મારી બંસીમાં… સુંદરમ્

Facebooktwitterredditpinterestlinkedinmail

– રસદર્શન …દેવિકા ધ્રુવ

           મારી બંસીમાં

                                            … સુંદરમ્

મારી બંસીમાં બોલ બે વગાડી તું જા,
મારી વીણાની વાણી જગાડી તું જા.

ઝંઝાના ઝાંઝરને પહેરી પધાર પિયા,
કાનનાં કમાડ મારાં ઢંઢોળી જા,

પોઢેલી પાંપણના પડદા ઉપાડી જરા,
સોનેરી સોણલું બતાડી તું જા. …મારીo

સૂની સરિતાને તીર પહેરી પીતાંબરી,
દિલનો દડૂલો રમાડી તું જા,

ભૂખી શબરીનાં બોર બેએક આરોગી,
જનમભૂખીને જમાડી તું જા. …મારીo

ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા,
સાગરની સેરે ઉતારી તું જા,

મનના માલિક તારી મોજના હલેસે
ફાવે ત્યાં એને હંકારી તું જા. …મારીo

* * *

ગાંધીકાલીન કવિઓમાંના ઊંચી કોટિના અગ્રણી કવિ એટલે સુંદરમ્. ‘સુંદર‌મ્’ તેમનું ઉપનામ અને મૂળ નામ ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર. તેમણે એક લીટીમાં પ્રેમનું ઉપનિષદ લખ્યું છે, વિરાટની પગલીમાં પ્રભુદર્શન કરાવ્યું છે; તો પુષ્પ તણી પાંદડીમાં પ્રકૃતિ સહિત પરમતત્ત્વની અદ્ભુત વાત પણ કરી છે. આવા મહાન કવિ સુંદરમ્ની ઉપરોક્ત કવિતા ખૂબ કર્ણમંજુલ અને મનોહારી છે.

‘મારી બંસીમાં બોલ બે વગાડી તું જા’ થી શરુઆત કરીને, જરાક રમતિયાળ રીતે એક ઊંચો અને અસામાન્ય વિષય આરંભ્યો છે અને તરત જ ‘મારી વીણાની વાણી જગાડી તું જા’ કહીને ભીતરના ભાવને પ્રસ્થાપિત કરી મૃદુતાભરી અરજ પણ આદરી દીધી છે. કઈ બંસી અને કઈ વીણા એના ઘટસ્ફોટની ભાગ્યે જ જરૂર રહે છે. એક સંસારી કવિને મન અહીં કવિતાની બંસી કે સાહિત્યની વીણાની સાથે સાથે સંસારની આધિ-વ્યાધિ અને સંઘર્ષ પણ અભિપ્રેત હોય તેમ લાગ્યા વગર રહેતું નથી. છતાંયે લેશ માત્ર દર્દનો સૂર સંભળાતો નથી; એટલું જ નહિ, ત્રણે અંતરા તો જુઓ?

‘ઈશ્વર ક્યાં જવાબ આપવાનો છે?’ એમ વિચારી પાછા કવિ પોતે જ મઝાના ઉપાયો પણ સૂચવે છે. એક અતિ પ્રેમાળ માનુનીની જેમ ધીરે ધીરે ખભા ઉલાળી, ડોલતા ડોલતા, રીસાતા, રીઝાતા, મરકતા, સરકતા કહે છે કે, ‘ઝંઝાના ઝાંઝરને પહેરી પધાર પિયા, કાનનાં કમાડ મારાં ઢંઢોળી જા; પોઢેલી પાંપણના પડદા ઉપાડી જરા, સોનેરી સોણલું બતાડી તું જા.’ કેટલી વર્ણાનુપ્રાસભરી મધુર લયાત્મકતા અને કેટલી આબેહૂબ ચિત્રાત્મકતાથી ભરીભરી પંક્તિઓ છે! પિયાનું સંબોધન કરી ઇશ્વરને પલાળવાની આ તે કેવી પ્રેમભરી પ્રયુક્તિ!

પછી બીજા અને ત્રીજા અંતરામાં એ જ સુંદર લયમાં નાગદમનની, શબરીની, નૈયાપારની વગેરે પ્રખ્યાત અને ચમત્કારિક વાર્તાઓની યાદ અપાવીને, શબ્દે શબ્દમાં મીઠાશ વેરીને ‘તારે તારવા હોય તો તું કોઈ પણ રીતે તારી જ શકે છે.’ એવી પોતાના અંતરની શ્રધ્ધા વ્યકત કરી દીધી છે. અહીં કવિ ખુદ મથે છે, સ્વયંને જ સમજાવે છે અને સફળ પણ થાય છે. તેથી જ તો છેલ્લે ‘મનના માલિક તારી મોજના હલેસે, ફાવે ત્યાં એને હંકારી તું જા’ કહી સંપૂર્ણપણે સમર્પિત થઈ જાય છે. સમર્પણની સાથે સાથે પોંડિચેરીના આશ્રમના એક સાધકની સાચી અનુભૂતિનો રણકાર સંભળાય છે. કવિતા માત્ર નિજાનંદે લખાયેલ નથી તે પરખાય છે. સમાજને એક ઊંચો અને ગર્ભિત સંદેશ મળે છે કે ફાવે ત્યાં હંકારાતી લાગતી આ હોડીને આખરે યોગ્ય રીતે અને યોગ્ય સ્થાને માલિક જ પાર પાડશે. સફળ જીવનની ચાવી સમું આ મનોબળ અને આત્મ-શ્રધ્ધા ખૂબ સહજ રીતે પ્રગટ થયાં છે; જે ભાવકના મનમાં દૃઢપણે અંકિત થઈ જાય છે.

આખાયે કાવ્યમાં શરુઆતથી એક નક્કી વિષયને પકડીને એને ક્રમિક રીતે ઉઘાડ અપાતો ગયો છે. કોઈ દુન્યવી કારણોસર શાંત અને અચેતન થયેલી સુષુપ્ત શક્તિઓને જગાડવા માટે પરમના આધારની અપેક્ષા અને અરજનો સ્પષ્ટ ભાવ લઈને કવિની કલમ આગળ ગતિ કરી રહી છે. લય, રૂપકો, સંકેતો, ચિત્રાત્મકતા, અલંકાર, ઉચિત શબ્દ-પ્રયોગો, ખળખળ વહેતા ઝરણા જેવો મઝાનો વર્ણાનુપ્રાસ અને આ બધાની વચ્ચે ભાવભર્યું કર્ણપ્રિય સંગીત જાણે ગૂંજતું રહ્યું છે. સૃષ્ટિના સૌંદર્યને જેણે સંપૂર્ણપણે માણ્યું છે, પ્રિયપાત્રને જેણે પ્રખર સહરાની તરસથી ઝંખ્યું છે અને પરમ તત્ત્વને જેણે સમર્પિત થઈ વાંછ્યું છે એ જ વ્યક્તિ આવી ઉત્તમ, કાવ્યત્વથી ભરીભરી કલાત્મક રચના સાહિત્ય-જગતને આપી શકે. વાંચતાં વાંચતાં અને વાંચ્યા પછી પણ ગણગણવું ગમે તેવા મઝાના આ ગીત/કાવ્યના સર્જકને અને તેમના કલામય કવિકર્મને સો સો સલામ.

– દેવિકા રાહુલ ધ્રુવ

* * *

સંપર્કસૂત્રો :-

ઈ મેઈલ – Ddhruva1948@yahoo.com
Hello – 001 281 415 5169
Blogs – www.devikadhruva.wordpress.com // http://devikadhruva.gujaratisahityasarita.org

3 comments for “મારી બંસીમાં… સુંદરમ્

 1. Neetin Vyas
  December 16, 2018 at 2:41 am

  “મારી બંસીમાં બોલ બે વગાડી તું જા,” જેવી સરસ કવિતા છે તેવો જ ઉત્તમ તેનો રસાસ્વાદ – વાંચવાની મજા આવી. વડોદરા માં નવરાત્રી દરમ્યાન ગરબામાં સાંભળવા મળે, શ્રી આરતીબેન મુન્શી, ડો. નિરાલી સોની જેવાં અન્ય સુપ્રસિદ્ધ ગાયકોની સઁગીતની મહેફિલ અવશ્ય સાંભળવા મળે.ઉત્તમ કવિતા ની સુંદરતા પ્રસ્તુત કરવા બદલ આભાર।

 2. December 16, 2018 at 4:56 am

  નાનપણમાં ગાયેલ મજાનું ગીત.
  સરયૂ

 3. Prakash Shukla
  December 16, 2018 at 9:43 pm

  sundaram ni sunder prarthana. prastuti badal khub khub abhaar.

  please guide me to find poems like, o ishwar bhaji e tane, unda andhare thi ….. akhil brahmand ma…..shiyale shital va vaay

Leave a Reply to Prakash Shukla Cancel reply

Your email address will not be published. Required fields are marked *