી ફેસબુક પર લખાયેલી શ્રેણીની કોપી-પેસ્ટ ધારાવાહિક નથી, બીજી અનેક બાબતો ઉમેરી છે. પણ તેને ફિલ્મકેન્દ્રી કે ગીતકેન્દ્રી રાખવાને બદલે ટાઈટલ મ્યુઝીક પર કેન્દ્રિત રાખી છે. ઈતિહાસને લગતી વાતો સમાવાયેલી છે, છતાં તેનો ઉપક્રમ આસ્વાદનો રાખ્યો છે.
આમ, આ શ્રેણીમાં ટાઈટલ મ્યુઝીકની સાથે સાથે સિનેમાની અને તેની સાથેનાં સંભારણાંની વાત પણ છે.
આ શ્રેણીમાં ફિલ્મ અંગેની તેમજ સંગીતકાર અંગેની વિગતો માટે બે વ્યક્તિઓનો ઋણસ્વીકાર કરું છું, જેમના સ્રોતમાંથી મેં આ માહિતીઓ લીધેલી છે. ‘હિન્દી ફિલ્મ ગીતકોશ’ ના સંપાદક કાનપુરના હરમંદીરસિંઘ ‘હમરાઝ’ના કુલ છ ભાગના ગીતકોશ વિના આ શક્ય ન બન્યું હોત. તો સંગીતકારો વિશે સુરતના હરીશ રઘુવંશીએ તૈયાર કરેલી વિગતોના સમાવેશ વિના આ શ્રેણી અધૂરી લાગત.
ફિલ્મસંગીત સાથે સંકળાયેલા અનેક નામી-અનામી સંગીતકારો, વાદકોને આ શ્રેણી અર્પણ છે.
જાન્યુઆરી, 2019થી દર મહિને બીજા અને ચોથા સોમવારે આ શ્રેણીમાં ટાઈટલ મ્યુઝીકનો આસ્વાદ નિયમીત પ્રકાશિત થશે.
———————————-
(સૌજન્ય: (*) નિશાનીવાળી તસવીર રજનીકુમાર પંડ્યા દ્વારા. અન્ય તસવીરો જે તે ફિલ્મના યૂ ટ્યૂબ પરથી લીધેલા સ્ક્રીન શૉટ છે.
લેખમાં ઉપયોગ કરેલી તમામ લીન્ક યૂ ટ્યૂબ પરની છે.)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
ફેઈસબુક ઉપરની જોરદાર સદી પછી અહીં પણ સદી ઉપર સદીઓ ફટકારશો એવી અપેક્ષા છે.
આભાર, પિયૂષભાઈ! તમારી શુભેચ્છાઓ અને જીવંત રસથી શ્રેણી રસપ્રદ બની રહેશે.
અદભુત.અદભુત અને અનન્ય !
વાંચતા વાંચતા ભુતકાળની , અને ખાસ તો ઉગતા યૌવન કાળની યાદમાં ઇમોશનલ થઇ જવાય તેવું સંકલન અને સંપાદન.
અભિનંદનથી કંઇ વધુ…..
આભાર, રજનીભાઈ! તમારા પ્રોત્સાહક વચનો હંમેશાં આગળ વધવાનું બળ પૂરું પાડતાં આવ્યાં છે.