





જ્વલંત નાયક
નૃવંશશાસ્ત્રીઓ કહે છે કે પૃથ્વીના પટ પર અસ્તિત્વ ધરાવતી સજીવ સૃષ્ટિ પૈકી આપણે આજદિન સુધીમાં લગભગ ૮.૭ મિલિયન સજીવો અંગે જાણકારી મેળવી છે, હજી બીજી ૫ મીલીયન પ્રજાતિઓ એવી હશે જેના વિષે આપણે કશું જ નથી જાણતા! અહીં પહેલી ચોખવટ એ કે ૧ મીલીયન એટલે દસ લાખ, અને બીજી ચોખવટ એ કે આ આંકડો માત્ર પ્રમાણમાં જરા મોટા-નરી આંખે દેખાય એવા સજીવોનો છે. જો અન-ડિસ્કવર્ડ માઈક્રોબ્સ, એટલે કે નરી આંખે ન દેખાય એવા સૂક્ષ્મ જીવોને પણ ગણતરીમાં લઈએ તો આશરે ૧ ટ્રિલિયન જેટલા સજીવો વિષે આપણે હજી ય કશું જ નથી જાણતા! (ટ્રિલિયન એટલે કેટલાં, એની જાણકારી ગૂગલ મહારાજ પાસેથી મેળવી લેવી. મૂળ વાત એ છે કે કોઈક નવી પ્રજાતિ વિષે ખબર પડે એટલે આપણે કશુંક ‘નવું શોધાયું’નો સંતોષ મેળવીએ છીએ એટલું જ, બાકી પૃથ્વીની સજીવસૃષ્ટિની તમામ પ્રજાતિઓ હજારો-લાખો વર્ષોથી પૃથ્વી પર મોજૂદ હોવા છતાં આપણે હજી સુધી એમના વિષે પૂરેપૂરી ભાળ મેળવી શક્યા નથી!
ખેર, સૂક્ષ્મ જીવોની વાત છોડો, નરી આંખે દેખાતી હોવા છતાં અત્યાર સુધી વણઓળખાયેલી કેટલીક પ્રજાતિઓ વિષે જાણીએ.
ગોલીએથ બર્ડ ઈટિંગ સ્પાઈડર :
ઇસ ૨૦૦૬માં ગુયાનામાં મળી આવેલો આ કરોળિયો માત્ર ફૂદાં-પતંગિયા જ નહિ પણ મોકો મળતા જ ગરોળીઓ અને ઝેરી સર્પોને પણ સ્વધામ પહોંચાડી શકે છે. મનુષ્ય ઉપર એના ઝેરની જીવલેણ અસર નથી થતી, પરંતુ આ કરોળિયો પોતાના પગ પર ઉગેલા જે રૂંછા હવામાં ઉડાડે છે, તે મનુષ્યની આંખમાં ચોંટી જઈ શકે છે!
લુઝીઆના પેનકેક બેટફીશ :
મેક્સિકોની ખાડીમાંથી મળી આવેલો આ સજીવ દેખાવે જરા વિચિત્ર છે. ઇસ ૨૦૧૦માં મેક્સિકોની ખાડીમાં તેલના રિસાવની કુખ્યાત ઘટના બનેલી. આ ઘટના બાદ ખાડીના પાણીમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું હતું, એ દરમિયાન આ જીવ મળી આવ્યો. તેનો આકાર પેનકેક જેવો છે અને દરિયાના પાણીમાં મુસાફરી કરવા માટે એનું શરીર એવી જ મુવમેન્ટ કરે છે જેવી એક ચામાચીડિયું ઉડવા માટે કરે છે. આથી એનું નામ પડાયું ‘પેનકેક બેટફીશ’. દરિયામાં મળી આવતાં કેટલાક અપૃષ્ઠવંશી (invertebrate) પેનકેક બેટફીશનો ખોરાક છે. બીજા શિકારીઓથી બચવા માટે અને શિકારને લલચાવવા માટે તે છલાવરણ (camouflage) રચી શકે છે.
પીનોશીયો ફ્રોગ :
તમને પેલું ‘પીનોશીયો’ નામનું બાળવાર્તામાં આવતું પ્રખ્યાત કેરેક્ટર યાદ હશે જ, જે કશુંક ખોટું બોલે એટલે તરત એના નાકની લંબાઈ વધી જાય! આવી જ પ્રકૃતિ ઇસ ૨૦૦૮માં શોધાયેલા એક મેંઢક મહાશયની પણ છે. ફરક એટલો કે ખોટું બોલવાને કારણે નહિ પણ ‘મેટિંગ’ માટેની તૈયારીના ભાગરૂપે તેનું ‘નાક’ લાંબુ થાય છે. મેટિંગ માટે દરેક પશુમાં કંઈક શારીરિક સગવડ કુદરતી રીતે જ હોય છે. દેડકાની જ વાત કરીએ તો મેટિંગ સમયે ગ્રીપ જળવાઈ રહે એ હેતુસર એના પંજામાં ‘મૈથુન ગાદી’ તરીકે ઓળખાતી પોચી ગાદી હોય છે. પરંતુ પીનોશીયો ફ્રોગના લાંબા થતા નાકનું રહસ્ય શું, એનો કોઈ સ્પષ્ટ ઉત્તર જીવવિજ્ઞાનીઓ પાસે નથી. ‘ટ્રી ફ્રોગ તરીકે પણ ઓળખાતો આ દેડકો ઇન્ડોનેશિયાના ફોજા માઉન્ટેન ખાતે જોવા મળે છે.
ટેપેનુલી ઉરાંગઉટાંગ :
આપણે માટે તો બધા વાંદરા સરખા પણ વૈજ્ઞાનિકોએ આપણા આ પૂર્વજોને પણ જુદી જુદી પ્રજાતિઓમાં વિભાજીત કર્યા છે, જે પૈકીની એક પ્રજાતિ એટલે ઉરાંગઉટાંગ. ઇસ ૧૯૯૬ સુધી ઉરાંગઉટાંગને એક જ પ્રજાતિ માનવામાં આવતી, પણ ત્યાર બાદ જીવવિજ્ઞાનીઓએ માન્યું કે ઉરાંગઉટાંગમાં પણ પાછી બે જુદા જ પ્રકારની પ્રજાતિઓ છે. (બોર્નીયન અને સુમાત્રન) અને ગયા વર્ષે વળી એક નવાજ પ્રકારના ઉરાંગઉટાંગ ભાઈઓ (અને બહેનો પણ) મળી આવ્યા, ‘ટેપેનુલી ઉરાંગઉટાંગ’, જે આખા વિશ્વમાં માત્ર સુમાત્રાના સાઉથ ટેપેનુલી આઈલેન્ડ ઉપર જ જોવા મળે છે. આ પ્રજાતિની ઓળખ ભલે અત્યારે થઇ, પણ વિજ્ઞાનીઓના માનવા પ્રમાણે તેઓ ૩૪ લાખ વર્ષથી અસ્તિત્વ ધરાવે છે. (એટલે કે મૂળ ઉરાંગઉટાંગ પ્રજાતિમાંથી જૈવિક બંધારણની દ્રષ્ટિએ થોડા જુદા પડ્યા છે.) પરંતુ ૭૫,૦૦૦ વર્ષ પહેલા સુમાત્રાનું ‘ટોબા’ તરીકે ઓળખાતું વિશાળ તળાવ ફાટવાની ઘટના બનેલી, જેને પરિણામે ટેપેનુલી ઉરાંગઉટાંગ આઈસોલેટ થઇ ગયા… અને હજારો વર્ષો પછી પાછા મળી આવ્યા! હાલમાં ટેપેનુલી આઈલેન્ડના એક હજાર સ્ક્વેર કિલોમીટર જેટલા વિસ્તારમાં માત્ર ૮૦૦ ટેપેનુલી ઉરાંગઉટાંગ અસ્તિત્વ ધરાવે છે.
એટલાન્ટિક ફોરેસ્ટ ટ્રી :
બંદરને યાદ કરીએ તો એના રહેઠાણ સમા વૃક્ષને કેમ ભૂલાય?! અને અત્યાર સુધી જે પ્રજાતિઓની વાત કરી એ સૂક્ષ્મ પ્રજાતિ નહોતી, સાથે જ એવી વિશાળકાય પ્રજાતિ ય નહોતી કે હજારો વર્ષો સુધી કોઈનું ધ્યાન ન પડે! પરંતુ એટલાન્ટિક ફોરેસ્ટ ટ્રી તો વિશાળકાય હોવા છતાં છેક ઇસ ૨૦૧૮ સુધી આપણે એણે ઓળખી ન શક્યા. માત્ર બ્રાઝિલમાં જ જોવા મળતા આ વૃક્ષ ૧૩૦ ફીટ ઊંચા અને લગભગ ૫૬,૦૦૦ કિલોગ્રામ વજનના હોય છે. વિજ્ઞાનીઓના જણાવ્યા મુજબ આ પ્રકારના માત્ર ૨૫ વૃક્ષો હાલમાં હયાત છે! બહુ મોડેથી મળેલી આ વિશાળકાય પ્રજાતિ બહુ જલદી લુપ્ત થઇ જશે?!
ખેર, કેનેરી અઈલેન્ડમાં જડેલા વોલ્કેનીક બેક્ટેરિયા કે જાપાનના ઈશીગાકી ટાપુ પર મળી આવેલા ‘પરોપજીવી’ પુષ્પથી માંડીને ઓસ્ટ્રેલિયાના માર્સુપીઅલ લાયનની વાત તો બાકી જ છે. એક લેખમાં કેટલુંક સમાય! અત્યારે તો એટલું જ, કે કુદરતની લીલા અપરંપાર છે.
શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.
નોંધ : અહીં જોવા મળતી તસ્વીરો નેટ પરથી લેખની પૂરક માહિતી પૂરતી જ લીધેલ છે. તેના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત છે.