





કિરણ જોશી
પ્રચલિત માન્યતા અનુસાર ધનિકો કપ મોંઢે માંડીને ચા પીવે છે;જ્યારે ગરીબી રેખાની આસપાસ જીવનારા કપમાંથી રકાબીમાં રેડીને તે પીવે છે. પણ શોલે તથા સરકાર જેવી ફિલ્મોમાં અમિતાભ બચ્ચનને રકાબીમાં ચા પીતા જોયા ત્યારથી રકાબીમાં ચા પીનારાઓની સંખ્યામાં નોંધપાત્ર તેજી આવી છે. ધનિકોએ રાતોરાત રકાબીઓ વસાવી લીધી છે.
સવાલ એ નથી કે કોણ કયા પાત્રમાં ચા પીએ છે;પ્રશ્ન એ છે કે પોતે સુસંસ્કૃત છે એવું દેખાવાની ઇચ્છા ધરાવતી વ્યક્તિએ ખરેખર શામાં ચા પીવી જોઇએ? જાણકારોના મતે કપમાં ચા પીનારા પૈકીના પોણા ભાગનાઓને કપમાંથી સીધી ચા પીતાં ફાવતું નથી;જ્યારે બાકીનાઓ શરમના માર્યા રકાબીમાં રેડીને ચા પીતાં ખચકાય છે. કપમાં ચા પીવાની ક્રિયાને સભ્યતાની અને રકાબીમાં ચા પીવાની ક્રિયાને ગામડિયાપણાની અથવા તો ‘સો મીડલ ક્લાસ’ નિશાની શા માટે ગણવામાં આવતી હશે તે સમાજશાસ્ત્રીઓ માટે અભ્યાસનો વિષય છે.
ઇડનના ઉપવનમાં સફરજન ખાવાને બદલે જો આદમે ચા પીધી હોત તો આપણે અધિકારપૂર્વક કહી શક્યા હોત કે વિશ્વના પ્રથમ નાગરિકે કપમાં ચા પીધી હતી કે રકાબીમાં! જો કે એ વખતે ઇવને કામકાજમાં મદદ કરનાર રામાઓ નહીં હોવાથી ઇવે કપ અને રકાબી બંને બગાડવાને બદલે આદમને કપમાં જ ચા આપવાનું મુનાસિબ માન્યું હોત.
આ પરથી ધનિકો આળસુ હોવાથી કપમાં ચા પીતા હોવાનું પ્રતિપાદિત થાય છે.’આળસુ’ના સિક્કાથી બચવા કાજે તેમણે કપમાં ચા પીવાની ક્રિયાને એટીકેટ સાથે જોડી દીધી હોય એ શક્ય છે. ભલે શ્રીમંત લોકો સમયના અભાવનું રડવું રડતાં હોય;વાસ્તવમાં તેઓ કપમાં ચા પીને જે કામ ચારથી પાંચ મીનીટમાં પૂરું થઇ શકે એમ છે તેની પાછળ પંદરથી સત્તર મીનીટ વેડફી મારે છે. શ્રીમંત વ્યક્તિ કપ ભરેલી સો મી.લી. ચા પીવે એટલા સમયમાં ગામડાગામના કોઇ કાકા રકાબીમાં રેડીરેડીને આખી કીટલી ભરેલી ચા પી શકે એવું અનુભવીઓ કહે છે.
રકાબીમાં ચા પીનારનું ચિત્ત પેસિફિક મહાસાગર જેવું શાંત અને ઇડરના ભમરડા જેવું સ્થિર હોય છે. અને તેથી જ ચાથી છલોછલ ભરેલી રકાબીની ટીપોયથી હોઠ સુધીની સફર દરમિયાન રકાબીધારક ચાને રકાબીની ધાર પાર કરવા દેતો નથી. વળી, કપ એક જ પ્રકારે પકડી શકાય છે,જ્યારે રકાબી પકડવાની અનેક રીતો છે. ત્રણ આંગળીઓ અને અંગૂઠાના પિલર ઊભા કરી એની પર રકાબીને ટેકવીને કે પછી માત્ર એક હાથના અંગૂઠા અને બે આંગળીઓ વડે પકડીને રકાબી વડે ચા પી શકાય છે.
માત્ર મોભા ખાતર જીંદગીભર કપ વડે ચા પીનારી વ્યક્તિ રકાબીની મજાથી વંચિત રહીને શું ગુમાવે છે તેની એને કલ્પના હોતી નથી. રકાબીમાં ચા પીતા-પીતા સાથે નાસ્તો ખાવાને બદલે આવા પૈસાદાર વંચિતોની દયા ખાવી જોઇએ એવું નથી લાગતું?
શ્રી કિરણ જોશીનો kirranjoshi@gmail.com વીજાણુ સરનામે સંપર્ક થઈ શકે છે.
લગભગ બે વર્ષના અંતરાલ પછીથી કિરણ જોશીની જીવનની રોજિંદી ઘટનાઓ પરની હળવા મિજાજના દૃષ્ટિકોણનાં સચોટ કથન આપણે ફરીથી વેબ ગુર્જરી પર માણી શકીશું.
હવે પછીથી આ લેખમાળા દર મહિને ત્રીજા બુધવારે પ્રકાશિત થતી રહેશે.
– સંપાદક મંડળ
સ્વાગત છે, આનંદદાયી લેખો પીરસતા લેખકનું. બે વરસના વિરામ પછી હવે અવિરત આવતા રહેશે એવી આશા છે.
ચા અડાળી માંથી પીવી કે કપ માંથી? દૂધ ની ઉપર ચા રેડાવી કે ચા માં દૂધ રેડવું? ચા પીતી વખતે સબડકાનો અવાજ આવે તો? ગુરુદેવ ટાગોર ચા પીવાના શોખીન હતા, ભારતીય ચા ની જાહેરખબરમાં પોતાનો ફોટો આપવામાટે પણ સંમતિ આપેલી। 1915ની સાલ માં જાપાન ગયેલા, ત્યાંના કવિઓ અને સાહિત્ય રસિકોના મેળાવડામાં ચા ટેબલ પર પિરસવામાં આવી, ગુરુદેવે ગરમ ચાને અડાળી માં કાઢી પીવા લાગ્યા। થોડીવાર પછી જોયું તો ટેબલ પાર બેઠેલા બીજા બધાજ મહેમાનો ચા રકેબી માં કાઢી પિતા હતા – માનવંતા મહેમાન ને અનુસર્યા
મઝા આવી ચા જેવી જ