લે ગઈ દિલ, સફર જાપાનકી : ૯. કોબે: મોતીનું નગર, માઉન્ટ રોક્કો અને નારૂતો વમળ

Facebooktwitterredditpinterestlinkedinmail

૦૪/૦૪/૨૦૧૮

દર્શા કિકાણી

સવારનો નિત્યક્રમ પતાવી બધાં બસમાં આવી ગયાં. આજે તો કોબે જવાનું હતું. કોઈ પૂછે કે કોબે શહેરમાં જો એક જ દિવસ હોય તો શું શું કરવું જોઈએ? તો જવાબ હોય કે માઉન્ટ રોક્કો પર કેબલકારમાં બેસી પર્વતોની મઝા માણવી જોઈએ અને વિશ્વવિખ્યાત ઓનારૂતો સસ્પેનશન બ્રિજ પર થઈ નારૂતો જઈ કુદરતના કરિશ્મા જેવાં જળ-વમળ જોવાં જોઈએ. અને, અમારા આનંદ અને આશ્ચર્ય વચ્ચે, આજે અમે તે જ કરવાનાં હતાં! બસ ઓસાકા શહેરમાં થઈ કોબે જતી હતી. રસ્તા બહુ સુંદર હતા. અવાજના પ્રદૂષણથી આસપાસનાં મકાનોમાં રહેતાં રહેવાસીઓને હેરાનગતિ ન થાય તે માટે રસ્તા પર સાઉન્ડપ્રુફીંગ પણ કરેલું હોય! ઘણી વાર તો રસ્તા ચાર-પાંચ માળ જેટલા ઊંચા હોય. નીચે બધો વાહન-વ્યવહાર સરસ ચાલતો દેખાય. વાહનોની સંખ્યાના પ્રમાણમાં ટ્રાફિક જામ બહુ ઓછા થાય. ઓસાકા-બે પર આવેલું મધ્ય જાપાનનું કોબે શહેર પર્વતોની વચ્ચે આવેલા હાર્બર તરીકે જાણીતું છે. અહીં ઘણી શ્રાઈન અને બીજાં ધાર્મિક સ્થાનો આવેલાં છે. પર્વતોની વચ્ચે આવેલ હાર્બર અને બીજો સુંદર નજારો માઉન્ટ રોક્કો પરથી સરસ દેખાય. અમારી બસ કેબલકારના સ્ટેશને આવી લાગી. દર વીસ મિનિટે કેબલકાર એટલે કે ટ્રેન મળે. ગ્રુપ બુકિંગ હતું એટલે બીજી જ ફેરીમાં અમને સૌને બેસવાની જગ્યા મળી ગઈ. માઉન્ટ રોક્કો લગભગ ૯૩૧ મિ.ની ઊંચાઈ ધરાવે છે. કેબલકાર (અથવા ટ્રેન)માં બેસવાની સગવડ સરસ છે અને શાકુરા તથા બીજાં વૃક્ષોથી શોભતી ટેકરીઓ વાળું આસપાસનું વાતાવરણ અદભૂત છે. પાટા પર ધીમે ધીમે ચાલતી અને પર્વત પર ચઢતી આ ટ્રેનની ટૂંકી સફર બહુ મઝેદાર છે.>/p>

દસ-પંદર મિનિટમાં તો અમે ટોચ પર આવી ગયાં. કાર-સ્ટેશનની બહાર નીકળ્યાં તો ઠંડો અને જોરદાર પવન વાઈ રહ્યો હતો. આસપાસની જગ્યાઓ અને પર્વતો દૂર સુધી જોઈ શકાય એટલે સરસ ઓબ્સર્વેટરી (આભ-અટારી) બનાવી છે. સુંદર પુષ્પોથી શોભતી આભ-અટારી પર અમને તો ધમાલ કરવાની બહુ મઝા આવી ગઈ. ૧૦૦ યેન નાંખી જોવાય તેવું ટેલીસ્કોપ (દૂરબીન) હતું જેનો અમે સારો ઉપયોગ કર્યો. વાદળ વગરનું ખુલ્લું આકાશ હતું એટલે દૂરદૂર સુધી ચોખ્ખું દેખાતું હતું. શું મનમોહક અને સુંદર દ્રશ્યો હતાં! કુદરતી વાતાવરણમાં તરબોળ થઈ જવાય! મન પ્રફુલ્લિત થઈ જાય તેવું સુંદર અને તાજગીભર્યું વાતાવરણ હતું. અમને તો આટલી આભઅટારીથી સંતોષ ન થયો તે પર્વત પર લાંબો વોક લઈ આવ્યાં. પર્વત પરથી નીચે ઊતરવું ગમે તેવું ન હતું પણ કોબે શહેર જોવાનો લોભ પણ હતો એટલે બસમાં બેસી નીચે ઊતર્યાં.

બસમાં જ મોટો આંટો માર્યો અને કોબે શહેરનું દર્શન કર્યું. પર્વતમાં આવેલ કોઈ પણ શહેરની જેમ જ ઊંચા-નીચા રોલરકોસ્ટર રસ્તાઓ છે. બે-ત્રણ માળનાં, ઢળતાં છાપરાંવાળા સુંદર મકાનો છે. દરેક ઘરની બહાર નાનો બગીચો હોય જ. જગ્યા ના હોય તો નાનો ક્યારો હોય કે બે-ચાર કૂંડા મૂકી આંગણું સજાવ્યું હોય! આખું શહેર સુંદર પુષ્પોના કુદરતી શણગારથી શોભતું હતું.

કુદરતી મોતીના વેપાર માટે પણ કોબે શહેર જાણીતું છે. અહીંનો મોટા ભાગનો મોતીનો કારોબાર ૪૦-૪૫ ગુજરાતી જૈન વેપારીઓને હસ્તગત છે. આ ગુજરાતી જૈન વેપારીઓએ પોતાનો ધર્મ અને પોતાના સંસ્કારો સુપેરે સાચવી રાખ્યા છે. મહાવીરસ્વામીનું સુંદર અને કલાત્મક દેરાસર બનાવ્યું છે. અમે તે દેરાસરે દર્શન કરવા ગયાં. શહેરના મુખ્ય રસ્તા પર અમારી બસ ઊભી રહી અને અમે સૌ નીચે ઊતરી પગપાળા પ્રવાસ શરૂ કર્યો. લગભગ ૩૫૦-૪૦૦ મિટર જેટલું પગપાળા ચાલીને દેરાસર પહોંચવાનું હતું. થોડું ચાલ્યાં ને ખ્યાલ આવી ગયો કે ઊંચા-નીચા રોલરકોસ્ટર રસ્તાઓ પર ચાલવું કેટલું મુશ્કેલ છે. સુંદર દેરાસરે પહોંચ્યાં એટલે થાક ઊતરી ગયો. હાજર રહેલ શ્રાવકોએ અમારું ભાવભીનું સ્વાગત કર્યું. પૂજા કરાવી અને આખું દેરાસર બતાવ્યું. ત્યાંથી જ મોતીના એક વેપારીના ઘરની પણ મુલાકાત લીધી.

જૈન દેરાસર

સરસ ઊંચા-નીચા રોલરકોસ્ટર રસ્તાઓ પર ચાલતાં ચાલતાં અમે ‘આરતી’ રેસ્ટોરાં પહોંચ્યાં. નાની જગ્યા હતી પણ વ્યવસ્થા સારી હતી. સ્વાદિષ્ટ દહીંવડા સાથે ગરમાગરમ ભાણું તૈયાર હતું. બધાં પેટ ભરીને જમ્યાં અને ઉપરથી મોટો મોટો કપ ચા પીધી! આગલા મુકામે જવા અમે પાછાં તૈયાર થઈ ગયાં!

જંગલો, પર્વતો અને ગામડાંઓમાં થઈ પસાર થતાં સુંદર રસ્તાઓ પર લગભગ દોઢ-બે કલાકની મુસાફરી કરી અમે ઓનારૂતો બ્રિજ કે પુલ પાસે આવી પહોંચ્યાં. જાપાનના બે ટાપુઓને (હ્યોગો, અવાજી ટાપુ અને ટોકુશીમાં, ઓજ ટાપુ) જોડતો અને ૮૭૬ મીટર લાંબો આ પુલ સસ્પેનશન બ્રિજ છે. દુનિયાનો બીજા નંબરનો સસ્પેનશન બ્રિજ છે. આ બ્રિજની બંને બાજુ પાછો બીજો એકએક બ્રિજ આવેલો છે. બધું ભેગું કરતાં, બંને ટાપુ વચ્ચેનું આશરે ચાર કિ.મિ.નું અંતર આ રીતે કપાય છે.

પેસિફિક મહાસાગર અને સેટો અખાતના દરિયાઈ પ્રવાહોના ભરતી-ઓટને લીધે પાણીમાં મોટા વમળો સર્જાય છે. દિવસમાં બે વાર ભરતી આવતાં પેસિફિક મહાસાગરનું પાણી જોરથી અખાતના પાણી સાથે અથડાય છે. અને અખાતનું પાણી ઊલટી દિશામાં ધક્કો મારે છે. બે વિરુદ્ધ દિશાના પ્રવાહોને કારણે પાણીમાં વમળો સર્જાય છે. ઘણીવાર તો વમળો ૩૦ મીટર વ્યાસ જેટલાં મોટાં પણ હોય છે. નારૂતો વમળ તરીકે ઓળખતાં આ વમળો ઓનારૂતો બ્રિજ પરથી પણ જોઈ શકાય છે. અમે આ વમળો જોવાં નારૂતો વોટર પાર્કમાંથી બોટ કરીને ગયાં. બપોરે ૩.૩૦ વાગે અમે બોટ લીધી જે એ દિવસની છેલ્લી ફેરી હતી. ભરતીનું જોર થોડું ઓછું થઈ ગયું હતું છતાં બહુ સરસ અને મોટાં વમળો જોવાં મળ્યાં. બોટમાં બેઠાં ત્યાં સુધી કુદરતની કઈ કરામત જોવાની છે તેનો ખ્યાલ પણ ન હતો. સામાન્ય રીતે દરેક નૌકા વિહારમાં કરતાં એમ જ બધાં ફોટા પડાવવામાં અને વાતો કરવામાં વ્યસ્ત હતાં, ત્યાં તો કેપ્ટને બૂમ પાડી અમને એક જ બાજુ થઈ જવા કહ્યું. પ્રવાહ જોરદાર હતો એટલે વહાણનું બેલેન્સ જાળવવા બધાં યાત્રીઓને નીચેના માળે જ બેસાડ્યાં હતાં. જોરદાર પવન સાથે જોરશોરથી મોજાં ઊછળતાં હતાં, પાણીના બે પ્રવાહો એકબીજાને ધસમસતાં અથડાતા હતા અને પાણી ગોળગોળ ફરી ઘૂમરી લેતું હતું. પાણીનો રંગ પણ વાદળી અને ઘેરો ભૂરો એમ બે જુદાજુદા પ્રવાહોનો હોય તેમ ખ્યાલમાં આવતું હતું. જાણીતી જગ્યા અને માણસો તથા કિનારાની નજીક હોઈએ એટલે વમળો જોવાની મઝા આવે બાકી ભર દરિયે સફર કરતા હોઈએ અને આવાં વમળોમાં વહાણ ફસાય તો ભગવાન જ બચાવે! જો ભરતી પૂરા જોશમાં હોત તો ડર લાગત, છતાં જે દ્રશ્યો જોયાં તે જોઈને દિલ ખુશ થઈ ગયું. કુદરતની કંઈ નવીન જ કરામત જોઈ. એક બાજુ માણસની આવડત અને બીજી બાજુ કુદરતની કરામત. બે ટાપુને જોડતો લાંબો ઓનારૂતો સસ્પેનશન બ્રિજ અને નીચે થતાં નારૂતો વમળ! અમને સૌને આ માહોલના અચંબામાંથી બહાર આવતાં વાર લાગી. પાર્કની આસપાસ નાનો બગીચો, ખાણીપીણીની વ્યવસ્થા અને ખરીદી માટે દુકાનો હતી પણ અમે તો કુદરતી વાતાવરણમાં જ ડૂબકી મારતાં રહ્યાં.

બસમાં બેસી આગળ પ્રયાણ કર્યું. દરિયો, લીલોતરી, નાનાં-મોટાં ગામો ….. આંખો ધરાય ત્યાં સુધી જોતાં જ રહીએ. તેમાં વળી આજે તો સૂરજદાદાએ કમાલ કરી!એટલો સરસ સૂર્યાસ્ત! ડ્રાઈવર ભાઈએ પણ સમયસર બસ ઊભી રાખી દીધી. અમને સૌને સૂર્યાસ્તનો આનંદ પેટ ભરીને માણવા દીધો. ડૂબતા સૂરજના કેસરી સોનેરી કિરણો પાણી પર ફેલાઈને ગજબની આભા ઊભી કરતાં હતાં. ઝાડપાન, વૃક્ષો અને પુષ્પો અનન્ય રોશનીમાં ઝળકતા હતાં. અનેરો માહોલ રચાયો હતો. દસ-પંદર મિનિટનો જ આખો નજારો પણ એક અલૌકિક અનુભવ! ડૂબતો સૂરજ પણ કેવી રોશની ફેલાવતો જાય! ડૂબવાનો કોઈ રંજ નહીં, બસ, આનંદ જ આનંદ! બધાં પ્રવાસીઓની આંખોએ અને કેમેરાઓએ એ સૂર્યાસ્ત લખલૂટ માણ્યો. બધાં એવાં અગમ્ય આનંદમાં હતાં કે જમવા સુધી મૌન જ રહ્યાં.

રાતના ‘મધુમહેલ’માં ગરમાગરમ ખીચડી-કઢી સાથેનું ગુજરાતી ટચનું ભાણું જમ્યાં અને ઉપરથી શીરો ખાધો! જમીને બસમાં બેઠાં ત્યારે ધીમા છાંટા શરૂ થઈ ગયા હતા.


સંપર્ક :  દર્શા કિકાણી :  ઈ –મેલ –  darsha.rajesh@gmail.com

4 comments for “લે ગઈ દિલ, સફર જાપાનકી : ૯. કોબે: મોતીનું નગર, માઉન્ટ રોક્કો અને નારૂતો વમળ

 1. December 20, 2018 at 8:27 am

  સરસ વર્ણન.
  સરયૂ પરીખ

  • Darsha Kikani
   December 24, 2018 at 11:09 am

   Thank, Saryuben!

 2. Suresh Jani
  December 21, 2018 at 5:36 am
  • Darsha Kikani
   December 24, 2018 at 11:10 am

   Thanks, Sureshbhai!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *