મંજૂષા : ૧૮.. પોતાની જિંદગી જીવી લેવાનો આનંદ

Facebooktwitterredditpinterestlinkedinmail

–વીનેશ અંતાણી

એક રાજાને બાજ પક્ષીનાં બે બચ્ચાંની ભેટ આપવામાં આવી. એણે બંને બચ્ચાંને ટ્રેઈન કરવા માટે રાજ્યના મુખ્ય બાજ-પ્રશિક્ષકને સોંપ્યાં. થોડા મહિના પછી બાજ-પ્રશિક્ષકે રાજાને જણાવ્યું કે એક બાજ આકાશમાં ઊંચે ઊંચે ઊડતાં શીખી ગયું છે, જ્યારે બીજું એ આવ્યું છે તે દિવસથી આખો દિવસ એક જ ઝાડની એ જ ડાળી પર બેસી રહે છે. ગમે તેટલા પ્રયત્ન કરવા છતાં એ એની જગ્યા પરથી ખસતું નથી. કદાચ તે બાજ માંદું હશે એમ ધારી રાજાએ એની સારવાર કરવા માટે નિષ્ણાતોને બોલાવ્યા. એમના પ્રયત્નો પણ નિષ્ફળ નીવડ્યા. બીજા પક્ષીવિદ્દોના પ્રયત્નો પણ સફળ થયા નહીં. રાજાએ વિચાર્યું કે ઘણી વાર નિષ્ણાતો કરી શકે નહીં તે કામ કોઠાસૂઝ ધરાવતી ગામડાની વ્યક્તિ કરી શકે છે. એણે રાજ્યના ગ્રામવિસ્તારમાં ઢંઢરો પીટાવ્યો. ઘણા લોકો આવ્યા, પરંતુ બાજે એની ડાળી છોડી નહીં. એક દિવસ એક વૃદ્ધ, ગરીબ, અભણ ખેડૂત રાજા પાસે આવ્યો. એણે કહ્યું કે એ બાજને ઊડતું કરી દેશે. રાજાએ એને પરવાનગી આપી. બીજા દિવસે સવારે રાજાએ રાજમહેલની બારીમાંથી જોયું તો તે બાજ આકાશમાં ઊડવા લાગ્યું હતું. રાજાએ પેલા ખેડૂતને ઈનામ આપ્યું અને પૂછ્યું કે એણે એવી શી કરામત કરી કે બાજે ઊડવાનું શરૂ કર્યું. ખેડૂતે જવાબ આપ્યો: ‘બહુ સહેલો ઉપાય હતો, મા’રાજ. બાજ જે ડાળી પર બેસી રહેતું હતું તે ડાળી જ મેં કાપી નાખી. બાજ પાસે ઊડવા સિવાય બીજો કોઈ રસ્તો જ રહ્યો નહોતો.’

વાર્તાનો બોધપાઠ સ્વયંસ્પષ્ટ છે. આપણામાં ઘણી શક્યતા, શક્તિ, ક્ષમતા હોય છે, પરંતુ આપણે માની લીધેલી સુવિધાજનક પરિસ્થિતિમાંથી બહાર નીકળવા તૈયાર હોતા નથી. આપણે પણ પેલા બાજની જેમ પરિચિત ડાળીને વળગી રહીએ છીએ. ખેડૂતે બાજને સુવિધાજનક અને આરામદાયક લાગતી ડાળી કાપી નાખી પછી એને ફરજિયાતપણે આકાશમાં ઊડવાનું શરૂ કરવું પડ્યું. એણે એક વાર ઊડવાનું શરૂ કર્યું પછી એને આકાશના અસીમ વિસ્તારમાં રહેલી અપાર શક્યતાનો ખ્યાલ આવ્યો.

મોટા ભાગના લોકો એમને પરિચિત, સુવિધાજનક, આરામદાયક અને દેખીતા ભય વિનાની સલામત પરિસ્થિતિમાં રહેવાનું અને એવી જ પ્રવૃત્તિ કરવાનું પસંદ કરે છે. અંગ્રેજીમાં એને ‘કમ્ફર્ટ ઝોન’ કહેવાય છે. દરેકનો પોતાનો કમ્ફર્ટ ઝોન હોય છે. લોકો એની સીમામાં જ રહીને જીવી જવાનો સલામત માર્ગ અપનાવે છે. એમને એમના કમ્ફર્ટ ઝોનની બહારનું કશું જ આકર્ષતું નથી અને તેઓ એની સીમામાંથી બહાર નીકળવાનું સાહસ કરતા નથી. વ્યક્તિના સંજોગો, એનો ઉછેર, માનસિકતા, જીવન પ્રત્યેનો અભિગમ, એનામાં છુપાયેલા ડર જેવાં પરિબળો પ્રમાણે ક્યારેક તે સીમાનો ઘેરાવો બહુ સંકુચિત રહે છે કે વિસ્તરીને બહુ વિશાળ બને છે. ટૂંકી દૃષ્ટિએ વિચારતા અને જરાસરખું પણ સાહસ કરવાની હિંમત ન ધરાવતા લોકો એમના કમ્ફર્ટ ઝોનની બહાર પગ મૂકવાનું વિચારી શકતા નથી. બદલાતી પરિસ્થિતિ અને સંજોગોમાં આવતાં પરિવર્તનને અનુકૂળ પ્રતિભાવ આપવાની તૈયારી હોય તો સમય જતાં વ્યક્તિના કમ્ફર્ટ ઝોન બદલાય છે. જે નવજાત શિશુ માટે એનું ઘોડિયું કમ્ફર્ટ ઝોન હોય છે તે જ બાળક મોટું થઈને સૈન્યમાં જોડાય છે અથવા પાયલોટ બનીને આકાશની ઊંચાઈ માપવા લાગે છે. એનું કમ્ફર્ટ ઝોન બદલાય છે. એક વાર આપણા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવાનું સાહસ કરીએ તો નવા નવા અનેક કમ્ફોર્ટ ઝોન ઊઘડે છે. દોરીલોટા સાથે પોતાનું ગામ છોડી દેશવિદેશમાં વસેલા લોકોનાં દૃષ્ટાંત આ વાત સહેલાઈથી સમજાવી શકે. ક્રિસ્ટોફર કોલંબસે સાહસ કર્યું ન હોત તો એણે અમેરિકામાં પગ મૂક્યો ન હોત કે વાસ્કો દ ગામા ભારતના કિનારે પહોંચ્યો ન હોત.

સામાન્ય રીતે આપણે મૃત્યુને મોટામાં મોટી કરુણતા માનીએ છીએ. વાસ્તવમાં આપણે જીવતા હોઈએ તે દરમિયાન આપણામાં રહેલી ક્ષમતાને મરવા દઈએ છીએ તે સૌથી મોટી કરુણતા છે. એવું પણ કહેવાયું છે કે માણસને એના છેલ્લા દિવસોમાં એણે જીવનમાં લીધેલાં જોખમોનો પસ્તાવો થતો નથી, પરંતુ એણે ન લીધેલાં જોખમોનો પસ્તાવો થાય છે. જીવનમાં અનેક તક ઊભી થાય છે, પરંતુ સામાન્ય માણસ યોગ્ય સમયે એ તકોને ઝડપી લેવાનું ચૂકી જાય છે. નિષ્ફળતાનો ભય અનેક સંભવિત શક્યતાઓના પ્રદેશમાં પ્રવેશવા દેતો નથી.

વ્યક્તિત્વવિકાસના વિચારક રોબિન શર્માએ એક લેખમાં એક ફિલ્મઅભિનેતાનું દૃષ્ટાંત આપ્યું છે. એ ફિલ્મઅભિનેતાને પૂછવામાં આવ્યું કે એ એના જીવનમાં આવેલા ઉતાર-ચઢાવ વિશે શું માને છે. એણે નાનકડો, પણ સચોટ, જવાબ આપ્યો: ‘હું તો બસ મારી રીતે જિંદગી જીવું છું.’ આ જવાબ સૂચક છે. આપણે જીવનમાં બનેલી નિષ્ફળ કે સફળ ઘટનાઓ અને એનાથી થયેલા અનુભવોનું પૃથક્કરણ જ કરતા રહીશું તો જીવન માણવાનો સમય મળશે નહીં. તટસ્થ દૃષ્ટિકોણ રાખી, નિષ્ફળતા કે સફળતાનો ભય છોડી, કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવાનું સાહસ કરવાથી જ જીવનનો સાચો આનંદ માણી શકાય છે.

***

શ્રી વીનેશ અંતાણીનું વીજાણુ સંપર્ક સરનામું: vinesh_antani@hotmail.com

1 comment for “મંજૂષા : ૧૮.. પોતાની જિંદગી જીવી લેવાનો આનંદ

  1. Jayesh Parekh
    December 20, 2018 at 9:34 am

    Very nice Article. I never miss Article from shri Vinesh Bhai Antani.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *