લે ગઈ દિલ, સફર જાપાનકી : ૧૦. કાન્સાઈ એરપોર્ટ : મૂર્તિમંત થયેલ માણસની કલ્પનાશક્તિ

Facebooktwitterredditpinterestlinkedinmail

૦૫/૦૪/૨૦૧૮

દર્શા કિકાણી

સવારે વહેલો જ બ્રેકફાસ્ટ પતાવી દીધો. સાડા સાતે તો નાસ્તો કરી સામાન લઈ બધાં બસ આગળ હાજર હતાં. સરસ, રોમાંચક અને સફળ સફર પૂરી કર્યાનો આનંદ હતો તો બીજી બાજુ મિત્રોથી છૂટા પડવાનું દુઃખ હતું. બસમાં સામાન ભરાઈ ગયો અને અમે ઓસાકાને બાયબાય કરી કાન્સાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ જવા નીકળ્યાં. કોબે, ક્યોટો અને ઓસાકા એમ ત્રણે શહેરોને આવરી લેતો પ્રદેશ કાન્સાઈ નામે ઓળખાય છે.આ એરપોર્ટ આ ત્રણે શહેરોને સર્વિસ આપે છે એટલે કાન્સાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે ઓળખાય છે. કાન્સાઈ એરપોર્ટ બહુ વિશેષ છે. દરિયાની જમીન રીકલેઈમ કરીને ઘણી જહેમતથી આ એરપોર્ટ બનાવવામાં આવ્યું છે. માણસની કલ્પનાશક્તિ અને તેને મૂર્તિમંત કરવાની આવડત એટલે કાન્સાઈ એરપોર્ટ! ઓસાકાની ખાડીમાં કિનારાથી ૩૮ કિ.મિ. દૂર કૃત્રિમ જમીન પર બનાવેલ આ એરપોર્ટ ૧૯૯૪થી કાર્યરત થયેલ છે. તે બન્યું ત્યારે જ ખ્યાલ હતો કે તે ધીમે ધીમે પાણીમાં બેસતું જશે. તેને માટે અગોતરી તૈયારી પણ કરવામાં આવી છે. આજ સુધીમાં તે લગભગ ૧૩ ફૂટ જેટલું પાણીમાં બેસી ગયું છે.

અમે સમયસર એરપોર્ટ આવી લાગ્યાં. ચેક-ઇન અને બીજી વિધિઓ પતાવી આખું ગ્રુપ સુખરૂપ સિંગાપુરની ફ્લાઈટમાં બેસી ગયું. ફ્લાઈટમાં ખાવાપીવાની અને બીજી સગવડો ઘણી સારી હતી. ૬ કલાકની હવાઈ સફર કરી નિયત સમયથી લગભગ ૧૫ મિનિટ મોડાં અમે સિંગાપુર પહોંચ્યાં. અમારે અહીંથી અમદાવાદ જવા ફ્લાઈટ બદલવાની હતી. સદનસીબે ઊતર્યા એ જ ટર્મિનલથી બીજી ફ્લાઈટમાં બેસવાનું હતું. એરપોર્ટ ઊતર્યા અને અમને સમાચાર મળ્યાં કે એરલાઇન્સ તરફથી દરેકને ૨૦ ડોલરનું વાઉચર મળે છે જે ત્યાં જ વટાવી લેવું પડશે. થોડી દોડાદોડ કરી અમારાંમાંથી ઘણાં લોકો વાઉચર વટાવી ચોકલેટ કે બીજી નાની-મોટી ખરીદી કરી સમયસર આવી લાગ્યાં. જો કે ફ્લાઈટ નિર્ધારિત સમયથી અડધો કલાક મોડી ઊપડી. આ ફ્લાઈટમાં ઘણી સીટો ખાલી હતી. વળી ખાવા-પીવાની વ્યવસ્થા સારી હતી. જતી વખતે સિંગાપુર એરલાઇન્સનો અમારો અનુભવ સારો ન હતો પણ પાછાં આવતી વખતે અમારો અનુભવ સુખદ રહ્યો. હવે મિત્રોથી છૂટાં પડવાનું હતું એટલે થોડું દુઃખ થતું હતું. ફરી મળતાં રહીશું તેવા વચનો સાથે અમે અમદાવાદ એરપોર્ટ ઊતર્યા. કસ્ટમની વિધિ બહુ સરળતાથી પતી ગઈ. અમારો સામાન પણ આવી ગયો. ઘેર જવા ઉબર બોલાવી હતી જે ૬ મિનિટમાં નિયત સ્થાને આવી ગઈ અને જાપાનની યાદગાર અને મનમોહક સફર સમાપ્ત કરી અમે પાછાં ઘરે આવી ગયાં!

બે દિવસ પછી અમારાં મિત્રો કુશ અને ઈરાનો ફોન આવ્યો અને અમે જાપાન-સફરની વાતો વાગોળવા તેમના ઘરે મળ્યાં. નાસ્તા-પાણી સાથે ઈરાના કંઠે ગવાયેલ સુંદર ભજનો પણ માણ્યાં.

લે ગઈ દિલ, ગુડિયા જાપાનકી ……. અરે, ના,ના, લે ગઈ દિલ, સફર જાપાનકી!


સંપર્ક :  દર્શા કિકાણી :  ઈ –મેલ –  darsha.rajesh@gmail.com

3 comments for “લે ગઈ દિલ, સફર જાપાનકી : ૧૦. કાન્સાઈ એરપોર્ટ : મૂર્તિમંત થયેલ માણસની કલ્પનાશક્તિ

 1. December 31, 2018 at 11:21 pm

  ખૂબ જ રસપ્રદ પ્રવાસલેખ છે. તમારી સાથે સાથે અમે પણ પ્રવાસે નીકળ્યા હોય તેવી અનુભૂતિ થઇ છે.

  • Darsha Kikani
   January 2, 2019 at 10:22 pm

   આભાર, શ્વેતલ!

 2. January 1, 2019 at 12:09 am

  The post is good but there is no reference or description of the photographs published along with the post.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *