ચલો મનવા : ‘ધ ગ્રેટ રેલવે બાઝાર’ – પોલ થેરુ

Facebooktwitterredditpinterestlinkedinmail

– ભગવાન થાવરાણી

છેલ્લા થોડાક મહિનાથી  PAUL THEROUX ( પોલ થેરુ ) નું 1975 માં પ્રકાશિત થયેલું પુસ્તક THE GREAT RAILWAY BAZAAR વાંચું છું.

clip_image002 સામાન્ય સંજોગોમાં આટલા સમયમાં મેં આ કદના ત્રણેક પુસ્તકો વાંચી નાખ્યા હોત પણ આની વાત અલગ છે. આ એક અનોખી પ્રવાસગાથા છે. વિશ્વની બહેતરીન દસ પ્રવાસકથાઓમાં આની ગણતરી થાય છે. ઉચ્ચ કક્ષાની મદિરા પીવાની- પી જવાની ન હોય, એને હળવે-હળવે આરામથી  ‘સિપ’ કરવાની હોય. એવું આ પુસ્તકનું છે. મનગમતો સંગાથ હોય તો પગ આપમેળે ધીમા પડે કે  ‘ कहीं ख़त्म न हो ये हंसीं सफर ‘. આવા પુસ્તકો પતાવવાના ન હોય, ખરેખરી દિલકશ મુસાફરીની જેમ એ ચાલતા રહેવા જોઈએ.

નામ જ સૂચવે છે તેમ આ પુસ્તક ટ્રેનોની મુસાફરી વિશે છે. પ્રસ્તાવનાથી જ લેખક એમના ટ્રેનો વિશેના ગાંડપણની વાત આમ લખે છે. ‘ એવું ભાગ્યે જ બન્યું છે કે પસાર થતી ટ્રેનની સીટી સાંભળું અને મને એમ સવાર હોવાની તીવ્ર ઈચ્છા ન થઈ હોય ! ‘ આ લેખકને પ્રવાસનું ઘેલું છે અને રેલપ્રવાસની તો પરમ ઘેલચ્છા ! એ લખે છે, ‘ ટ્રેનના અલાયદા કોચમાં મુસાફરી કરવાનો રોમાંચ એની આત્યંતિક અંગતતામાં છે. જાણે કોઈ સુરક્ષિત કબાટ આગળ ગતિ કરતો હોય ! અને આ આગળ ધસતા શાયનકક્ષની નાટ્યાત્મકતામાં ઉમેરો કરે છે બારીમાંથી પસાર થતી દ્રશ્યાવલી, ટેકરીઓના ઢોળાવ, પહાડોનું વિસ્મય, ઓળંગાતા ઘાતવીય પૂલનો ધડધડાટ અને આછેરા પીળા પ્રકાશમાં ઊભેલા લોકોના ચહેરે ઝલકતો અવસાદ ! ‘

એ કહે છે કે રેલપ્રવાસમાં હવાઈ કે દરિયાઈ પ્રવાસનો વિકૃત ખાલીપો નથી. દરેક વળાંકે પસાર થતા દ્રશ્યોનું વૈવિધ્ય ટ્રેનપ્રવાસમાં જ સંભવે. ટ્રેન પોતે જ એક રહેઠાણ છે, ભોજનકક્ષ સહિતનું. એનાથી શ્રેષ્ઠ કશું નથી.

અને પ્રવાસ પણ કેવો ! લંડનથી ઓરિએન્ટ એક્સપ્રેસમાં નીકળી તુર્કી, ઈરાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ભારત, સિલોન, બર્મા, વિયેતનામ, મલાયેશિયા, સિંગાપોર, જાપાનની વિવિધ જાણી-અજાણી, ઐતિહાસિક ટ્રેનોમાં મહિનાઓનો પ્રવાસ ખેડયા- વેઠયા પછી છેલ્લે રશિયાની જગવિખ્યાત જગતની સૌથી લાંબી ટ્રેન  ‘ ટ્રાન્સ સાઈબીરિયન રેલવે દ્વારા પુન: લંડન વાપસી !

ચાર મહિનાની આ દીર્ઘ યાત્રા કેવળ પ્રવાસ- વર્ણન નથી, કે નથી પસાર થતા દ્રશ્યો-સ્થળો-શહેરો-દેશો વિશે માહિતી માત્ર. આ વિચક્ષણ પ્રવાસીની એક નજર ટ્રેનની બારીની બહાર હોય છે તો બીજી ભીતર સહાપ્રવાસીઓ તરફ અને વળી એક ત્રીજી નિરંતર, પોતે જે જુએ-અનુભવે-માણે છે એને પોતે વાંચેલી અથવા પ્રવાસ દરમિયાન વંચાઈ રહેલી સાહિત્યિક કૃતિઓના પરિપ્રેક્ષ્યમાં વર્તમાનને મૂલવતી જાય છે. આમ, આ પ્રવાસ દરેક રીતે બહુઆયામી છે. વચ્ચે આવતા નગરો અને દેશોમાં એમનો જે ટૂંકો વિરામ છે એના વિવરણમાં એ ઝાઝા પડતા નથી. માત્ર અછડતો ઉલ્લેખ કરી આગળ વધી જાય છે કારણકે એમના મનોજગતમાં તો બિરાજે છે કેવળ ટ્રેન, ટ્રેન અને ટ્રેન ! હા, ટ્રેનની સાથોસાથ એ એની સાથે જોડાયેલ આનુસંગિક વસ્તુઓ – સ્ટેશનો – અને ટ્રેન સાથે સંકળાયેલા માણસો- કંડકટર, ટિકિટ બારી, કારકુનો વિગેરે વિશે એટલી જ સહૃદયતાથી વાત કરે છે.

પોલ થેરુ એક અઠંગ પ્રવાસી, એક યાત્રિક આત્મા છે. એમની પાસે જે ભાષા અને દ્રષ્ટિ છે એ સામાન્ય લેખકની નથી. એ પ્રવાસ દરમિયાન સામે આવતા દરેક દ્રશ્ય અને ઘટનાને પોતાના આગવા પ્રકાશમાં નીરખે છે અને મનની પાટીમાં એને દર્જ કરતા જાય છે.

આ એ સાહિત્ય છે જેમાંથી પસાર થયા બાદ આપણને ખબર પણ ન પડે તેમ, આપણી અંદરનું કશુંક ચૂપચાપ બદલાઈ જાય છે, ધરમૂળથી !

અને છેલ્લે –
clip_image004
દરેક સાચા પ્રવાસીની એક ખૂબસૂરત સમસ્યા હોય છે. કોઈ પણ સ્થળની મુલાકાત લઇ પરત ફર્યા પછી એને એવું લાગ્યા કરે છે કે એણે મુલાકાત લીધેલી જગ્યાઓએ કશુંક કરવાનું, જોવાનું, અનુભવવાનું બાકી રહી ગયું હતું ! એ ફરી એક વાર એ જ જગ્યાએ જઈ’ એ અધૂરું રહી ગયેલું કશુંક ‘ પૂરું કરવા ઝંખતો હોય છે !

પોલ થેરુએ પણ આવું અનુભવ્યું. પ્રથમ યાત્રાના બરાબર 33 વર્ષ બાદ 2006માં ફરી એક વાર મોટા ભાગના એ જ સ્થળોએ, એ જ માધ્યમ- ટ્રેન – દ્વારા ગયા. એ પ્રવાસનું એવું જ વિલક્ષણ પુસ્તક 2008 માં આવ્યું. GHOST TRAIN TO EASTERN STAR.

આ નવા પુસ્તકમાં એ કબૂલ કરે છે કે પહેલી વાર એમણે જોયેલા એ સ્થળો, શહેરો, સ્ટેશનો અને લોકોમાં તેત્રીસ વર્ષે બદલાવ આવ્યો છે એ તો બરાબર, આ અંતરાલ દરમિયાન એથી ય અગત્યનું જે બન્યું તે એ કે એ પોતે અને એમની દ્રષ્ટિ પણ છેક જ બદલાઈ ગયેલી !

મેં આ નવું પુસ્તક પણ મંગાવી રાખ્યું છે. હવે પછીની જિંદગીમાં જે હજ્જારો કામ કરવાના બાકી છે એમાંનું એક તે આ પુસ્તકનું ઘનિષ્ઠ પણ  ‘ ધીમું ‘ વાંચન ….


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

2 comments for “ચલો મનવા : ‘ધ ગ્રેટ રેલવે બાઝાર’ – પોલ થેરુ

 1. Neetin Vyas
  December 12, 2018 at 8:13 am

  પુસ્તક પરિચય એવો સુંદર લખ્યો કે તે વાંચવાનું અને વસવાનું મન થાય. આવાજ એક વિશ્વ પ્રવાસી અને એ પણ રેલગાડીમાં પ્રવાસમાં નો આનંદ માણતાં ભાવનગર નાં શ્રી કિરણભાઈ ઓઝા અને તેમના શ્રીમતી ડાયરી યાદ આવી ગઈ. જોકે પોલ થેરુ તો એક નીવડેલ અમેરિકન લેખક છે અને તેમના આ પુસ્તકની 15 લાખ નકલો ખપી ગઈ છે. અહીં સરખામણી નથી પણ ટ્રાન્સ સાયબીરિયનનાં પ્રવસ ની વાત આવી તેના સંદર્ભ અહીં લખ્યું છે.
  એક સુંદર પુસ્તક નાં પરિચય બાદલ આભાર અને અભિનંદન।

 2. Bhagwan thavrani
  December 12, 2018 at 12:13 pm

  ખૂબ ખૂબ આભાર નીતિનભાઈ !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *