ફિર દેખો યારોં : ઈતિહાસમાં નહીં લખાનારી ઈતિહાસકારોની એક ઘટના

Facebooktwitterredditpinterestlinkedinmail

બીરેન કોઠારી

‘કોન્ગ્રેસ’ શબ્દનો અર્થ થાય છે મહાસભા, પણ પક્ષાપક્ષીના સંકુચિત અને દ્વેષપ્રેરિત રાજકારણને લઈને આપણા દેશમાં આ શબ્દનો અર્થ એક રાજકીય પક્ષ પૂરતો મર્યાદિત થઈ ગયો છે. રાજકારણીઓનો ઈતિહાસપ્રેમ જાણીતો છે. પહેલાનાં શાસકો ઈતિહાસ બનાવતા, જ્યારે લોકશાહીના શાસકો કાગળ પર ઈતિહાસ બદલવાની પેરવી કરતા આવ્યા છે. તવારીખ કે દસ્તાવેજીકરણના સાધન તરીકે ઈતિહાસનું મૂલ્ય કોઈ સમજે કે ન સમજે, રાજકીય મુદ્દાઓ મેળવવા પૂરતું ઈતિહાસનું મહત્વ શાસકો બરાબર સમજે છે.

આ સંદર્ભે એક તાજા, નાના સમાચાર જાણવા જેવા છે.

આ મહિનાની 28 થી 30 દરમિયાન પૂણેની સાવિત્રીબાઈ ફૂલે યુનિવર્સિટીના યજમાનપદે ‘ઈન્‍ડિયન હિસ્ટ્રી કોન્ગ્રેસ’ (આઈ.એચ.સી.)નું 79મું સમ્મેલન ભરાવાનું હતું. આ યુનિવર્સિટીએ તાજેતરમાં, એટલે કે પ્રસંગના ત્રણેક સપ્તાહ અગાઉ એક ઈ-મેલ દ્વારા પોતે આ સંમેલન યોજવા માટે અક્ષમ હોવાની જાણ કરી. યુનિવર્સિટી વતી પત્ર પાઠવનાર છે એસોસિયેટ પ્રોફેસર અને સ્થાનિક સેક્રેટરી રાધિકા શેષન. તેમણે દર્શાવેલું કારણ નાણાંની તંગીનું છે. લગભગ છેલ્લી ઘડીની કહી શકાય એવી યજમાનની આ ઘોષણાથી આઈ.એચ.સી.ના સભ્યો દોડતા થઈ જાય એ સ્વાભાવિક છે. સ્થાનિક સેક્રેટરી સંમેલનને મુલતવી રાખવાનો આવો એકતરફી નિર્ણય લઈ ન શકે એમ જણાવતો એક પત્ર આઈ.એચ.સી. દ્વારા યુનિવર્સિટીને પાઠવવામાં આવ્યો છે. વાસ્તવમાં સંમેલન ક્યાં ભરાવાનું છે તે એક વરસ અગાઉ નિશ્ચિત થઈ જતું હોય છે. આજ સુધીમાં યુનિવર્સિટી દ્વારા કુલ સાતસો સભ્યોની નોંધણી કરવામાં આવી છે તેમ જ તેમની પાસેથી માથાદીઠ બે હજાર રૂપિયા પણ કાર્યક્રમમાં ભાગ લેવાની ફી પેટે લેવામાં આવ્યા છે. તો શું યજમાનને કાર્યક્રમના મહિનામાં જ નાણાંની તંગી હોવાનો ખ્યાલ આવ્યો? કે પછી અસલ કારણ બીજું કંઈક છે?

‘ભારતીય ઈતિહાસ સંશોધક મંડળ’ના નેજા હેઠળ આઈ.એચ.સી.નું પહેલવહેલું સંમેલન 1935માં પૂણેમાં મળ્યું હતું. મહારાષ્ટ્રના ઈતિહાસકાર પ્રો. ડી.વી.પોતદારની આ શક્ય બન્યું હતું. ત્યાર પછી 1938 થી આ સંસ્થાનાં વાર્ષિક સંમેલનો નિયમીતપણે મળે છે. ત્યારથી લઈને આજ સુધી આ સંસ્થાની સભ્યસંખ્યા સતત વધતી રહી છે, જેમાં દેશના તમામ રાજ્યોના ઈતિહાસકારોનો સમાવેશ થાય છે. આ વાર્ષિક સંમેલન ઈતિહાસકારોનું સૌથી મોટું કહી શકાય એવું સંમેલન છે, જેમાં આશરે બારસો જેટલા સભ્યો ઉપસ્થિત રહેતા હોય છે અને સાતસો સંશોધનપત્રોની રજૂઆત થાય છે.

અલબત્ત, ઈતિહાસ સાથે, ઐતિહાસિક તથ્યો સાથે સંકળાયેલા હોવાને કારણે આ સંસ્થા વિવિધ રાજકીય પક્ષો કે અન્ય જૂથોની અણમાનીતી બની રહી છે. ભારતીય જનતા પક્ષના શાસનકાળ દરમિયાન કરવામાં આવતા ઈતિહાસના પુનર્લેખનનો આ સંસ્થાના સભ્યો ખુલ્લો વિરોધ કરતા આવ્યા છે અને આ પણ હવે તો જૂનો ઈતિહાસ છે. આ સંસ્થાના, 2001માં યોજાયેલા વાર્ષિક અધિવેશનમાં નોબેલ પારિતોષિક વિજેતા અમર્ત્ય સેને આરંભિક વક્તવ્યમાં તત્કાલીન એન.ડી.એ.સરકારની પુરાણકથાઓ અને ઈતિહાસની ભેળસેળ કરવા બદલ ટીકા કરી હતી. ગયે વરસે આ જ સંસ્થાએ વડાપ્રધાન મોદીની વિરુદ્ધમાં ઠરાવ પસાર કર્યો હતો. વડાપ્રધાને પ્લાસ્ટિક સર્જરી અને આનુવંશિક વિજ્ઞાનને ટાંકતા કરેલા ગણેશજી અને કર્ણના ઉલ્લેખ સામે આમ કરવામાં આવ્યું હતું. એમ તો, આ સંસ્થા પોતે જ સાંપ્રદાયિક ઝુકાવ ધરાવતી હોવાની ટીકા પણ થતી આવી છે. યુનિવર્સિટીએ રાજ્ય સરકારના દબાણ હેઠળ આ કાર્યક્રમ મુલતવી રાખ્યો હોવાની વાત છે, પણ સ્વાભાવિક છે કે તેને સત્તાવાર સમર્થન મળે નહીં. યુનિવર્સિટીએ નાણાંભીડનું કારણ જ આગળ ધર્યું છે અને આ મામલે રાજ્ય સરકાર પાસેથી આર્થિક સહાય લેવી ઠીક નહીં એમ જણાવ્યું છે. સત્તાવાર કારણ ભલે નાણાંભીડનું બતાવાયું હોય, પણ તાર્કિક રીતે એ ગળે ઉતરવું મુશ્કેલ લાગે છે.

ધોરણસરના ઈતિહાસકારો આમ પણ રાજ્યસત્તાને ગમતા નથી હોતા, કેમ કે, તેઓ તથ્ય અને આંકડા પર આધારિત તારણો આપે છે, જે રાજકીય પક્ષોને કામમાં લાગતા નથી. રાજ્યસત્તાને પ્રિય હોય એવાં તથ્યો શોધનારા ઈતિહાસકારો પણ ઓછા નથી. નવાઈ એ વાતની લાગે કે આ વાસ્તવિકતા રાજાશાહીના પ્રાચીન યુગની નહીં, પણ લોકશાહીના યુગની છે. અને લોકશાહી પણ નાનીસૂની નહીં, વિશ્વની સૌથી મોટી ગણાતી લોકશાહી. એક શાસક આગલા શાસનકાળમાં ઈતિહાસ બદલવાનો આરોપ મૂકે, અને તેને સરભર કરવા માટે પોતાના શાસનકાળમાં ઈતિહાસનું પુનર્લેખન કરાવે, જે પોતાના રાજકીય ઝોક મુજબનું હોય એ વલણ હવે વધી રહ્યું છે. સત્તાધારી પક્ષને સહાયરૂપ થવા સારું તેમને અનુકૂળ આવે એવો ઈતિહાસ લખી આપનારાને ઈતિહાસકારનું બિરુદ આપી દેવું બહુ આસાન છે. આ ઈતિહાસકારો એટલા ઉત્સાહી હોય છે કે તેઓ પોતાના નામની પાછળ ‘સરકારશ્રીની માન્યતા પ્રાપ્ત ઈતિહાસકાર’ લખાવવાનું જ બાકી રાખતા હોય છે. આવા ઈતિહાસકારો પોતાના કોઈક લાભ માટે સત્તાધારીને પ્રિય હોય એવો ઈતિહાસ લખે તો એને તેમની માનવીય વૃત્તિ ગણીને શંકાનો લાભ આપી શકાય, પણ કશા લાભની અપેક્ષા વિના, માત્ર ને માત્ર સત્તાધારીને પ્રિય હોય એવાં પસંદગીયુક્ત તથ્યોને ઈતિહાસ તરીકે રજૂ કરે એ વધુ ખતરનાક લક્ષણ છે. આવો વર્ગ વધુ બોલકો હોય એવું સામાન્યપણે જોવા મળે છે. સરકારને ન ગમે એવા, એટલે કે સાચા ઈતિહાસકાર માટે ‘સામ્યવાદી’ કે ‘ઉદારમતવાદી’ની ગાળ હાથવગી જ હોય છે.

જો કે, આવી બધી ચર્ચાનો ખાસ અર્થ નથી. ઈતિહાસનું જ શા માટે, અન્ય તમામ વિષયો, અને સમગ્રપણે શિક્ષણનું જ સ્તર પાતાળે પહોંચ્યું હોય ત્યાં ખોટા ઈતિહાસનાં પાઠ્યપુસ્તક કરી કરીને કેટલું નુકસાન પહોંચાડી શકવાના? અને આવા ઈતિહાસનું ગૌરવગાન થઈ રહ્યું હોય તો પછી ચિંતા કોના માટે કરવાની? ઈતિહાસલેખન સાથે સંકળાયેલી આવી સંસ્થાના સમ્મેલનને યોજવાનું અચાનક મુલતવી રખાય ત્યારે એ પણ ખ્યાલ આવે છે કે આયોજકના પક્ષે ભલે જુદી જાતની, પણ ચિંતા તો છે જ. ‘આઈ.એચ.એસ.’નું 79મું સમ્મેલન ક્યાં ભરાશે એ સમય કહેશે. એમ પૂણેની ‘સાવિત્રીબાઈ ફૂલે યુનિવર્સિટી’માં એનું આયોજન છેલ્લી ઘડીએ મુલતવી રહ્યું એનું સાચું કારણ પણ સમય જ કહેશે. એ અલગ વાત છે કે એ કારણ કદાચ ઈતિહાસમાં સ્થાન નહીં પામે.


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં  ૨૦ – ૧૨- ૨૦૧૮ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *