





–જ્યોતીન્દ્ર દવે
આજે સ્વ. મણિકાન્ત રચિત ‘ગ઼ઝલમાં ગીતા’ વાંચી. ગીતાના ભાષાન્તરો એટએટલાં થયાં છે, કવીશ્વર ન્હાનાલાલથી માંડી સ્વ. મણિકાન્ત સુધી એટએટલા કવિઓ તેના તરફ આકર્ષાયા છે કે હવે કોઈ પણ લેખક મને કહે છે કે ‘હું હમણાં જરા એક ગ્રંથનું ભાષાન્તર કરવામાં રોકાયો છું.’ એટલે મને તરત ગભરામણ થાય છે કે એ ગીતાનું તો નહિ હોય?
સરળ, શુદ્ધ, સુંદર, ઉત્કૃષ્ટ, ઉત્તમ, બેનમૂન, શ્રેષ્ઠ, મૂળને અનુસરતું, અસલને વફાદાર, અર્થવાહી, રસવાહી, મૂળ લેખક ગુજરાતીમાં લખે તો કેવું લખે એવો આદર્શ નજર સામે રાખી લખાયેલું, મૂળ લેખક મરી ન ગયો હોત ને આ વાંચત તો શું કહેત એ પ્રશ્ન નિરંતર મન સમક્ષ રાખી રચાયેલું ઈત્યાદિ ઈત્યાદિ પ્રકારનું ભાષાન્તર કરવું હોય તેણે એટલું યાદ રાખવું જોઈએ કે–
પણ જવા દો, ‘કૌમુદી’માં ‘સફળ ભાષાન્તર’ વિશે લેખ પ્રગટ થયેલો હોય અથવા થવાનો હોય તે વાંચી લેવો. પણ ભાષાન્તરમાં ‘કૌમુદી’માં પ્રગટ થયેલા કે થવાના લેખમાં લખ્યું હોય કે ન હોય, પણ જે પ્રકારનું ભાષાન્તર હોય તે પ્રકારનું વાતાવરણ તો અવશ્ય જોઈએ જ. દાખલા તરીકે ગ઼ઝલમાં ગીતાનું ભાષાન્તર કરવું હોય તો ગ઼ઝલને અનુરૂપ એવું વાતાવરણ ભાષાન્તરમાં આવવું જોઈએ. પછી એમ કરવા માટે મૂળની કથામાં કે રચનામાં ફેરફાર કરવો પડે તો હરકત નહિ.
સ્વ. મણિકાન્તે રચેલી ‘ગ઼ઝલમાં ગીતા’માં ગ઼ઝલને યોગ્ય વાતાવરણ નથી એમ લાગવાથી, વીર કવિ નર્મદની પુણ્યપ્રતિજ્ઞાથી પ્રેરાઈને ગુર્જર ભાષાની સેવા કરવાના મદહોશથી મેં વ્રત લીધું છે, કે જ્યાં સુધી હું ગીતાનું ગ઼ઝલમાં યોગ્ય ભાષાન્તર નહિ કરું ત્યાં સુધી હું પાઘડી પહેરીશ નહિ—પહેરીશ નહિ એટલું જ નહિ પણ વસાવીશ સુદ્ધાં નહિ. ટોપીથી કે હૅટથી ચલાવી લઈશ. હજી સુધી મેં કદી પાઘડી પહેરી નથી તેમ જ લાંબા વખત સુધી પાઘડી પહેરવાનો મારો વિચાર પણ નથી. છતાં એ વસ્તુસ્થિતિથી મારી પ્રતિજ્ઞાને બાધ આવતો નથી, ઊલટું પ્રતિજ્ઞાપાલન વધારે દૃઢતાથી થાય છે.
આવી સ્તુત્ય પ્રતિજ્ઞાથી પ્રેરાઈને મેં ‘ગઝલે શ્રીકૃષ્ણ યાને ગીતાનું ગુલિસ્તાન’ એ નામથી ભગવદ્ ગીતાનું ગ઼ઝલ માં ભાષાન્તર કરી નાખ્યું છે. આપણા ગુજરાતના મહાસાક્ષરોની મહાપ્રશસ્ય પ્રણાલિકાને અનુસરી થોડા ઉતારા આપી, મારા એ અપ્રસિદ્ધ મહાપુસ્તકને પ્રસિદ્ધ થતાં પહેલાં પ્રસિદ્ધ કરું? –કરીશ.
સ્થળ: બાદશાહ દુર્યોધનના ‘મંઝિલે ભાનુમતી’ નામના મહેલનું દીવાનખાનું.
પાત્રો: અંધ ધૃતરાષ્ટ્, આંખે પાટા બાંધી અંધત્વનો દંભ કરતી ગંધારી ને એ બંનેના અંધત્વનો લાભ લઈ દિવ્યચક્ષુ બનેલો સંજય.
સમય: ભાઈ ને ભાઈના વિગ્રહને લીધે થનારા જગતના પ્રલયકાળની નજીકનો સત્યયુગ.
ધૃતરાષ્ટ્ર બોલ્યા:
મઝહબ મયદાને-કુરુક્ષેત્રે, મળ્યા પાંડવ અને કૌરવ
જમા થઈ શું કર્યું તેણે? બિરાદર બોલ તું સંજય!ઘડપણમાં પણ પ્રચંડ અવાજે ધૃતરાષ્ટ્રે લલકારેલી ગ઼ઝલ સાંભળી ગાંધારીએ વર્ષોથી આંખે બાંધેલો પાટો એકદમ છોડી નાખ્યો. ‘આ શું? એકાએક ‘એ’ ગાંડા તો નથી થઈ ગયા? ઘરડે ઘડપણ આ ઈશ્કી જુવાનની પેઠે એમને ગ઼ઝલ લલકારવાનો શોખ ક્યાંથી થઈ આવ્યો?’ પણ હજી વિચાર વાચાનું રૂપ લે તે પહેલાં તો સંજયે ધૃતરાષ્ટ્ર કરતાં પણ વધારે પ્રચંડ અવાજથી ગ઼ઝલ લલકારી ગાંધારીને આશ્ચર્યથી અવાક કરી મૂકી.
સંજય બોલ્યો:
નિહાળી ચશ્મથી લશ્કર કંઈ દુશ્મનનું દુર્યોધન
જઈ ઉસ્તાદ પાસે લફઝ કહ્યા, તે સુણ દોસ્તેમન![દૃશ્યપરિવર્તન—કુરુક્ષેત્રની રણભૂમિ. લડવાને તૈયાર થઈ ઊભેલા પાંડવ તથા કૌરવના સૈનિકો, મોખરે એક રથ. તેમાં સારથિ તરીકે બેઠેલા શ્રીકૃષ્ણ ને અંદર લડવાની આનાકાની કરતો અર્જુન.]
અર્જુન બોલ્યો:
બિરાદર, દોસ્ત ને ચાચા, ઊભા જો! જંગમાં સામા,
કરીને કત્લ હું તેની, બનું કાફિર, ન એ લાજિમ.* * *
ન ઉમ્મિદ પાદશાહતની, ન ખાહિશ છે ચમનની એ,
કરું શું પાદશાહતને, ચમનને? અય રફીકે મન!* * *
ધરી ઉમ્મિદ જે ખાતિર જિગરમાં પાદશાહતની,
ઊભા તે જંગમાં મૌજુદ ગુમાવા જાનદૌલતને.* * *
લથડતાં જો કદમ મારાં, બદન માંહી ન તાકાત છે;
ન છૂટે તીર હાથોથી, જમીં પર જો પડે ગાંડીવ!આમ ઢીલા થયેલા અર્જુનને સંબોધતા કિંચિત હાસ્ય કરતા શ્રીકૃષ્ણે કોકિલ-કોમળ કંથે ગાવા માંડ્યું.
દીવાનો તું બન્યો નાદાન, ધરે ગુમાન કાં ખોટું?
ફના જ્યાં ના કંઈ થાતું, તહીં દિલગીરી શાને આ?ચલાવી દે છૂરી કાતિલ, કરે કાં ઢીલ સનમ પેઠે?
અરે જો આ ઊભા સર્વે, ધરી ગર્દન છૂરી હેઠે.જિગરને રાખી ને મજબૂત, શરાબે જામ તું ભરની,
ચઢે તો લિજ્જતે જિન્નત, નહિ તો ગુફતગુ તો છે!અર્જુન બોલ્યો:
સુણી તુજ બંસરી ઘેલી, દીવાની નાજનીન્ રાધા;
મીઠી કવ્વાલી પર તારી, દીવાનો મર્દ હું-અર્જુન.ન કર તું ખત્મ ગાયનને, અહા બુલબુલ! તું ગાયા કર;
અરે બુલબુલ! તું ગાયા કર, અહાહાહા! તું ગાયા કર.આમ કહીને અર્જુન ત્રણ ડગલે ઘેર પહોંચી ગયો. તેણે ‘બાગે અર્જુન’માં બેઠેલી દ્રૌપદીને બોલાવી તબલાંની એક જોડી મંગાવી. તબલાંની જોડી લઈ તેમાં પોતાનું મોઢું જોવાનો નિષ્ફળ પ્રયત્ન કરતી દ્રૌપદી આવીને કિંચિત લજ્જાથી રક્ત થયા છે કપોલ જેના એવી એ મંજુલ સ્વરે બોલી: ‘હૃદયેશ’
— પણ એક કૂદકે તબલાંની જોડ ઝૂંટવી લઈ કંઈ પણ જવાબ દીધા વગર અર્જુન શ્રીકૃષ્ણ પાસે આવી પહોંચ્યો ને એણે જમીન પર બેસી જઈ તબલાં વગાડવા માંડ્યાં. શ્રીકૃષ્ણે ગ઼ઝલ ગાવા માંડી. દુર્યોધન ને યુધિષ્ઠિર એકેકના ગળામાં હાથ નાખી નાચતા નાચતા ગાવા લાગ્યા: ‘ડાલ ગલે બૈયાં મેં રોયે રોયે જાનીઆં.’
નાચતા નાચતા થાકી ગયા ત્યારે બંને બેસી ગયા.
દુર્યોધને યુધિષ્ઠિરને કહ્યું: ‘હું તો આ ગ઼ઝલ જ સાંભળીશ. મારે કંઈ રાજ્ય કરવું નથી. તું તારે રાજ્ય સમાલી લે!’
યુધિષ્ઠિરે પ્રત્યુત્તર વાળ્યો: ‘ના, ના. મારે રાજ્ય જોઈતું નથી. હું તો કૃષ્ણની ગ઼ઝલ સાંભળતો સાંભળતો મરી જવા માગું છું. રાજ તો જનાબ આપ લિજિયે.’
દુર્યોધને કહ્યું: ‘નહિ જનાબ! આપ લિજિયે.’
આમ ‘જનાબ! આપ લિજિયે’માં બંને રહી ગયા અને રાજ્યગાદી પર કોઈ ત્રીજો ચઢી બેઠો!
આ પ્રમાણે ‘ગ઼ઝલમાં ગીતા’ લખવાથી મુસલમાન ભાઈઓ પણ ગીતામાં રસ લેતા થશે ને રા. કરીમ મહમદ માસ્તર હિંદુઓને ‘ઈસ્લામની ઓળખ’ કરાવતા જશે. એટલે હિંદુ ઈસ્લામમાં રસ લેતા થશે. આમ આપણામાં ઐક્યભાવનાનો સંચાર થશે. બાકી આ ચંચળ સંસારને વિશે અચળ છે માત્ર દ્વેષ ને કલહ. વિરાટ સ્વરૂપે એણે આખું જગત ભરી દીધું છે, ને વિધવિધ પ્રકારો ધારણ કરી એણે પોતાની સત્તા જમાવી છે. પિતા પુત્રને નાસ્તિક કહી વગોવે છે. પુત્ર પિતાને ગાંડો મનાવે છે. પતિ પત્નીને મેથીપાક જમાડે છે. પત્ની પતિને ઉપવાસ કરાવે છે. રાજા પ્રજાને કચડે છે. પ્રજા રાજાનું રુધિર રેડે છે. માતા સંતાનને હણે છે. સંતાન માતાનું મૃત્યુ વાંછે છે. બહેન ભાઈનું કાસળ કાઢે છે. ભાઈ ભાઈને મારે છે—
રે! ગરમી ગરમીને મારે છે. કાંટો કાંટાને કાઢે છે. હીરો હીરાને કાપે છે! જગતમાં પ્રાણીઓએ જ દ્વેષનો ઈજારો રાખ્યો નથી. જડ વસ્તુમાં પણ પરસ્પર દ્વેષની ભાવના પ્રસરી રહી છે.
સંદેહ માત્ર એટલો જ છે કે મનુષ્ય અન્યના ધર્મમાં રસ લેશે ખરો? ધર્મની દૃષ્ટિએ હિંદુ હિંદુ નથી રહ્યો; ઈસ્લામને ન માનનાર એવા મુસલમાન પણ અવનિતલ પર વસે છે. પોતાની સ્ત્રીની દરકાર લે છે તેટલી દરકાર પણ કોઈ પોતાના ધર્મની લેતું નથી. તો પારકા ધર્મમાં તો એ રસ લે જ શાનો? આપણે નથી રહ્યા હિંદુ કે નથી બન્યા સાચા યવન. એક સંસ્કૃત કવિએ કરુણાજનક વિલાપ કરતાં લખ્યું છે:
ન સંધ્યાં સંયતે નિયમિત નિમાજં ન કુરુતે
ન વા મૌજીબંધં કલયતિ ન વા સુન્નતવિધિમન રોજાં જાનીતે વ્રતમપિ હરેનૈવ કુરુતે
ન કાશી મક્કા વા શિવ હિન્દુ ન યવન:
* * *
સૌજન્ય : mavjibhai.com
આ લેખ વેબગુર્જરી પર પ્રસ્તુત કરવા બાદલ આભાર. એક ઉલ્લેખ તે સમયે વડોદરાથી પ્રસિધ્ધ થતાં ગુજરાતી માસિક “કૌમુદી” નો છે. તેના તંત્રી પહેલાં શ્રી મૂળશંકર સોમનાથ ભટ્ટ હતા અને પછી શ્રી વિજયરાય કલ્યાણરાય વૈદ્યં. શ્રી મૂળશંકરભાઈ એ કવિ કાન્તના જમાઈ, તેઓ પુસ્તક પ્રકાશન પણ કરતા, જાહેરખબર વિનાના અને સ્વસ્થ અને સરસ બાઈડિંગ કરેલાં ગુજરાતી પુસ્તકો બહાર પાડવાની શરૂઆત તેમણે કરેલી. શ્રી બ.ક.ઠા. એ તેમને ગુજરાતી પ્રકાશન ના “મેકમિલન” કહેતા, શ્રી ર.વ.દેસાઈ એ નવલકથા “ભરેલો અગ્નિ” તેમને અર્પણ કરી છે. બ.ક.ઠા. એ પણ તેમનું એક પુસ્તક “મૂ.” ને અર્પણ કરેલું. આતો “કૌમુદી” વિષે નો ઉલ્લેખ આવ્યો એટલે યાદ આવ્યું..
ફરીથી શ્રી જ્યોતીન્દ્રભાઈ દવે ના આ બહુજ પ્રસિધ્ધ લેખ ફેરપ્રકાશિત કરવા બદલ અભિનંદન.