સૌરાષ્ટ્રની ખેતી અને ખેડૂતોની સ્થિતિ

હીરજી ભીંગરાડિયા

સૌરાષ્ટ્રના ખેડુતોએ ‘ખેતી’ ને એક ધંધા કે બીઝનેસ તરીકે ક્યારેય મૂલવ્યો જ નથી ! જિલ્લા ફેરે, તેની બોલી કે પહેરવેશમાં થોડો ફેર ભલે હોય, તાસીર બધાની એકસમાન ભળાય છે. આવક-જાવકનો હિસાબ કોઇએ રાખ્યો નથી. “ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને કનિષ્ક નોકરી” આ સુત્ર ગળથૂથીમાં પવાએલ હોઇ, ખેતી જાણે તેનો સ્વભાવ કે જીવન જીવવાની એક પધ્ધતિ જ છે. બીજી રીતે એને જીવતાં જ ફાવતું નથી. જૂઓને ! ક્યાંય કોઇ સભા-સંમેલનો કે વિરોધ-હડતાળમાં સૌરાષ્ટ્રના ખેડુતને કદિ ભાળ્યો છે તમે ? ગુજરાતના ખેડુતો ભળાશે. પણ આ તો કામ, કામ ને બસ કામ જ ! ખોટ ગમે તેટલી ખાઇ લે- બાકી ખોટી ઘડીકે ય થાય નહીં – બસ, એને સૌરાષ્ટ્રનો ખેડુત જાણવો !

60 વરસ પહેલાની ખેતી અને ગામડાંનું ચિત્ર

ગામડું એ એક એકમ ગણાતું. લગભગ તમામ લોકોને રોટલો રળવાનું માધ્યમ જ ખેતી હતું. બીજા પેટા ગણાતા એવા ગ્રામોદ્યોગો પણ ખેતીની આસપાસ જ વણાએલા. લુહાર, સુથાર, ચમાર જેવા કારીગરો અને ખેતીની જ પેદાશમાંથી પાકો માલ બનાવનારાં- તેલઘાણી, કોલુ , કપાસ લોઢવાના ચરખા-જીન, કાપડ વણવાની હાથશાળો,અને ગામની જરૂરિયાતો માટે કુંભાર,મોચી,દરજી,વાળંદ,ઢોલી,ગૉર,પૂજારી,ગોવાળ વગેરે ગામડે વસતાં.

અનાજથી માંડી મસાલા સુધીનું બધું ખેડુતો પકવતા. પોતે તો સ્વાવલંબી હતા,ઉપરાંત કામ કરનાર મજૂરો અને વહવાયા બધાને બાર મહિને ઉધડથી માલના રૂપમાં મહેનતાણું “આથ” અપાતું. ખેતીમાં પશુઓની ભેર લેવાતી. જમીન ખેડવાથી શરૂ કરી, ક્યાંયે સગામાં જવું-આવવું, માલની હેરફેર કે દીકરાની જાન જોડવા સુધીના કામકાજ પશુઓ કરતાં, અને ખેતીની આડપેદાશ ઘાસ-કૂચો ખાઇને કામ ઉપરાંત દૂધ અને દેશી ખાતર પૂરાં પાડતાં. ઉર્જા પાછળ ડીઝલનો ખર્ચ નહોતો. ધુંવાડાથી બચાતું. પર્યાવરણની રક્ષા આપો આપ થતી.

“કાઠિયાવાડમાં કોક દિન ભૂલો પડ્ય ભગવાન….” કોક દિ’ મહેનાન થઈ જોજો ! ઘરના ઘઉં-ગૉળનું ચૂરમું, ઉપર લસલસતું ઘી, કે તલધારી લાપસી, અરે ! શીરો,ખીર કે દહીંના ગોરહડાં ! શુધ્ધ અને નક્કોર ઝમણ. ન નડે કે ન વેડે ! બળ પૂરે. ‘જમવા’ નહીં, “ઉઠો છાશું પીવા !” આ મહેમાન ગતિ !

ખેડુતોમાં શિક્ષણનું પ્રમાણ એકદમ ઓછું. અને ખેતી તો બાપ-દાદાનો ધંધો ! એમાં વળી ભણતરની શી જરૂર ?

દુશ્કાળો તો તે દિવસોમાં યે પડતા. પણ “વખારે ચાર અને કોઠીએ જુવાર” ખેડુતો સંગ્રહી રાખતા. નીરણ અને દાણા વેચવાની નહીં –જાયુ ભાયુ-સગાવહાલાને કાળ-દુકાળમાં ભેર કરવાની વસ્તુ ગણાતી.

લોક માનસ :

જરૂરિયાતો ઓછી હતી. જીવ સંતોષી હતો. બીજાના સુખ દુ:ખમાં સૌ ભળતાં. સારા પ્રસંગે અગાઉ થયેલ મનદુ:ખનાં સમાધાન થતાં. ગરીબોની ચિંતા સૌ કરતા. પુજારી,બ્રાહ્મણ, ભંગી, હજામ, નિરાધાર જેવા માટે લગ્ન પસંગમાં ‘ગામઝાંપો’ લેવાતો. ઘરડાઘર અને વૃધ્ધાશ્રમની કલ્પના પણ નહોતી ! બધાં ઘર ઘરડા મા-બાપનાં જ ગણાતાં. સંબંધ, વેવિશાળ કે લગ્ન બાબતે વડિલોની આમન્યા રખાતી. લગ્ન એ “ફારસ” નહીં, પવિત્ર બંધન ગણાતું. ‘છૂટાછેડા’ આજના જેટલા તે દિ થતા નહીં.

સૌરાષ્ટ્રની ખેતી અને ખેડુતોના જીવનમાં આવેલા ફેરફારો

મને યાદ છે ત્યાં સુધી 1963-64 ના ગાળામાં લાલબહાદૂર શાસ્ત્રી આપણા પ્રધાનમંત્રી હતા ત્યારે તેમણે ઘોષણા કરેલી કે “ એક ટંક ખાવાનું છોડવું પડે તો છોડશું પણ પરદેશથી અનાજ મગાવીશું નહીં”, તેવું કહી-“જય જવાન-જય કિસાન” નો નારો આપ્યો. આપણા કૃષિ વિજ્ઞાનીઓ અને ખેડુતોએ એ ચેલેંજ ઉપાડી, અને ઉત્પાદન વધુ આપે એવા બીજનું સંશોધન અને એના વાવેતરના વ્યાપ બાજુ સૌનું લક્ષ બંધાયું. પસંદગીના બીજનું સ્થાન હાઇબ્રીડ બીજે લીધું. હાઇબ્રીડ બાજરી, મકાઇ, જુવાર,અને હાઇબ્રીડ કપાસ આવ્યો.આ બધાં બીજ, ઉત્પાદન આપવાં બાબતે માસ્ટરી ધરાવનારાં.પણ આ બધાની શરત એ હતી કે “ભઇ, અમારે ખાવા વધારે જોઇશે !” વિજ્ઞાનીઓએ રસ્તો બતાવ્યો-‘દેશી ખાતરે ન પહોંચાય તો રાસાયણિક વાપરો..’ સરકારે કારખાના શરૂ કર્યા. બીજ કહે “પાણી પણ વધારે જોઇશે”, કાંઇ વાંધો નહીં. વિજ્ઞાન ભેરે ચડ્યું.કૂવા ઊંડા કરવાના યંત્રો આવ્યાં. દાર-બોર કરવાના મશીનો આવ્યાં.અંદર ગમે તેટલી ઊંડાઇએથી પાણી ખેંચવાની સબમર્સીબલ મોટરો આવી. હજાર હજાર અને બારસો બારસો ફૂટ ઉંડેથી જેવાં મળે –ખારાં,કડવાં, મોળાં,ભાંભળાં અને ઉનાં ફળફળતાં પ્રવાહી ખેંચીખેંચી મંડ્યા પિયત દેવા.અને એવું જ નવા બિયારણોએ પાક સંરક્ષણક્ષેત્રે ઝેરનો છંટકાવ માગ્યો અને ખેડુતો એય આપવાં માંડ્યાં.

જ્યાં સુધી ખેતી એક જીવન પ્રણાલી ગણાતી હતી, વધુ નાણા કમાવાનું ક્ષેત્ર નહોતું બન્યું, ત્યાં સુધી ઉત્પાદન ઓછું, છતાં જમીનની ફળદ્રૂપતા, પાણીના તળ, ઉત્પાદનની નરવાઇ વગેરે બધા પાસાઓ સચવાઇ રહેતાં હતાં. પણ જ્યારથી ઉત્પાદન વધારવાના હિસાબો શરૂ થયા,ખેતીને એક ધંધો ગણવાનું શરૂ થયું,વ્યવસાયી દ્રષ્ટિ દાખલ થઈ અને શું કર્યું હોય તો નાણાં વધુ મેળવી શકાય તેની તરકીબો અને કારહા શરૂ થયા.અને હિસાબ વાળો પૈસો આવ્યો એટલે સંગ્રહખોરી શરૂ થઈ. અને પછી તો એવું ય થવામાંડ્યું કે બળદિયાથી ખેતીકામો કરવામાં બહુ વાર લાગે છે ! તો ? લાવો ટ્રેક્ટર ! પણ ટ્રેક્ટરને નીરણ ને બદલે ડીઝલની જરૂર પડે છે,ટ્રેક્ટર પોદળો કરતું નથી-કંઇ વાંધો નહીં,ખાતરમાં રાસાયણિક લઈ લેશું,અને ડીઝલ લઈ આવશું એના પંપેથી, થોડા પૈસા બેસશે એટલું જને ! એમાંયે આ કઠોળ,અનાજ, તેલીબિયાં, મસાલા પાકો વગેરે વાવવામાં માથાકાહટી વધે છે, વધુ ઉતરે એવા એક-બે પાક જ વાવ્યા હોય તો ? આ ઝાડવાઓ શેઢે-પાળે છાંયો પાડી, પંખીડાને બોલાવી, જમીનનો ચૂહ અને અસો કરે છે-ઝાડવાં જ ખોદી કાઢ્યાં હોયતો ?બધા કાર્યોમાં દ્રષ્ટિ સાવ બદલાઇગઈ. “શુંકર્યુંહોયતોઆર્થિક લાભ થાય ?”બસ એજ ગણતરી ! સંબંધો,સાહનૂભૂતિ,લાગણી,ઇમાનદારી,વ્યાજબીપણું-બધાંકોરે મૂકાયાં.

જૈન સાધુ વિજયરત્ન સુંદર સૂરીજીના વિધાન અનુસાર-“શેરડીમાં રસ છે ? તો ચૂસો, નહીં તો ફેંકીદો ઉકરડે ! ગાય દૂધ આપે છે ? ત્યાં સુધી દોહી લો, પછી મોકલી દો કસાઇ વાડે ! અરે ! મા-બાપ થોડુંકેય કામ કરે છે ? તો રોટલા આપો, નહીં તો મૂકીઆવો વૃધ્ધાશ્રમમાં ! કરાવો સોનોગ્રાફી, પેટમાંનું બાળક દીકરો છે ? તો જન્મવા દો, નહીં તો પધરાવો પેટમાંથી જ સીધી પ્રભુના ધામમાં !” આ માહોલ બની ગયો.

પરિણામે 1960 આસપાસથી શરૂ થયેલી આ તરાહ આજ દિન સુધીમાં ફૂલીફાલી, અને આજે એવું તારણ દેખાઇ રહ્યું છે કે

 1. વધુ પડતા રાસાયણિક ખાતરના વપરાશે જમીનનું બંધારણ બગડ્યું.ફળદ્રૂપતા ઘટી, જીવંતતા નષ્ટ થવા માંડી
 2. પાણીના તળ ઊંડાં ગયાં, મીઠાં પાણી દુર્લભ બન્યાં. ખારાં,કડવાં,ઉનાં જે મળે છે તેનાથી જમીન બગડવા માંડી
 3. ઝેરીલી દવાઓના છંટકાવથી જીવાતોએ મરવાનું માંડી વાળ્યું. ઉલટાના પાણી, જમીન ,હવા અને ઉત્પન્ન થતી પેદાશ પણ ઝેરી બનતાં પર્યાવરણ ઉપરાંત વાપરનારાની તંદુરસ્તી ઉપર જોખમ ઊભું થયું.

હવે ?

મુંઝવણને સંશોધનની માતા કહી છે ને ! પિયતના પાણી પ્રશ્ને અને જીવાતોના ત્રાસ પ્રશ્ને થયેલા પ્રયત્નો ની થોડી વાત કરું, તો સૌરાષ્ટ્રની ધરતીનો ઘાટ જ ઊંધી રકાબી જેવો હોઇને ઉપરથી વરસતા વરસાદનું પાણી જમીનની અંદર ઉતરવાને બદલે, હડી કાઢી, દોડતુંક ને થઈ જાય છે દરિયા ભેળું. અને વરસાદની અનિયમિતતા પણ, વધુમાં વધુ ક્યાંય નોંધાણી હોય તો આ સૌરાષ્ટ્રમાં જ ! નહેરોની સુવિધા ટવરી ટવરી છે પણ ડેમો જ ખાલી હોય ત્યાં નહેરો બિચારી શું કરે ? અને સૌરાષ્ટ્રના ખાલી ડેમો ભરવા ધારે તો નર્મદાના વધારાના પાણીથી સરકાર ભરી શકે એમ છે. પણ એને ક્યાં ખેડુતોની કાંઇ પડી છે ? પણ કેટલાક દ્રષ્ટિવાળા વિચારકો, ખેતી રસિકો, સામાજિક સંસ્થાઓ અને મહેનત કશ ખેડુતો અને પછી ભળી ગુજરાત સરકાર,-વરસાદી પાણીને રોકી, તળાવડી, ચેકડેમ, આડબંધો અને બંધારા દ્વારા જમીનમાં ઉતારવાના પ્રયત્નો હાથ ધરાયા. સૌરાષ્ટ્રના ખેડુતોના છોકરાઓ જે ખેતીથી નારાજ થઈ, શહેરોમાં હિરા ઉદ્યોગ અને અન્ય ધંધામાં રોકાઈ થોડું રળ્યા હતા તેમણે વતનની ભેર કરી, નાણાં ખર્ચ્યાં.અને જે કામો થયાં એણે જ્યારે વરસાદ સારા વરસ્યા ત્યારે તળ ભરવાનું કામ સારું કર્યું. પણ વરસાદ જ સાવ ઓછો હોય ત્યારે ? હજુ ગયા વરસે [2012] અમારા વિસ્તારમાં આખા ચોમાસાદરમ્યાન માત્ર સાડાચાર ઇંચ પડ્યો હતો, બોલો ! શું કરવું ? છતાં પણ, ઓછા પાણીએ ખેતી કરી શકાય એમાટે થઈને સૌરાષ્ટ્રના બહુબધા વિસ્તારોમાં હવે “ટપક” પધ્ધતિ જોરશોરથી દાખલ થઈ રહી છે.

બે બીજી ઘટનાઓ :

સૌરાષ્ટ્રના મુખ્ય ખેતીપાક બે-કપાસ અને મગફળી. કપાસના પાકમાં ચાવીને ખાનારી જીવાતોના ત્રાસમાંથી છુટકારો અપાવી રંગ લવરાવ્યો બી.ટી.બીજ બાબતના વિજ્ઞાનીઓના સંશોધને. અને મગફળીની ખેતીમાં- ખેડુતોને માતબર કમાણી થઈ રહે તેવો સહકારી ધોરણે ખરીદી અને પ્રોસેસીંગ યુનિટો- “ગ્રોફેડ” ને અમલમાં મૂકવાનો પ્રયોગ કરી જોયો શ્વેતક્રાંતિના પ્રણેતા ડૉ. કુરિયન સાહેબે. પણ સૌરાષ્ટ્રના ખેડુતોના લોહીમાં સહકારી ભાવનાની કમી સાબિત થઈ, ને ગ્રોફેડ ભાંગ્યું, નહીં તો ખેડુતો માટે આ ‘અમૂલ’ થી પણ વધે તેવી આ યોજના હતી.

શરુ થયો એક ખતરનાક અભિગમ :

અને મુરબ્બીઓ ! હમણા હમણાથી ખેતી માટે ખતરનાક એવો એક અભિગમ ચાલુ થયો છે, અને એ છે-મૂડીદારોએ “ખેતીનીજમીન” ને સોદાબાજીની ચીજ બનાવી છે તે ! જમીનોની કિંમત એટલી વધારી દીધી છે કે એ કિંમતે જમીન લઈ, ખેતી કરાય તો તે મૂડીનું વ્યાજ પણ ઊભું થાય નહીં ! ગરીબ ખેડુતો ભૂમિદાનમાં મળેલી જમીનો પણ પૈસાના લોભે વેચવા માંડ્યા છે.જમીન વિહોણા બની, કાયમી ગરીબી બાજુ ધકેલાવા લાગ્યા છે.

આજની સ્થિતિ :

આ બધી જે ચાર-પાંચ ઘટનાઓ ઘટી – કોઇની સૌરાષ્ટ્રની ખેતી પર નબળી તો કોઇની થોડી સારી અસરો વચ્ચે સૌરાષ્ટ્રની ખેતી ટકી રહી છે એટલું જ ! ઊંડાણથી સમજવા જેવી વાત એ છે કે ખેતીનો વ્યવસાય એ એક વિશિષ્ટ પ્રકારનો વ્યવસાય છે. તમે જૂઓ ! એમાં કુદરતી પરિબળો પર મોટો આધાર- બધાં પરિબળો કંઇ કાયમ સમાં-સૂતરાં હાલે ખરાં ? તેમાં બિયારણથી માંડી છોડવા, ઝાડવાં, મજૂર,બળદ, નિંદામણ અને રોગ કારક જીવડાં, બધું હોય જીવતું-એકધારાપણું ક્યાંય આવે ખરું ? શરીરશ્રમ વધુ માગતો વ્યવસાય. અરે ! કોઇ મિલ્કત તાળા-કુંચીમાં રાખી શકાય એવી ખરી ? અને બજારભાવ ખેડુતના હાથમાં નહી, ને સરકાર ક્યારેય ખેડુતની ભેર કરે ખરી ? સૌરાષ્ટ્રનો મોટાભાગનો વિસ્તાર જ સૂકીખેતી હેઠળ છે.અને સૌરાષ્ટ્રની ધરતી પાણીવાળી થાય તેવી સરકારની નીતિ જ નહીં. કૂવા-બોર સાવ થાકી ગયા છે. થોડાં પણ પાણી હોય તો તેને બહાર કાઢવા પૂરતી વીજળી મળે નહીં !

સારાએ સૌરાષ્ટ્રના સામાન્ય ખેડુતની વાત કરું તો- આર્થિક સ્થિતિ મધ્યમ કક્ષાથી પણ નીચી. જે કુટુંબો કંઇ ઠીક રીતે રહેતાં ભળાય છે તેનાં કોઇ ને કોઇ સભ્ય શહેરમાં અન્ય ધંધામાં કે નોકરીમાં ગુંથાયા હોય તેવા હોય છે. માત્ર ખેતી પર નભતાં કુટુંબોને બાર મહિને સાંધામેળ કરવો ય બહુ કઠ્ઠણ પડે છે.એટલે સહકારી મંડળી અને શરાફી પેઢી ઉપરાંત, ભારે ‘રામ’ ચડતા હોય એવાય કુટુંબો પાર વિનાનાં. નવી પેઢીને શિક્ષણ આપતી એવી સ્કૂલો શરૂ થઈ છે કે “ પૈસા વરસ દાડે લાખ-સવાલાખ થશે ! પણ તમારા બાળકનું મોઢું અમે ધોઇ દેશું, માથું અમે હોળી દેશું, નખ અમે કાપી દેશું, નવરાવી દેશું અમે, કપડા-વાસણ સાફ કરી દેશું અમે અને પથારી પણ પાથરી દેશું અમે ! તમારા બાળકને કશું જ કરવા દેશું નહીં 1” બોલો ! એનો અર્થ એમ જ કરવાનો ને, કે એવો અપંગબાળક તૈયાર થશે કે જેને કંઇ ન આવડતું હોય ! પણ એના માવતરને બસ આ જ પસંદ પડવા લાગ્યું છે. એટલે શરીરશ્રમથી નવી પેઢી દૂર હટવા લાગી છે. અને અસલ ખેડુતના કોઇ જુવાન દીકરા હવે ખેતી કરવા માગતાજ નથી. કારણકે ખેતીમાં અન્ય ધંધા જેટલું વળતર ન મળતું હોવાથી જે કોઇ ખેતી કરે ઇ જુવાનડાનો સંબંધ કરવા કોઇ દીકરીનો બાપ રાજી નથી. 60-65 વટાવી ચૂકેલા દાદા-દાદી ઘર અને મિલ્કત સાચવી ગામડે બેઠા છે અને ભાગિયા મજૂર જે કંઇ રળી દે એમાં જ સંતોષ લઈ રહ્યાં છે. અને સરકારની આ “નરેગા ઔર કૃષિકો મારેગા” યોજના પછી સૌરાષ્ટ્રમા ગોધરા-નસવાડી બાજુના મજૂરો આવતા, તે હવે ગરજ વર્તવા માંડ્યા છે.સૌરાષ્ટ્રમાં મજૂરોની બહુ ખેંચ વરતાવા માંડી છે.

પશુઓની સંખ્યા ઘટતી ચાલી છે. ખેતીમાં બળદનું સ્થાન નાના ટ્રેકટરો લઈ રહ્યાં છે. રા.ખાતરોનો વપરાશ ખૂબ પણ હમણાથી ભાવો ખૂબ વધ્યા હોઇ, ખેડુતો ખેતીની આડપેદાશોને સળગાવી દેવાને બદલે તેને રોટાવેટરથી કટીંગકરી સે.ખાતરમાં ફેરવવા લાગ્યા છે. સજીવ ખેતી બાબતે વાતો બહુ ધ્યાનથી સાંભળે છે, પણ અમલ કરતા હજુ દ્વિધા અનુભવે છે. કેટલાક વિશિષ્ટ ખેતી-નેટ અને ગ્રીનહાઉસ, નર્સરી, પપૈયાકે કેળની ખેતી, ફૂલોનીખેતી મધની ખેતી, વગેરેમાં પ્રવેશ્યાછે તેઓ થોડું રળે છે. પણ એની ટકાવારી કેટલી ? ખેતીપાકોમાં મુખ્યત્વે કપાસ, મગફળી, તલ, દિવેલા, ઘઉં, લસણ, ડુંગળી, શાકભાજી.મેથી-જીરૂ થોડા. હવે ગમગુવાર પ્રવેશ્યો છે. કેટલીક પાણીવાળી નિશ્ચિત જગ્યાઓમાં બાગાયતી- કેરી, કેળા,દાડમ, નાળિયેર, અને ઓછા પાણીવાળા પ્રદેશમાં બોર,જામફળ,સીતાફળ,આમળા સરગવા વગેરે ખેડુતો પકાવી જાણે. ફળો,શાકભાજી અને કપાસ તથા અન્ય ચીજોના વેચાણ બાબતે માર્કેટયાર્ડો લગભગના તાલુકા મથકે આવેલા છે.પણ પ્રોસેસીંગ યુનીટો કપાસ સિવાયના બહુ ઓછા.દૂધનો વ્યવસાય પણ બહુ જૂજ પ્રમાણમાં.પાણીની નીશ્ચિંતતા જ નહીં, તેથી ગૌશાળાઓ પણ હિસાબની રીતે બહુ ફાયદો કરતી નથી. ગાયોમાં ‘ગીર’ અને ભેંશોમાં ‘જાફરાબાદી’ મુખ્ય ઓલાદો. દૂધ ઉત્પાદન શક્તિ ક્રોસ કરેલ એચ.એફ અને જર્સીમાં વધારે.દૂધનો ધંધો કરનારા આ પ્રાણી પાળે. શોખીનો ‘ગીર’ પાળે.

સૌરાષ્ટ્રના ખેડૂતોની વિશેષતા એ કે મહેનત કરવામાં થાકે નહીં. માત્ર એકલો પુરુષ નહીં, સ્ત્રીઓ તો પુરુષ કરતા પણ વધુ કામઢી અને વધુ મજબૂત ! કોઇ કામ એવું નથી કે સ્ત્રીઓ ન કરી શકે. ઉપરાંત ઘરકામ-મહેમાન સરભરા, બીમારની સુશ્રુષા,બાળ ઉછેર, પશુ પાલન, અને રસોઇપાણી એતો એના વધારાના ! અહૂર-સવાર ધણી સાથે ખભેખભો મિલાવી,દાન સખાવત અને કુદરત પ્રત્યેની શ્રધ્ધામાં ટેકો પૂરી, ખરું કહીએ તો સૌરાષ્ટ્રની ખેતીની કરોડરજ્જુ ખેડૂતોની સ્ત્રીઓ જ છે.

ખેતીના પ્રશ્નો માટે કિસાનસંઘ શક્ય તેટલી મહેનત લે. આ.સનતભાઇ મહેતાઅને પ્રફુલભાઇ સેંજલિયાની આગેવાનીથી કપાસને મૂલ્યવર્ધિત કરવાના પ્રયત્નો ચાલુ થયા છે. પણ ખેડુતના વકીલ બની સરકારમાં દલીલ કરનારા રાજકીય માહોલની કમિ ! એમ શિક્ષિત સમાજમાં ખેતી કરનાર વર્ગની સાચી મૂલવણી કરવાની દ્રષ્ટીનો યે પડી ગયો છે કાળ !

ખેડૂત ઉત્પન્ન ગમે તે પાકનું લે. ભાવની ગેરંટી એકેયની નહીં ! ક્યારેક ઉત્પન્ન સારું તો ભાવો ન હોય, અને ભાવો જ્યારે સારા હોય ત્યારે ઉત્પન્ન જ ના હોય ! વેચાણ થાય ત્યારે ઘડીભર લાગે કે હાશ ! ઠીક ઠીક રકમ હાથમાં આવી ! પણ ઉધારે લાવેલ જણસો ના બીલ અને નાણા લીધેલ હોય તેના જ ચૂકવ્યા પછી વાંહે “પરસેવો પાડ્યો” એ જ બસ વધે –એવી સ્થિતિ ખેડુતોની આજે યે રહી ગઈ છે.

મારા જ ગામનું ઉદાહરણ આપી વાત પૂરી કરીશ. મારું જૂનું ગામ ચોસલા કાળુભારનો ડેમ બંધાતા ડૂબમાં ગયું.સરકારે આખા ગામના બધા કુટુંબોને એ.બી.સી.કક્ષા પ્રમાણેના મકાનનું વળતર ચૂકવી, નવા પ્લોટ ફાળવ્યા.ખેતી કરનારા ખેડૂતો સિવાયના અન્ય ધંધાવાળા બધા કુટુંબોએ વળતરની આવેલી રકમમાંથી સાદાં ઘર-ખોરડાં બનાવી લીધાં.પણ જેટલા ખેતી કરનારાં કુટુંબો હતાં, તેમણે ખાલી ફરજા-છાપરાં બનાવી તેમાં રહેણાક શરૂ કર્યાં. પુછ્યું કે કેમ ભાઇ ? તમે મકાન કેમ ન બનાવ્યાં ? તો કહે: “ વળતરની રકમ અમે જૂના લેણાંમાં ભરી દીધી છે” . લ્યો બોલો ! ઘેટાં-બકરાં ચરાવનારાં,દાઢી કરનારાં, ઢોલ વગાડનારાં,દાતણ વેચનારાં, જેવાને કોઇનેમાથે લેણાંનો ભાર નહીં –માત્ર ખેતી કરનારાંને જ ભાર ? તો પછી તમે જ કહો-ખેતી કરાય કે ઢોલ વગાડાય ? ઘેટાં-બકરાં જ ચરાય ને ! આ સ્થિતિ છે સૌરાષ્ટ્રની ખેતીની અને એના ખેડૂતોની !

ભારત ગામડાંઓમાં વસેલું હોવાં છતાં ડૉ. ધર્મપાલના કહેવા પ્રમાણે આપણાં બંધારણ સુધ્ધાંમાં ગ્રામ અર્થવ્યવસ્થાનો ઇરાદાપૂર્વક ઉલ્લેખ સુધ્ધાં કરવામાં આવ્યો નથી, ગામડાંઓ ભાંગવાં અને તેને મેગાસીટીમાં પલટી નાખવામાં વિકાસની તરાહ મનાઇ છે, ગ્રામસ્વરાજની રાહ બતાવનારા ગાંધી માત્ર ફૂલહાર ચઢાવવામાટેના સ્ટેચ્યુ રહી ગયા છે.તેમનો વિચાર આઉટ ઓફ ડેટ મનાયો છે. પશ્ચિમી કલ્ચરમાં ઉછરેલું નેતૃત્વ સત્તામાં ટકી રહેવા નાણાં અઢળક વેરે છે પણ આ નાણાં ક્યાં જાય છે , કેવું માનસ ઘડે છે તે જોવાતું નથી.

અસતો મા સદ ગમય, તમસો મા જ્યોતિર્ગમય,મૃત્યોર્માં અમૃતમ ગમય, ઓમ્-શાંતિ-શાંતિ શાંતિ; આભાર !


સંપર્ક : હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com

Facebooktwitterredditpinterestlinkedinmail

2 comments for “સૌરાષ્ટ્રની ખેતી અને ખેડૂતોની સ્થિતિ

 1. Neetin Vyas
  December 20, 2018 at 10:02 am

  આપે લખેલી હકીકત ચોંકાવનારી છે. આ હિસાબે તો સૌરાષ્ટ્ર માંથી ખેતી અદ્રશ્ય થઇ જશે. વાવે તેની જમીન માંથી જેની પાસે સત્તા તેની જમીન જેવા નિયમો સરકારે અપનાવ્યા છે. ખેત સુધારણા ની વાત ને નેવે મૂકી રિસોર્ટ અને બંગલાઓ માટે જમીન નો ઉપયોગ થાય છે. `મોટી મોટી યોજના ની વાતો પછી આટલા વારસો પછી પણ પીવા લાયક અને ખેતી માટે પાણી જ નથી. ખેડૂતોના દેવા દૂર કરવાની વાત થાય કારણ કે મત જોઈએ છીએ પણ દેવાદાર થતો અટકવી શકાય એવું કોઈ આયોજન ઘડી ને પાર ન પડી શકાય? આવી હકીકત સરકાર, સત્તાધીશો નાં ખ્યાલ માં હશે? આવી ફરિયાદ સાંભળતા હશે? લેખ અહીં લખ્યો છે તે વાંચતા હશે?

 2. Dipak Dholakia
  December 22, 2018 at 2:53 am

  ૧૯૫૬માં પહેલી ઔદ્યોગિક નીતિ બની. પણ ખેતી માટે કદી કોઈ નીતિ ન બની. ખેતીને કોઈ પક્ષે મહત્ત્વ જ ન આપ્યું. વિશ્વબૅંક કહે છે કે ખેતી પર માણસોનો ભાર વધારે છે. ૨૦૧૫ સુધીમાં ૪૦ કરોડને ખેતીમાંથી હટાવવાના હતા. આ લોકો શહેરોમાં જઈને ભલે મજૂર બની જાય. આવી નીતિ હોય તી તો ખેતી અને ખેડૂત બરબાદ થાય તો જ સફળ થાય. એટલે આજે ખેતીની જે હાલત છે તે એક કાવતરાનું પરિણામ છે.

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.