બાળવાર્તાઓ : ૨ : પોપટ સંગ મેના

Facebooktwitterredditpinterestlinkedinmail

પુષ્પા અંતાણી

ગામની વચ્ચે આવેલા ઝાડ પર એક પોપટ રહેતો હતો. એ દરરોજ સવારે મોર્નિન્ગ વોક માટે જતા લોકોને જોતો. એ જોઈને એણે પણ રોજ સવારે ઊઠીને સીમ બાજુ ઊડવાનું શરૂ કર્યું. એક દિવસ એણે સીમમાં આવેલા ઝાડ પર મેનાને બેઠેલી જોઈ. એ જ ઝાડની નીચેની ડાળી પર બેસીને એક બુલબુલ ગીત ગાતું હતું. મેના નીચે નમીને એકધ્યાને એનું ગીત સાંભળી રહી હતી. પોપટ પણ બાજુની ડાળી પર બેસીને ગીત સાંભળવા લાગ્યો. ગીત પૂરું થયું, બુલબુલ ઊડી ગયું. પોપટ મેના પાસે ગયો અને બોલ્યો: “હાય!”

મેનાએ સામે કહ્યું: “હાય!” પણ પોપટની ઓળખાણ ન પડતાં એની સામે જોઈ રહી.

પોપટ કહે: “તમારો કંઠ સરસ છે. તમે બહુ સારું ગાઓ છો.”

મેના મૂંઝાઈ, પણ તરત સમજી ગઈ કે આ પોપટ સાવ ભોળિયો લાગે છે. એ વિચારવા લાગી, એને બુલબુલના કંઠ વિશે ખ્યાલ જ નથી. એને તો એમ જ છે કે હું ગીત ગાતી હતી. એ તરત બોલી: “હા, હા, મને ગાવાનો બહુ શોખ છે.” પછી પૂછ્યું: “પણ તમે? અહીં?”

પોપટ કહે: “હું ગામમાં રહું છું. રોજ મોર્નિન્ગ વોક માટે નીકળું છું.” મેનાને હસવું આવી ગયું. પોપટે પૂછ્યું: “કેમ હસો છો?”

મેના કહે: “મોર્નિન્ગ વોક નહીં, એ તો માણસો કરે. તમે ‘મોર્નિન્ગ ફ્લાય’ માટે નીકળો છો એમ કહો!”

પોપટે વિચાર્યું, આ મેના બહુ ચબરાક લાગે છે. એ હસી પડ્યો અને બોલ્યો: “સાચી વાત છે… પણ તમે નથી નીકળતાં – મોર્નિન્ગ ફ્લાય માટે?”

મેના જરા ખચકાઈ, પછી બોલી: “ના, હું રોજ સવારે મારા માળામાં જ પ્રાણાયામ-એક્સરસાઈઝ કરું છું.”

પોપટે કહ્યું: “હં… એટલે જ તમારું શરીર એકદમ ઘાટીલું છે.”

મેનાએ કહ્યું: “હા, તમે પણ મોર્નિન્ગ ફ્લાયથી શરીર સારું સાચવ્યું છે.”

બંને હસી પડ્યાં. થોડી આડીઅવળી વાતો કરી બંને છૂટાં પડ્યાં. પોપટ આજે બહુ ખુશ હતો. વિચારવા લાગ્યો, આ મેના જેવી દોસ્ત મળી જાય તો મજા આવી જાય. મેના પણ ખુશ હતી. વિચારવા લાગી, બહુ ભોળિયો છે.

બીજી સવારે પોપટ રોજ કરતાં વહેલો જાગી ગયો. તૈયાર થઈને સીમ તરફ ઊડ્યો. મેના પણ વહેલી ઊઠી ગઈ હતી અને માળામાંથી બહાર આવીને પોપટની વાટ જોતી હતી. પોપટે એની પાસે આવીને કહ્યું: ‘હલ્લો’. મેનાએ પણ ‘હલ્લો’ કહ્યું,

પોપટે પૂછ્યું: “હમણાં ઊઠ્યાં?”

મેના કહે: “ના રે ના! હું તો ક્યારની ઊઠી ગઈ છું. મેં પ્રાણાયામ-એક્સરસાઈઝ પણ પતાવી લીધાં. તમારું મોર્નિન્ગ ફ્લાય પતી ગયું?”

પોપટ હસીને બોલ્યો: “અહીં સુધી આવ્યો એટલે અર્ધું પત્યું, પાછો જઈશ એટલે પૂરું પતશે!”

પોપટે અચકાતાં-અચકાતાં પૂછ્યું: “વિચારું છું, તમને એક વાત પૂછું કે ન પૂછું?”

મેના કહે: “પૂછોને, શું પૂછવું છે?”

પોપટ કહે: “તમે… મારી સાથે… દોસ્તી.. ક..રશો?”

મેના કહે: “આપણા વચ્ચે કોઈ પરિચય નથી. હમણાં જ ઓળખાણ થઈ છે. આમ અજાણ્યા સાથે દોસ્તી…”

પોપટ વચ્ચે જ બોલ્યો: “એમાં અજાણ્યા જેવું શું છે? આમ પણ તમે અને હું તો એક જ જાતનાં છીએને?”

મેના કહે: “એ વાત તો સાચી, પણ મને વિચારવાનો થોડો સમય આપો.”

પોપટ કહે: “સારું, સારું, પણ જલદી વિચારજો!”

મેના કહે: “ચાલો અંદર, મારો માળો તો જુઓ.”

પોપટ મેનાની પાછળ-પાછળ એના માળામાં ગયો. આનંદથી બોલ્યો” “વાહ, નાનો છતાં, સુઘડ અને સ્વચ્છ છે તમારો માળો.”

મેના બોલી: “એકલી જ છું એટલે મેં બહુ કંઈ વસાવ્યું જ નથી, જરૂર પૂરતી જ વસ્તુઓ રાખી છે માળામાં. બોલો, શું લેશો, ઠંડું કે ગરમ?”

પોપટ કહે: “શું છે ઠંડામાં અને શું છે ગરમમાં?”

મેના કહે: “જુઓ, ઠંડામાં વહેલી સવારે ઝાકળબિંદુ એકઠાં કરીને બનાવેલું શરબત છે અને ગરમમાં કહું તો… જરા આ બાજુ આવો, જુઓ, અહીં માળાની બહાર ઝાડનો કેવો કૂણો કૂણો ભાગ છે… એ જગ્યાએ ચાંચ મારીશ તો એમાંથી ગરમ-ગરમ પ્રવાહી ટપકશે.”

પોપટ કહે: “ના, ના… તમારે મારા માટે એવાં હેરાન થવાની જરૂર નથી, ઝાકળનું શરબત બસ છે.” શરબત પીતાં પીતાં પોપટ વારંવાર મેનાની સામે જોઈ લેતો હતો. એ ઇચ્છતો હતો કે મેના એની સાથે દોસ્તી બાંધે, પણ મેના ચૂપ હતી. એ જવા માટે ઊભો થયો. મેના પણ એની સાથે માળામાંથી બહાર આવી. પોપટથી રહેવાયું નહીં, એણે પૂછી લીધું: “હવે તો કહો, તમે મારી સાથે દોસ્તી કરશો?”

મેના હસી અને બોલી: “તમે મારા માળામાં આવ્યા, શરબત પીધું, આપણે આટલી બધી વાતો કરી, તો એ બધું દોસ્તી નહીં તો બીજું શું?”

પોપટે કહ્યું: “વેરી સ્માર્ટ, વેરી સ્માર્ટ! ખરેખર તમે બહુ સ્માર્ટ છો!”

મેનાએ સ્મિત સાથે કહ્યું: “અને તમે ભોળિયા ભટ્ટુજી!”

એ પછીના દિવસે પોપટે પોતાની સાથે સરસ મજાનું લાલ મરચું લીધું. પહોંચ્યો મેનાને ત્યાં. મેના પણ પોપટની વાટ જોતી માળામાં જ બેઠી હતી. પોપટે ‘નોક’ કર્યું. મેના બોલી: “કમ ઈન…” પોપટે મરચું મેના સામે ધર્યું.

મેના મરચું જોઈને આનંદથી નાચી ઊઠી, “વાઉ! કેવું સરસ છે આ મરચું! આવું સરસ મરચું તો મેં ક્યારેય જોયું નથી.”

પોપટ કહે: “અહીં સીમમાં તમને ક્યાંથી જોવા મળે આવું મરચું? આ તો ગામમાં રહેતા માણસોના ઘેરઘેર મળે. હું તમારા માટે ખાસ લઈ આવ્યો.”

મેના વિચારવા લાગી, મારે આનો માળો જોવો છે, પણ એ મને આવવાનું કહે તો થાય. પોપટ પણ વિચારી રહ્યો હતો, આને મારો માળો બતાવવો છે, પણ એ આવવા તૈયાર થાય તો વાત બને.

મેના કહે: “શું વિચારો છો?”

પોપટ કહે: “તમે અહીં સીમમાં એકલાં કંટાળી નથી જતાં?”

મેના કહે: “હું જન્મી છું ત્યારથી અહીં જ રહું છું. પંખીઓનો કલશોર, જંગલ બાજુનાં પ્રાણીઓનાં હાકોટા-ગર્જના, તમરાં અને જીવજંતુના અવાજો… એ બધાંની વસતી રહે છે, એથી એકલા જેવું લાગતું નથી. હા, ગાજવીજ સાથે વરસાદ પડે કે વીજળીના કડાકાભડાકા થાય ત્યારે બીક લાગે. એવા વખતે આંખો બંધ કરી, માળાના ખૂણામાં ભરાઈ જાઉં.”

પોપટ બોલ્યો: “હવે વાદળ ગાજે, વીજળી ચમકે ને બીક લાગે તો મને બોલાવી લેજો.”

“મને તો તમે ક્યાં રહો છો એની પણ ખબર નથી. તમે તમારો માળો કે ત્યાં આવવાનો રસ્તો પણ ક્યાં બતાવ્યો છે? હું તમને બોલાવવા કેવી રીતે આવી શકું?”

પોપટ હસી પડ્યો ને બોલ્યો: “તમારી વાત સાચી છે. એક કામ કરો, અત્યારે જ ચાલો, હું તમને મારે ત્યાં લઈ જાઉં.”

મેના કહે: “અત્યારે?”

પોપટ કહે: “કેમ કંઈ મુશ્કેલી છે?”

મેનાએ કહ્યું: “મુશ્કેલી કંઈ નથી, પણ કાલે આવું તો?”

પોપટ બોલ્યો: “આજ અને કાલ, શો ફેર પડે છે? આજે જ ચાલો મારી સાથે.”

મેનાએ જવાબ આપ્યો” “સારું, ચાલો ત્યારે.”

બંને ગામમાં આવેલા પોપટના માળા પાસે આવ્યાં. ચારે બાજુ મકાનો, વીજળીના થાંભલા, માણસોનાં ટોળાં, રસ્તા પરનાં વાહનો… એ બધું મેના એની જિંદગીમાં પહેલી વાર જોતી હતી. એને બધું નવું-નવું, અચરજ ભર્યું લાગ્યું. એને મજા આવતી હતી. મેના વિચારવા લાગી. આ જગ્યા જોયા પછી સીમમાં પાછા જવું ગમશે નહીં.

મેનાને વિચારમાં ડૂબેલી જોઈ પોપટ બોલ્યો: “ક્યાં ખોવાઈ ગયાં? ન ગમી આ જગ્યા?”

મેના બોલી ઊઠી: “ના, ના… ખૂબ સરસ છે.”

પોપટ કહે: “ તો ચાલો, હવે મારા માળામાં જઈએ.”

મેના પોપટની પાછળ પાછળ એના માળામાં પ્રવેશી. એ આનંદથી ઝૂમી ઊઠી: “વાઉ! કેટલો મોટો અને સુંદર છે તમારો માળો! અહાહા..! કેટલાં બધાં સુખસગવડનાં સાધનો છે અહીં!”

પોપટ કહે: “હું આ બધું માણસો પાસેથી શીખ્યો છું. માણસોનો સ્વભાવ છે કે સુખસગવડનાં સાધનો જેવાં શોધાય તેવાં પોતાનાં ઘરમાં વસાવી લેવાં. જિંદગી મોજમસ્તીથી જીવવી. એમને જોઈને મેં પણ આ બધું વસાવી લીધું. જીવવું તો મોજથી જીવવું.”

મેના કહે: “સાચી વાત છે, આવું બધું જોઈને બીજે ક્યાંય જવાનું મન જ ન થાય.”

પોપટ કહે: “તો પછી શી જરૂર છે બીજે જવાની? તમે પણ અહીં જ રહી જાઓને?”

મેના કહે: “સાચે? હું પણ રહી શકું તમારી સાથે?”

પોપટ કહે: “હા જ વળી! હું તો ક્યારનો ઇચ્છતો હતો એવું, પણ તમને કહેતાં ખચકાતો હતો, ક્યાંક તમે ના પડી દો તો!”

મેના કહે: “મારે પણ આવવું તો હતું જ, તમે એવું કંઈ કહો એની જ રાહ જોતી હતી.”

પોપટ કહે: “તો ચાલો, આજથી જ આ માળો આપણા બંનેનો.”

મેના કહે: “હા, આજથી આ માળો આપણા બંનેનો.”

પોપટ કહે: “તો બોલો, પહેલાં શું કરશો? બુલબુલ બનીને ગીત ગાશો કે પછી જમવાનું બનાવશો?”

મેના ચમકી, “બુલબુલ બનીને એટલે? તમને ખબર હતી કે એ ગીત બુલબુલ ગાતું હતું?”

પોપટ બોલ્યો: “તમે મને બુદ્ધુ માનો છો? શું હું બુલબુલના અવાજને ઓળખું નહીં!”

મેના કહે: “તો એ દિવસે તમે મને એમ કેમ કહ્યું કે તમારો કંઠ સારો છે, તમે સારું ગાઓ છો?”

પોપટ હસતો હસતો બોલ્યો: “એ તો તમને ખુશ કરવા!”

મેના કહે: “હું તો તમને ભોળિયા માનતી હતી, પણ તમે તો ભારે ચાલાક નીકળ્યા! અને સાંભળો, મેં પણ તમને અમથું અમથું જ કહ્યું હતું કે હું રોજ સવારે પ્રાણાયામ કરું છું, એક્સરસાઈઝ કરું છું…”

પોપટે કહે: “કેમ? એવું શા માટે કર્યુ?”

મેના પણ હસવા લાગી ને બોલી: “એ તો તમને ઈમ્પ્રેસ કરવા!”

પોપટ હસી પડ્યો અને બોલ્યો: “આપણે એકબીજાને ખુશ કરવા અને ઈમ્પ્રેસ કરવા કેવું કેવું કર્યું, નહીં? હવે જ્યારે આપણે દોસ્ત બનીને સાથે રહેવાના છીએ ત્યારે નક્કી કરીએ કે હંમેશાં જાતે ખુશ રહીશું અને એકબીજાને ખુશ રાખીશું, ઓકે?”

મેના બોલી: “ઓકે!”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *