ફિર દેખો યારોં : વરસાદની વિદાય પછી દુષ્કાળની છડી?

– બીરેન કોઠારી

હજી ડિસેમ્બર મહિનો શરૂ થયો છે. ચોમાસું વીત્યે બે મહિના માંડ વીત્યા છે. આ વર્ષે ચોમાસામાં વરસાદ ઠીક ઠીક રહ્યો. અને હવે ગુજરાત-મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં દુષ્કાળના એંધાણ વરતાવા લાગ્યા છે.

સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છ, મહારાષ્ટ્રના મરાઠવાડા વિસ્તાર, જળગાંવ, નાશિક, અહમદનગર, શોલાપુર, અમરાવતી અને યવતમાળ જિલ્લાઓ સહિત કર્ણાટકનો ઉત્તર ભાગ અત્યારે દુષ્કાળ તળે આવવા લાગ્યો છે. બીજા તબક્કાનો વરસાદ અહીં સાવ ઓછો પડવાને કારણે પહેલા તબક્કાના વરસાદ પછીના ખરીફ પાકના વાવેતરની પાછળ રવિ પાકનું વાવેતર અસરગ્રસ્ત થઈ રહ્યું છે. મહારાષ્ટ્ર સરકારે પોતાના અડધાઅડધ તાલુકાઓ દુષ્કાળની છાયામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું છે. ગુજરાતમાં ઓછા વરસાદને કારણે પાણીની તંગી હતી જ, હવે બીજો મોટો પડકાર સામે આવ્યો છે, અને એ છે પશુઓ માટેના ઘાસચારાની તંગેનો. ગુજરાત સરકારે અગિયાર જિલ્લાઓમાંના એકાવન તાલુકાઓમાં ઘાસચારાની તીવ્ર અછત હોવાનું જાહેર કર્યું છે, જે આશરે બે કરોડ કિલોની હોવાનો અંદાજ છે. હમણાં તો સરકારે શેરડીના કચરાને અછતગ્રસ્ત વિસ્તારમાં પહોંચાડી શકાય એ માટે શેરડી ઉગાડતા ખેડૂતોનો સંપર્ક કર્યો છે. આ કચરો સામાન્ય રીતે મજૂરોને આપી દેવાતો હોય છે, જે તેઓ પશુધન ધરાવતા ખેડૂતોને વેચતા હોય છે. સરકારના જણાવ્યા મુજબ, સાત કરોડ કિલો ઘાસચારાની વ્યવસ્થા કરવાની છે, જેમાંથી પાંચ કરોડ કિલોની વ્યવસ્થા થઈ શકી છે. ઘઉંના પૂળાઓ ખરીદવાની સંભાવના ચકાસવા માટે સરકારનું એક પ્રતિનિધિમંડળ પંજાબ અને હરિયાણાની મુલાકાત લેવાનું છે. પૂરતું પાણી ધરાવતા વિસ્તારના ખેડૂતો પોતાની જમીનમાં ઘાસ ઊગાડવા તૈયાર હોય તો તેમને પ્રાથમિકતાના ધોરણે વીજજોડાણ આપવાની સરકારે ઘોષણા કરી છે. સરકારના અનુરોધને પગલે સુગર મીલના માલિકોએ શેરડીના કચરા અંગેની વિગતો પાઠવવાનો નિર્ણય કર્યો છે. અત્યારે એમ લાગે છે કે આ મુદ્દે સરકારે વેળાસર કામ કરવાનો આરંભ કરી દીધો છે. અલબત્ત, હજી સાત-આઠ મહિના કાઢવાના છે. આથી તે બાબતે કશું આયોજન છે કે આ કેવળ ટૂંકા ગાળાનું પગલું છે એ જાણવા માટે બહુ રાહ જોવી નહીં પડે.

એ હકીકત સ્વીકારવી પડે એમ છે કે જળવ્યવસ્થાપન બાબતે આપણી સરકારો સાવ દૃષ્ટિવિહીન પુરવાર થઈ છે. તેમના માટે આ મુદ્દો રાજકીય વધુ બની રહ્યો છે. નર્મદા પર બંધ બાંધ્યા પછી ગુજરાતને કદી જળસંકટનો ભોગ બનવું નહીં પડે એ દાવો સાચો હતો. પણ પૂરતા વ્યવસ્થાપનના અભાવે તેમાં પણ ગયે વરસે તળિયું આવી ગયું. હવે આ સ્થળને જાતભાતની રીતે વિકસાવવાની હોડ ચાલી છે અને એ યાદ કરાવવું પડે એવી સ્થિતિ આવી ગઈ છે કે નર્મદાનો બંધ અસલમાં તેના પાણીનો સિંચાઈ તેમ જ વીજ ઉત્પાદનમાં ઊપયોગ કરવા માટે નિર્માણ કરાવવામાં આવ્યો છે. અહીં ઊંચામાં ઊંચું પૂતળું ઊભું કરાયું, હવે રીવરફ્રન્‍ટ વિકસાવાશે, વાઘનું અભયારણ્ય બનશે, વૅલી ઑફ ફ્લાવર બનશે, લાખો પ્રવાસીઓ અહીં ધસી આવશે, કરોડોની આવક થશે, પણ આ બંધની પછવાડે સંઘરાયેલા પાણીનું વ્યવસ્થાપન કેટલું અને કેવી રીતે થશે તેની વાત કરવામાં આવતી નથી. હવે સૌથી ઊંચાં પૂતળાં બનાવીને દેશપ્રેમ અને રાષ્ટ્રગૌરવ દેખાડવાની હોડ ચાલી છે, જે ખરેખર તો પક્ષીય રાજકારણના ગતકડાથી વિશેષ કંઈ જ નથી. બી.બી.સી.ના એક અહેવાલ અનુસાર નર્મદા જિલ્લાના આશરે ૨૮ ગામોનાં લગભગ પંદર હજારથી વધુ ખેડૂતો સીંચાઈના પાણી માટે સંઘર્ષ કરી રહ્યાં છે. આ મુદ્દો અલબત્ત, જળ વ્યવસ્થાપનનો છે, પણ જ્યાં નર્મદાની નહેરોનું પાણી પહોંચી રહ્યું છે ત્યાં એ ક્યાં સુધી ચાલશે? સરોવરમાં થયેલી પાણીની આવક અને તેના ઊપયોગના આંકડા મુજબ ઊનાળો આવે ત્યાં સુધી આ વરસે પણ ડેમનું તળિયું દેખાય એવી પૂરી સંભાવના છે.

મહારાષ્ટ્રમાં તો પરિસ્થિતિ અત્યારથી વણસી રહી હોવાના અહેવાલો આવી રહ્યા છે. ઘાસચારાના અભાવે ખેડૂતોએ પોતાનાં પશુઓ સહિત સ્થળાંતર શરૂ કરી દીધું હોવાના સમાચાર છે. અલબત્ત, મહારાષ્ટ્રમાં પાણીની તંગીની સાથોસાથ પાણીના વિતરણનો મુદ્દો પણ આવી સ્થિતિ માટે નિર્ણાયક પરિબળ બની રહ્યો છે.

ખરેખરી ગંભીર સમસ્યા આ છે, જેના ઊકેલ માટેનું લાંબા ગાળાનું આયોજન આપણી પ્રાથમિકતામાં આવતું જ નથી. સમસ્યાના ઊકેલને બદલે હવે ‘દુષ્કાળપર્વ’, ‘ભૂખમરોત્સવ’, ‘અછત ગૌરવ દિન’ની ઊજવણી શરૂ કરવામાં આવે તો જરાય નવાઈ નહીં લાગે. કેમ કે, ખભા પર રહેલી બકરીને કૂતરું ઠેરવવાની કળા હવે વાર્તા પૂરતી મર્યાદિત નથી રહી. એ વાર્તા કદાચ તેના સામાજિકીકરણનું પ્રતીક હતી, તો હવે તેનું સરકારીકરણ થઈ ગયું છે.

આનો ઊપાય શો એ વિચારવા જેવું છે. એકલદોકલ કે વ્યક્તિગત ધોરણે આમાં કોઈથી ભાગ્યે જ કશું કરી શકાય. આજકાલ ગુજરાત સરકારની વીજઉત્પાદનના સ્વાવલંબન માટેની ‘સોલાર રૂફટૉપ યોજના’ નાગરિકોમાં ચલણી બની રહી છે. આ રીતે જળસંચયના ક્ષેત્રે સ્વનિર્ભરતાની યોજના આ ક્ષેત્રે કામ કરતાં સ્વૈચ્છિક સંગઠનો બનાવી શકે. યોજના અસરકારક હોય અને નાગરિકોને તે પરવડે એ રીતની હોય તો તે જરૂર ચલણી બની શકે. આ યોજના જે તે વિસ્તાર અને ત્યાંના જળસ્રોતની સ્થિતિ અનુસાર અલગ અલગ હોઈ શકે, પણ હવે નાગરિકોએ સરકાર પર આધારીત રહેવાને બદલે પોતે જ આ બાબતે પહેલ કરવા જેવી છે. ખેડૂતોને આની વધુ જરૂર છે, પણ એનો અર્થ એ નથી કે શહેરવાસીઓ માટે એ જરૂરી નથી. શહેરમાં વસતા નાગરિકો માટે પણ જળસંચય ક્ષેત્રે સ્વનિર્ભરતા જરૂરી છે. અનેક કંપનીઓ આજકાલ ‘કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્‍સીબિલીટી’ ખાતે સમાજલક્ષી કાર્યો નાણાં ફરજિયાત ફાળવી રહી છે. આવા કોઈ પ્રકલ્પ માટે આ નાણાં ખર્ચાય એ હવે અનિવાર્ય છે. નહીંતર જળસંકટ પછી હવે જળયુદ્ધના દિવસો દૂર નથી.


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૯-૧૧-૨૦૧૮ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.