





દીપક ધોળકિયા
(૧) ‘રાતના રાજાઓ’ માટે માઠા સમાચાર
દુનિયામાં લોકોના બે વર્ગ છેઃ એક, વહેલા સૂઈ, વહેલા ઊઠનારાનો વર્ગ, અને બીજો વર્ગ છે, રાતના રાજાઓનો. જેમ રાત વધે તેમ એમની શક્તિઓ, મસ્તીઓ ખીલી ઊઠે. આ બાબતમાં ઘણાં અધ્યયનો થયાં છે અને સૌ પહેલી વાર આ બધાં સંશોધાનાત્મક અધ્યયનોની સમીક્ષા કરવામાં આવી તો તારણ એ નીકળ્યું કે ‘ઘૂવડો’ ખાવાપીવામાં પણ ઢંગધડા વગરના હોય છે એટલે એમના આરોગ્ય સામે વધારે જોખમ હોય છે. Advances in Nutritionના ૩૦મી નવેમ્બરના અંકમાં આ લેખ પ્રકાશિત થયો છે.
લેખકો સમજાવે છે કે આપણું શરીર ૨૪ કલાક કામ કરે છે અને આંતરિક ઘડિયાળને અનુસરે છે. એ ઘડિયાળ આપણને કહે છે કે ક્યારે ખાવું, ક્યારે સૂવું, ક્યારે ઊઠવું. જેમની ઘડિયાળમાં સાંજને પસંદગી આપવામાં આવી હોય છે તેમાંથી ઘણા ટાઇપ-2 ડાયાબિટીસના કે હૃદયરોગના શિકાર બન્યા હોવાનું જણાયું.મોડેથી સૂવાની ટેવ હોય તે લોકો નાસ્તો છોડી દેતા હોય છે, કૅફિનવાળાં ડ્રિંક્સ પણ વધારે લેતા હોય છે.
જેમને વહેલા સૂઈ, વહેલા ઊઠવાની ટેવ હોય છે તેમનામાં ફળ ખાવાનું વલણ વધારે જોવા મળ્યું છે. મોડેથી સુનારા સામાન્ય રીતે મોડેથી જમતા હોય છે એટલે ભોજન અને ઊંઘ વચ્ચે સમય ઓછો રહે છે. આ કારણે શરીરમાં ગ્લુકોઝ વધારે જમા થાય છે.
જો કે જીવનના જુદા જુદા તબક્કે લોકોની ટેવો બદલી જતી જોવા મળી છે. બાળક ત્રણ અઠવાડિયાથી બે વર્ષનું થાય ત્યાં સુધી એની પસંદગી સવારની હોય છે. ૯૦ ટકા બાળકો જલદી ઊઠે છે, પણ છ વર્ષની ઉંમરે માત્ર ૫૮ ટકા બાળકોની પસંદગી સવારની રહી જાય છે. પુખ્ત વ્યક્તિ ૫૦ની થાય ત્યાં સુધી એની પસંદગી સાંજની હોય તો એ બદલીને સવારની થઈ જાય છે.
-=-=-=
સંદર્ભઃ https://www.sciencedaily.com/releases/2018/11/181130111623.htm
૦-૦-૦
(૨) વાઇરસ તમારી ઇમ્યૂન સિસ્ટમમાંથી ચોરી કરીને તમારી સામે જ એનો ઉપયોગ કરે છે!
કેટલાંક વાઇરસ એવાં હોય છે કે એ ઇમ્યૂન સિસ્ટમ (રોગપ્રતિકાર તંત્ર)માંથી એક એવો એન્ઝાઇમ ચોરી લે છે, જે ઑટોઇમ્યૂન રોગો સામે આપણો બચાવ કરતો હોય છે. કેટલાક રોગો એવા હોય છે જેને ઇમ્યૂન સિસ્ટમ્ની પરવા નથી હોતી, પણ આ એન્ઝાઇમ એ વખતે આપણું રક્ષણ કરે છે. મેયો ક્લિનિકના સંશોધકોએ શોધી કાઢ્યું છે કે માનવશરીરમાં ADAR ૧ નામનો એક પ્રોટીન બનાવે છે, જે ઑટોઇમ્યૂનિટી સામે રક્ષણ આપે છે, પણ વાઇરસ એમાં છીંડું પાડે છે અને એનો માલ લઈ લે છે, તે પછી ઇમ્યૂન સિસ્ટમ એ વાઇરસનો નાશ કરે છે.
પરંતુ વૈજ્ઞાનિકોએ એ પણ શોધી કાઢ્યું છે કે આપ્રોટીનની ક્ષતિ પૂરી કરવા માટે કેટલી જેનેટિક સામગ્રી જોઈએ. આમ વૈજ્ઞાનિકો ઇમ્યૂન સિસ્ટમને થયેલું નુકસાન કેમ પૂરું કરવું તે પણ જાણી શક્યા છે.
-=-=-=
સંદર્ભઃ https://www.sciencedaily.com/releases/2018/11/181129142412.htm
૦-૦-૦
(૩) કાને પડતો અવાજ અર્થવાળો શબ્દ કેમ બની જાય છે?
તમે રસ્તે ચાલતા હો, ચારે બાજુ ઘોંઘાટ થયા કરતો હોય, એની વચ્ચેથી તમને એક અવાજ સંભળાય છે અને તમે એને ઓળખી શકો છો, એનો અર્થ સમજી શકો છો. મગજ આ કામ શી રીતે કરી શકે છે?
મૅરીલૅંડ યુનિવર્સિટીના સંશોધકો બોલાતી ભાષાનો શબ્દ કાને પડતાં મગજ આપમેળે શી ક્રિયા કરે છે તે જાણવાના પ્રયત્નોમાં વ્યસ્ત છે. આપણે નર્યો અવાજ સાંભળીએ કે ભાષાનો શબ્દ સાંભળીએ ત્યારે, બન્ને વખતે મગજ જુદીજુદી રીતે કામ કરે છે. મિલીસેકંડોમાં મગજ વાણીના ધ્વનિમાંથી ભાષા-આધારિત શબ્દોનું વિશ્લેષણ શરૂ કરી દે છે. આપણે કોઈનો અવાજ સાંભળીએ કે તરત મગજ બેપરવા નથી રહેતું અને શબ્દનું પૃથક્કરણ કરવા લાગે છે.
મગજ ભાષાને સમજવાની કોશિશ કરે છે ત્યારે શ્રવણશક્તિનું કોર્ટેક્સ શબ્દને સમજવા માટે ધ્વનિનાં વલણોને સમજવાની કોશિશ કરે છે. શું સાંભળવા મળશે તેનું પણ અનુમાન કરે છે.
મૅરીલૅંડના સંશોધકોએ પ્રયોગમાં કેટલાક જણને લીધા અને એમના પર મૅગ્નેટો એન્સેફેલોગ્રાફી કરી. એમાં એક વ્યક્તિ એમને વાર્તા સંભળાવતી હતી. કોઈ એક ભાષાના ધ્વનિ વારંવાર આવશે તેની આગાહી મગજ કરી શકે છે અને એક સેકંડના ત્રણ શબ્દના હિસાબે પ્રૂથક્કરણ કરે છે. અભ્યાસના બીજા ભાગમાં બે વ્યક્તિઓ એક સાથી બોલતી હતી. પરંતુ ભાગ લેનારાઓને માત્ર એક જ ભાષા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કહેવામાં આવ્યું હતું. તો મગજે જે ભાષાની ઉપેક્ષા કરવાની હતી તેને છોડી દીધી! હજી એ રહસ્ય જ છે કે મગજ કઈ રીતે અવાજમાંથી શબ્દને અલગ તારવવાનું કામ કરે છે.
=-=-=-=
સંદર્ભઃ https://www.sciencedaily.com/releases/2018/11/181129142352. આધારઃDOI: 10.1016/j.cub.2018.10.042
૦-૦-૦-૦
(૪) તારામંડળો વચ્ચે છે અનેક નાનાં તારા–ઝૂમખાં
હબલ ટેલિસ્કોપે મોકલેલા ફોટાઓ દર્શાવે છે કે મોટાં તારામંડળો વચ્ચે નાનાં નાનાં અનેક તારાઓનાં ઝૂમખાં પણ છે.એની સંખ્યા હજારો લાખોમાં નહીં, અબજોમાં છે. એ બધાં એક જ જાતના ગુરુત્વાકર્ષણ બળથી જોડાયેલાં છે. બ્રહ્માંડની શરૂઆતના સમયમાં એ બન્યાં હોવાં જોઈએ. આપણી આકાશગંગાની પાસે પણ આવાં ૧૫૦-૨૦૦ ઝૂમખાં છે. નરી આંખે એ ધૂંધળા તારા જેવાં દેખાય છે. હબલે હજારો તારામંડળના જૂથ ‘કોમા ક્લસ્ટર’ની અંદર જોયું તો ૨૨,૪૨૬ ઝૂમખાં તો પહેલી નજરે જ દેખાયાં.
ઑસ્ટ્રેલિયાની ટેલિસ્કોપ નૅશનલ ફૅસિલિટીના ડૉ. યૂઆન મૅડ્રિડ કહે છે કે આખા તારામંડળની સરખામણીએ આ ઝૂમખાં ઘણાં નાનાં છે. કોમા ક્લસ્ટરનું ગુરુત્વાકર્ષણ અવકાશના આકારને વિકૃત કરી નાખે છે. એનું કારણ બરાબર સમજાતું નહોતું એટલે એને ‘ડાર્ક મૅટર’ નામ અપાયું. હજી સુધી ન દેખાયેલાં ઝૂમખાં આ વિકૃતિ માટે જવાબદાર હોવાનું જણાયું છે.
=-=-=-=
૦-૦-૦-૦
શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો
ઈમેલઃ dipak.dholakia@gamil.com
બ્લૉગઃ મારી બારી