પરિસરનો પડકાર ૧૭ ::: “ભારત સરકાર દ્વારા વન્યપ્રાણી સંરક્ષણ માટે કરવામાં આવેલી પહેલ”

Facebooktwitterredditpinterestlinkedinmail

ચંદ્રશેખર પંડ્યા.

અગાઉના લેખોમાં આપણે વન્યપ્રાણી સંરક્ષણની જરૂરિયાત વિષે માહિતગાર થયાં. કુદરત દ્વારા જે સજીવોનું નિર્માણ થયું છે તેમના, માનવી સાથે સહઅસ્તિત્વનો સ્વીકાર કરવો જ રહ્યો. સુક્ષ્મથી લઈને અતિ વિશાળ પ્રાણીઓ, પક્ષીઓ, તમામ વનસ્પતિ, દરિયાઈ જીવો અને માનવ, આ સઘળાં એકબીજા સાથે સંકુલ પ્રકારના તાણાવાણાથી સંકળાએલા છે અને એક અતિ નાજુક અને મહત્વપૂર્ણ સંતુલન ધરાવે છે. આ ઉપરાંત, સજીવોની આસપાસ રહેલા પર્યાવરણીય ઘટકો પણ એટલા જ મહત્વના છે. તમામ સજીવો તેમની ચારે તરફ રહેલા પર્યાવરણીય ઘટકો સાથે સતત ક્રિયા-પ્રતિક્રિયા કરતાં જ રહે છે. આ વિરલ પ્રકારના સંતુલનમાં નજીવો ફેરફાર પણ જો થાય તો તેની અસરો તાત્કાલિક જણાતી નથી પરંતુ લાંબે ગાળે અત્યંત માઠી અસરો થતી હોય છે. કુદરતી આફતો અને તેના કારણે થતો મહા વિનાશ, માનવ સર્જિત હોવાનું સાબિત થઇ ચુક્યું છે.

તમામ રાષ્ટ્રોની સરકારો દ્વારા પયાવરણની જાળવણી માટે જરૂરી નીતિ ઘડવામાં આવી છે, કાયદાઓ બન્યા છે અને નિયમોના ઉલંઘન સંબંધિત કાયદાકીય કાર્યવાહી અને સજા આપવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. ભારતના બંધારણમાં નાગરિકોની મૂળ ફરજોમાં પણ જોગવાઈ કરવામાં આવી છે કે જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુપક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનુ જતન કરવું, તેની સુધારણા કરવી અને જીવો પ્રત્યે અનુકંપા રાખવી”

ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય (Ministry of Environment, Forests & Climate Change)દ્વારા ભારતના મહામુલા વન્યજીવ રૂપી સંસ્કૃતિક વારસાનું જતન કરવા માટે કેટલીક પહેલ કરવામાં આવી છે જે હાલ કાર્યરત છે. પ્રસ્તુત બાબતે માહિતગાર થઈએ.

ભારત, વિશ્વમાં આવેલા ૧૭ વિશાળ જૈવિક વિવિધતા ધરાવતા રાષ્ટ્રોમાં સ્થાન ધરાવે છે. કુલ સસ્તન પ્રાણીઓની ૭.૬%, પક્ષીઓની ૧૨.૬%, સરીસૃપોની ૬.૨% અને પુષ્પો ધરાવતી વનસ્પતિના ૬.૦% સંખ્યા ભારતમાં થાય છે. પૃથ્વી પર આવેલાં ૩૫ અદ્વિતીય પ્રદેશો પૈકી ૪ ભારતમાં આવેલાં છે જેવાં કે પશ્ચિમ ઘાટ, પૂર્વીય હિમાલય, ઇન્ડો-બર્મા અને નિકોબારના ટાપુઓ. અત્યાર સુધીમાં પ્રાણીઓ અને વનસ્પતિ રૂપી ભારતની જૈવિક વિવિધતા ૧૨૦ કરતા પણ વધારે રાષ્ટ્રીય ઉદ્યાનો, ૫૧૫ વન્યપ્રાણી અભયારણ્ય, ૨૬ જળપ્લાવિત વિસ્તારો અને ૧૮ ‘બાયો-રીઝર્વઝ’ (જે પૈકી ૧૦ નો સમાવેશ વિશ્વના ‘બાયોસ્ફીયર રીઝર્વ્સ નેટવર્ક’ માં કરવામાં આવ્યો છે)માં થયો છે. આવા વિશાળ વિસ્તારોની જાળવણી કરવી તે દેખીતું છે અને વન્યપ્રાણીઓનું સંરક્ષણ અનિવાર્ય બને છે.

માનવી દ્વારા અતિક્રમણ થવાના પરિણામસ્વરૂપ વન્યપ્રાણીઓના સંરક્ષણ સંબંધિત ભારત સરકારે કેટલીક અસરકારક પહેલ કરી છે જે પૈકી સન ૧૯૭૨ માં ઘડવામાં આવેલ વન્યપ્રાણી સંરક્ષાણ ધારો મુખ્ય કહી શકાય. આ ધારાની જોગવાઈઓ, વિરલ અને વિનાશને આરે પહોંચેલી વન્યજીવોની પ્રજાતિઓ અને તેના અવયવોના વ્યાવસાયિક ઉપયોગ પર રોક લગાવે છે. જોકે પ્રસ્તુત કાયદાનું અમલીકરણ એ એકમાત્ર પ્રશંસનીય પગલું નથી. અન્ય પણ ઘણી યોજનાઓ બનાવવામાં આવી છે જેનો અમલ આપણા રાષ્ટ્રની વન અને વન્યજીવ સંપદાની જાળવણી કરી રહી છે. એક નજર આવી પહેલ પર નાખીએ.

વન્યજીવ સંરક્ષણ માટે ભારત સરકારની કેટલીક અગત્યની પરિયોજનાઓ:

પ્રોજેક્ટ ટાઈગર:

વન્યજીવ સંરક્ષણની અત્યંત સફળ યોજનાઓ પૈકીની એક છે પ્રોજેક્ટ ટાઈગર. સન ૧૯૭૨ માં શરુ કરવામાં આવેલી આ યોજનાના પરિણામે માત્ર વાઘની સંખ્યામાં જ વધારો થયો છે તેવું નથી પરંતુ જે વિસ્તારોમાં આ યોજના ચાલી રહી છે તે વિસ્તારોના સમગ્ર પરિસરતંત્રમાં પણ આશાજનક સુધારો જોવા મળ્યો છે.

આ યોજના ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા પુરસ્કૃત કરવામાં આવી રહી છે. વાઘની વસતી ધરાવતા ભારતના ૧૭ કરતા પણ વધારે પ્રદેશોના ૪૭ ટાઈગર રીઝર્વ્સ (જેમાં કોર્બેટ, રણથંભોર, કાન્હા, સુંદરવન જેવા નેશનલ પાર્કનો સમાવેશ થાય છે) માં વાઘની સંખ્યા, તેઓનું નિવાસસ્થાન, શિકાર કરવાની પ્રક્રિયા વિગેરે માપદંડોનું મૂલ્યાંકન ‘ટાઈગર ટાસ્કફોર્સ’ ના સુપરવિઝન હેઠળ સતત કરવામાં આવે છે. પ્રસ્તુત યોજનાના પરિણામ સ્વરૂપે વાઘના કથળતા જતા નિવાસસ્થાનોના પુન:સ્થાપનમાં સફળતા તેમ જ વાઘની વસ્તીમાં વધારો જોવામાં આવ્યો છે. સન ૧૯૭૨ માં આવા ૯ રીઝર્વ્સમાં માત્ર ૨૬૮ વાઘ બચ્યા હતા જે ૨૦૦૬ માં ૧૦૦૦ થી વધારે અને ૨૦૧૬ માં ૨૦૦૦ થી વધારે સંખ્યા થઇ છે.

પ્રોજેક્ટ એલીફન્ટ:

સન ૧૯૯૨ માં શરુ કરવામાં આવેલી આ યોજનાનું લક્ષ્ય ભારતના જંગલોમાં વસતા હાથીઓનું સંરક્ષણ કરવાનું રહ્યું છે. હાથીઓની સંખ્યા ઉપરાંત જે તે જંગલની પર્યાવરણ પ્રણાલીને જાળવવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે. હાથી એક ગતિશીલ પ્રાણી છે અને પોતાના જીવનકાળ દરમ્યાન ટોળામાં એક સ્થળેથી અન્યત્ર સતત આવ-જા કરે છે. હાથીઓનું ટોળું તેના નિવાસસ્થાનથી ગંતવ્ય સ્થાન સુધી જે માર્ગે ચાલે છે તે માર્ગને ‘કોરીડોર’ કહેવામાં આવે છે. આ કારણથી હાથીઓના સંરક્ષણ માટે લેવામાં આવતા પગલાઓમાં આવા કોરિડોરના વૈજ્ઞાનિક ઢબે વ્યવસ્થાપનનો પણ સમાવેશ થતો હોય છે. આ પરિયોજનામાં પાળેલા હાથીઓના ક્ષેમકુશળ નિશ્ચિત કરવાનું પણ વિચારાયું છે.

માનવી અને હાથીઓ વચ્ચે થતા સંઘર્ષ જેવા મામલાઓ હળવા થાય તેવા પગલાં લેવામાં આવી રહ્યા છે તેમ જ શિકારીઓ વિરુધ્ધ ઉચિત કાર્યવાહી થઇ શકે અને હાથીઓનું અકુદરતી મૃત્યુ ન થાય તેવા પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે.

મગર સંરક્ષણ પ્રોજેક્ટ:

ભારત સરકારની વધુ એક સફળતાને વરેલી પરિયોજના. એક સમયે વિલોપન તરફ ઝડપભેર ગતી કરતું આ ભારતીય પ્રાણી મગર આજે સારી એવી સંખ્યામાં જોવા મળે છે. ખાસ કરીને વડોદરાવાસીઓને સુપેરે જાણ છે. મગર સંરક્ષણ યોજનાનો મુખ્ય હેતુ મગરોની સંખ્યામાં વધારો થાય તે રહ્યો છે જેને માટે આરક્ષિત વિસ્તારો જાહેર કરવા, તેમને પકડીને સંવર્ધન થાય તેવી અનુકુળતા કરવી અને ત્યારબાદ બચ્ચાંઓને પરત કુદરતી પાણીના સ્રોતમાં છોડી દેવા, વ્યવસ્થાપનમાં સુધારો લાવવો અને સ્થાનિક લોકોને યોજનામાં સામેલ કરી તેમની મગર પ્રત્યે સહાનુભુતિ જીતવી વિગેરે પગલાં લેવાયા છે. પ્રસ્તુત યોજનાના અમલીકરણથી ભારતમાં મળી આવતી ત્રણે ય પ્રકારની મગરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવામાં આવ્યો છે. ઘડિયાળ (એક પ્રકારની મગર)ની સંખ્યામાં ૪૦૦૦, મીઠા પાણીની મગરોની સંખ્યામાં ૧૮૦૦ અને ભાંભરા પાણીની મગરોની સંખ્યામાં ૧૫૦૦ વધારો કરવામાં આવ્યો.

ઘડિયાળ (Gavialis gangeticus )

સોલ્ટ વોટર મગર (Crocodylus porosus)

મીઠા પાણીની મગર (Crocodylus palustris)

યુએનડીપી સી ટરટલ પ્રોજેક્ટ: (યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ દરિયાઈ કાચબા પ્રોજેક્ટ):

દહેરાદૂન સ્થિત વાઈલ્ડલાઈફ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયા દ્વારા ઓલીવ રિડલી તરીકે ઓળખાતા દરિયાઈ કાચબાના સંરક્ષણ માટે આ પ્રોજેક્ટના અમલીકરણની શરુઆત નવેમ્બર ૧૯૯૯માં કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ કુલ ૧૦ કાંઠાળ રાજ્યોમાં શરુ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને ઓરિસા રાજ્યમાં આ કાચબા વધારે જોવામાં આવતા હોવાથી તેના પ્રજનન – વિસ્તારોને ઓળખવામાં તેમ જ કાચબાઓના સ્થળાંતર –માર્ગ વિષયક સારી એવી જાણકારી પ્રાપ્ત થઇ છે. આ પ્રોજેક્ટના અમલીકરણથી કાચબાઓનો મૃત્યુદર ખાળવા અંગેના માર્ગદર્શક સિદ્ધાંતો પ્રતિપાદિત થઇ શક્યા છે. આ ઉપરાંત કાચબાઓના દરિયાઈ માર્ગે થતા સ્થળાંતર વિષે ચોક્કસ માહિતી ‘સેટેલાઈટ-ટેલીમેટૃી’ પદ્ધતિ દ્વારા મેળવી શકાઈ છે જે એક બહુ અગત્યની સિદ્ધિ ગણવામાં આવે છે.

ઉપર્યુક્ત પરિયોજનાઓ ઉપરાંત ભારત સરકાર દ્વારા ‘વલ્ચર કન્ઝર્વેશન’ (ગીધ સંરક્ષણ) અને ‘ઇન્ડીયન રાઈનો વિઝન-૨૦૨૦’ (ભારતીય ગેંડાની પરિસ્થિતિ-૨૦૨૦) જેવાં પ્રોજેક્ટનો અમલ થઇ રહ્યો છે.


નોંધ: આ લેખનો ઉદેશ્ય માત્ર શિક્ષણ અને જાગૃતિ ફેલાવવાનો છે. કોઈ વ્યવસાયિક ઉદેશ્ય નથી.  || માહિતી અને ચિત્રો સૌજન્ય: ઈન્ટરનેટ


શ્રી ચંદ્રશેખર પંડ્યાનાં સંપર્કસૂત્રો:

ઈ-મેઇલ : chp4491@gmail.com

મોબાઈલ નંબર: +૯૧ ૯૮૨૫૦ ૩૦૬૯૮

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *