લે ગઈ દિલ, સફર જાપાનકી : ૭ . ઓસાકા અને નારા: મંદિર,કેસલ અને ઉમેદા સ્કાય

Facebooktwitterredditpinterestlinkedinmail

૦૨/૦૪/૨૦૧૮

દર્શા કિકાણી

સવારનો નાસ્તો કરી અમે હિરોશીમાથી ઓસાકા જવા નીકળ્યાં. બુલેટ ટ્રેનમાં બે વાર મુસાફરી કરી ચૂક્યાં હતાં એટલે હવે કોઈ અજંપો કે ડર ન હતો, તો પણ સમયથી લગભગ પોણો કલાક વહેલાં અમે સ્ટેશન આવી ગયાં! ભારતથી આવેલ ત્રણ ગ્રુપ સ્ટેશન પર ભેગાં થઈ ગયાં. ચાઈનીસ કે જાપાનીસ ગ્રુપ તો ઘણાં હતાં.

બુલેટ ટ્રેન વિષે ઘણું સાંભળ્યું હતું. આગળ-પાછળની સીટો ૩૬૦ ડીગ્રી ફરી શકે છે એમ સાંભળ્યું હતું. સદનસીબે અમારી અને નૂતન-શરદભાઈની બેસવાની સીટો આગળ-પાછળ જ આવી હતી. નૂતન-શરદભાઈએ તેમની સીટો ૧૮૦ ડીગ્રી ફેરવી અમારી સામે લાવી દીધી. એટલો આનંદ થયો કે જરૂર ન હતી છતાં સામસામા બેસીને નાસ્તો કર્યો! ટ્રેનના કંડકટર આંટો મારવા નીકળ્યા હતા. અમારી મસ્તી જોઈ ખુશ થઈ ગયા. ભાંગી-તૂટી અંગ્રેજીમાં અમારી સાથે વાત કરી અને ઉત્સાહમાં આવી ફોટા પડાવ્યા. થોડી વારમાં ઓસાકા આવી ગયું.

સ્ટેશન પર બસ તૈયાર હતી. બસમાં બેસી અમે સીધાં નારા ગયાં. જાપાનનું પ્રાચીન રાજધાની નગર નારા સહેલાણીઓનું લોકપ્રિય નગર છે. નારા શહેરની નગરયાત્રા કરી પ્રખ્યાત તોડાયજીનું મંદિર જોવાં ગયાં. આઠમી સદીમાં બનેલું નારાનું તોડાયજીનું મંદિર સંકુલ બહુ ભવ્ય અને સરસ છે અને જે એક UNESCO world heritage site પણ છે. સંકુલમાં દાખલ થતાં જ ભગવાનનાં દેવદૂત ગણાતાં હરણાં તમને ઘેરી વળે. હરણાં હતાં તો ઘણાં પણ તેમની ચપળતા ગુમાવી બેઠાં હતાં. બકરીથી ય ઢીલાં અને ડરપોક લાગે! મંદિરના દ્વાર પાસે જ દ્વારપાળની જેમ બે મોટી મૂર્તિઓ મુકેલી હતી. થોડું ચાલીએ ત્યાં શક્તિના પ્રતીક સમું અને વિશેષ ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું મોટું મંદિર આવે. મંદિરનો હોલ અને બુદ્ધની કાંસાની ભવ્ય મૂર્તિ બંને આગવી વિશેષતા ધરાવે છે. મંદિરના ગર્ભસ્થાને આવેલ બુદ્ધ-હોલ તરીકે ઓળખાતા આશરે ૧૬૦ ફૂટ ઊંચા લાકડાના ભવ્ય હોલમાં બ્રોન્ઝની બનેલી આશરે ૫૦ ફૂટ ઉંચી વૈરોકાના બુદ્ધ તરીકે જાણીતી બુદ્ધની મહાકાય મૂર્તિ હતી. બુદ્ધની આ મૂર્તિ આજના દિવસે પણ કાંસાની બનેલી બુદ્ધની દુનિયાની મોટામાં મોટી મૂર્તિ છે. લાકડાના આ મંડપે હજી પણ પોતાની ગરિમા સાચવી રાખી છે. એક જમાનામાં આ જાપાનનો મોટામાં મોટો હોલ હતો. આજની તારીખમાં પણ જાપાનનો લાકડાનો સ્તંભ વિનાનો મોટામાં મોટો હોલ હોવાની વિશેષતા ધરાવે છે. નારા જયારે જાપાનની રાજધાનીનું શહેર હતું તે સમયે આ મંદિરની બહુ બોલબાલા હતી. રાજકીય તાકાતનું તે પ્રતીક ગણાતું હતું.

બુદ્ધ-હોલની બહાર જ આપણા સાંઈબાબા જેવા દેખાતા એક માણસની પૂરા કદની મૂર્તિ હતી. કહેવાય છે કે તમને દુખતા શરીરના ભાગ પર હાથ ઘસી મૂર્તિના એ ભાગ પર હાથ ઘસો તો દુખાવો જતો રહે છે. શ્રદ્ધાની વાત છે, પણ ત્યાં ભીડ ઘણી હતી. દરેક મંદિરમાં હોય તેમ અહીં પણ સુંદર બગીચો હતો. ચેરી-બ્લોસમના ઘણાં વૃક્ષ પણ હતાં. અષ્ટકોણીય મોટી દીવીમાં હિંદુ ધર્મની અસર અને બુદ્ધ ધર્મીઓની ધાર્મિક સહિષ્ણુતાના પ્રતીકરૂપ વાંસળી વગાડતા કૃષ્ણની એક મૂર્તિ પણ હતી.

બહુ સુંદર મંદિર જોઈ અમે નારામાં જ ‘જય નારા’ નામની રેસ્ટોરામાં જમવાનું પતાવ્યું. પછી નારાની નગરયાત્રા કરી ઓસાકા આવ્યાં. જાપાનની ઓળખ સમાન, ઓસાકામાં આવેલ ‘ઓસાકા કેસલ’ તરીકે જાણીતો રાજમહેલ જોવા અમે ગયાં. સોળમી સદીમાં જાપાનના એકીકરણમાં અગત્યનો ભાગ ભજવનાર આઠમાળના લીલારંગના અને સોનેરી ઓપવાળા આ રાજમહેલને પાણીની બે ખાઈથી સુરક્ષિત રાખવામાં આવ્યો છે. બંને ખાઈને કિનારે શાકુરાના અનેક વૃક્ષો હતાં અને ચેરી-બ્લોસમના ફૂલોથી આખું વાતાવરણ પ્રફુલ્લિત બની ગયું હતું. સફેદ અને ગુલાબી ફૂલોમાંથી જ ઊભો થતો હોય તેવો આ લીલો રાજમહેલ જાણે પરીકથાના પુસ્તકમાંથી લાવીને સીધો ગોઠવી દીધો હોય તેવો જ લાગતો હતો.

ટિકિટ લઈ અમે લિફ્ટમાં બેસી પાંચમાં માળે ગયાં. દરેક માળે જાપાનના યુદ્ધો અને રાજવીઓની ઐતિહાસિક માહિતી આપતાં પ્રદર્શન હતાં. જો કે આટલી બધી માહિતી જાણવાનો અને માણવાનો મૂડ બિલકુલ ન હતો. એક પછી એક માળ ચઢતાં ચઢતાં અને પ્રદર્શનો જોતાં જોતાં અમે છેક ઉપરના માળે પહોંચી ગયાં. ઉપરથી આમ પણ દુનિયા મોહક અને જુદી જ લાગે! ચારે બાજુ છૂટથી ફરી શકાય તેવી અટારીમાં અમે ફર્યાં અને દૂર સુધી દેખાતી ઓસાકા શહેરની સ્કાયલાઈન જોઈ. નીચે ઊતરવા માટે લિફ્ટ નહીં પણ સીડીનો જ ઉપયોગ કરવાનો હતો. દરેક માળે ડોકિયું કરતાં કરતાં અમે નીચે આવ્યાં. રાજમહેલને બદલે કોઈ પ્રદર્શન જોયું હોય તેવી લાગણી થતી હતી. ગ્રુપના બધાં સભ્યો નીચે ભેગાં થયાં એટલે મોરબીના મિત્રોએ અમને સૌને આઈસ્ક્રીમ ખવડાવ્યો. સૌરાષ્ટ્રની મહેમાનગતી ક્યાંય છાની રહે નહીં!

સૂરજદાદા ધીમે ધીમે નીચે સરકી રહ્યા હતા. અમારું આગલું પગલું ઉમેદા સ્કાય બિલ્ડીંગ અમારી રાહ જોઈ રહ્યું હતું. પ્રાચીન રાજમહેલમાંથી નીકળી અમે સીધાં પહોંચ્યાં અર્વાચીન બહુમાળી મકાનમાં. થોડી વાર લાઈનમાં ઊભા રહી કાચની લિફ્ટમાં અમે પહોંચી ગયાં ૩૯મા માળની આભ-અટારીમાં! આસપાસ પણ ઘણાં બહુમાળી મકાનો છે, પણ આ મકાન સૌથી ઊંચું છે. આ આખા વિસ્તારનું નામ ઉમેદા છે. ઓસાકા રેલવે સ્ટેશન પણ ઉમેદા સ્ટેશન તરીકે ઓળખાય છે.

અમે આભ-અટારીએ ઊભાં હતાં. દૂરથી એક મકાન જોયું જેના પાંચમા કે છટ્ઠા માળમાં થઈને સામાન્ય વાહન-વ્યવહાર વાળો એક રોડ પસાર થઈ રહ્યો હતો! અમે સૌ આશ્ચર્યથી તે મકાન અને રસ્તાને જોઈ રહ્યાં! મકાન પહેલાં બની ગયું અને રસ્તો પછી બન્યો, તો શું કરવું? સચોટ ઊપાય હાજર છે : મકાનમાંથી રસ્તો કાઢવો!

સૂર્યાસ્તનો સમય હતો, વાદળ વિનાનું આકાશ હતું, મકાનની બંને બાજુ યોડો નદીનું પાણી વહી રહ્યું હતું તો બાકીની બે બાજુ ત્રણ ચાર પુલો ઉપરથી શહેરનો વાહન-વ્યવહાર પૂરજોશમાં ચાલી રહ્યો હતો…… બહુ મનોરમ્ય દ્રશ્ય હતું. પાણીમાં આકાશના રંગોનું સુંદર પ્રતિબિંબ પડી રહ્યું હતું. આટઆટલા માણસો હતાં અગાસીમાં, પણ કોઈ દેકારો નહીં. બધાં પોતપોતાની રીતે જ્યાં ફરવું હોય ત્યાં ફર્યાં કરે. અમે ઘણાં સુંદર સૂર્યાસ્ત જોયા છે, આજની સાંજનો સૂર્યાસ્ત તે યાદીમાં ચોક્કસ આવી જાય તેટલો સુંદર હતો. બિલ્ડીંગના વ્યવસ્થાપકો જાણતા હશે કે સૂર્યાસ્ત જોયા પછી મુસાફરો તેના કેફમાં જ હોય. નીચે ઊતરવાની વ્યવસ્થા જો કંઈક હટ-કે ન હોય તો બધી મઝા મરી જાય. અમે વાતો કરતાં કરતાં ચાલતાં હતાં અને ક્યારે નીચે જવાની ટનલમાં આવી ગયાં તે ધ્યાન બહાર જ ગયું. લિફ્ટને બદલે કાચની ટનલ બનાવી હતી જેથી બહારનો માહોલ જોઈ શકાય. ટનલ બિલ્ડીંગના એક ભાગમાંથી બીજા ભાગમાં લઈ જાય અને ત્યાંથી ફરી લિફ્ટની વ્યવસ્થા. મુસાફરોને ગાઈડ કરનાર કોઈ ન હોય પણ વ્યવસ્થા જ એવી હતી કે મુસાફરો શાંતિથી નિર્ધારિત રસ્તાથી નિર્ધારિત સ્થાને પહોંચે.

એક સરસ અનુભવ બાદ અમે સૌ બસમાં બેસી ‘ચાચુ’ રેસ્ટોરામાં જમવા ગયાં. સરસ જમવાનું હતું. ભોજનનો આનંદ માણીને હોટલ પર ગયાં. દિવસ દરમ્યાન પ્રોગ્રામ એટલો સરસ ગોઠવેલો હોય છે કે થાકી જવાય છતાં કંટાળો ન આવે. રાત્રે હોટલ પર પહોંચતા સુધીમાં તો બીજો કોઈ ગ્રુપ પ્રોગ્રામ કરવાનો હોંશ હોય નહીં. આજે તો વળી નવી હોટલમાં રહેવાનું હતું. ટોકયોથી મોકલેલો અમારો સમાન પણ આવી ગયો હતો. આ હોટલ પણ અખાતને કિનારે જ હતી. ગામ પ્રમાણમાં નાનું અને હોટલ મોટી એટલે રૂમો બહુ સરસ હતાં અને વ્યવસ્થા પણ આફલાતૂન હતી. ૩૫*૧૦ ફૂટનો લાંબો રૂમ હતો. બારી પાસે નાની બેસવાની વ્યવસ્થા હતી અને બાજુમાં ડબલ-બેડ હતો. થોડી જગ્યા છોડી સરસ સોફા અને ખુરશીઓ સાથે બેઠક-ખંડ બનાવ્યો હતો. ચા-કૉફી કરી શકાય તેવી વ્યવસ્થા પણ હતી. બેઠક ખંડ પછી નહાવાની મોટી બાથરૂમ, વોશ બેઝીન, કપડાની સ્ટોરેજ કેબીનેટ અને છેલ્લે કમોડવાળો બાથરૂમ….. બધું અલગ અલગ.એટલો લાંબો રૂમ હતો કે થાકી જવાય! બાથરૂમમાં અને આસપાસ ગેજેટ્સ પણ ઘણાં હતાં અને ટોઈલેટરી પણ ભાતભાતની હતી. શાવરનું મિક્ષર એડજસ્ટ કરતાં દમ નીકળી જાય. સવારમાં તકલીફ ના પડે એટલે રાત્રે જ એક વાર શાવર લઈ લીધો!

2 comments for “લે ગઈ દિલ, સફર જાપાનકી : ૭ . ઓસાકા અને નારા: મંદિર,કેસલ અને ઉમેદા સ્કાય

 1. Purvi
  December 8, 2018 at 8:45 am

  Aapni sathe pravas karva Ni bahu Maja pase che darsha ben. Aagal shun aavshe teni intezaari che.

 2. Jinesh
  December 8, 2018 at 12:06 pm

  So simple – short and sweet – flowing so smoothly and easy to visualise
  Maja avi….
  Look forward to next episode….
  Jinesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *