લ્યો, આ ચીંધી આંગળી : શેઢો, દાતરડું અને કવિતાનો ત્રિવેણીસંગમ : ખલીલ ધનતેજવી

Facebooktwitterredditpinterestlinkedinmail

રજનીકુમાર પંડ્યા

સ્થળ : આર.ટી.ઓ. ઓફીસ, વડોદરા.

આશરે એંસીએક વરસની જૈફ વયની એક વ્યક્તિ ડ્રાઇવિંગ લાયસન્સ માટે R.T.O ઓફીસમાં પ્રવેશ કરે છે. ઇલેક્ટ્રિસિટી બીલ, ટેલિફોન બિલ, રેશનકાર્ડ અને ઘરવેરાની પાવતી તો એની પાસે છે જ. એ તમામ પુરાવાઓ ઓફિસના કલાર્ક સામે ધરી દે છે. બધા કાગળો જોયા પછી કલાર્ક કહે છે, ‘આમાં સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ક્યાં છે?’

એંસી વર્ષની વયે જન્મતારીખના આટઆટલા પૂરાવા આપ્યા પછી પણ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ?

હશે. ઘરમાંથી નીકળશે.

થોડા દિવસ પછી ફરી એ જ સ્થળ. આ વખતે એમના હાથમાં એમની શાળા છોડ્યા વખતનું

લિવિંગ સર્ટિફિકેટ પણ છે. પણ પ્રતિભાવ?

“આમાં તો તમે ગુજરાતી પાંચમું ધોરણ સુધી જ ભણ્યા હોવાનું લખ્યું છે..!”

“હા, એ તો જેટલું ભણ્યા હોય એટલું જ લખે ને..!”

કલાર્કનો સરકારી જવાબ : “તો તમને ડ્રાઇવિંગ લાયસન્સ ન મળે. એના માટે ઓછામાં ઓછું આઠ ધોરણ સુધીનું ભણતર તો જોઈએ જ.”


પૂછ્યું કે એમ કેમ? એની પાછળનો હેતુ?

જવાબ:‘હેતુ એ જ કે રસ્તામાં આવતા માર્ગની જાણ કરતાં પાટીયાં એ વાંચી શકે. ખાલી પાંચમું પાસ એ ન વાંચી શકે.‘ખલીલભાઈનો શાળા છોડ્યાનો દાખલો

(ખલીલભાઈનો શાળા છોડ્યાનો દાખલો)

આ મહાશયે જવાબ આપ્યો: ‘પણ, હું વિદ્યાર્થી નથી.’ તમારો હેતુ માત્ર વાંચી શકવા પૂરતો જ હોયતો સાંભળો. મેં 20 નવલકથાઓ લખી છે. 25 વર્ષ પત્રકારત્વ કર્યુ છે.મારા 5 ગુજરાતી ગઝલસંગ્રહ અને 1 ઉર્દૂ તથા હિન્દી ગઝલસંગ્રહ પણ પ્રકટ થઈ ચૂક્યા છે. મેં લખેલા પાંચ નાટકો ભજવાયા છે. 5 ગુજરાતી ફિલ્મો માટે કથા – પટકથા, સંવાદ અને ગીતો લખ્યાં છે. મારી ગઝલ સુપ્રસિદ્ધ ગઝલસિંગર જગજીતસિંઘે ગાઈ છે. મારા સાહિત્ય પર સંશોધન કરીને બે વિદ્યાર્થીઓ Ph. d થયા છે, તો ત્રણ વિદ્યાર્થીનીઓ M.phil ની ડિગ્રી મેળવીચુકી છે. આ બધું ભેગું થઈને આઠમું ધોરણ થાય કે ન થાય?

કલાર્કના ચહેરા પર અહોભાવની તો ઠીક, પણ આશ્ચર્યની પણ કોઇ રેખા ન ફરકી. ઠંડો બરફ જેવો જવાબ આપ્યો, ‘ના થાય.’

ક્લાર્કના જવાબ કરતાંય એની ઠરી ગયેલી ‘જીવંતતા’ જોઇને આ જનાબ નક્કી કરે છે–“હવે આપણે જીવનભર ડ્રાઇવિંગ લાયસન્સ જ ન ખપે.”

ધાર્યુ હોય તો પોતાના અપરંપાર ચાહકોમાંથી, આ કારકૂનના અનેક પગથીયાના ઉપરી અધિકારીનો હવાલો એ આપી શક્યા હોત. પણ એમના મનમાંથી લાયસન્સ મેળવવાની મંશા જ મરી પરવારી. સરકારી તંત્ર, અને કાયદાની જડ અવ્યવહારુતાએ સમૂચી એ વાતને જ દિમાગમાંથી કાઢી મુકી.

એટલે તેઓ આર. ટી.ઓ. ઓફીસનાં પગથિયાં ઉતરી ગયા. ફરી ચડ્યા જ નહિં.

પોતાના થોડા ઊણા શાળાકીય ભણતરના લીધે ડ્રાઇવિંગ લાયસન્સ ન મેળવી શકનારા તે મશહૂર ગઝલકાર ખલીલ ધનતેજવી.

**** **** ****

આ કિસ્સો આપણને ગઝલકાર ખલીલ ધનતેજવીની આત્મકથા ‘સોગંદનામું’માંથી એમની કલમે જ વાંચવા મળે છે. અલબત્ત, રસપ્રદ વિગતોથી પ્રચુર આ પુસ્તકને ખલીલ પોતે આત્મકથા નહીં, પણ કારકિર્દીકથા તરીકે રજૂ કરે છે. જો કે, જરાક બારીક નજરે જોઈએ તો સમજાય કે પુસ્તક ફક્ત એમના જીવનનો જ પરિચય નથી કરાવતું, પણ આઝાદી પછીના એક વિશાળ કાળખંડને વાચકોની રૂબરૂ કરાવે છે.

ખલીલ ધનતેજવીની આત્મકથા 'સોગંદનામું'

વડોદરાથી આશરે પચાસેક કિલોમીટર દૂરના એક નાનકડા ગામ ધનતેજમાં ઇબ્રાહિમભાઈ મકરાણીને ત્યાં દ્વિતીય સંતાન તરીકે 12 ડિસેમ્બર, 1935 ના રોજ ખલીલનો જન્મ થયો. ગઝલકાર ખલીલ ધનતેજવી એમના જન્મની સવારનું વર્ણન કરતાં પદ્યાત્મક શૈલીમાં લખે છે, સવારનું ભરભાંખળું એટલે પોચુંપોચું અંધારું અને બરફના રંગ જેવો મખમલી ઉજાસ સૂરજના આગમનની છડી પોકારતો હતો એવા સમયે મારો જન્મ થયો. સંતાનનું નામકરણ દાદા તાજમહંમદે કર્યું, ‘ખલીલ’. ખલીલનો અર્થ થાય મિત્ર.

પિતાજી ઈબ્રાહીમ મકરાણી

(પિતાજી ઈબ્રાહીમ મકરાણી)

ખલીલ હજુ તો પાંચ વર્ષના થયા,ત્યાં યુવાનવયના પિતાને ગુમાવ્યા.માતાને ભરયુવાનીમાં વૈધવ્ય વેઠવાનું આવ્યું. બહેન સદા અને ભાઈ યુસુફ સાથે ખલીલ પિતાની છત્રછાયા વગર જીવવાનું હજુ તો શીખી રહયા હતા, ત્યાં ભાઈ યુસુફ પણ અવસાન પામ્યા. દાદા એમના પિતાનું એક જ સંતાન હતા. દાદાનેય એક સંતાન પિતા જ હતા. હવે ખલીલને મનમાં એ ગ્રંથી બંધાવા માંડી કે પોતાનેય એકલા જ રહેવાનું થશે કે શું?

સાતેકની ઉંમરે ખલીલને શાળામાં મુકવામાં આવ્યા. એકડીયામાંથી પહેલીમાં આવ્યા ત્યારે મદરેસામાં મુકાયા. સવારે 8 થી 10 મદરેસામાં જવાનું. 11 થી 5 તો શાળામાં વીતે, એટલે સાંજે 5 વાગ્યાપછી જ રમવાનો સમય મળે. એમાં વળી લેસન જો બાકી રહ્યું હોય તો એ પતાવવાનું. દોઢેક કલાકમાં તો સાંજ ઢળી જતી. રાત્રે ફાનસ સળગાવવામાં આવે. એના અજવાળામાંઅમ્મી પીરસે તે જમી લેવાનું.

ખલીલ તે વખતના સમયને તાદૃશ્ય કરતાં લખે છે: ફાનસ સળગે, એમાં કેરોસીન ભેગો જીવય બળે, એટલે જમ્યા પછી ફાનસ હોલવી નાખીને પથારીભેગું થઈ જવું પડતું. સાડા આઠ કે નવ વાગ્યા સુધીમાં તો ગામ આખું રગડા જેવું અંધારું ઓઢીને ઘસઘસાટ પોઢી જતું.

સવારના ચાર વાગ્યાથી કુકડાઓ રાતને પીંખવા મંડી પડતા. ઘડિયાળનો રિવાજ હતો નહીં, એટલે સમય માપવા કહેવાતું કેહું પહેલે મરઘે જાગી ગયો, તો કોઈ કહે હું બીજા મરઘે. સવારના સાડા પાંચ સુધીમાં તો બધા પથારીનો ત્યાગ કરીને આંગણા કે શેરીઓમાં ફરતા થઈ જાય. સવારનું ભૂખરું અંધારું ફંફોસવા ટેવાઈ ગયેલી આંખોને ભાગ્યે જ ચીમની કે ફાનસની જરૂર પડતી. ભેંસો દોહવાતી. દળણાં દળાતા. વલોણા ફરતા. છાણવાસીદું થતું. આ બધી ચહલપહલમાં અંધારું છૂંદાતું, પીંખાતું, પાતળું પડી જતું. અને બરફના રંગ જેવો રેશમી ઉજાસ પથરાતો. જાણે ગોગલ્સ પહેરીને જોતા હોય એવું લાગે.’

એક સવારે તાવની અસર હેઠળ બહેન સદાએ પણ કાયમી વિદાય લીધી. ખલીલને ચારચાર પેઢીની એકલતા જાણે કે વારસામાં એક સાથે મળી. માત્ર આઠ – નવ વર્ષની કુમળી વયે પિતા, ભાઈ-બહેન ગુમાવી ચૂકેલા ખલીલે પાંચમું ધોરણ પાસ કરીને નિશાળ છોડી દીઘી. દાદાને ખેતીકામમાં મદદ કરતા કરતા ખલીલ ચાસ પાડવામાં, પૂળા બાંધવામાં અને કપાસની વેણો ફાંસવાનું કામ કરવામાં તેમજ નદીના પૂરમાં તરવામાં અને જાનમાં ડમણિયું દોડાવવામાં પારંગત થઈ ગયા.

એ કેટલી નવાઈની વાત કહેવાય કે ધનતેજ જેવું સાવ નાનકડું ગામ કે જ્યાં પાંચ હજાર વર્ષના ઇતિહાસમાંય કોઈ લેખક કે કવિ થયા નથી, ત્યાં ગામડિયા તરીકે જ ઘડાઈ ગયેલા ખલીલને કાવ્યની પહેલી પંક્તિ ફૂટી. એમના સર્જનની પ્રથમ ક્ષણને ખલીલસાહેબ આ શબ્દોમાં આલેખે છે : ‘કવિતાની પહેલી પંક્તિ આવી ત્યારે હું ખેતરના શેઢે ચાર વાઢતો હતો અને મારા હાથમાં કલમના બદલે દાતરડું હતું.’

સત્તર વર્ષે રોશન સાથે સગાઈ અને ઓગણીસમે વર્ષે લગ્ન થયું. ઘર આખાની જવાબદારી પોતાના નાજુક ખભા પર વેંઢારતા ખલીલને બાળપણ કે યુવાનીની મજા માણવા જ ન મળી. જો માતા કે પિતાનું છત્ર માથા પરથી અકાળે હટી જાય, તો બાળક ઝડપથી પુખ્ત કે પાકટ બની જાય છે. ખલીલ સાથે એવું જ બન્યું. ઘર સારી રીતે ચાલે એ માટે ખલીલે કાપડની ફેરી પણ કરી. સારું જીવનધોરણ મળે, તે માટે જે મળ્યું એ કામ વધાવી લેવામાં ખલીલને કદી શરમ કે સંકોચ ન નડ્યા.

ખલીલ હજી તો સર્જકતાના સીમાડાથી તો વર્ષો દૂર હતા ત્યાં તો એમનામાં સર્જકતાનો છોડઅંકુરિત થયો. એ માટેની ભોંય પૂરું પાડવાનું કામ પ્રૌઢશિક્ષણના કાર્યક્રમે કર્યું. ધનતેજ ગામમાં જગુભાઈ ઠક્કર દ્વારા પ્રૌઢશિક્ષણના વર્ગો શરૂ થયા. એક વાર એમણે ખલીલને એમની કોઇ ભાષાકીય ક્ષતિ બતાવી. એમની એ ચેષ્ટા ‘સ્ટીયરીંગ વ્હીલ’ સાબિત થઇ. કારણ કે એ વસ્તુએ એમને શબ્દસભાનતા ભણી વાળ્યા. ખરેખર એ તો મોટી વયમાં વડિલો પાસેથી મળી શકે. જુવાનીયાઓ તો એ શું જાણે?પણ તકલીફ એ હતી કે મોટી ઉંમરના લોકો સાથે બેઠક-ઉઠક ગમે નહીં, ગુંગળામણ થાય. એટલે એમણે વચલો રસ્તો કાઢ્યો. એકલવ્યની પેઠે એકલાએકલા જ શબ્દની આરાધના શરૂ કરી. સડસડાટ વાંચવાને બદલે ધ્યાનથી વાંચીને જોડણી શુદ્ધ કરવાના એવા ‘એકલવ્યી’ પ્રયત્ન ચાલુ કર્યા. આજુબાજુની દુનિયા જોવા-પામવા નજર દોડતી હતી. એવામાં સારું-ખરાબ બધું જ દેખતી એમની નજરે વિનોબા ભાવેના ભૂદાન યજ્ઞમાં પણ કેટલાક લોકો દ્વારા ‘સબ ભૂમિ ગોપાલ કી’ જેવા ઉમદા સૂત્રનું સ્વાર્થી અર્થઘટન થતું જોયું. જોઇને મનમાં વિરોધ જાગ્યો.એની સામે બળવારૂપે એક જોડકણું સ્ફૂર્યું. અને લખ્યું ત્યારે એ વાંચીને સાહિત્યકાર અને છંદના જાણકાર સતીશ ડણાકે કહ્યું, ‘આમાં દુહાનો છંદ પ્રયોજાયો છે.’ આમ સતીશ ડણાક સૌથી પહેલા ગુણદર્શી સાબિત થયા.

ખલીલ પોતાના દાદાને સાહસિક નવલકથાઓ વાંચી સંભળાવતા, ખુદ પોતાને સામાજિકકથાઓ વધુ ગમે. એ વાંચે ત્યારે જયાં પણ નવો શબ્દ આવે, ત્યાં અટકી જવાનું બનતું. શબ્દ મોઢે થઈ જાય ત્યાં સુધી મમળાવતા રહેવાની ટેવ પડી. આને લીધે સર્જક માટે અત્યંત જરુરી એવું શબ્દભંડોળ વધવા લાગ્યું. ‘બીનાકા ગીતમાલા’નો એ જમાનો હતો. ઘણાખરા શ્રોતાઓ રેડિયોની આસપાસ ટોળે વળીને કેવળ સંગીત માણતા હોય ત્યારે ખલીલ સંગીત તો આકંઠ પીતા જ, પણ ગીતના શબ્દોને પણ એમનું માનસિક “એન્ટેના’ બરાબર પકડી લેતું. એમાંય એ દિવસોમાં આવતા સાહિર લુધિયાનવીનાં ગીતોએ પણ ખલીલ પર ઉંડી અસર છોડી. બસ,એ ગાળામાં લયબદ્ધ પંક્તિઓમાં જોડકણાંઓ લખાવાની શરૂઆત થઈ.

ગામમાં આકાર લેતા-વિખેરાતા,જોવાતા,અનુભવાતા,પ્રસંગો વિશે ખલીલ લખતા થયા. એક્ની એક વસ્તુને ચાર-પાંચ વાર મઠારતા, મોકલતા – તે લોકસત્તામાંમોટે ભાગે છપાતું પણ ખરું. ફિલ્મી ગીતોના ઢાળ પર ઉર્દુમાં કશીદા લખ્યા. લોકોને ગમ્યા, એટલે લખવાનું બળ મળ્યું. પછી એક મિત્રના સૂચનથી સોળ જેટલા ભજન-નુમા ગીતો લખ્યા. ચોપડીનું નામ : ‘નૂતન ભજનમાળા’. રૂપિયા 125 ના ખર્ચે 1000 પ્રત છપાવી. પોતાના નામને પુસ્તક પર છપાયેલું જોવાનો રોમાંચ પહેલી વાર અનુભવ્યો. એ અનૂભુતિ એ જ લેખનક્ષેત્રે ખલીલનો પહેલો ‘પુરસ્કાર’!

યુવાનવયે ખલીલ

(યુવાનવયે ખલીલ)

પછી તો અનેક ઉતારચઢાવ આવ્યા અને ગયા. 1962ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસી ઉમેદવાર મનુભાઈ પટેલની જાહેરસભામાં 100 – 150 શ્રોતાઓ સમક્ષ પહેલી જ વાર કાવ્યપઠન કરવાનો મોકો મળ્યો. એ પછી કોંગ્રેસી મુખપત્ર ‘સાવલીસર્જન’માં સહતંત્રી તરીકે જોડાયા. કામ કર્યું. આમ અનાયાસે જ પાઠશાળા વગર પત્રકારત્વના પાઠ પણ શરૂ થયા.ફરજિયાત લખવાનું શરૂ થતાં ભાષાશૈલી ઘડાઈ. નિરીક્ષણની આદત પડવા લાગી જે આલેખનમાં વધુ ખપમાં આવવા માંડી.

એવામાં પત્ની બીમાર પડ્યાં. માંદગી લંબાતી રહી અને એ સાથે ખલીલની મુસીબતો પણ. કાપડનો માંડમાંડ જમાવેલો ધંધો ભાંગી પડ્યો. માંદગી પછી પત્ની રોશનેય ખુદાને પ્યારી થઈ. દાદાએ હિંમત આપી, ‘મેં મારો એકનો એક દીકરો ગુમાવ્યો છે, તોય જો, હજી જીવું છું. તારા માટે મારે જીવવું પડ્યું છે. તારે માથે પણ તારા બે છોકરાઓને ઉછેરવાની જવાબદારી છે. તારે જીવવું જ પડશે.’

પત્ની મૃત્યુ પામ્યાં તે સમયે દીકરી સલમા 6 વર્ષની, દીકરો હનીફ માત્ર 3 વર્ષનો. સુખને તો હજી એક સીમા હોય, પણ પીડાનો પ્રદેશ તો અસીમ. એ હકીકતનો કારમો અનુભવ થવા માંડ્યો! સુખના દિવસોએ સુખ આપ્યું, પણ પીડાના અસીમ વેરાને ખલીલને સંસ્કારી, વ્યવહારુ અને પ્રામાણિક બનાવ્યા! પછી તો નાનપણમાં ખલીલને સંસ્કારી, વ્યવહારુ અને પ્રામાણિક બનાવનાર પ્રિય દાદાય 1965માં અવસાન પામ્યા.

એ પછી પણ થોડી ઘટનાઓ છે. ભાંગેલ હૈયે માની મરજીની ઉપરવટ જઈને ગામ છોડ્યું. ગામના જ જશુભાઈ બેરિસ્ટરની મહિને સવાસો રૂપિયાના પગારવાળી નોકરીની ઓફર સ્વીકારી વડોદરામાં આવી ગયા. બેત્રણ મહિના બધું ચાલ્યું. પણ સ્વમાનને આંચ આવવા જેવું લાગ્યું ત્યાં ખલીલે ખુદ્દારી બચાવી, નોકરી છોડી. અને ભગ્નહ્રદયે વડોદરા પણ છોડ્યું.

પણ વડોદરા સાથેનો એમનો સંબંધ એમ સહેલાઈથી તૂટે એમ નહોતો. વડોદરા શહેર સાથે એમનું અન્નજળ હજી બાકી હશે, એટલે ખલીલ થોડા સમયમાં વડોદરા પાછા આવ્યા. કિસ્મત આ શહેરમાં એમને હવે નવા સંબંધ આપવાનું હતું. શાયર ખલીશ બડોદવીના કહેવાથી ઉર્દુ શીખ્યા, અને એવું ફાંકડું ઉર્દૂ શીખ્યા કે ઉર્દૂમાં લેખ પણ લખતા થયા. પ્રમોદ પટેલ નામના એ વખતે જાણીતા થયેલા એક વાર્તાકાર સાથે મળીને ‘નુપુર’ નામનું વાર્તામાસિક શરૂ કર્યું. ‘લોકસત્તા’ અને ‘નવભારત’ જેવા દૈનિકોમાં રવિપૂર્તિમાં છૂટાછવાયા લેખો છપાવા લાગ્યા. 1967ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ(આઈ)ના ઉમેદવાર મણિભાઈ શાહને જીતાડવા ચૂંટણીપ્રચારમાં પણ જોડાયા. એમને જીતાડવા માટે મહેનત કરી. મણિભાઈ શાહ જીત્યા, અને ખલીલ એ રીતે પ્રચારક તરીકે પણ સફળ થયા.

સાદગી  મુકામ પોસ્ટ ઝાકળ

જિંદગી એક સાથે અનેક વળાંકો પર દોડી રહી હતી. રાજકીય પ્રચારક તરીકે હજી સફળતા મળી જ રહી હતી, ત્યાં આર્થિક કારણોને લઈને વાર્તાસામયિક ‘નુપૂર’ના સાથી પ્રમોદ પટેલ છુટા થયા. હવે એકલે હાથે ‘નૂપુર’ ચલાવવાનું થયું. સાથીની ઝંખના જાગી. પ્રથમ પત્નીના અવસાન પછી લગ્ન નહીં કરવા, એવો નિર્ધાર છેવટે તૂટ્યો. વર્ષ ૧૯૬૬માં બીજા લગ્નથી ઝરીનાબાનુ સાથે જોડાયા.

પત્ની ઝરીનાબાનુ સાથે ખલીલભાઈ

(પત્ની ઝરીનાબાનુ સાથે ખલીલભાઈ)

વડોદરામાં સહજીવન શરૂ થયું. સતીશ ડણાક, દર્દ બડોદવી, અઝીઝ કાદરી સૌની સાથે ‘કવિમિલન’ નામની સંસ્થામાં જોડાયા. શાયરીમાં રંગત આવવા લાગી.

પણ વાર્તાસામયિક ‘નૂપુર’ને ચલાવવું મુશ્કેલ બનતું ગયું. ‘નુપૂર’ના ગ્રાહકો સીમિત, એટલે એની આવક સાવ આછી-પાતળી, ને બીજી તરફ પ્રિંટિંગનો ખર્ચ વધારે..છેવટે એક સમય એવો પણ આવ્યો કે પ્રેસનું ઉઘરાણીનું બિલ ચડવા લાગ્યું. પ્રેસવાળાએ લેણા માટે કડક ઉઘરાણી કરી તો પત્નીના દાગીના ગીરવે મૂકીને પ્રેસનું બિલ ચૂકતે કર્યું. ગાંઠનું ગોપીચંદન કર્યા પછી ય ‘નૂપુર’ તો છેવટે બંધ જ કરવું પડ્યું.

હવે તો જીવંત દંતકથા જ ગણાતા અમિતાભ બચ્ચનના જયાભાદુરી સાથે જ્યારે લગ્ન થયા, ત્યારે ગણીને બે જ ફિલ્મી પત્રકારો ત્યાં હાજર.એક પત્રકાર તે વિખ્યાત ફિલ્મસામયિક ‘સ્ટારડસ્ટ’ના સંપાદક દેવયાની ચૌબલ અને બીજા મહાનુભાવ તે આ ગુજરાતી ખલીલ ધનતેજવી. ફિલ્મક્ષેત્રે કોઈ જ સંબંધ નહીં, ને તોય જાતે બધું શીખવાની વૃત્તિના જોરે પત્રકાર ખલીલ સફળ થયા. ફિલ્મલાઈનમાં પત્રકાર તરીકે જે જોયું, જે શીખ્યા – એ અનુભવના બળે આગળ જતાં ‘ડૉ. રેખા’ જેવી કેટલીક સુંદર ગુજરાતી ફિલ્મો પણ બનાવી.

(‘ડૉ. રેખા’ના દિગ્દર્શનવેળા)

(‘ડૉ. રેખા’ના દિગ્દર્શનવેળા)

ગઝલકાર, પત્રકાર અને ફિલ્મના લેખક-દિગ્દર્શક બનવાનું પણ ખલીલની નિયતિમાં લખેલું જ હતું. પણ એકેય સીધો રસ્તો જાણે કે ખલીલની તકદીરમાં જ ન હતો. ‘સોગંદનામું’ વાંચતા વાંચતા આપણને એક રણકો સાફ સંભળાય કે ખલીલસાહેબે જે પણ ભૂમિકા ભજવી, એ ખરા દિલથી ભજવી.

આ ઉપરાંત હજુ અનેક અનેક ચડાવ-ઉતારવાળી ઘટનાઓ આ આત્મકથામાં છે. પણ એનું વિવરણ આ નાના લેખમાં સમાવવું અશક્ય છે. પણ ગુજરાતી ગઝલક્ષેત્રમાં આગવો અવાજ અને આગવી અદાયગી ધરાવતા ખલીલના જીવનની અનેક રસપ્રદ વિગતો આપણને આ પુસ્તક ‘સોગંદનામું’ વાંચવાથી જાણવા મળે. એકલવ્યની પેઠે એકલે હાથે જિંદગીમાં જે જે શીખવાનું મળ્યું, એ બધું ખલીલ શીખ્યા, કોઈ ફરિયાદ કે કડવાશ વગર.

સર્જક ખલીલ ધનતેજવી

‘સોગંદનામું’ ફક્ત સર્જક ખલીલ ધનતેજવીની જ વાત નથી માંડતું, પણ સાવ નાનકડા ગામડાનો સાવ મામૂલી પરંપરાગત શિક્ષણ પામેલો, પણ અંદર એક તીખારો પડ્યો હોય એવો એક મનુષ્ય પોતાની મર્યાદાઓ સભાનપણે વિસ્તારતો જાય, તો કેવા મુકામ પર પહોંચી શકે, એ મનુષ્યની અસામાન્યતાની વાત પણ આલેખે છે. એ રીતે આ પુસ્તક એક સર્જકના સતત ધરતીકંપ જેવા જીવનકંપની ધ્રૂજારીઓ અને આંચકાઓની વાત માંડતો સિસ્મોગ્રાફ પણ છે.

સમય સમય પર મમળાવવા જેવું પુસ્તક ગુજરાતી સાહિત્યક્ષેત્રમાં સર્જકના આત્મકથાનક પુસ્તકો ગણ્યાગાંઠ્યા જ પ્રકાશિત થયા છે, ત્યારે એમાં આ એક બહુમૂલ્ય ઉમેરો છે.

સલામ, ખલીલસાહેબ !⓿

એમનો આ શેર બહુ કઠોર વાસ્તવનું દર્શન કરાવે છે.

અપને ખેતોંસે બીછડને કી સઝા પાતા હું,

અબ મૈં રાશન કી કતારોમેં નઝર આતા હું.


પ્રસ્તુત આત્મકથા સોગંદનામું (ખલીલ ધનતેજવી-2016)/ માત્ર રૂ 250 ની કિંમતના આ મુલ્યવાન પુસ્તકના પ્રકાશક છે ઇમેજ પબ્લીકેશન્સ પ્રા.લિ. 1-2.અપર લેવલ .સેન્ચ્યુરી બઝાર, આંબાવાડી સર્કલ,અમદાવાદ-380 015 (ફોન-079 2656 0504 અથવા 2644 2836) અથવા 199/2,ગોપાલ ભુવન,પ્રિન્સેસ સ્ટ્રીટ,મુંબઇ-400 002

ફોન : +91 22 22002691 અને 2200 1358

ઈ-મેલ: imagepub@gmail.com અને imageabad@gmail.com

—————————————————————————————

લેખકસંપર્ક-

રજનીકુમારપંડ્યા.,

બી-૩/જીએફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રોડ,અમદાવાદ-૩૮૦૦૫૦

મો.95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન-079-25323711

ઇમેલ- rajnikumarp@gmail.com

6 comments for “લ્યો, આ ચીંધી આંગળી : શેઢો, દાતરડું અને કવિતાનો ત્રિવેણીસંગમ : ખલીલ ધનતેજવી

 1. December 10, 2018 at 8:36 am

  સરસ.
  સરયૂ પરીખ

 2. preetam lakhlani
  December 12, 2018 at 12:51 am

  સમય સમય પર મમળાવવા જેવું પુસ્તક ગુજરાતી સાહિત્યક્ષેત્રમાં સર્જકના આત્મકથાનક પુસ્તકો ગણ્યાગાંઠ્યા જ પ્રકાશિત થયા છે, ત્યારે એમાં આ એક બહુમૂલ્ય ઉમેરો છે.Rajanibhai, Excellent article, Keep up Good work…

 3. navin trivedi
  December 13, 2018 at 4:47 am

  આદરણીય શ્રી રાજનીકુમારભાઈ – અનુભવ એ શિક્ષણની સર્વોચ્ચ કક્ષા છે – તેનામાટે કોઈ સર્ટિફિકેટની આવશ્યકતા નથી હોતી – આપણા શિક્ષણ શાસ્ત્રીઓ તેમજ હાલમાં જુદા જુદા ખાતામાં અધિકારીઓ તરીકે બેઠા હોય તેવા મહાનુભાવોને આ સત્ય કેમ સમજાતું નથી – શું સરકાર આ માટે કોઈ પગલાં ના લાઈશકે અથવા આપણા સાહિત્ય મંડળો આનો નિકાલ ના લાવી શકે ? શ્રી ખલીલભાઈના લેખો વર્તમાન પાત્રોમાં વાંચવા મળે છે – સત્ય હકીકત આજે જાણી – સાચું શિક્ષણ શું છે તે સમજાયું – ઉત્તમ લેખ બાદલ હાર્દિક અભિનંદન – નવીન ત્રિવેદી – ઓકલેન્ડ ન્યૂઝીલેન્ડ

 4. Gunjan shah
  December 14, 2018 at 9:50 am

  મે કોઈ દિવસ કોઈ પણ ગુજરાતી કવિતા કે નવલકથા કે વાર્તા પર આટલો રસ નહતો ધરાવ્યો પણ તમારી કથા અને વાર્તા વાંચી ને કઈક અલગ મજા આવે છે . તમે લખતા રહો અને અમે વાંચતાં રહીએ બસ , આના થી વિશેષ સુ જોઇયે . I must say , your stories have just made me your fan

 5. Hemantkumar Jani
  December 19, 2018 at 3:18 am

  માનનીય શ્રી રજનીભાઇ
  સાચું જ લખ્યું કે સમય મળ્યે મમળાવવા જેવું પુસ્તક છે.
  મારા મોટા ભાઈએ મને લંડન મોકલ્યું અને બે દિવસમાં જ વાંચી કાઢ્યું ખુબ જ રસાળ અને સાચી અને સાદી ભાષામાં લખાયું છે.
  અભિનંદન અન્ય વાંચકોને સૂચવવા માટે.

 6. January 6, 2019 at 8:49 am

  khalil dhantejvini vaat thi samjay ke khuda ni marji hoy toj sukh bhogvi shkay

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *