ફિર દેખો યારોં : ઉધર હૈ મૌત ખડી…

Facebooktwitterredditpinterestlinkedinmail

– બીરેન કોઠારી

અકસ્માત એટલે આકસ્મિક સંજોગો. તે આનંદદાયી પણ હોઈ શકે કે દુ:ખદાયી પણ હોઈ શકે. જો કે, મોટા ભાગના લોકોના મનમાં ‘અકસ્માત’નો અર્થ ‘અમંગળ બનાવ’ તરીકે સ્થાપિત થયેલો છે. ‘અકસ્માત’ કે ‘એક્સિડેન્‍ટ’ કહેતાં સૌથી પહેલો માર્ગ અકસ્માતનો વિચાર જ મનમાં આવે. તેની સરખામણીએ ઉદ્યોગોમાં અકસ્માત થાય એવા સંજોગો પૂરતા પ્રમાણમાં હોવા છતાં તેનું પ્રમાણ ઓછું હોય છે. આમ છતાં જ્યારે અકસ્માત થાય ત્યારે તે મોટેભાગે જીવલેણ નીવડતા હોય છે.

ગયા પખવાડીયે વડોદરાસ્થિત ‘રીલાયન્‍સ ઈન્ડસ્ટ્રીઝ લિ.’ના ‘પી.બી.આર.-ટુ’ પ્લાન્‍ટમાં આગ ફાટી નીકળી, જેમાં ત્રણ કર્મચારીઓએ જાન ગુમાવ્યા. એ જ સપ્તાહમાં જંબુસર તાલુકાના માસર રોડસ્થિત ‘ગ્લોબલ કંપની’માં ટાંકીમાં ઊતરેલા ચાર કર્મચારીઓ ગૂંગળાઈ મર્યા અને મોતને ભેટ્યા. આવા સમાચારો અખબારોમાં જે તે દિવસની હેડલાઈન બની રહે છે. હેડલાઈનની સાથોસાથ કર્મચારીઓમાં વ્યાપેલો ડર, પરિવારજનો દ્વારા વળતરની માંગ, કંપનીના સત્તાવાળાઓએ આપેલી બાંહેધરી, ઘટનાની તપાસનો વાયદો…વગેરે બાબતો પણ સમાચારમાં આવરી લેવામાં આવે છે, જે એક સાહજિક ક્રમ છે. કેમ કે, આ બાબતે શાં પગલાં લેવાયાં એ અંગે કોઈ સમાચાર ભાગ્યે જ જાણવા મળે છે. અને ફરી વાર બીજા કોઈ સ્થળે, ફરીથી દુર્ઘટના બને નહીં ત્યાં સુધી બધું રાબેતા મુજબ ચાલે છે.

આવા અકસ્માતો, અને તેની પાછળનાં કારણો બહુ સંકુલ હોય છે. પહેલી અને દેખીતી રીતે જણાય કે ઘણા બધા કિસ્સામાં કર્મચારીઓએ સલામતિનાં પૂરતાં પગલાં લીધાં નથી. આવા કિસ્સામાં મૃત કર્મચારીઓને દોષી ઠેરવી દેવા સહેલા હોય છે. કાબૂ બહારના સંજોગો થકી અકસ્માત થાય ત્યારે વાસ્તવિકતા ભાગ્યે જ જાણવા મળે છે. ઉદ્યોગો, તેની કાર્યપદ્ધતિ તેમ જ પ્રક્રિયા વિશે અન્ય લોકોને જાણકારી સાવ ઓછી હોવાથી આખા મામલાનું સરળીકરણ થઈ જાય છે.

ઉદ્યોગોમાં ‘આઈ.એસ.ઓ’ પ્રમાણપત્ર મેળવવાનું ચલણ વ્યાપક બન્યું છે. તેને કારણે કાગળ પર દરેક પ્રક્રિયા અંગેની એક નિર્ધારીત પદ્ધતિ બનાવવામાં આવી છે. તે સૂચવે છે કે એકે એક પગલાંનું નિયમાનુસાર પાલન કરવામાં આવે છે. એમ તો મોટા ભાગના ઉદ્યોગોમાં પ્રત્યેક પાળી (શિફ્ટ)ની નોંધ રાખવામાં આવે છે, જેમાં જે તે શિફ્ટના સુપરવાઈઝર વાંચીને સહી કરતા હોય છે. પણ આપણે ત્યાં ‘લખવું’ અને ‘કરવું’ વચ્ચેના તફાવતને સૌએ આબાદ પચાવેલો હોય છે. એ વાત અલગ છે કે અધિકૃત રીતે કોઈ ભાગ્યે જ એ સ્વીકારે. ઉદ્યોગોમાં જે પણ પ્રક્રિયા કે ઉપકરણો વપરાતાં હોય તેની સલામતિનાં ધારાધોરણોનું પાલન થાય એ આવશ્યક હોય છે. કર્મચારીઓ માટે પણ સલામતીનાં વ્યક્તિગત ઉપકરણોની જોગવાઈ હોવી જોઈએ. આ બધી ખર્ચાળ પ્રક્રિયા છે. આ ઉપકરણોની ખરીદી તથા દેખરેખ ખર્ચ તેમ જ સમય માંગી લે છે. સાવ સાદા ઉદાહરણથી આ સમજીએ. આગ બુઝાવવા માટેનું અગ્નિશામક પ્રત્યેક સ્થળે અનિવાર્ય છે. ઉદ્યોગોમાં તે અનેક પ્રકારનાં હોય છે, જેમાંનું એક છે ‘ડી.સી.પી.’ એટલે કે ડ્રાય કેમિકલ પાઉડર. આમાં વચ્ચોવચ મૂકાયેલી અંગારવાયુની કાર્ટ્રિજની આસપાસ સૂકો પાઉડર ઠાંસોઠાંસ ભરવામાં આવે છે. આગના સંજોગોમાં આ કાર્ટ્રિજને પછાડીને તોડતાં તેમાં રહેલો અંગારવાયુ રાસાયણિક પાઉડરમાં દબાણભેર પ્રવેશે છે અને નળીમાંથી તેને આગ પર છાંટવામાં આવે છે. આ અગ્નિશામકો ઉદ્યોગોમાં મૂકી દેવામાં આવે છે. તેની નિયમીત ધોરણે, સમયાંતરે ચકાસણી કરતા રહેવી અનિવાર્ય છે. એમ ન થાય તો આગના બનાવ વખતે તે હાથવગા હોવા છતાં કશા કામના ન રહે. આ એક અતિ સામાન્ય ઉદાહરણ છે. આ રીતે એકે એક ઉપકરણ માટે થવું જોઈએ, એ થયું હોય તેની નોંધ હોવી જોઈએ.

ઉદ્યોગોમાં સૌથી મોટું દબાણ સમયમર્યાદા અને ઉત્પાદનક્ષમતાને જાળવી રાખવાનું હોય છે. મોટા ભાગનાં ઉપકરણો તેની નિર્ધારીત ક્ષમતા કરતાં વધુ બોજો વહન કરતા હોય છે. આમ કરવામાં જોખમનો પૂરેપૂરો ખ્યાલ હોવા છતાં સલામતિનાં પગલાંને અવગણવામાં આવે છે. બધું સમુંસૂતરું પાર ઉતરે ત્યાં સુધી વાંધો નથી આવતો. તેને કારણે અતિવિશ્વાસ પણ પેદા થઈ જાય છે. અકસ્માત સર્જાવા માટેનું આ આદર્શ મિશ્રણ છે.

સવાલ એ છે કે આવી પરિસ્થિતિ માટે જવાબદાર કોણ? આનો સીધોસાદો જવાબ આપવો મુશ્કેલ છે. આ લખનારે બે દાયકા સુધી પેટ્રોરસાયણ ઉદ્યોગમાં કામ કર્યું હોવાથી આવી અનેક પરિસ્થિતિઓના સાક્ષી બનવાનું થયું છે. એના આધારે સમજાય છે કે કર્મચારીઓ પાસે ભાગ્યે જ કોઈ વિકલ્પ હોય છે. તેમના દ્વારા બિનસલામત પદ્ધતિ અપનાવીને કામ કરવાનો ઈન્‍કાર થાય તો પગલાંનો ભોગ બનવા સુધીની તૈયારી રાખવી પડે છે. અધિકારીઓ પર ‘ઉપરથી’ ભયાનક દબાણ હોય છે, કેમ કે ‘ઉપર’ રહેલાઓને માત્ર ને માત્ર ઉત્પાદનના આંકડામાં જ રસ હોય છે. આમ છતાં, ઉદ્યોગોના કાયમી કર્મચારીઓને યુનિયનનું રક્ષણ હોવાથી તેઓ ઈન્કાર કરી શકે છે. હવે મોટા ભાગના ઉદ્યોગોમાં વિવિધ કામોનો કોન્ટ્રાક્ટ આપી દેવાય છે. આથી કંપનીની કોઈ જવાબદારી રહેતી નથી. દોષનો બધો ટોપલો કોન્‍ટ્રાક્ટરના માથે ઢોળી દેવામાં આવે છે. એક જ ઉદ્યોગમાં એકના એક હંગામી કર્મચારીઓ અલગ અલગ કોન્‍ટ્રાક્ટરના નેજા તળે વરસો સુધી કાર્યરત રહે એ સ્થિતિ સામાન્ય છે. તેમની સ્થિતિમાં ભાગ્યે જ કશો ફરક પડતો હોય છે, અને મામૂલી વેતને જાનનું જોખમ વહોરીને તેમણે કામ કરવું પડે છે. ઉદ્યોગોમાં થતા અકસ્માતોમાં જાનહાનિ થાય ત્યારે મોટે ભાગે હંગામી કર્મચારીઓ જ તેનો ભોગ બનતા હોય છે. આ આખું વિષચક્ર છે. આનો અર્થ એમ નથી કે તેને અટકાવી ન શકાય. એ માટે નિયત હોવી જરૂરી છે. નિયત કોઈ એક પક્ષે નહીં, પણ તમામ પક્ષે જરૂરી છે. નિયત ન હોય તો કડકમાં કડક કાનૂનમાં પણ છીંડા નીકળતા રહેશે. દરેક વખતે કામદારના મોત સાથે એની એ વાતોનો ઊભરો આવશે અને પછી શમી જશે.


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૬-૧૨-૨૦૧૮ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *