બંસી કાહે કો બજાઈ : પ્રકરણ ૨૮

Facebooktwitterredditpinterestlinkedinmail

લેખિકા : નિર્મલા દેશપાંડે

અનુવાદ : કેપ્ટન નરેન્દ્ર ફણસે

અને આંબા – જાંબુડીનાં પાંદડાઓમાં થતો સળવળાટ પરાકાષ્ઠાએ પહોંચવા લાગ્યો હતો. ચંદ્રાવતીની આંખો અશ્રુઓથી ઝરવા લાગી.

જામુની ક્યાં’ય દેખાતી નહોતી.

ક્યારે આવશે આ જામુની?

ભુલી તો નથી ગઈ ને?

કેમ ભુલે? આજે તેણે આવવું જ જોઈશે. કોઈ પણ હિસાબે મારા મન પરનો બોજ હલકો થવો જ જોઈએ.

એટલામાં લીલાછમ ઘાસ પરની સર્પાકાર પગદંડી પર ચાલીને બીલીની દિશામાં આવતી જામુની દૂરથી દેખાઈ. ઢળતા સૂર્યનાં કેસરી કિરણો જામુની પર પડ્યા અને અંધારાને છિન્નભિન્ન કરી નાખતા પરિવર્તીત કિરણોના ધોધે ચંદ્રાવતીની આંખોને દીપાવી નાખી.

હજી પણ જરીબૂટાની ઓઢણીમાં સજ્જ જામુની એવી જ દેદીપ્યમાન દેખાય છે!

“આઓ, જામુની!” બીલીની પાળ પરથી ઊતરી, પોતાના ચહેરા પરની ઉત્સુકતા છુપાવીને ચંદ્રાવતી બોલી.

“જરા દેરી હુઈ. મા નીકલને કહાં દેતી થી? કહતીથી અબ દિન ડૂબે ઘરસે બાહર જાના અચ્છા નહી હોતા. મનાના પડા,” જરા હાંફતાં હાંફતાં જામુની બોલી અને આરામથી બીલીની પ્રદક્ષિણા કરવા લાગી.

ચંદ્રાવતીની આતુરતા વધવા લાગી. હે ભગવાન, આની પ્રદક્ષિણા કોણ જાણે ક્યારે પૂરી થવાની છે!

બીલીની અગિયાર પ્રદક્ષિણા કરી લીધા બાદ જામુની બીલીની પાળ પર ચંદ્રાવતીની નજીક બેઠી. લાંબો સમય બન્ને નિ:શબ્દ બેસી રહ્યાં.

“મૈં સોચ ભી નહી સકતી જામુની, તુમ જૈસી સુંદર લડકી ખેતોમેં કામ કરે!” સ્તબ્ધતાને છેદવાનો પ્રયત્ન કરતાં ચંદ્રાવતી બોલી.

જામુનીએ કોઈ જવાબ ન આપ્યો.

“સચ પૂછો તો ઈશ્વરને તુમ પર ઈતના અન્યાય નહી કરના ચાહિયે થા.”

“કૈસા અન્યાય, જીજી? ક્યા હમારે ખેતોમેં હમ ક્યા કમ ખુશ હૈં?”

“અચ્છા?”

“ઔર નહી તો ક્યા? આપકો વહ રંગરેજવાલા ગીત યાદ હૈ? વહી ગીત જો હમ ત્યૌહારોં પર ગાયા કરતે થે?”

“કૌન સા? અરે, સુના ભી દો!”

“આપ પૂરી બંબૈવાલી મેમસાબ બન ગઈ હો. દેહાતકે ગાને ક્યા યાદ રખોગી?”

“તુમ શાયદ ઠીક કહ રહી હો, મગર દેહાત કે ગાને અભી ભી મેરે મનમેં હૈં.”

“આપકે દર્શનકી ખુશીમેં આજ મુઝ પર ગાનોંકી ધૂન સવાર હો ગઈ હૈ, જીજી! કસમ સે! સુનિયે!” કહી જામુનીએ ગીત શરુ કર્યું.

રંગરેજવા મ્હારી ચૂનરી રંગ દે લાલ

ઈક ટક લિખિયો મ્હારો માયકો – ઈક ટક પ્રિય સસુરાલ

ઘૂંઘટ પે લિખિયો મ્હારા દેવરા, મ્હારા હસત – ખેલત દિન જાય!

કટિયન પે લિખિયો બૂરી નનદિયા, ગગરી તલે કૂચ જાય

પલુઅન પે લિખિયો મોરે બલમવા, હવા લહર લહરાય!

હે રંગરેજ મારી ચૂંદડીને લાલ રંગથી રંગ. તારી પિંછીથી એક તરફ લખ મારૂં પિયરીયું, બીજી તરફ લખ પ્રિય સાસરિયું! ઘૂંઘટ પર મારા નાનકડા દિયરનું ચિત્ર કાઢ જેથી મારા સાસરિયામાંના દિવસ હસતાં રમતાં વહી જાય! કમર પર મને ત્રાસ આપનારી નણંદનું ચિત્ર કાઢ જેથી કેડ પર પાણીથી ભરેલી હેલ મૂકું તો તેના ભાર નીચે તે ચકદાઈ જાય! મારા પાલવ પર મારા પિયુનું નામ લખ, જેથી હવાની લહેર આવે અને પાલવ ફરકે ત્યારે મારું મન તેની યાદમાં જિંદગીભર લહેરાયા કરે!

રંગરેજવાનું ગીત ગાતી વખતે જામુનીની કમળ જેવી આંખોમાંથી બોર બોર જેવડા આંસુ ટપકતા હતા.

આ જામુની ગમે તેમ કરીને પોતાનું મન તો નથી મનાવી લેતી? આ વિચારથી ચંદ્રાવતીનું મન અધિક અસ્વસ્થ થયું. વ્યાકૂળ થઈને દુ:ખિત અવાજમાં ચંદ્રાવતી બોલી, “તુમ્હારે દુ:ખકા અસલી કારન મૈં હી હું, જામુની. ન મૈં તુમકો બહેકાતી, ન તુમ શેખરકે ફંદે મેં પડતી.”

“હોની કોઈ ટાલ સકતા હૈ ભલા? ઔર બીતી બાતો પર ઈતની પરેશાની ક્યૂં? ઈસમેં આપકા ક્યા કસૂર? પીછલે જનમકે કરમોં કે ફલ ઈસી જનમેં ભુગતને પડતે હૈં. તબ જા કે આદમી કા અગલા જનમ.”

“બસ કરો, જામુની!”

“અચ્છા, બાબા! બસ કિયા! હમેં ઈતના અચ્છા સસુરાલ મિલા, ઈતને સાલોં કે બાદ આપ લોગોં કે દર્શન હુવે – જીસકી હમેં આશા નહી થી, ઔર હમારી ગોદમેં… યહ સબ હમ ઈશ્વરકી કિરપા સમજતે હૈં.  આદમીકો ઔર ક્યા ચાહિયે? બડે સાહબકા દેહાન્ત હુવા કિ દદ્દા હમેં ભિંડ લે ગયે. વર્ના આપકે ગલેમેં ગલા ડાલ કર ઈસ પર રો ભી લેતે…”

ચંદ્રાવતી એકી ટસે જામુની તરફ જોતી રહી. તેની આંખોમાં અચરજ હતું.

શેખરે કરેલા દ્રોહના વિષને પચાવતી, ચાર – ચાર વખત થયેલી કસૂવાવડનાં ચિહ્નોને તન અને મન પર ધારણ કરી, ઢોરઢાંખરનાં છાણ – વાસીદાં કાઢી, ખેતરમાં કાળી મહેનત કરી પચાસ માણસના પરિવારનું પાલન કરી એક નિરક્ષર માણસ સાથે સંસાર કરનારી આ નાનકડી જામુનીએ જીવનના અર્થને ખરેખર કેટલો સહેલો કરી નાખ્યો હતો! કે પછી આ તેનું ઉપરછલ્લું આવરણ છે?

અને આટઆટલાં દુ:ખ ભોગવવા છતાં આ છોકરી પ્રફુલ્લિત કેવી રીતે રહી શકે છે? કે પછી આપણે જેને દુ:ખ માનીએ છીએ તેને આ છોકરી પૂર્વ જન્મની લેણાદેણી સમજી તેનો હસતા મુખે સ્વીકાર કરીને હિસાબ પૂરો કરી રહી છે?

“હમ દોનોં યહાં બૈઠે હૈં. સામને જામુનકા પેડ હૈ. હવા ઝકઝોર હૈ. જામુની, તુમ્હેં હરિયાલી તીજકી યાદ આતી હૈ?” પરાણે હસવાનો પ્રયત્ન કરી ચંદ્રાવતી બોલી.

“આપકો તો સિર્ફ યાદ આતી હૈ. હમને તો રાધા બન કર ઝૂલે પે ઝૂલ ભી લિયા!” ચંદ્રાવતીનો જમણો હાથ હાથમાં લઈને જામુની બોલી. ચંદ્રાવતીએ હળવેથી પોતાનો હાથ જામુનીના ખરબચડા હાથમાંથી કાઢી લીધો.

“મૈં તો બંગલેમેં ભી ઘૂમ આઈ! આપકે કમરેમેં ભી હો આઈ ઔર ખિડકીમેંસે બહાર ઝાંક ભી લિયા. મન હી મન.” તાળી વગાડીને જામુનીએ કહ્યું. એક ક્ષણ થંભીને તેણે કહ્યું, “કહ દૂં મૈંને ખિડકીમેંસે ક્યા દેખા?”

“કહ દે.”

“ઠંડી સડક પર દો ઘૂડસવાર દેખે. એક થા રાજા કા બેટા, ઔર દૂસરા…” વાક્ય અધવચ્ચે મૂકી જામુનીએ ચંદ્રાવતી તરફ જોઈ જમણી આંખ મીંચી!

“તુમ્હેં કૈસે પતા ચલા?” ચંદ્રાવતી ચકિત થઈ, પણ બહાર નિર્વિકાર ભાવ લાવીને બોલી.

“સિકત્તર રોજાના આ કર મેરી માં સે કાનાફૂંસી કરતા થા. મૈં ચોરી ચોરી સૂન લેતી થી!”

“ક્યા કહતા થા સિકત્તર?”

“બસ યહી, ફૂલોં કે બહાને આપકા બડે ભોર બગિચેમેં જાના, એક દૂસરે કો ઈશારે કરના…ફિર ગનેશ બાવડી પર ઉનસે આપકી મુલાકાત…” ‘ઉનસે’ શબ્દ પર ભાર આપતાં જામુનીએ કહ્યું.

જામુનીના શબ્દોથી જાણે ચંદ્રાવતીના મન પર પુષ્પવૃષ્ટી થઈ. ક્ષણભર બન્ને એકબીજાને ભુલી ગયાં અને યાદોના સાગરમાં આકંઠ ડૂબી ગયા. જામુની જમીન પર પગ વતી ઠેકો આપી ગાવા લાગી :

બંસી કાહે કો બજાઈ, ઈત્તી ક્યા પડી થી?

મામાજીકે હાથ મેરે સુહાગકી સાડી થી

દરવજ્જે કે આગે મેરે સસૂરજીકી ગાડી થી

બંસી કાહે કો બજાઈ…

ચંદ્રાવતીએ હળવેથી પોતાનો હાથ જામુનીના ખભા પર મૂક્યો. ગીત અધવચ્ચે ખોવાઈ ગયું…હાથમાંથી છટકી ગયેલા ક્ષણની જેમ.

સંધ્યાટાણું થવા આવ્યું હતું. આકાશ ઘેરા નીલા રંગનું થઈ ગયું. ક્ષિતીજમાં એકા’દ બે તારલા ઊગી નીકળ્યા હતા…ચંદ્રાવતીના મનમાંના અનુત્તરીત પ્રશ્નોની જેમ.

જામુનીને શેખર પ્રત્યે ખરેખર શી લાગણી હતી?

શેખરની યાદ તેના મનમાં હજી પણ ઝંખના જગાડતી હશે?

“જામુની, હમારે વે દિન કિતને અચ્છે થે ના? ક્યા તુમ્હેં યાદ આતે હૈં?”

“હમારે ખેતોમેં કામ કરતે કરતે મુઝે સબ યાદ આતા હૈ. હરિયાલી તીજ, જનમ આઠે, નૌરાત્રી, દખની હલદીકુંકૂ…”

“ઔર શેખરકી યાદ?”

“વે તો ઐ…ન સપનોમેં દિખત,” જામુની સ્વગત બોલતી હોય તેમ પોતાના ગોરા ગોરા પગ પર નજર ઠેરવી સ્થિર થઈ ગઈ.

થોડી વાર શાંત રહ્યા પછી તેણે કહ્યું, “સપનોંકે દરવાજે બંધ નહી કિયે જાતે, જીજી.”

ચંદ્રાવતી નિરુત્તર થઈ ગઈ.

“ચલો, અબ જાના હોગા. શામ ઢલ ગઈ. માં ચિંતામેં ડૂબ ગઈ હોગી.”

“ચલ, મૈં હી તુઝે તેરે ઘર તક પહુંચા દુંગી.”

ચાંદનીના ખીલતા પ્રકાશમાં તેઓ ચાલવા લાગ્યાં. ઘાસ વચ્ચેની પગદંડી ઝાંખી પડી ગઈ હતી. બન્ને પોતપોતાના વિચારોમાં ઊંડે સુધી ડૂબી ગયાં હતાં.

ઘણી વાતો કરવી હતી પણ તે મનમાં જ રહી ગઈ. તેનો વસવસો ચંદ્રાવતીના હૃદયમાં રહી ગયો. આવી હાલતમાં સુદ્ધાં તેનું વિચાર ચક્ર ચાલતું રહ્યું.

***

‘આ વખતે શેખર – જામુની મળશે, તો મળ્યા બાદ તેઓ એકબીજા સાથે કેવી રીતે વર્તશે? દબાયેલી ભાવનાઓનાં ભાર નીચે કે ખુલ્લા મનથી? હસી – ખુશીથી?

‘મોકળા મનથી બડે બાબુજીના ઘેર જઈ આત્મકેંદ્રી શેખર જામુનીને પોતાને ઘેર આવવાનું નિમંત્રણ આપશે ખરો? અને જો તે ખુદ ન જાય તો આવા ‘બુલવ્વા’ વગર આ માનિની શેખરના ઘેર જશે ખરી? આવા આમંત્રણ વગર જામુની-શેખર-ઉમાની મુલાકાત કેવી રીતે થશે?

‘જવા દો. આમે’ય બન્નેની મુલાકાત થઈને એવો તે કયો ફરક પડવાનો છે? આપણે શા સારુ આ બધી ચિંતા અને દુનિયાની ફિકર કરવાની જરુર છે?

‘એક પરીકથા પૂરી થઈ ગઈ, તેમ છતાં મારું સંવેદનશીલ મન આ સત્ય સ્વીકારવા હજી તૈયાર નથી. આ સત્યને ખુદ જામુનીએ સ્વીકારી લીધું છે, અને તેની પરીકથાના રેશમી દોરાનું સુંદર એવું તોરણ બનાવીને દરવાજા બહાર બાંધી દીધું છે. અને હું! હું હજી પણ આ રેશમી દોરાને ફાંસીના ફંદો બનાવી મારા ગળા ફરતો બાંધી રહી છું,’ તે વિચારતી રહી.

સત્વંતકાકીનું ઘર આવી ગયું. ડેલી બહાર બન્ને રોકાયાં. જામુની ચિત્રની જેમ સ્તબ્ધ, આત્મ-મગ્ન થઈ ગઈ. થોડી વાર પહેલાં ડહોળાયેલાં જળ હવે સ્થિર થઈ ગયાં હતાં. બોલવા માટે કોઈ પાસે શબ્દો નહોતાં.

હવે ફરી ક્યારે મળાશે?

હવે શાનું મળવાનું? શેખરની અહીંથી દૂર કોઈ જગ્યાએ બદલી થઈ જશે.

જામુનીને ચંદ્રાવતીના દીકરા તથા પતિની છબિ જોવી હતી. શેખરના હૉલમાંના ટેબલ પર રાખેલા આલ્બમમાંથી સાચવીને કાઢી રાખેલા ફોટા ચંદ્રાવતીએ પર્સમાં રાખ્યા હતા, તે બતાવ્યા વગર જેમનાં તેમ રહી ગયા. જામુનીને તેની યાદ ન આવી અને તે પોતે પણ તે ભુલી ગઈ. બેઉ જણાં આઠ – દસ વર્ષ પહેલાનાં કાળમાં આકંઠ ડૂબી ગયા હતાં.

ચંદ્રાવતીના હાથને સ્પર્શ કરી જામુનીએ નજરથી જ ચંદ્રાવતીની રજા લીધી. ચંદ્રાવતી વળી વળીને પાછળ જોઈ સમગ્ર અંધકારયુક્ત પરિસરને ઉલેચી પોતાની આંખોમાં ભરી રહી હતી.

પ્રેમનાં જુદી જુદી જાતનાં કેટલા સ્તર હોય છે! સત્ય એવું છે કે દરેક સ્તર વ્યક્તિગત હોય છે. વ્યક્તિની ભાવનાશીલતા પ્રમાણે આ સ્તર બદલાતાં હોય છે.

મારી પોતાની વિશ્વાસ પ્રત્યેની પ્રીત હજી મને ઘણી વાર વ્યાકુળ કરે છે.

અને શેખર? ‘ખાસ કંઈ જ થયું નથી’ એવો એનો દૃષ્ટિકોણ છે.

જામુનીએ હસતાં હસતાં સ્વીકારેલા પોતાના ભાગ્યના લેખ અને તેના વિચારોનું સ્તર પણ એક વિશીષ્ઠ કક્ષાનું છે.

પોતાના પરાજયનો બોજ પાલવમાં બાંધતી ચંદ્રાવતી પગદંડી પર ધીરે ધીરે ચાલવા લાગી.

જામુની સાથે મુલાકાત થવી જ નહોતી જોઈતી.

વિશ્વાસ, જામુની, મિથ્લા, સત્વંતકાકી, બડે બાબુજી, દદ્દા, સિકત્તર –  આ બધા પાત્રો હવે રંગમંચ પરથી ચાલ્યા ગયા છે. બચ્યાં છે કેવળ મારા મનમાં ઘૂમનારાં અનંત વિચારચક્રો.

ચંદ્રાવતીનું ધ્યાન તેના કાંડા ઘડિયાળ પર ગયું. તેમાં રેડિયમના કાંટા ચમકતા હતા. ભારે થયેલાં પગલાં હવે ઉતાવળે ઉપાડીને તે આગળ વધવા લાગી.

પાછળ રહી ગયું હતું રત્નજડિત નીલાંબર આકાશ…

અને આપસમાં ગુફતેગો કરી રહેલ કમ્પાઉન્ડમાંનાે પેલાે આંબાે અને તેની નિકટની સાથી, જાંબુડી.


(સંપૂર્ણ)

· · ·

કેપ્ટન નરેન્દ્ર ફણસેનું વિજાણુ સંપર્ક સરનામું:  captnarendra@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *