સાયન્સ ફેર :: લોસ્ટ ટ્રાઈબ્સ : કોણ એમણે જીવાડે છે?

Facebooktwitterredditpinterestlinkedinmail

જ્વલંત નાયક

નૃવંશશાસ્ત્ર – anthropology એ માનવ અને એની લાક્ષણિકતાઓનો અભ્યાસ કરતુ શાસ્ત્ર છે. જેમાં મનુષ્ય અને એની સાથે સંકળાયેલ બીજી પ્રજાતિઓની ઉત્ક્રાંતિ – evolutionનો પણ અભ્યાસ કરવામાં આવે છે. પરંતુ કેટલીક એવી બાબતો છે, જે આજની તારીખે પણ નૃવંશશાસ્ત્રીઓને ગૂંચવી રહી છે. દાખલા તરીકે ‘લોસ્ટ ટ્રાઈબ’ તરીકે ઓળખાતા માનવો કઈ રીતે આજના આધુનિક યુગ સુધી અસ્તિત્વ ટકાવી શક્યા છે?!

થોડા દિવસો પહેલા આંદામાન-નિકોબારના નોર્થ સેન્ટીનલ આઈલેન્ડ પર રહેતા આદિવાસીઓએ એક અમેરિકન મિશનરી યુવાનની હત્યા કરી નાખી. આ ઘટના બાદ આ આઈલેન્ડ પર રહેતા ‘સેન્ટીનલીઝ’ તરીકે ઓળખાતા આદિવાસીઓ ફરી એક વાર ચર્ચામાં આવ્યા. ૬૦,૦૦૦ વર્ષો પહેલા આ આદિવાસીઓ આફ્રિકા ખંડથી નીકળીને સેન્ટીનલ આઈલેન્ડ પર પહોંચ્યા હોવાનું મનાય છે. હેરતની વાત એ છે કે કોઈ પણ આધુનિક પ્રવાહથી દૂર રહેવા છતાં કુદરતના ખોળે રહેતા સેન્ટીનલીઝ લોકોએ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે. જીવવિજ્ઞાનીઓ-નૃવંશશાસ્ત્રીઓ માટે આ સેન્ટીનલીઝ લોકો અભ્યાસનો વિષય ગણાય, પરંતુ આ પ્રજા હંમેશા આઈસોલેટેડ-એકલી રહેવામાં માને છે. સભ્ય ગણાતા સમાજનો કોઈ માનવી એમના વિસ્તારમાં આવે તો આ આદિવાસીઓ એના પર હુમલો કરી બેસે છે.

Sentinelese Tribe

આ પ્રકારની માનવ પ્રજાતિને નૃવંશશાસ્ત્રીઓ ‘અનકોન્ટેક્ટેડ પીપલ’ અથવા ‘લોસ્ટ ટ્રાઈબ’ તરીકે ઓળખે છે. નૃવંશશાસ્ત્રીઓ અને જીવવિજ્ઞાનીઓની ધારણા મુજબ, ઇસ ૨૦૧૩ સુધી આવી લોસ્ટ ટ્રાઈબની સંખ્યા ૧૦૦ જેટલી હતી. એનો સીધો અર્થ એમ થાય કે મનુષ્યની ૧૦૦ જેટલી આદિવાસી ગણાતી પ્રજાતિઓ એવી છે, જે છેલ્લા હજારો વર્ષોથી ઇવોલ્વ જ નથી થઇ. (ઉત્ક્રાંતિથી દૂર રહેવા પામી છે.) આશ્ચર્યની વાત તો એ છે કે પથ્થરયુગમાં જીવતા આ લોકોને હજી સુધી અગ્નિ પેટાવતા નથી આવડતું! અગ્નિ માટે તેઓ વીજળી પડવાની રાહ જુએ છે, અને એ રીતે મેળવેલ અગ્નિને લાંબો સમય સુધી સળગતો રાખવાની કોશિષ કરતાં રહે છે. જો કે તેઓ જે રીતનું જીવન જીવે છે એમાં અગ્નિનો બહુ ખપ પડતો ય નથી! એમની ભાષા પણ એવી ‘પૌરાણિક’ છે જે સભ્ય સમાજના લોકો તો ઠીક, બીજી આદિવાસી કોમના લોકો પણ સમજી નથી શકતા!

સંશોધકો-વિજ્ઞાનીઓને મૂંઝવતો સૌથી મોટો પ્રશ્ન એ છે કે આટલા વર્ષો સુધી આ પ્રજાતિએ પોતાનું અસ્તિત્વ કઈ રીતે ટકાવી રાખ્યું હશે? આપણે તો મોબાઈલ-ઈન્ટરનેટ વિના નથી જીવી શકતા, ત્યારે આ લોકો અગ્નિ, ખેતી, પાકા રહેઠાણ, દવાઓ, ખોરાક જેવી પાયાની ગણાતી જરૂરિયાત વિના કઈ રીતે ટકી શક્યા? આટલા લાંબા સમયગાળા દરમિયાન સેન્ટીનલ ટાપુ પર કોઈ એવો રોગચાળો ફેલાયો જ નહિ, કે જે ૨૦૦-૫૦૦ માણસોને ભરખી જાય?! છેલ્લા હજારો વર્ષ દરમિયાન બે-પાંચ વાર પણ જો આવો કોઈ રોગચાળો ફેલાય, તો આવડા અમથા ટાપુ પર એક્કેય માણસ જીવતો ન બચે! પરંતુ એક અંદાજ મુજબ તો આજની તારીખે ય સેન્ટીનલ આઈલેન્ડ પર ૫૦ થી માંડીને ૪૦૦ જેટલા આદિવાસીઓ તંદુરસ્ત અવસ્થામાં જીવિત હોવાનું મનાય છે! એક જ નાનકડા ટાપુ પર હજારો વર્ષ સુધી વસવાટ કરનાર અને બહારના વિશ્વ સાથે સાવ ‘કટ ઓફ’ થઇ જનાર પ્રજાતિ જીવતી કઈ રીતે રહી હશે? શું એમની બાયોકેમિસ્ટ્રી આપણાથી સાવ અલગ હશે? એમના જીન્સમાં કોઈક ખાસિયત હશે?!

સેન્ટીનલીઝ લોકો જેવી જ લોસ્ટ ટ્રાઈબ એમેઝોનના દુર્ગમ વર્ષાવનોમાં જોવા મળે છે, જે પોતાની જાતને સભ્ય સમાજથી દૂર રાખે છે. બેટી મેગર્સ નામના અગ્રગણ્ય મહિલા આર્કિયોલોજીસ્ટે પોતાનો દાવો વિશ્વાસ સાથે રજુ કરતાં કહ્યું કે, એમેઝોન પ્રદેશની જમીન ઉપર વધુ લોકો નભી શકે એ માટે ખેતી લાયક જગ્યા જ નથી. જો આ માનવો માત્ર શિકાર ઉપર જીવે તો, બાકીની દુનિયાથી લગભગ અલિપ્ત કહી શકાય એવાં આ દુર્ગમ પ્રદેશની આહાર-શૃંખલા અસંતુલિત થયાં વિના રહે નહિ! પોતાના પુસ્તક “એમેઝોનિયા : મેન એન્ડ કલ્ચર ઇન અ કાઉન્ટરફેઇટ પેરેડાઈઝ’માં પણ તેમણે આજ વાત રજુ કરી. એમના મત મુજબ, માત્ર ૨ માનવને સારી રીતે જીવવા અને ટકી રહેવા માટે, વર્ષાવનોના આ પ્રદેશમાં એક ચોરસ કિલોમીટરની જગ્યા જોઈએ! આ હિસાબે જોતા, જો કદાચ અહીં માનવ વસ્તી હોય, તો તે ચોક્કસપણે છૂટી-છવાઈ વસવાટ કરતી હોય.

પરંતુ ઇસ ૨૦૦૮માં અખબારોમાં ચમકેલા સચિત્ર અહેવાલો કંઈક જુદું જ કહેતા હતાં! એક એરક્રાફ્ટ તરફ તીર-કામઠા તાકીને ઉભેલા, પત્થરયુગના લડવૈયા જેવાં દેખાતા કેટલાંક આદિવાસી માનવોનો ફોટો દુનિયાભરના અગ્રગણ્ય સમાચારપત્રોમાં પ્રકાશિત થયો! આ ઘટના સિવાય પણ અનેક વખત વન-માનવો દેખાયા હોય એવા પ્રસંગો નોધાયા છે.

Members of an unknown Amazon Basin tribe and their dwellings

આમ, ‘લોસ્ટ ટ્રાઈબ’ તરીકે ઓળખાતી આદિજાતિઓ કોઈક અગમ્ય રીતેપોતાનું અસ્તિત્વ ટકાવી રાખવામાં સફળ નીવડી છે. વળી સભ્ય માનવ સમાજોની સરખામણીએ આ પ્રજાતિઓમાં રોગચાળો ફાટી નીકળવાની શક્યતા પણ સાવ નહિવત હોવી જોઈએ. કેટલાક લોકો માને છે કે ઉત્ક્રાંતિના કોઈ એક તબક્કે કેટલાક માનવ-પૂર્વજો જરા જુદા પડી ગયા હશે, જે આજે ‘લોસ્ટ ટ્રાઈબ્સ’ સ્વરૂપે દેખાય છે. આ પૂર્વજોની ઉત્ક્રાંતિ કોઈ એક પગથિયે અટકી પડી હશે. પરંતુ મોટા ભાગના નૃવંશશાસ્ત્રીઓ આ સાથે સહમત નથી, કારણકે લોસ્ટ ટ્રાઈબ્સના આદિવાસીઓના શારીરિક બંધારણમાં કંઈ એવો મોટો ફરક નથી.

વળી નૃવંશશાસ્ત્રીઓ દ્રઢપણે માને છે કે આ આદિવાસીઓ ઉપર પણ રોગચાળાની અસર થતી જ હશે, પરંતુ દુરના ટાપુઓ પર કે દુર્ગમ જંગલોમાં રહેવાને કારણે બહારની દુનિયાના વિષાણુઓ-પ્રદૂષણ વગેરેથી તેઓ બચી જતા હશે. જો એમણે ગામ-શહેરોમાં લાવવામાં આવે, તો યોગ્ય ઇમ્યુનીટીના અભાવે આ આદિવાસીઓનો જીવ ચોક્કસપણે જોખમમાં મૂકાય! નૃવંશ વિજ્ઞાનીઓના કેટલાંક તારણો ખરેખર ચોંકાવનારા છે. તેમના મુજબ, ઇસ ૧૫૦૦ સુધી, અંદાજે પચાસ લાખ લોકો એમેઝોનના દુર્ગમ વર્ષાવનોમાં રહેતા હતા. વિષમતાઓને પરિણામે તેમની વસ્તી ઘટીને ઇસ ૧૯૦૦ સુધીમાં આશરે દસેક લાખ જેટલી થઇ ગઈ, અને વીસમી દરમિયાન વાતાવરણમાં આવેલા અનેક પલટાઓ અને કુદરતી સંપદાઓ પર ‘કહેવાતા સુધરેલા’ માણસોના આક્રમણને પ્રતાપે આ સંખ્યા ઘટીને ઇસ ૧૯૮૦ સુધીમાં માત્ર બે લાખ થઇ ગઈ!


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.


પ્રકાશકની પાદ નોંધ

૧.’સેન્ટીનલીઝ’ પ્રજાતિની તસવીર ‘રીયલ ઈન્ડિયા’માં પ્રકાશિત લેખ The Tribes of Andaman and Nicobar Islands..માંથી સાભાર લીધેલ છે.

૨. Members of an unknown Amazon Basin tribe and their dwellings are seen during a flight over the Brazilian state of Acre along the border with Peru in May 2008 photo distributed by Survival International. (Reuters) | સૌજન્યઃ Last lost tribes of the Amazon fear being found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *