ફિર દેખો યારોં : શુદ્ધ પાણી પછી હવે શુદ્ધ હવા શીશીમાં ખરીદવી પડશે?

Facebooktwitterredditpinterestlinkedinmail

– બીરેન કોઠારી

આપણી હાલની સમસ્યાઓ કઈ છે? ચૂંટણીઓ આવે ત્યારે એમ લાગે કે રામનું મંદિર બની જાય તો સઘળી સમસ્યાઓ ઉકેલાઈ જાય. ક્યારેક એમ લાગે કે ગાયોની કતલ થતી અટકી જાય તો દેશનો વિકાસ થઈ જાય. અમુક વાર એમ લાગે કે એક વાર દેશનાં બધાં ગામ, નગર અને શહેરનાં નામ નવેસરથી સંસ્કૃતમાં પાડી દઈએ તો સંસ્કૃતિનો ઝંડો વિશ્વભરમાં લહેરાઈ જાય. અલબત્ત, આવા મુદ્દાઓની તરફેણ કરનારા જેટલા જ ઉગ્ર તેનો વિરોધ કરનારા હોય છે. આ કારણે પણ આ પ્રકારની સમસ્યાઓ કેન્‍દ્રવર્તી હોવાનું લાગે એમાં નવાઈ નથી.

વિકાસની નક્કર વિચારણા કરનારને એમ પણ લાગે કે એક વાર બધાં શહેરોમાં બી.આર.ટી. શરૂ થઈ જાય, દરેક ચાર રસ્તે બ્રીજ બની જાય અને બુલેટ ટ્રેનનાં મંડાણ થઈ જાય પછી કશું જોવાનું ન રહે. આવા તમામ પ્રકારના લોકો સાચા છે, પણ પોતપોતાના સ્થાને.

છેક શાળાકાળથી આપણને સૌને શિખવવામાં આવતું હતું કે માનવીની મૂળભૂત જરૂરિયાત અન્ન, વસ્ત્ર અને આવાસ છે. ‘અન્ન’નો અર્થ વ્યાપક છે, જેમાં હવા, પાણી અને ખોરાકનો સમાવેશ થાય છે. પાણીની સમસ્યા અંગે આ કટારમાં અગાઉ વાત કરવામાં આવી હતી. એવી જ ગંભીર સ્થિતિ હવાની છે.

વૈશ્વિક સ્વાસ્થ્યનાં વિવિધ પાસાંઓ પર મૌલિક અને અધિકૃત સંશોધનલેખો પ્રકાશિત કરનાર અમેરિકન માસિક ‘લાન્‍સેટ પ્લેનેટરી હેલ્થ’ના ડિસેમ્બરના અંકમાં ભારતમાંના હવા પ્રદૂષણ અંગેનો અભ્યાસલેખ પ્રકાશિત થયો છે. ભારતનાં પ્રત્યેક રાજ્યોનો મૃત્યુદર, રોગની માત્રા, હવાના પ્રદૂષણને લઈને થતો અયુષ્યમાં ઘટાડો જેવી બાબતોને સમાવતો આ આખો વિસ્તૃત લેખ આ માસિકની વેબસાઈટ પર મૂકાયેલો છે.

એક ઝલક આ લેખનાં તારણોની લઈએ. ધુમ્રપાનને કારણે થતાં મોતને બદલે હવે હવાના પ્રદૂષણથી થતાં મોતની સંખ્યામાં વધારો થયો છે, અને ભારતમાં થતા દર આઠ મૃત્યુ પૈકીનું એક મૃત્યુ હવાના પ્રદૂષણને કારણે થાય છે. ભારતની વસતિ વિશ્વની વસતિના 18 ટકા જેટલી છે. હવાના પ્રદૂષણ તથા તેનાથી થતા રોગોને કારણે અકાળે થતાં મૃત્યુનો દર 26 ટકા છે, જે વિશ્વના અન્ય દેશોની સરખામણીએ ક્યાંય વધુ છે. 2017માં થયેલાં 12.4 લાખ મૃત્યુ પૈકી અડધા કરતાં વધુ મૃત્યુ માટે હવાનું પ્રદૂષણ કારણભૂત હતું, જેનો ભોગ 70 વર્ષથી નાના લોકો બન્યા હતા. હવાનું પ્રદૂષણ કાબૂમાં હોત તો ભારતીયોનું સરેરાશ આયુષ્ય 1.7 વર્ષ વધુ હોત. પર્યાવરણમાંના દૂષિત વાયુ તથા પ્રવાહી કણોની માત્રા માટે ‘એમ્બીઅન્‍ટ પાર્ટિક્યુલેટ મેટર’ નામનો એકમ છે, જેની સરેરાશ ભારતમાં ઘણી વધુ છે. એટલે કે હવામાં તરતા પ્રદૂષિત કણોનું પ્રમાણ ભારતમાં વૈશ્વિક સરેરાશની સરખામણીએ અનેકગણું છે. અલબત્ત, ભારતનાં દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, બિહાર, ઉત્તર પ્રદેશ અને ઝારખંડમાં આ પ્રમાણ અસાધારણપણે ઉંચું છે. સ્વાસ્થ્ય સંશોધન વિભાગના સેક્રેટરી ડૉ. બલરામ ભાર્ગવે આ અહેવાલને જાહેર કરતાં જણાવ્યું હતું કે ભારતના પ્રત્યેક રાજ્યમાં હવાના પ્રદૂષણ અંગેનો અંદાજ હોવો જરૂરી છે, જેથી પરિસ્થિતિની સુધારણા કરવા અંગેનો સંદર્ભ મળી રહે.

સરકાર દ્વારા અમલી બનેલી ‘પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના’ આ પ્રદૂષણ ઘટાડવા તરફનું મહત્વનું કદમ હોવાનું જણાવાયું છે. આ યોજના અંતર્ગત ગરીબી રેખાની નીચે જીવતા પરિવારોને એલ.પી.જી.નાં જોડાણ આપવામાં આવે છે, જેથી તેઓ પ્રદૂષણરહિત વાતાવરણમાં રસોઈ બનાવી શકે. ઘરના પ્રદૂષણયુક્ત વાતાવરણને કાબૂમાં લેવા માટે આ પગલું અસરકારક પુરવાર થઈ શકે એમ છે. પણ સમસ્યા અને તેનો વ્યાપ આનાથી અનેકગણાં વધુ છે. પર્યાવરણમાં વ્યાપેલું પ્રદૂષણ શી રીતે કાબૂમાં આવી શકે? એ અંગે કોઈ માર્ગદર્શિકા બનાવાઈ છે કે કેમ? બનાવાઈ હોય તો તેનો અમલ શક્ય બન્યો છે? લાંબા ગાળાના ઉકેલ માટે કોઈ નીતિ સૂચવવામાં આવી છે? આવા અનેક સવાલ પૂછાય એ જરૂરી છે.

આપણે સૌ જોઈએ છીએ કે હજી ઘન કચરાના વ્યવસ્થાપન માટેની યોગ્ય અને અસરકારક પ્રણાલિ આપણે વિકસાવી શક્યા નથી. નાગરિકોને સૂકો અને ભીનો કચરો ભલે અલગ રાખવાનું કહેવામાં આવે, તંત્ર દ્વારા આખરે તેનું શું કરવામાં આવે છે એ જાણવા માટે સામાન્ય અજ્ઞાનની પણ જરૂર નથી. મોટાં શહેરોની બહાર લૅન્‍ડફીલ તરીકે ઓળખાતાં મેદાનોમાં આ એકત્રિત કચરાના પાવાગઢ જોવા મળે છે, જેને મોટે ભાગે ખુલ્લામાં જ સળગાવાય છે. તંત્ર આમ કરતું હોય તો નાગરિકો પાછા પડે? ગામ, નગર કે શહેરોમાં ઊકરડાનો પણ પૂરો વિકાસ થયેલો જણાશે. આ ઉકરડા પાસેથી પસાર થતાં માત્ર નાક પર રૂમાલ દાબવાનો હોય છે. આથી સહુ કોઈ તેમાં યથાશક્તિ પોતાનું પ્રદાન કરતા માટે તત્પર રહે છે. પ્લાસ્ટિકની કોથળીઓના વપરાશ પર પ્રતિબંધ મૂકવામાં અને આ પ્રતિબંધનો અમલ કરવામાં એવી સખ્તાઈ વાપરવામાં આવે છે કે કોથળીઓના ઉત્પાદન પર નજર રાખવાનું ભૂલાઈ જાય છે. આ કારણે એક સામાન્ય નાગરિક વધારાની નહીં અને માત્ર પોતાના ખપ પૂરતી ચીજો ખરીદીને લાવે તો પણ એટલું બધું પ્લાસ્ટિક નીકળે છે કે તે મૂંઝાઈ જાય. તે પોતે શાક લેવા માટે કદાચ ડરનો કે જાગૃતિનો માર્યો કાપડની થેલી લઈને જાય, પણ આ રીતે ઘરમાં આક્રમણ કરતા પ્લાસ્ટિકનું શું? તે ભલે ને તેનો યોગ્ય રીતે નિકાલ કરે, એટલે કે ઠરાવેલી કચરાપેટીમાં ઠાલવે, આખરે તે ખુલ્લા મેદાનમાં જ જવાનું છે.

ભારતીય રાજ્યો અંગેના લાન્‍સેટના આ અભ્યાસમાં ગુજરાત પાછલા ક્રમે હોય એ બહુ હરખાવા જેવી વાત નથી. વ્યક્તિગતથી લઈને સામૂહિક સ્તરે આના ઉપાય વિચારીને તેનો અમલ શરૂ કરી દેવા જેવો છે. કચરાપેટીના ઊપયોગથી લઈને પોતાનું વાહન વાપરવા સુધીના દરેક તબક્કે એ યાદ રાખવા જેવું છે કે અકબર-બીરબલની વાર્તામાં આવે છે એમ બીજાઓ શું કરે છે એ વિચારવાને બદલે પોતે પોતાના ભાગના દૂધની લોટી હોજમાં રેડવી.

તંત્ર કોઈક કાયદો લાવે, કોઈક પ્રણાલિ વિકસાવે અને તે કાર્યરત થાય એની રાહ જોઈને બેસી રહેવા જેવું નથી. વિવિધ સામાજિક સંગઠનો પણ આ મુદ્દાની ગંભીરતા સમજીને તેનો યોગ્ય ઉકેલ શોધવામાં અને તેના અમલમાં આગેવાની લે એ જરૂરી છે. નહીંતર શુદ્ધ પાણીના બાટલાની જેમ શુદ્ધ હવાના બાટલા પણ આપણા જીવનનો હિસ્સો બની જાય એ દિવસો દૂર નથી.


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૩-૧૨-૨૦૧૮ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *