





– સમીર ધોળકિયા
થોડા સમય પહેલાં વિદેશમાં રહેતા પણ હાલ સ્વદેશ પધારેલા એક મિત્ર સાથે વાત થતી હતી. એમની પાછા જવાની વાત નીકળતાં મેં એમને જ પૂછ્યું કે તમને શું ભેટ આપું ? જવાબમાં એ મિત્રએ કહ્યું કે તમને ખોટું ના લાગે તો એક ચોખ્ખી વાત કરું ? તમારી અને તમારા જેવા અનેક મિત્રોની અસંખ્ય ભેટો અમારા ઘરના માળિયામાં પડી છે. તમે વધુ એક ભેટ આપવાનો આગ્રહ રાખશો તો માળિયામાં એક વસ્તુનો વધારો થશે ! અનેપછી એમણે ઉમેર્યું કે, મેં છેલ્લા એક દાયકાથી એ માળિયામાં શું છે તે જોયું પણ નથી !
અમારા બંને વચ્ચે પાકી સમજણ છે એટલે મેં વિચાર્યું કે એમની વાત તો સાચી છે. એવાં કેટલાં સ્મૃતિચિહ્નો છે જે આપણે હરહંમેશ આપણી નજર સામે રાખી શકીએ છીએ? સમય વીત્યે દરેક સ્મૃતિચિહ્ન ઘરનાં માળિયામાં અને સ્મૃતિઓ મગજના માળીયામાં જતી રહેતી હોય છે ! કઈ વ્યક્તિ એવી હશે જે પોતાની નજીકની વ્યક્તિને રોજેરોજ યાદ કરીને સંભારતી હોય ? સ્મૃતિચિહ્નનું પણ એવું જ છે.
દરેક વ્યક્તિને પોતાની સ્મૃતિઓ વ્હાલી અને સાચવી રાખવા જેવી લાગતી હોય છે. પણ એ સ્મૃતિઓ કે સ્મૃતિચિહ્નોનું કરવું શું જયારે દરેક વર્ષે એમાં વધારો થતો જતો હોય? અને એને સાચવવી ક્યાં તે પણ એક પ્રશ્ન છે.મગજ કે ઘરનું માળિયું જ તેને માટે યોગ્ય છે?
આપણે પહેલાં એ જોઈએ કે આટલી બધી સ્મૃતિ અને સ્મૃતિચિહ્નો ભેગાં કેમ થાય છે. નાના હતાં ત્યારથી જ આપણે ગમતી ચીજો સાચવી રાખવાનું શરૂ કરી દઈએ છીએ. એવું જ સ્મૃતિઓનું છે, બાલ્યાવસ્થાથી ભેગી થયા જકરે છે ! એમાં મોટાભાગની સ્મૃતિઓ આપણને બહુ ગમતી હોય એવી હોય છે, પણ થોડીક અણગમતી ય હોય છે, જેની તરફ લોકોની વારંવાર નજર જાય છે અને તકલીફ ઉભી કરે છે. આવી સ્મૃતિઓને બનતી ત્વરાએ કાઢી નાંખવી જોઈએ.
આપણે દર દિવાળીએ કે ઘર બદલતી વેળાએ ઘણી બધી બિનઉપયોગી વસ્તુઓ ફેંકી દેતાં હોઈએ છીએ કે વેચી દેતાં હોઈએ છીએ કે કોઈને આપી દેતાં હોઈએ છીએ. પણ જે વસ્તુ કોઈ વિશેષ વ્યક્તિ કે બનાવ સાથેસંકળાયેલ હોય તેને કેવી રીતે ફેંકી શકાય ? આવું તો કોઈ હૃદયહીન વ્યક્તિ જ કરે ! પણ તો પછી આ સતત વધતા જતાં સ્મૃતિભારનું કરવું શું ?
વર્ષોથી મારા ઘરમાં પુસ્તકો અને સંગીતની રેકર્ડ્સનો ખુબ ભરાવો થઇ ગયો હતો. રેકર્ડ્સ વગાડી કે સાંભળી શકાય તેમ હતું નહિ, અને ચોપડીઓ પર પણ ખુબ ધૂળ ચડી ગઈ હતી, અમુક ફાટી પણ ગઈ હતી. રેકર્ડ્સઅને પુસ્તકો, બંને સાથે મારી અમુલ્ય સ્મૃતિઓ જોડાયેલી હતી, પણ પછી મેં મન કઠણ કરીને વિચાર્યું કે આ ‘સ્મૃતિઓ’ ધૂળ ખાય છે એના કરતાં કોઈને થોડી ઘણીય કામ આવે તે વધુ યોગ્ય છે! એ વસ્તુઓ સાથે મારી લાગણીઓ સંકળાયેલી હતી તે સાચું, પણ એના પર જો ધૂળના થર ચડી ગયા હોય તો એ તો સ્મૃતિચિહ્નોનું અપમાન કે અવમૂલ્યન ના થયું કહેવાય? આવું જ અંગત યાદો કે સ્મૃતિઓનું છે. મેં રેકર્ડ્સ અને પુસ્તકોનો નિકાલ કર્યો ત્યારે થોડી વાર તો સારું ના લાગ્યું. યુવાનીમાં લીધેલ આ વસ્તુઓ સાથે જોડાયેલ યાદો તાજી થઇ ગઈ…પણ આજે એમ લાગે છે કે જે કર્યું એ સારું કર્યું. મારી ચોપડીઓને એકાદો વાચક પણ મળશે તો મારા દુ:ખનું વળતર મને મળી ગયું, એવું મને લાગશે !
આ પરથી મેં નક્કી કર્યું કે સ્મૃતિચિહ્નોને જાળવી રાખવા કરતાં તેને કોઈ બીજા (શોખીન) ને આપી દેવામાં વધુ આનંદ છે. આજે મારા ઘરમાં મને ભેટમાં મળેલ પુસ્તકો સિવાય કોઈ પુસ્તક નથી.
સ્મૃતિચિહ્નોને જો સંભાળીને અને સજાવીને રાખી શકતા હો તો જરૂર રાખવા. પણ જો તેના પર ધૂળના ઢગલા ચડી જતા હોય, આપણી સ્મૃતિમાંથી એ તદ્દન નીકળી ગયાં હોય, વર્ષે માંડ એકાદ વાર તેને જોવાનો સમય મળતો હોય, તો એવાં સ્મૃતિચિહ્નોને સાચવી રાખવાનો શો અર્થ છે ?
હા, મગજમાંથી સ્મૃતિઓ કાઢવી સહેલી નથી, ભલે તેનો અસ્તવ્યસ્ત ઢગલો દિમાગના કયા ખૂણામાં પડ્યો છે તેની પણ આપણને ખબર ના હોય ! આવી સ્મૃતિઓ માટે શ્રેષ્ઠ રસ્તો એ છે કે તેના વિષે લખી નાંખવાનું ! એકવાર જો સ્મૃતિઓ કલમ વાટે બહાર આવી જશે તો પછી હેરાન ઓછી કરશે અને મગજને પણ શાંતિ મળશે. જૂની (અને નકારાત્મક) સ્મૃતિઓ વિષે વાત કર્યા કરવાથી કે તેને વાગોળતાં રહેવાથી તે વધુ પ્રજ્વલિત થાય છે અને પોતાની સાથે-સાથે સંકળાયેલ અન્ય વ્યક્તિને પણ હેરાન કરી શકે છે. લખવાથી સ્મૃતિનું શમન થવાની શક્યતા વધુ હોય છે. તો ય એક વાત ચોક્કસ છે. સ્મૃતિ “મૅનેજ” કરવી સહેલી નથી. મારી પાસે મારા વડીલોના એવા ફોટાઓ છે, જે મને ખુબ જ પ્રિય છે. પણ હવે, બહુ જ થોડી વ્યક્તિઓ એવી રહી છે, જે એ ફોટામાં દેખાતાં વડીલોને ઓળખી શકે ! થોડા વર્ષો પછી એ ફોટાઓનું શું થશે ? મારી પાસે એનો કોઈ ઉત્તર નથી…….
સ્મૃતિઓ એવી ચીજ છે કે જેમાં વર્ષો વીતતાં જાય તેમ તેમ વધારો થતો જ જાય છે. ઘટાડાની કોઈ શક્યતા હોતી નથી ! મોટી ઉંમરે તો માણસો સ્મૃતિઓને આધારે જ જીવતાં હોય છે અને સતત સ્મૃતિઓ વાગોળ્યા કરતાં હોય છે. સ્મૃતિચિહ્નોને જગ્યાનો અભાવ નડી શકે, સ્મૃતિઓને નહિ ! કેટકેટલી જાતની સ્મૃતિઓ હોય છે માણસનાં મનમાં…. અમુક જગ્યાઓ, અમુક વ્યક્તિઓ, અમુક ફિલ્મો કે ગીતો, અમુક કપડાં કે પછી દાદાનાસમયનું બંધ પડેલ કોઈક ઘડિયાળ….. આ બધાં સ્મૃતિ કે સ્મૃતિચિહ્ન બની જતાં હોય છે. આપણે ભલેને કેટલાંય ઘર બદલ્યા હોય, પણ બાળપણનાં ઘરની અને જે ઘર સાથે સારી યાદો, સારા પ્રસંગો, સારાં સ્મૃતિચિહ્નો સંકળાયેલ હોય તેની અમીટ છાપ દિમાગ પર સચવાયેલી રહે છે.
એક જૂનો ટ્રંક, એક માળિયું અને એક દિમાગ, કેટકેટલી સ્મૃતિઓ અને સ્મૃતિચિહ્નો સંઘરીને બેઠાં હોય છે ! આપણે તો બસ, એમને થોડી જગ્યા મળે એની વ્યવસ્થા કરવાની અને જરૂર પડે ત્યારે એમનો નિકાલ કરવાની વ્યવસ્થા કરવાની ! અને એમનો નિકાલ કરવાની મરજી ના થતી હોય તો પણ વાંધો નથી. દિલ અને દિમાગમાં ભલે પડી રહેતી એ સ્મૃતિઓ !
તમારાં ઘરના માળિયામાં કેટલાં સ્મૃતિચિહ્નો પડ્યા રહ્યા છે ? અને કેટલી સ્મૃતિઓ પડી રહી છે તમારાં મગજની કોતરોમાં ?
શ્રી સમીર ધોળકિયાનો સંપર્ક spd1950@gmail.com સરનામે થઈ શકશે.
સમીરભાઇ,આપની વાત ખૂબ જ સાચી છે. મગજ કે મનમાં સંઘરાયેલી સ્મૃતિઓ ને લખાણ દ્વારા અભિવ્યક્ત કરી દ
ઇએ તો હળવાશ અનુભવાય.Travel light.ખૂબ જ મજા નો લેખ.
ખુબ ખુબ આભાર,દિલીપભાઈ !