ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ર : આઝાદી માટેનો સંઘર્ષ પ્રકરણ: ૧૧ ક્ચ્છના રાવ ભારમલજી બીજાનો કંપની સામે વિદ્રોહ (૨)

Facebooktwitterredditpinterestlinkedinmail

દીપક ધોળકિયા

૧૯મી સદીનાં પહેલાં દસ વર્ષ દરમિયાન બહારવટિયાઓ વાગડમાંથી જઈને કાઠિયાવાડમાં ધાડ માર્યા કરતા. આ એક માથાનો દુખાવો હતો. અધૂરામાં પૂરું, માંડવી જેવા ધીકતા અને સમૃદ્ધ બંદરેથી ચાંચિયાઓ પણ લૂંટફાટ માટે નીકળી પડતા. કંપનીનાં જહાજો વેપાર માટે આવતાં પણ લુંટાઈને પાછાં જતાં. આ સમસ્યા તો હતી જ, પણ કચ્છ અને નવાનગર વચ્ચે પણ અણબનાવ હતો અને જમાદાર ફતેહ મહંમદના સમયમાં ક્ચ્છે નવાનગર પર ખંડણી વસૂલ કરવા માટે ચડાઈ પણ કરી હતી.

ઈસ્ટ ઇંડિયા કંપની માટે આ બન્ને બિનસત્તાવાર અ્ને સત્તાવાર હુમલા હતા. બહારવટિયા તો કાઠિયાવાડમાં પણ હતા, પરંતુ કંપની એમની સામે પગલાં લઈ શકતી હતી. કચ્છ એના અધિકારની બહાર હતું. એ જાણે ઓછું પડતું હોય તેમ માંડવીવાળાઓએ વેપારી જહાજો પર આકરો કસ્ટમ વેરો લાગુ કરી દીધો હતો. કંપનીનો વેપાર આમ મોંઘો થવા લાગ્યો હતો.

એક બીજું કારણ પણ હતું, જેને સીધી રીતે કચ્છ સાથે લેવાદેવા નહોતી. ઇંગ્લૅંડ નૅપોલિયન સામે જંગમાં ઊતાર્યું હતું. આ બાજુ હિન્દુસ્તાનમાં ફ્રાન્સની ઈસ્ટ ઇંડિયા કંપનીનો પ્રભાવ લગભગ ધોવાઈ ગયો હતો પણ હજી એના અવશેષો બાકી હતા અને ફ્રેન્ચ કંપની હજી પણ અંગ્રેજી ઈસ્ટ ઇંડિયા કંપનીને પછાડવા માટે સતત મથતી રહેતી. હવે જે રાજ્યો અંગ્રેજોના પ્રભાવમાં ન હોય ત્યાં ફ્રેન્ચો ઘૂસવાની કોશિશ કરતા હતા. આમ ઈસ્ટ ઇંડિયા કંપનીની નજરે કચ્છમાં એની સ્થિતિ મજબૂત બનાવવાની જરૂર હતી. ફ્રેન્ચ અને અમેરિકન નાગરિકો જ્યાં હોય ત્યાંથી હાંકી કાઢવા એ કંપનીની નીતિની ધ્રુવપંક્તિ હતી.

કંપનીએ આ નીતિ અનુસાર સિંધના અમીરો સાથે સંધિ કરી લીધી હતી, જો કે અમીરો તો તે પછી પણ કંપની તારફ અવિશ્વાસની નજરે જ જોતા હતા. હવે એવી જ સંધિ કચ્છ સાથે પણ કરવાનું કંપનીએ નક્કી કર્યું. આ હેતુથી એણે કેપ્ટન સેટનને કચ્છ મોકલ્યો. સેટને કચ્છના જાડેજાઓમાં છોકરીઓને દૂધપીતી કરવાનો રિવાજ જોયો. કાઠિયાવાડમાં એમને આ પ્રથા બંધ કરાવવામાં સફળતા મળી હતી. એમણે ફતેહ મહંમદને આ પ્રથા બંધ કરાવવા લખ્યું પણ એ વખતી ફતેહ મહંમદ રાજકીય ઘેરામાં હતો એટલે એ ભાયાતોને નારાજ કરવા તૈયાર નહોતો. ફતેહ મહંમદના જૂના સાથીઓ સાથે હવે એને વેર બંધાયું હતું અને ભાઈજી બાવા પાણ ઉંમરલાયક થતાં દીવાન જમાદારની સત્તાને અંકુશમાં લેવા તલપાપાડ હતા. આ સંજોગોમાં કંપનીની અપીલ કાને ધરવા એ તૈયાર નહોતો.

રાવ રાયધણ જ હજી તો સત્તાવાર રાજા હતો પણ એના વતી વાત કોણ કરે? કર્નલ વૉકરે આથી જમાદાર અને દીવાન હંસરાજ, બન્નેને મળવાનું નક્કી કર્યું. છોકરીઓને દૂધપીતી કરવાના રિવાજને નામે અંગ્રેજો કોઈ પણ રીતે કચ્છમાં ઘૂસવા માગતા હતા. મૂલ હેતુ તો કચ્છને કાઠિયાવાડમાં હુમલા કરતાં રોકવા અને બહારવટાં અને ચાંચિયાગીરી રોકવાનો હતો. ફતેહ મહંમદ કરતાં દીવાન હંસરાજ અંગ્રેજો સાથે સંબંધો વધારવા વધારે આતુર હતો.

૧૮૦૯ની ૧૨મી નવેમ્બરે એણે માંડવીના રક્ષણની જવાબદારી કંપનીને સોંપી. કંપનીનો રેસિડન્ટ એજન્ટ ચાળીસ માણસો સાથે માંડવીમાં આવીને વસ્યો. હંસરાજે માંડવી અને એના તાબાના વિસ્તારોના રક્ષણ માટે કંપનીની બે બટાલિયનોની મદદ પણ માગી, અને કંપની આવી માંગ બહુ ઉદારતાથી સંતોષી! હંસરાજે ફતેહ મહંમદ સાથે પણ આવી જ વ્યવસ્થા ગોઠવવાની કંપનીને ખાતરી આપી. જો કે આ સંધિનો અમલ ન થઈ શક્યો કારણ કે સંધિ પછી થોડા જ વખતમાં હંસરાજનું અવસાન થયું અને એના ભાઈ કે દીકરાએ એના પર અમલ ન કર્યો. ફતેહ મહંમદે પણ સંધિની પરવા ન કરી. એણે રાધનપુર પાસેનું એક સમૃદ્ધ ગામ લૂંટ્યું અને નવાનગર પર આક્રમણ કરવા આગળ વધ્યો. પરંતુ એણે હુમલો કરવાનું માંડી વાળ્યું કારણ કે કંપનીના નજીકના એક કચ્છીએ એને જાણ કરી દીધી કે કર્નલ વૉકર એના પર હુમલો કરવા લશ્કર સાથે નીકળી પડ્યો છે.

આ ક્ચ્છી એટલે સુંદરજી સોદાગર. બહુ ગરીબાઈમાં બાળપણ વિતાવ્યા પછી સુંદરજી ઘોડાના વેપારમાં બહુ આગળ વધ્યો. સંજોગો એવા બન્યા કે બે અંગ્રેજ વેપારીઓ કચ્છમાં વેપાર માટે આવ્યા. રાજ્યે એમને પકડી લીધા. સુંદરજીને લાગ્યું કે વેપારીઓનો ઇરાદો ખરાબ નહોતો એટલે એણે પોતાની વગ વાપરીને એમને છોડાવ્યા. વેપારીઓ આભારવશ હતા, એમણે કંપનીના લશ્કરી અધિકારીઓ સાથે સુંદરજીનો મેળાપ કરાવી દીધો. કંપનીને એના ઘોડા અને વ્યવહાર પસંદ આવતાં એની પાસેથી ઘણા ઘોડા ખરીદ્‍યા અને કાઠિયાવાડમાં એને એજન્ટ તરીકે નીમ્યો. આટલા આગળ વધ્યા પછી પણ સુંદરજી માદરે વતન કચ્છને કદી ન ભૂલ્યો.

સુંદરજીની ચેતવણીની ફતેહ મહંમદ પર અસર થઈ અને એણે નવાનગર પર આક્રમણ તો ન કર્યું પણ વાગડના બહારવટિયાઓને પણ ન રોક્યા. કંપનીએ એને કહ્યું તો જમાદારનો જવાબ હતો કે કચ્છ બહાર સાંતલપુર પાસે કચ્છનું થાણું બનાવીએ તો જ એમને રોકી શકાય. કંપનીને એ મંજૂર નહોતું કે જમાદાર કચ્છ બહાર પોતાના પગ પસારે. કંપનીએ એને સાંતલપુર છોડી દેવા માટે ૧૮૦૯ની સંધિની યાદ આપી પણ ફતેહ મહંમદે કહી દીધું કે એની સાથે એને કંઈ લેવાદેવા નથી.

હવે કંપની થાકી હતી. ૧૮૧૨માં એણે લેફ્ટેનન્ટ મૅક્મર્ડો (જેને પછી કેપ્ટન તરીકે પ્રમોશન મળ્યું)ને કચ્છ મોકલ્યો. એ માંડવીમાં આવીને રહ્યો. જો કે લોકવાયકા પ્રમાણે એ એનાથી પહેલાં જ અંજારમાં બાવાના વેશમાં રહેતો હતો અને કચ્છી પણ શીખી ગયો હતો. પરંતુ એની ગોરી ચામડી છુપાવી ન શકે અને એ કચ્છી બોલે તો પણ અસલ કચ્છી નથી એ પણ સમજાઈ જાય. એટલે આ માત્ર લોકવાયકા હોઈ શકે, પરંતુ લોકોની ઇતિહાસને જોવાની નજર જુદી હોય છે એટલે આપણે એ સાચું છે કે ખોટું, એની પંચાતમાં નહીં પડીએ.

કચ્છીઓને એ બરાબર સમજ્યો અને હંસરાજના પુત્ર શિવરાજને સંધિનું પાલન કરવા સમજાવવાની મહેનત કરતો રહ્યો. બીજી બાજુ, ફતેહ મહંમદ તો એને કોઠું આપવા પણ તૈયાર નહોતો. ઉલ્ટું, કાઠિયાવાડમાં એક બ્રિટિશ ઑફિસરનું ખૂન કરીને આવેલા એક સિંધીને એણે આશરો આપ્યો! હવે કંપની છંછેડાઈને જમાદારને પત્ર લખ્યો અને ધમકી આપી કે જો એ ૧૮૦૯ની સંધિ લાગુ કરવાનાં પગલાં નહીં લે તો કંપની બળ વાપરીને એનો અમલ કરાવશે.

જમાદાર આ પત્રનો જવાબ આપે તે પહેલાં એ અરસામાં ફેલાયેલા પ્લેગમાં એનું મૃત્યુ થઈ ગયું. ઑગસ્ટ ૧૮૧૩માં જમાદારનું મૃત્યુ થયું. અને ઑક્ટોબરમાં રાવ રાયધણનું મૃત્યુ થઈ ગયું. એના પછી કેટલીયે રાજખટપટો પછી રાવ રાયધણનો પુત્ર માનસિંહ ‘ભારામલજી બીજા’ નામ ધારણ કરીને ગાદીએ બેઠો. આગળ હવે પછી આપણે જોઈશું કે જમાદાર ફતેહ મહંમદને કંપનીએ પત્ર લખ્યો હતો તેનું એના અવસાન પછી શું થયું અને ઘટનાઓ અંગ્રેજોની દિશામાં કેમ આગળ વધી.


સંદર્ભઃ The Black Hills by Rushbrook Williams, 1958 (ઇંટરનેટ પર ઉપલબ્ધ)


શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો

ઈમેલઃ dipak.dholakia@gamil.com

બ્લૉગઃ મારી બારી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *