લે ગઈ દિલ, સફર જાપાનકી : ૮. ક્યોટો: સુવર્ણ મંદિર, ફૂશીમી, ગીઓન અને ગેઈશા

Facebooktwitterredditpinterestlinkedinmail

૦૩/૦૪/૨૦૧૮

દર્શા કિકાણી

સવારે હું ઊઠી ત્યાં તો રાજેશે કૉફી બનાવી દીધી હતી અને એની મનમોહક સોડમ આવી રહી હતી. બારીમાંથી ઊગતા સૂર્યનું અને વહેલી સવારનું સ્વાગત કરતાં કરતાં અમે દિવસની શુભ શરૂઆત કરી. આજે તો ક્યોટો જવાનું હતું. હોન્શું ટાપુના મધ્ય ભાગમાં આવેલ ક્યોટો શહેર જાપાનની જૂની રાજધાનીનું શહેર છે. ભવ્ય બુદ્ધ મંદિરો, બગીચાઓ, શ્રાઈન અને લાકડાનાં, ઢળતાં છાપરાવાળાં નાનકડાં મકાનો માટે જાણીતું છે. વળી ગીઓન અને ગેઈશા જેવી જૂની પરંપરા પણ અહીં સચવાયેલી છે. સફર અંત તરફ આગળ વધી રહી છે, નવાં મિત્રોનો સાથ હવે પૂરો થવાનો છે અને પાછાં રોજના રૂટીનમાં ગોઠવાઈ જવાનાં છીએ એ વિચાર જ ગમતો ન હતો. અમે ૧૧મા મળે હતાં અને બ્રેકફાસ્ટ માટે છેક નીચે જવાનું હતું. મોટા હોલમાં મોટા ટેબલો પર નાસ્તાની અસંખ્ય વાનગીઓ પીરસેલી હતી. હું તો આમ પણ નાસ્તો થોડો જ કરું એટલે જ્યુસ, ફળો અને કૉફીમાં મારું કામ નીકળી જાય અને જે બધું અહીં સહેલાઈથી ઉપલબ્ધ હોય. સમય થતાં બધાં બસમાં ગોઠવાઈ ગયાં.

ચોખ્ખા મોટા રસ્તાઓ અને બંને બાજુએ આવેલ લાકડાનાં, ઢળતાંછાપરાંવાળાં નાનકડાં મકાનો ધ્યાન ખેંચી લે તેવાં છે. ક્યોટો શહેર મોટું છે અને ભીડ ઘણી છે. પાર્કિંગની વ્યવસ્થા પણ જોવાલાયક સ્થળથી દૂર છે. બસમાંથી ઊતરી લગભગ દોઢ કિ.મિ. દૂર આવેલ બામ્બુગૃવની મુલાકાતે અમે ગયાં. વાંસનાં ઝાડનું વિશાળ હરિયાળું મનોહર જંગલ હતું. રસ્તામાં માણસથી માણસ અથડાય એટલી બધી ભીડ હતી. અમે બધાં છૂટાં પડી ગયાં. મેઈન રોડથી નાની ગલીમાં વળવાનું હતું. માંડ ૨૦૦ મિટર ચાલ્યાં હોઈશું ત્યાં એક સુંદર જાપાની ગુડિયા (ગેઈશા) લોકોનું આકર્ષણ બની ઊભી હતી. લોકો ફોટા પડાવતા હતા. અમે પણ એમની સાથે ફોટા પડાવ્યા. નજીકમાં જ એક ભાઈ લોખંડની કડાઈ જેવું જૂનું જાપાનીસ વાજિંત્ર વગાડતા હતા. અમારા સહયાત્રી ઈરાએ તેની સાથે જુગલબંધી કરી ભારતીય શાસ્ત્રીય સંગીત પર આધારિત ગીત ગાઈ સૌને ખુશ ખુશ કરી દીધાં.

હજી આગળ ચાલી આરાશીયામાં નામના બામ્બુના વનમાં ગયાં. બામ્બુ કે વાંસના હજારો વૃક્ષો હતાં. પરંતુ, જે પ્રમાણે ભીડ હતી તે પ્રમાણે નવીનતા ન હતી! ત્યાંથી પાછાં બસ સુધી જતાં વચ્ચે રસ્તામાં એક ઝેન મંદિર બહારથી જ જોયું. રસ્તા પર નાની-મોટી ખરીદી માટેની અસંખ્ય દુકાનો હતી તેમાં જોતાં જોતાં અને વિન્ડો શોપિંગ કરતાં કરતાં પાછાં બસ સુધી પહોંચ્યાં.

આપણા અમૃતસરના સુવર્ણ મંદિર જેવું જ અહીંનું કિંકાકુ-જી સુવર્ણ મંદિર છે. તે ગોલ્ડન પેવેલિયન તરીકે પણ ઓળખાય છે. અને તે એક UNESCO world heritage site પણ છે. લાકડાના મંદિરનું સ્ટ્રક્ચર સોનાના પતરાથી મઢી લીધું છે. આ ઝેન મંદિર તો ઘણાં વખતથી બંધ છે પણ આજુબાજુ પાણીનું સુંદર અને સૌમ્ય સરોવર બનાવ્યું છે અને સરોવરમાં સોનેરી મંદિરનું પ્રતિબિંબ નખશીખ દેખાય છે જેને લીધે આખો માહોલ બહુ રોમાંચિત બન્યો છે. આસપાસ આવેલ સુંદર વૃક્ષો, મૂર્તિઓ, પથ્થરો અને નાનીનાની દેરીઓ વાતાવરણમાં ઉત્તેજનાનો ઉમેરો કરે છે. જાપાનનું આ સૌથી વધુ લોકપ્રિય સ્થળ છે અને દેશ-વિદેશનાં લાખો યાત્રીઓ આ સ્થળની મુલાકાત લે છે. ત્યાંની સુંદરતા અને શીતળતા અનુભવતાં ખરેખર થાય કે સ્વર્ગની જો કોઈ વ્યાખ્યા હોય તો તે આનાથી જુદી હોઈ શકે ?

‘ગણેશા’ નામની નાની પણ સારી રેસ્ટોરાંમાં જમ્યાં. ‘ગણેશા’ રેસ્ટોરાં પોરબંદરથી આવેલ શ્રી રમેશભાઈ રાઠોડ ચલાવે છે. ૨૦-૨૨ વર્ષ પહેલાં ધંધો કરવા આવેલા રમેશભાઈ હવે તો અહીં જ સ્થાઈ થઈ ગયા છે. જાપાનીઝ મેડમ સાથે લગ્ન કર્યા છે અને ઘર-સંસાર જાપાનમાં જ વસાવી લીધો છે!

‘ગણેશા’માં જમી અમે ફિલોસોફર્સ પાથ પર ગયાં. હવે તો ચેરી-બ્લોસમનાં પુષ્પો જોઈને ધરાઈ ગયાં છીએ પણ દરેક સ્થળની સુંદરતા અલગ અલગ છે. ફિલોસોફર્સ પાથ પર પાણીના વહોળાની બંને બાજુ શકુરાનાં અસંખ્ય વૃક્ષો આવેલાં છે. ફૂલોથી લથબથ આ વૃક્ષો જોવા લોકોનાં ટોળેટોળાં ઊમટે છે. જો કે હવે આ ફૂલો ખરવાનો સમય થઈ ગયો છે અને પાંખડીઓ ધીમે ધીમે ખરવા લાગી છે. વહોળાના વહેતા પાણીમાં પાંખડીઓ પણ વહેતી જાય છે. રસ્તા પર ખૂબ ભીડ છે અને દુકાનો પણ યાત્રીઓથી ઊભરાય છે. દૂર રસ્તા પર દસેક વર્ષની એક સ્થાનિક દીકરી જાપાનના પરંપરાગત પોશાક કિમોનોમાં દેખાય છે. એની સાથે એની મમ્મી પણ કિમોનોમાં છે. અમે તેમને વિનંતી કરી તેમની સાથે ફોટો પડાવ્યો. દીકરી પહેલાં તો થોડી શરમાઈ પણ પછી ફોટો બતાવ્યો તો ખુશ ખુશ થઈ ગઈ! પાસેની ગલીમાં આવેલી દુકાનોમાંથી નાની મોટી ખરીદી પણ કરી.

બસમાં થોડું આગળ જઈ બસ પાર્ક કરી ત્યાંના ગીઓન નામના વિસ્તારમાં પગપાળા પ્રવાસ કર્યો. આ વિસ્તાર જૂના સમયની યાદગીરી માટે જૂની રીતે જ સાચવી રાખવામાં આવ્યો છે. યુદ્ધ સમયે જવાનોના મનોરંજન માટે થતાં નૃત્યો, ભોજન અને પીણાંની વ્યવસ્થા ત્યારના જ સ્વરૂપમાં હજી પણ અહીં સચવાયેલી છે. દોઢ-બે કિ.મિ. ચાલવાનું હતું. પથ્થર જડેલી જૂની પાતળી ગલીઓ અને હારબંધ જૂનાં મકાનો હતાં. અમે ધીમે ધીમે બધું જોતાં જોતાં ચાલતાં હતાં ત્યાં એક મોટી કારમાંથી એક સુંદર સ્ત્રી સોળે શણગાર સજી ઊતરી અને એની એક ઝલક જોઈ ન જોઈ ત્યાં તો નજીક જ આવેલ ઘરમાં તે જતી રહી. તે ગેઈશા હતી. કહેવાય છે કે જૂના સમયમાં જવાનોના મનોરંજન માટે ગેઈશા નૃત્યો કરતી અને ભાવતાં ભોજન જમાડતી. થોડું આગળ ચાલી એક આર્ટ ગેલેરીમાં અમે નૃત્યનો દસ-પંદર મિનિટનો પ્રોગ્રામ જોયો. આપણા કથક જેવો કથા પર આધારિત નૃત્યનો પ્રોગ્રામ હતો પણ કથાની ખબર પડી નહીં અને નૃત્યમાં કંઈ જમાવટ થઈ નહીં. વળી, મેઈન થિયેટર રેનોવેશનમાં છે એટલે કાર્યક્રમમાં બહુ મઝા આવી નહીં. અમે પાછાં બસ પર આવી ગયાં.

ક્યોટો બહુ સુંદર અને જોવાલાયક શહેર છે. એક જ દિવસમાં તેને ન્યાય આપવો એ બહુ અઘરું કામ છે. હવેનો અમારો મુકામ હતો ફૂશીમી ઈનારી-તાઈશા. વડોદરા નજીક આવેલ પાવાગઢની યાત્રાની યાદ અપાવે એવી ફૂશીમી ટેકરી પર આવેલ ખેતીવાડી અને વ્યાપારના દેવ ગણતા ઈનારી દેવની શ્રાઈન જવાનો લાહવો લેવા જેવો છે. જાપાન ખેતીપ્રધાન દેશમાંથી ઉદ્યોગપ્રધાન દેશ બન્યો પણ આ મંદિરોનો મહિમા તો વધતો જ ગયો છે. આખા પર્વત પર ફેલાયેલ નાનીમોટી અનેક દેરીઓ જોવા માટે બનાવેલ છે કેસરી કમાનો અથવા તોરી ગેટ્સ કે જે સેનબોન તોરી નામે ઓળખાય છે. કમાનોની આ હારમાળાથી સજાવેલ રસ્તા પર ચાલવાની બહુ મઝા આવે. આખા રસ્તા પર આશરે ૧૦,૦૦૦થી વધુ તોરી ગેટ્સ આવેલા છે. મોટા સંકુલના મંદિરો અને પ્રવેશ દ્વાર પર મોમાં ચાવીવાળા અને દાગીનાવાળા શિયાળનાં શિલ્પ બહુ રોચક છે! અમે પહેલી ટૂંકે પહોંચ્યાં ત્યાંતો અંધારું થવા લાગ્યું અને પાછાં વળવું પડ્યું. છેક ટોચ સુધી તો જવાયું નહીં પણ અડધી યાત્રા પણ બહુ મઝાની રહી! થોડાં મિત્રો આગળ નીકળી ગયાં હતાં અને તેમની સાથે કોમ્યુનીકેટ કરતાં ઘણો સમય નીકળી ગયો. છેવટે અડધા કલાકે તેઓ પાછાં આવ્યાં અને બધાં આનંદમાં આવી ગયાં.

ઝટપટ બસમાં બેસી ગયાં અને આજે પહેલી વાર બસમાં અંતાક્ષરી રમ્યાં. રાજેશ તો સરસ ગાય જ છે વળી એમનો અવાજ પણ મોટો છે અને ફિલ્મી ગીતો બહુ આવડે છે એટલે કોઈ પણ અંતાક્ષરી પ્રોગ્રામમાં એ તો હિટ જ હોય! સામી બાજુ ઈરા પણ ઊંચા ગજાના રેડિયો કલાકાર અને બહુ સરસ ગાય. વળી કેટલાંય છૂપાં રત્નો પણ જડ્યાં. મોરબી ગ્રુપે પણ સરસ સાથ પૂરાવ્યો. હિન્દી અને ગુજરાતી ગીતોની અંતાક્ષરીની રમઝટમાં બહુ મઝા આવી! જોતજોતામાં ‘જય ઓસાકા’ નામની રેસ્ટોરાં આગળ બસ આવી પહોંચી. અમે સરસ જમ્યાં. થાકીને લોથપોથ થઈ ગયાં હતાં એટલે હોટલ પર જઈ સૂઈ ગયાં.


સંપર્ક :  દર્શા કિકાણી :  ઈ –મેલ –  darsha.rajesh@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *